પથારીત્યાગનો પૂર્વાર્ધ ! – નટવર પંડ્યા

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]

શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હોય છે. શિયાળાની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ પહોંચ્યા પછી જીવ અને શિવ એકરૂપ થઈ જાય છે. એમ શિયાળાની વહેલી સવારે મનુષ્ય અને પથારી એકરૂપ થઈ ગયાં હોય છે.

આ રીતે ચેતન અને જડ એકરૂપ થઈ જડ બની જાય છે, ત્યારે તેનું વિભાજન વિકટ બને છે. આવા પથારીસ્વરૂપ પુરુષને પથારીમાંથી છૂટો પાડવો તે પાણીમાંથી ઑક્સિજન છૂટો પાડવા જેટલું કઠિન કાર્ય છે. કારણ કે કેટલાકને ગોળીઓ લેવા છતાં ઊંઘ આવતી નથી, જ્યારે કેટલાક આવતી કાલનાં તમામ કાર્યોને ગોળીએ દઈને ઊંઘી જાય છે. શિયાળામાં તો પથારીને સાત-સાત જનમ સુધી સાથ નિભાવવાના કોલ દીધા હોય છે. અને એકથી વધારે ધાબળા, રજાઈ ઓઢીને માનવી ‘ગરમ-સમીપે’ હોય છે. પછી ‘ઊંઘ સત્ય, જગત મિથ્યા’. પછી સવારના સાત વાગ્યા સુધી જે સૂએ છે તે મનુષ્ય વર્ગમાં ગણાય છે. જ્યારે દશ વાગ્યા સુધી સૂતાં રહેનાર ‘સૂતેલા સિંહ’ના શીર્ષક હેઠળ નોંધવામાં આવે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે સિંહોને ક્યારેય જગાડી શકાતા નથી તેઓ જાતે જ જાગે છે. એટલે સાત વાગ્યા સુધીમાં જાગે તેને ‘જાગ્યો’ કહેવાય, દશ પછી ‘ઊઠ્યો’ કહેવાય.

યશોધરા અને રાહુલનો ત્યાગ કરી રાજકુમાર સિદ્ધાર્થ રાત્રે ચાલી નીકળ્યા તેમાં પણ તેમનો પથારી-ત્યાગ સૌથી મોટો છે. કારણ કે પથારી-ત્યાગ પછી જ સંસાર-ત્યાગ શક્ય બન્યો અને સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. વટ અને વચનને ખાતર કેટલાયે ગૃહત્યાગ કે પ્રાણત્યાગ કર્યા છે. પણ કોઈએ વટથી પથારીનો ત્યાગ કર્યો નથી. તેથી જ સવારે વહેલા ઊઠવા બાબતે સાંજે જે કોઈ વચનો અપાયાં હોય છે તેમાં ‘પ્રાણ જાયે અરુ….’ મુજબ વચનો જ ગયાં છે. સરવાળે એ જ સસ્તું પડે. વહેલા ઊઠવાનાં વચન નિભાવવા માટે પ્રાણ પાથરવા ન પોસાય. આપણે ત્યાં સકારણ-અકારણ ગૃહત્યાગ કરનારા ઈતિહાસના પાને અમર થઈ ગયા છે (-અને ઈતિહાસ મરી પરવાર્યો છે) પણ શિયાળાની વહેલી સવારે નિયમિત ધોરણે પથારીનો ત્યાગ કરનાર પરમવીરને હજુ ઈતિહાસના પાને સ્થાન પ્રાપ્ત થયું નથી. જેમ લેખકો કે કવિઓની તેમના ઘરમાં કોઈ ખાસ નોંધ લેતું નથી. એ જ રીતે વહેલી સવારમાં નિયત સમયે પથારીમાંથી સ્વયંભૂ પ્રગટ થનાર પતિને પત્ની પણ પ્રશંસાનાં બે પુષ્પો ચડાવતી નથી. નહિ તો શબ્દપુષ્પો તો મફત છે. અને સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી છે. આમ વહેલી સવારમાં પથારીને લાત મારે, અલબત્ત, સૂતાં સૂતાં નહિ, ઊઠીને, એ પુરુષ લાખો કરોડોની લાંચને લાત મારનાર ઈમાનદાર અધિકારી કરતાં જરાય ઊતરતો નથી.

બાકી પૂછો એ પત્નીઓને કે પ્રભાતના પહોરમાં પતિને જગાડવો એ કેટલું દુષ્કર કાર્ય છે. ઉસ્તાદ સિતારવાદક સિતાર છેડતો હોય એવી નજાકતથી પત્ની પતિના પડખામાં કોમળ ટેરવાથી ગલગલિયાં કરે, મધુર સંબોધનો કરે, છતાં પતિ જાગતો નથી. કારણ કે વહેલી સવારે જ્યાં સુધી તે પથારી પર હોય છે ત્યાં સુધી તે નિદ્રા સિવાયનાં તમામ પ્રલોભનોથી ‘પર’ હોય છે. અંતે પત્નીના મુખેથી પ્રભાતનાં પુષ્પો સરી પડે છે.

આ રીતે જ્યારે પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા જગાડી શકાતો નથી. ત્યારે ન છૂટકે પરોક્ષ પદ્ધતિનો આશરો લેવામાં આવે છે. જેમાં સવારમાં બાળકોનો બુલંદ સ્વર, પત્ની દ્વારા પછાડાતાં વાસણોનો વિધ્વંસક ધ્વનિ અને હાઈ વોલ્યુમની હદ વટાવી ચૂકેલા ટીવીનો દેકારો આવા કર્ણભેદી અવાજોનાં સંયોજનનો સવારમાં સૂતેલા પુરુષ પર બેરહમથી મારો ચલાવવામાં આવે છે. ત્યારે સમાધિવસ્થા ધારણ કરી આ બધું સાંભળતા પથારીગ્રસ્ત પુરુષને પાકી ખાતરી થઈ જાય છે કે આ લોકો હવે મારું દીર્ધશયન સાંખી નહિ લે, તેઓ જગાડીને જ જંપશે, ત્યારે પથારીમાં થોડો સળવળાટ થાય છે. જેનાથી જગાડનારને આંશિક સફળતા મળે છે. કહેવાય છે કે નાની નાની સફળતાનું મૂલ્ય બહુ મોટું હોય છે. તેથી આવી આંશિક સફળતા જગાડનારના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. પછી તો જગાડનાર ‘ઉઠાડો, જગાડો અને ઑફિસ તરફ ન ભગાડો ત્યાં સુધી મંડ્યા રહો’ના ધોરણે વણથંભ્યા પ્રયત્નો ચાલુ રાખે છે. પરિણામ સ્વરૂપે એક પથારીમુક્ત પુરુષની પ્રાપ્તિ થાય છે અને પુરુષને પથારી ફરી ગયાનો અહેસાસ થાય છે. સામાન્ય કે અસામાન્ય એમ કોઈ પણ રીતે દશ વાગ્યા પહેલાં નહિ ઊઠનાર મનુષ્યને જ્યારે તેના કુટુંબીજનો એકધારા સામૂહિક પ્રયત્નો થકી ક્યારેક આઠ વાગ્યે શયનભ્રષ્ટ કરે છે ત્યારે ઊઠતાંવેત તેના મનમાં પહેલો પ્રશ્ન થાય છે કે, ‘હું ક્યાં છું ?’ અને ‘આ બધા કોણ છે ?’ પછી રાબેતા મુજબ આંખો ચોળે છે, અડધો ડઝન બગાસાં ખાય છે, આળસ મરડે છે. પછી જ તેને ખ્યાલ આવે છે કે હું જ્યાં છું ત્યાં જ છું. અને આ બધા દરરોજ હોય છે એ જ છે. જો કે વહેલા જાગેલા માનવીને ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’નો અનુભવ થાય છે. કારણ કે દરરોજના દશ અગિયાર વાગ્યાના જગત કરતાં આઠ વાગ્યાનું જગત જટીલ હોય છે. આવી દુર્ઘટનાઓમાંથી પ્રેરણા લઈને જો ‘વીર’ પરંપરાવાળું વધુ એક ગુજરાતી રંગીન-ચિત્ર બનાવવામાં આવે તો તેમાં…..
માડી હું તો બાર બાર વાગ્યે જાગિયો,
મેં ન દીઠી ચાની કરનાર રે….
એવું કરુણ ગીત જરૂર હોઈ શકે.
જ્યારે કેટલાક વહેલા ઊઠનારા તપસ્વીઓ માટે તેમનાં ઘરનાં અને ઘરવાળી દ્વારા તેઓ મોડા ઊઠે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે તેઓ વહેલા ઊઠીને ‘મને ગરમ પાણી આપો’, ‘મારી ચા બની કે નહિ ?’, ‘માળા ક્યાં છે ?’, ‘છાપું હજુ સુધી કેમ આવ્યું નથી ?’ એવા પોકારો પાડી સવારમાં ગૃહિણીને દિશાહીન બનાવી દે છે. આમ તેના વહેલા જાગવાથી બધાં જ કાર્યોનો ક્રમ બદલાઈ જતાં પહેલી સભાના કાર્યક્રમો ખોરવાઈ જાય છે.

‘જીવો અને જીવવા દો’ની જેમ શિયાળામાં ‘સૂઓ અને સૂવા દો’ એ સોનેરી સૂત્રને અનુસરવું જોઈએ. કારણ કે સૂતેલા મનુષ્ય સંપૂર્ણપણે અહિંસક હોય છે. પણ શિયાળાની વહેલી સવારની ઊંઘના મુદ્દે લગભગ કટ્ટરવાદી કહી શકાય એવા બે પક્ષ પડી ગયા છે. તેમાં પ્રથમ પક્ષકારો ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરામાં માને છે. તેઓ કહે છે, ‘વહેલું ઊઠવું જોઈએ, પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એવું ન થઈ શકે તો કસરત કરીને ફેફસાં ફાટફાટ થાય એટલો ઓઝોન વાયુ ખેંચી લેવો જોઈએ.’ (ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું એક કારણ આ પણ છે.) વળી ભારતીય પરંપરામાં ગળાડૂબ થઈ ગયેલા સંયમીઓ ક્યારેય સૂતેલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી. સૂતેલા પર એકાદ વધારાનો ધાબળો, રજાઈ નાખી તેના અંતરના આશીર્વાદ મેળવતા નથી. હું ‘સૂતો નથી સૂવા દેતો નથી.’ એ જ એમનો મુદ્રાલેખ હોય છે. વહેલી સવારમાં તે દુઃશાસનની જેમ ગોદડાંહરણ કરવાના મૂડમાં હોય છે. આવાં ગોદડાંહરણ વખતે ગમે તેટલા પોકાર કરો તો ય ગરુડે ચડીને ગોવિંદ આવતા નથી. કારણ કે આમાં ગોવિંદને બહુ વાંધો આવતો નથી પણ ગરુડ ખલ્લાસ થઈ જાય. તેથી દ્રૌપદી પછી આ સેવા પાછી ખેંચી લેવામાં આવી છે. આવા દુઃશાસનનો સૂતેલાને શબ્દોના બાણ મારે છે, ‘આ લોકો દશ-દશ વાગ્યે ઊઠે છે તે જિંદગીમાં શું ઉકાળવાના ?’ પણ અહીં જ તેઓ ભીંત ભૂલે છે. કારણ કે જિંદગીમાં કરવા જેવું ઉત્તમ કાર્ય તો તેમણે ઓલરેડી કરી જ લીધું છે. જ્યારે બીજો પક્ષ ખોંખારીને કહે કે શિયાળાની વહેલી સવારે ઘસઘસાટ ઊંઘ માણવી જોઈએ. આવો મોકો બાર મહિનામાં ફરી ક્યારેય મળતો નથી. એટલે જ કહ્યું છે, ‘નાણું મળે પણ ટાણું ના મળે.’ આમ શિયાળાની સવારે તો ઊંઘ જ્યારે હસતા મુખે વિદાય લે ત્યાર પછી જ પથારીનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઊંઘનેય આપણે જુવાન હોઈએ ત્યાં સુધી જ આપણામાં રસ હોય છે. શિયાળામાં વહેલી સવારે જાગવું તેને માત્ર કાર્ય નહિ શ્રેય કાર્ય ગણવું જોઈએ. કારણ કે તેના પર જ અન્ય કાર્યોનું અસ્તિત્વ રહેલું છે. ઘણી વાર વહેલી સવારે પથારી-દોસ્ત માનવી જરાક જાગે છે પછી પથારી અવસ્થામાં જ દિનભરનાં કર્યોનો વિચાર કરતાં કરતાં પુનઃ નિદ્રાધીન થઈ જાય છે. આ ઘટનામાંથી એવો પણ બોધ લઈ શકાય કે ‘ઊંઘવા માટે કામના વિચાર કરવા.’

આમ શિયાળામાં વહેલી સવારે જાગવા કરતાં જગાડવાનું અઘરું છે. કારણ કે કુંભકર્ણથી માંડીને કનૈયા સુધીના મહાનુભાવોને જગાડવાની પદ્ધતિમાં ઘણું વૈવિધ્ય છે. આપણે ત્યાં જેમ બાળકને સૂવડાવવા માટે હાલરડાં અને સદગુહસ્થાને ‘સૂવડાવવા’ માટે શેરબજાર છે. એ રીતે જગાડવા માટે પ્રભાતિયાં પણ છે. કનૈયાને જગાડવા માટે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’, ‘વેણલા રે વાયા કાનુડા’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ‘જાગો મોહન પ્યારે જાગો’ એવાં ગીતો છે. પણ એક બાબત હજુ સુધી નથી સમજાતી કે જગાડવાના મુદ્દે આ બધા મોહનની પાછળ કેમ પડ્યા છે. બીજા કોઈના રજાઈ, ધાબળા કેમ નથી ખેંચતા. આપણે જો મોહનની કૃપા પામવી હોય તો તેને નિરાંતે ઊંઘવા દેવો જોઈએ.

આ રીતે જ્યારે આપણે કોઈને જગાડવાની પદ્ધતિથી અજાણ હોઈએ ત્યારે ભળતી પદ્ધતિ અજમાવી બેસીએ તો કાર્ય સિદ્ધ થતું નથી. જેમ કે કોઈને જગાડવા માટે ધાબળા, રજાઈ ખેંચવા જેવી અનાવરણ પદ્ધતિ આવશ્યક હોય ત્યાં ધ્વનિપ્રયોગ હાથ ધરવામાં આવે તો ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. અને જાતક ‘પાંચ મિનિટમાં ઊઠું છું.’, ‘હમણાં ઊઠું છું.’ એવાં વચનો આપી પુનઃ પડખું ફરી જાય છે. અથવા ચતામાંથી બઠ્ઠો થઈ જાય છે. અને જગાડનારની મહેનત પર શિયાળાની સવારનું ઠંડું પાણી ફરી જાય છે. આમ દરેક મનુષ્ય સૂતેલાને સફળતાપૂર્વક જગાડવા માટે સક્ષમ હોતો નથી. કારણ કે જગાડનારમાં કેટલાક આગવા ગુણો હોવા અનિવાર્ય છે. જેમ કે સૌ પ્રથમ તો જગાડનારમાં કોઈને ઉઠાડવાનો (બજારમાંથી નહિ, પથારીમાંથી !) અદમ્ય ઉત્સાહ હોવો જોઈએ. ઉપરાંત ધ્યેય તરફ ધીમી છતાં મક્કમ ગતિ, પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા, મજબૂત હાથ, પ્રયત્નોનું સાતત્ય, હસમુખો ચહેરો, પથારીમાંથી પ્રાપ્ત થતાં કટુ વચનોને ગુલાબજાંબુની માફક ગળે ઉતારી જવાની સોલ્લીડ સહનશક્તિ, દઢ મનોબળ, ‘હું નહિ પણ મારો પ્રભુ આને જગાડશે.’ એવી ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ઉપરાંત હાલરડું ગાઈને પણ જગાડી શકે એવી સૂરીલી સ્વરપેટી – આ બધું જેની પાસે હોય તે જ જગાડવાના જંગમાં ઝળહળતી ફતેહ મેળવી શકે છે. તેથી જ કહ્યું છે કે જાગનાર કરતાં જગાડનાર મોટો છે.

જો તમે કાવ્યાત્મક દષ્ટિ ધરાવતા હો અને જ્યાં જ્યાં નજર તમારી ઠરે ત્યાં કાવ્ય-સ્વરૂપો દેખાતાં હોય, ઉપરાંત સ્ફૂરતાં પણ હોય તો તમને શિયાળાની વહેલી સવારે સૂતેલો નિરાકાર માનવી અછાંદસ કાવ્ય જેવો લાગશે. પોતાની સૂવાની જગ્યા જ ન હોય ઉપરાંત ચાદર, રજાઈ, ધાબળા કશું જ ન હોય, છતાં બધાની વચ્ચે દૂધમાં સાકર જેમ ભળી જઈ પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લેનાર માનવી લોકગીત સમાન છે. તો ઠંડીને કારણે ટૂંટિયું વળી ગયેલા મનુષ્યમાં હાઈકુનાં દર્શન થશે. ગમે તેવા લાંબા રજાઈ, ધાબળા, પલંગ, શેટી પણ જેની સામે વામણા પુરવાર થાય એવો રેગ્યુલર સાઈઝ કરતાં પણ મોટો મનુષ્ય શયનખંડ મધ્યે ખુદ એક ખંડકાવ્ય છે. અને તેની આગળ-પાછળ સૂતેલાં બાળકો અને પત્ની મુક્તક સ્વરૂપ દીસે છે. આવા શયનસમ્રાટોને જોઈને વીરરસ કે તે અનુકૂળ રસથી છલ્લોછલ્લ ભરેલું કાવ્ય ન સ્ફુરે તો જ નવાઈ ! આવા શયનશાહો જે રીતે જાગે છે અને ઑફિસ તરફ ભાગે છે. તેને અનુરૂપ મેઘાણી સાહેબની કવિતા ‘ચારણ કન્યા’ની શૈલીમાં શયનશાહ કેવી રીતે અને ક્યારે જાગ્યો એ વિશે થોડી શયનાંજલિ…..
સૂરજની સાક્ષીએ જાગ્યો;
જોર કરી જોરાવર જાગ્યો.
મિનિટ કહી, કલ્લાકે જાગ્યો;
ચા-કૉફી પીનારો જાગ્યો.
નિરાંતે નહાનારો જાગ્યો;
બબ્બે બસ ચૂકનારો જાગ્યો.
ઑફિસે જનારો જાગ્યો;
બહાનાંનો ઘડનારો જાગ્યો.

આમ જે સૂરજની સાક્ષીએ જાગે છે તેને બહાનાં સહજ હોય છે. તેનાં બહાનાંની પત પ્રભુ રાખે છે. તેથી રોજિંદા જીવનમાં ‘જાગ્યા ત્યાંથી સવાર (-અને સૂતાં ત્યાંથી સાંજ) સમજીને બાકીના કાર્યક્રમો આગળ ધપાવવામાં કશું ખોટું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “પથારીત્યાગનો પૂર્વાર્ધ ! – નટવર પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.