- ReadGujarati.com - http://www.readgujarati.com -

હું વાર્તા લખું છું – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

ઘરકામ આટોપી હું રસોડામાંથી બહાર આવી, તો એ મોઢા પર છાપું રાખી ઘોરતા હતા. મને જરીક ચીડ ચડી. મેં છાપું ખેંચી લઈ કહ્યું, ‘અત્યારમાં શું ઘોરવા માંડ્યા ? મારે એક વાત કરવી છે.’
‘તે કર ને !’
‘છાપામાં આ ફોટો જોયો ? – કુ. શીલા શાહ એમ.બી.બી.એસ.માં પ્રથમ આવ્યાં. એ મારી બહેનપણી. ઈન્ટર સુધી અમે સાથે. અમારાં બંનેના સરખા માર્ક્સ. પછી એ ડૉક્ટરીમાં ગઈ. અને મારાં લગ્ન થઈ ગયાં એટલે હું તમારાં રોટલા ટીપતી રહી !’

‘તે હું તારું અપહરણ કરીને નથી લાવ્યો. તને પહેલી મુલાકાતમાં ગમી ગયો એટલે તેં લગ્ન કર્યાં.’
‘હા, અને પહેલી મુલાકાતમાં આપણે નક્કી કરેલું કે હું ઘરકૂકડી બનીને નહીં રહું, હું પણ કાંઈક કરીશ.’
‘તદ્દન સાચું. તે હવે તારે શું કરવું છે ?’
‘એ જ તો કહેવા આવી, ત્યાં તમે ઘોરવા માંડ્યા !’
‘પણ માવડી, હવે બોલ ને !’
‘મેં નક્કી કર્યું છે કે હું વાર્તા લખીશ.’
‘સરસ. ઘરમાં બેસીનેય ઘર બહાર નીકળી શકાય.’
‘હા, કાંઈક કરવાની ધૂનમાં હું ઘર બહાર રહેવાની નથી, તેથી તમને હાશ થઈ હશે, નહીં ? પણ તેની મને કાંઈક હથોટી છે. અમારી કૉલેજના મેગેઝીનમાં મને એક વાર્તા માટે ઈનામ મળેલું.’
‘એ તેં મને પહેલી મુલાકાતમાં કહેલું. તેં તારી વાર્તાનો પ્લોટ કાંઈ મનમાં નક્કી કર્યો છે ?’
‘તમે સૂચવો ને !’
‘આજકાલ પ્રેમકથા ઝટ છપાઈ જાય. આપણી જ પ્રેમકથા લખી નાખ ને ! શું ખોટી છે ?’
‘તમે મજાક ન કરો. મારા મનમાં કુટુંબ-નિયોજનના સંદર્ભમાં એક પ્લૉટ તૈયાર થયો છે. સાત સાત સંતાનની માતા કેવી હાલ-બેહાલ થઈ ગઈ છે અને છેવટે આત્મહત્યા કરવા પ્રયત્ન કરે છે, તેનું હૃદયદ્રાવક વર્ણન મારે લખવું છે.’
‘લે ત્યારે, લખી નાખ ને ! કુટુંબ કલ્યાણ ખાતાને તારી વાર્તા ગમી ગઈ તો તારો બેડો પાર !’
‘નહીં, એવી પ્રચારાત્મક નહીં, સાહિત્ય કૃતિ મારે લખવી છે. પૂરો અભ્યાસ કરીને લખવી છે.’

અને પછી તો મેં લાઈબ્રેરીમાં જઈને ઘણાં પુસ્તકો જોઈ નાખ્યાં. અને મેગેઝીનો ઊથલાવી નાખ્યાં. છતાં લખવા બેઠી તો હજી મનમાન્યું લખાય નહીં. એટલે થયું, અસલ સાહિત્ય તો જે લખવું હોય તેના વાતાવરણ સાથે એકરૂપ થઈને જ લખાય. એવું વાતાવરણ અનુભવવા હું શ્રમજીવીઓની ચાલીમાં ફરી, ઝૂંપડપટ્ટીઓમાં ગઈ. ત્યાં જાતજાતના અનુભવ થયા.
‘અરે, આ તે દેવનાં દીધેલ છે. તેને માટે ઈશ્વરની કૃપા જોઈએ.’
‘અમને કાંઈ આનો ભાર નથી. એય એનું નસિબ લઈને આવ્યાં છે ને !’
કોઈએ મારી દયાયે ખાધી કે, ‘બેબી પાંચ વરસની થઈ પણ ફરી સારા દિવસો ન આવ્યા !’
છેવટે મેં મારી નાયિકાને મારી કલ્પનાને રંગે જ રંગીને વાર્તા લખી નાખી. મને કાંઈક કર્યાનો અવર્ણનીય આનંદ થયો. મારી દષ્ટિએ એક હૃદયસ્પર્શી કરુણાંતિકા સરજાઈ હતી. વાર્તા એમના હાથમાં મૂકી હું એમના મોઢાના હાવભાવ વાંચતી એમની સામે બેઠી. તેઓ તદ્દન નિર્વિકાર ભાવે વાર્તા વાંચી ગયા અને બોલ્યા, ‘પહેલા પ્રયત્ન તરીકે ખરાબ ન કહેવાય.’

મારો અતિ ઉત્સાહ જરીક ટાઢો પડ્યો. પણ મેં વાર્તા એક મેગેઝીનમાં મોકલી. પંદર દિવસ સુધી કાગને ડોળે પ્રતીક્ષા કર્યા બાદ એક દિવસ પોસ્ટમેને મારા હાથમાં ફૂલેલું કવર મૂક્યું, ત્યારે મારું હૈયું બેસી ગયું, અને અંદરની ચબરખી ઉપર ‘અસ્વીકાર્ય / સાભાર પરત’ વાંચ્યું ત્યારે આંખમાંથી બે આંસુ સરી પડ્યાં. છતાં મનને મક્કમ કરી મેં જુદા જુદા મેગેઝીનને વાર્તા મોકલ્યા કરી. પણ બધેથી પરત આવી. હવે તો ફૂલેલું પરબીડિયું હાથમાં લેતાં જ મને કંપારી છૂટી જતી.

એક દિવસ એ કહે, ‘મને એક સરસ પ્લૉટ સૂઝ્યો છે, તું વાર્તા લખી નાખ !’
‘મારે તો નથી લખવી. હવે બહુ થયું.’
‘અરે, સાંભળ તો ખરી ! વાર્તા લખવાની શરૂ કરી ત્યારથી જે અવનવા અનુભવ થયા એની જ વાર્તા લખી નાખ. નામ રાખજે – હું વાર્તા લખું છું.’
અને મેં ફરી વાર્તા લખી. પણ ફરી એક ફૂલેલું પરબીડિયું મારા હાથમાં આવ્યું, ત્યારે તેને ખોલવાની જ મારી હિંમત ન ચાલી. પણ રાતે એમણે આવીને ખોલ્યું, તો એ ઊછળી જ પડ્યા : ‘જોયું ને, તારી નહીં પણ મારી વાર્તા છપાઈ ! આ જો, છપાયેલ વાર્તાની ઑફ-પ્રિન્ટો આવી છે.’

(શ્રી વૃંદા ચાપેકરની મરાઠી વાર્તાને આધારે.)