માનવીય સંબંધોમાં આત્મીયતાનું સિંચન – કવિતા મોદી

[રીડગુજરાતી પર અન્ય વધુ સુવિધાઓ ઉમેરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોઈને આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.]

[ આદરણીય શ્રી સુરેશભાઈ પરીખ એટલે હરતી ફરતી મોબાઈલ લાઈબ્રેરી. તેમણે પોતાનું સમગ્ર જીવન સૌને વાંચતા કરવામાં ગાળ્યું છે. ‘વિચારવલોણું’ સામાયિકના તેઓ સ્થાપક છે. હાલની ઢળતી ઉંમરે પણ તેઓ સતત પરિભ્રમણ કરતાં રહે છે. જ્યારે તેમનાં 75 વર્ષ પૂરાં થયાં ત્યારે સૌ સ્નેહીમિત્રોએ ભેગા મળીને એક પુસ્તક બનાવ્યું ‘ધૂણી ધખાવી જેણે…’, જેમાં સૌએ સુરેશભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. આજે તેમાંથી વધુ એક લેખ અહીં સાભાર પ્રગટ કરવામાં આવે છે. – તંત્રી.]

સુરેશ નામમાં જ જોઈએ તે રીતે સૂર+ઈશ, ઈશ્વરનો સૂર પૂરાયેલો હોય તેવાં જ ગુણો સુરેશ નામની વ્યક્તિઓમાં જોવા મળ્યા છે. સુરેશ દલાલ, સુરેશ જોષી અને વાત્સલ્યના પ્રણેતા સુરેશ શાહ અને આ આપણા સૌના મોભી મુરબ્બી, વડીલ, ઘેઘૂર વડલા સમાન આદરણીય શ્રી સુરેશ પરીઘ કહો કે પરીખ. પરીઘ એટલે વર્તુળનો પરીઘ સમગ્રતાને આવરી લે અને તેના કેન્દ્રમાં સુરેશભાઈ અને સુરેશભાઈ એટલે જ માનવવિકાસ કરવા માટેનું વલોણું. એ વલોણું સુંદર મૌલિક, વાસ્તવિક વિચારોથી બનેલું જે એમની આસપાસ રહેતા માનવીઓનાં સુંદર, સાત્વિક, ઉત્કૃષ્ટ, જીવનઘડતર, વિકાસને ઉપયોગી એવા સાહિત્યને છાશ જેમ વલોવીને માખણરૂપે ચિંતનસભર પુસ્તિકાઓ માનવજીવનના વિકાસ માટે પીરસવી એ પણ એક અલભ્ય પ્રકારની સમાજસેવા જ છે, જે એમની ઉંમરે નિઃસ્વાર્થરૂપે વિચારવલોણા નામે મેગેઝીન સ્વરૂપે આપવી એ એક ભગીરથકાર્ય છે, જે સાહિત્યક્ષેત્રે યોગદાન આપવા ઈચ્છતા લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહે છે.

મારો પરિચય ભરૂચમાં ચાલતી બુકલવર્સ મીટમાં તેઓ ત્રણ-ચાર પુસ્તકોનાં રજૂઆતકર્તા તરીકે આવ્યા હતા ત્યારે થયો. ખૂબ લાંબુ લાંબુ, નિરસ બોલવાનું હંમેશા ટાળતા અને જેની પણ સાથે સંબંધ બાંધવો તે ફક્ત કહેવા પૂરતો કે ગણાવા પૂરતો ન રાખતાં. મને સીધુંસીધું કહી દીધું હતું કે પહેલાં તો એ નક્કી કર કે આ સંબંધ, કહેવા પૂરતો કે સાચા અર્થમાં એને જાળવવાનો છે. બસ આ રીતથી શરૂઆત થઈને એમણે મારામાં સાચી લાગણી, સારો ભાવ જોયો એક જોડાણ રાખવાનો. એટલે ભરૂચમાં આવે એટલે અનુકૂળ હોય તો આવે જ મને મળવા. આવવાનું વારંવાર થતાં, આત્મીયતા વધી, પરિચય થયા બાદ પહેલી બળેવ આવી અને અતિ આશ્ચર્ય અને ગદગદિત ભાવે મેં કુરિયર દ્વારા ભેટ સ્વરૂપે પુસ્તક મેળવ્યું જેના પર સ્વહસ્તે લખેલું હતું કે બળેવ નિમિત્તે બેન કવિતાને ભેટ.

મને કહેતાં અત્યંત ગૌરવ થાય છે કે ભરૂચમાં હું ઘણી વ્યક્તિઓને મળી છું પણ દરેકમાં અહમનો ભાવ ઓછેવત્તે અંશે હોય જ અથવા મળવા સમયે એક દંભ, આડંબરનું મ્હોરું જોવું પડે કે પહેરવું પડે જ્યારે સુરેશભાઈ મારા ઘરે વગર કહ્યે આવી જતા તો પણ મને ક્યારેય અકળામણ કે ભારરૂપ નથી લાગ્યા. વળી સરળ પણ એટલા જ કે મારી પાસે જે હાજર હોય તે હું કહું અને પૂછું તો તેઓ પણ જે જરૂરનું હોય તેટલું જ માગે. જે હાજર હોય તેને પ્રેમથી સ્વીકારી લે. ન જરૂર હોય, ક્યાંક નાસ્તો કર્યો હોય કે જમ્યા હોય એટલે ના પાડે. ‘જરૂર જ નથી. એક કપ ચા મૂકી દે.’ બપોરે ચાર વાગે નાસ્તો લીધો હોય એટલે કહે કે મારું સાંજનું જમવાનું પતી ગયું. ક્યારેક સૂકો નાસ્તો, નાની થેલી કે ડબ્બામાં આપું તો તરત જ પોતાની પત્ની સુશીલાને યાદ કરે ને કહે ‘એ ખુશ થશે.’ પત્ની માટે પણ ખૂબ સદભાવ. એમને સવારે મોડા ઊઠવાની આદત હશે પણ તેને તેની જરૂરિયાત સમજી પતિ તરીકે ફરજ બજાવતા કહેતા કે મારે એનાં સવારે 2 કલાક સાચવી લેવાનાં પછી એમને આખો દિવસ સાચવે. આમ બંને વચ્ચે ગજબની ઊંડી સમજણશક્તિ, ત્યાગવૃત્તિ. એમાં એકબીજાં પ્રત્યેની લાગણી છતી થતી હોય છે. સુશીલાબેન પણ એમને મૌન રહીને સાંભળે, કશું જ બોલે નહિ. ઊલ્ટાં કહે કે બંને જણા બોલ બોલ કરે તો શું થાય !

સુરેશભાઈ અમારા બુકલવર્સમાં પુસ્તકને પામવા તો ખરું જ સાથે એમના અમૂલ્ય પુસ્તકોનાં દર્શન કરાવવા પણ વિદ્યાનગરથી ખાસ ભરૂચ આવે અને એમની આવી ખંત, લગન, મહેનત આ ઉંમરે જોઈ કોઈ પણ વિસ્મય ન પામે તો જ આશ્ચર્ય ! પણ તેમનો એક જ જવાબ કામની ફેરબદલી જ આરામ આપી દે છે ! ‘Change of the work is rest.’ હું રસોડામાં હોઉં કદાચ ઘરનાં મહેમાન સાથે વ્યસ્ત હોઉં પણ એ તો જરાપણ અકળાયા વગર એક ઋષિની અદાથી આંખો બંધ કરી, બેઠા બેઠાં ઝોકાં પણ લઈ લે. વધુ આંખને ઊડે તેવી વાત તો એ કે જ્યારે પણ મળે ત્યારે પૂરા ઉમળકા અને આત્મીયતાનો આસ્વાદ માણતી. ખિસ્સામાં હંમેશા ચોકલેટ, પીપર કંઈક આપવાની ભાવના સાથે જરૂર રાખતા જ. વિદાય લેતી વેળા મને મારાં દીકરાઓને, મહેમાનનાં દીકરાઓને એમ દરેકને મોઢું મીઠું કરાવે. કેવળ અને કેવળ લાગણી, પ્રેમ, આત્મીયતાનો જ રણકાર રણઝણતો. એ બોલતા હોય ત્યારે સામા માણસે સાંભળવાનું જ, નહિ તો કહી દેશે ‘કાં તો તું બોલ, કાં તો મને સાંભળ’, બેમાંથી એક જ કરવાનું. રીક્ષાચાલકો સાથે એમનો ખાસ સદભાવ, ન ભાવ કરવાનો કે ન ભાવ પૂછવાનો. બસ બેસી જ જવાનું. જ્યાં જાય ત્યાં રીક્ષા ઊભી જ રખાવે. ‘5-10 મિનિટ મળીને હું આવું જ છું.’ જો વાર હોય તો એને બહાર નીકળીને જતા રહેવાનું કહી દેતા. કોઈ તકલીફ પડે તેવું ન કરતા. કોઈપણ કાર્યક્રમમાં જવા માટે પણ દબાણ ન કરતા. ‘અનુકૂળ હોય તો આવ, આવશે તો તને ગમશે.’ આમ સરળતા અને સાદગી, પ્રામાણિકતા, પ્રેમ એ એમના જીવનનાં મુખ્ય સુત્રો. વળી, ગાડરિયા પ્રવાહમાં ન તણાતા એમને જેમને સાંભળવા હોય, જેને મળવું હોય તેને જ સાંભળતા કે મળતા પછી ભલેને હજારોનું ટોળું ત્યાં ઉમટ્યું હોય. તેઓ ફક્ત એક જ વાક્ય બોલતા, કોઈની પણ ટીકાટિપ્પણી વગર કે : ‘મને એમાં રસ ન હતો પણ મારે એમને મળવાની કોઈ ઈચ્છા ન હતી.’

સુરેશભાઈને કદાચ હું બે વર્ષથી જાણું છું. કંઈ કેટલીયે વાર ઘરે આવી ગયા છે. ક્યારેય તેમના દ્વારા થયેલાં કાર્યો, પ્રવૃત્તિ કે સિદ્ધિ એમના મોઢે ક્યારેય કહ્યા નથી. હા, સહજપણે કોઈક આંખે ઊડે તેવી વાત કહી દેતા. કોઈ વ્યક્તિ, એમને મળવા માટે સમય ન ફાળવતી હોય તેને પોતાની વાતથી કઈક રીતે જીતી લેતા અને પછી સામેથી મળવા માટે આતુર રહેતા. દરેક ક્ષણનો સુયોજિત ઉપયોગ કરતા તે જોવા મળતું. કોઈકના ઘરે બેઠા હોય અને તે દરમ્યાન કંઈ કેટલાંને મોબાઈલથી વાત કરી મળી લેતા. આમ નીકળ્યા હોય એક રસ્તે પણ રસ્તામાં બીજાં 10 કામ કરતા જાય એવું ટાઈમ મેનેજમેન્ટ.

ટૂંકમાં કહું તો બિલકુલ વાસ્તવવાદી, કોઈ ચોક્કસ ઢાંચામાં ન દેખાતા. કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર, આમ તો અગડંબગડં સ્વભાવના લાગતા હોવા છતાં પોતાના ધ્યેય તરફ ચોક્કસ એક ગતિથી આગળ વધતાં અલગારી ફકીર જેવા. મારી સાથેની વાતચીતમાં તેઓએ એકવાર એવું પણ કહ્યું કે પુરુષાર્થ તો માણસ કરે જ પણ પ્રારબ્ધ પર પણ ઘણો આધાર રહે છે. જો ને, મારા જેવા સીધા સામાન્ય માણસને બધા કેટલો ઊંચે બેસાડે છે, આદર સન્માન આપે છે. કોઈ ચોક્કસ નીતિનિયમો કે જીવવાનાં ચોક્કસ ચોકઠામાં ફીટ થયા વગર પોતાની સ્વતંત્રતા અને મૌલિકતાથી સહજપણે જીવન જીવી રહ્યા છે. કંઈ કેટલાંયે લોકો સાથે તેઓને ઘનિષ્ઠ સંબંધ છે અને તેને તેઓ પોતાની પ્રેમસરવાણીથી સિંચતા રહે છે. મારા માટે તો એ જ બહુ મોટી વાત કે, મારા જેવી સામાન્ય વ્યક્તિને મળવા ખાસ રીક્ષા ભાડુ ખર્ચીને પોતાના ટાઈટ સિડ્યુલમાંથી સમય કાઢે છે. બસ ઈશ્વર એમને ઈર્ઘાયુ કરે. અને તેઓ આરોગ્યતા સાથે માનવવિકાસકાર્ય નિરંતર કર્યા કરે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.