ડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ

[ ઈ.સ. 1984માં પ્રકાશિત થયેલ આ ‘સેવાધર્મ’ નામનું પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જાહેરાતની વૃત્તિ : એ આધુનિક માનવીનું લક્ષણ છે. જે જે કરે છે તે એ જણાવવા માગે છે, પ્રસિદ્ધ કરવા માગે છે. સમાચાર, અહેવાલ, જાહેરાત. એ ઉપર અખબારી દુનિયા નભે અને માનવીનો અહમ પોષાય. મારી સિદ્ધિ છે તે દુનિયાને બતાવું. મારું પરાક્રમ છે તે બધાને જાણવા દઉં. મારું કામ એમને જોવા દો. મારી સફળતા એમને જાણવા દો. મેં જે મારી મહેનતથી મેળવ્યું છે, એ બીજાઓની સામે મૂકવાનો મારો અધિકાર છે ને !

હાં. અધિકાર છે. જરૂર બતાવો. જરૂર ઢોલ વગાડો. સાચી સિદ્ધિ હોય તો બતાવી શકો. પ્રામાણિક સફળતા હોય તો જણાવી શકો, પણ ખ્યાલ રાખો કે એ જણાવતાં ને બતાવતાં કદાચ એ સિદ્ધિ પોકળ બનશે ને એ સફળતા નિંદ્ય લાગશે. સાચી સફળતાને તો નમ્રતા ને વિવેક શોભે. અને બીજી બાબતમાં તો ભલે, પણ ધર્મના ક્ષેત્રમાં પણ જો એ જાહેરાતની વૃત્તિ વચ્ચે લાવશો, જો ભક્તિ ને સાધના ને પૂજા ને યાત્રા ને દાન ને ઉપવાસ વાજતેગાજતે કરશો, લોકો જુએ એટલા માટે કરશો, બધાને પછી કહી શકો એટલા માટે કરશો – તો તો અવળું કાર્ય થશે, કારણ કે લોકોની નજરે ચડવા માટે કરેલું ધર્મકાર્ય એ ધર્મ જ મટી જાય.

ઈસુ ભગવાનની ચેતવણી છે : ‘હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતાં ધર્મકાર્યો કરશો નહિ. નહિ તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહિ મળે. એટલે, જ્યારે તું કંઈ દાનધર્મ કરે ત્યારે દાંભિકો, લોકોની વાહવાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહિ. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો છે ! પણ જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારાં દાનધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે. વળી, તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહિ, એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે રહીને પ્રાર્થના કરવી ગમે છે. કારણ, તો જ બધા તેમને જોઈ શકે ને ! હું તમને ખાતરીથી કહું છું કે, તેમને પણ તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી એકાંત ઓરડીમાં જઈને બારણાં વાસજે અને પછી તારા એકાંતવાસી પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે. વળી, તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહિ. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે, પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તેં ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે; ફક્ત તારા એકાંતવાસી પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે.’

દાન. પ્રાર્થના. ઉપવાસ.
ઉત્તમ ધર્મકાર્યો છે. આધ્યાત્મિક પ્રગતિનાં સાધનો છે.
પણ એ ખાનગીમાં થાય તો. એકાંતમાં થાય તો. જો તે જાહેરમાં થાય, ધામધૂમથી થાય તો તે ધર્મનાં કાર્યો નથી, ભક્તિનાં સાધનો નથી. લોકો જુએ એ માટે કરવામાં આવે તો લોકોએ જોયાં એમાં એનું આખું મૂલ્ય ગયું. બધાને ખબર પડે એ માટે એ આચર્યાં તો બધાને ખબર પડી એમાં એનું આખું બળ ખર્ચાયું. એ તપનું પુણ્ય ચોક સુધી પહોંચ્યું, પરલોક સુધી નહિ; પડોશીઓનું ધ્યાન ખેંચ્યું, ભગવાનનું નહિ. એનો બદલો મળી ચૂક્યો છે, જમા ખાતે કોઈ રકમ રહી નહિ. લોકોની વાહવાહ જોઈતી હતી એ મળી ચૂકી છે. અભિનંદન ને વખાણ જોઈતાં હતાં એ મળી ચૂક્યાં. છાપામાં ફોટો આવ્યો. ફાળામાં નામ જાહેર થયું. સભામાં માનપત્ર આપ્યું. જે લક્ષ લઈને એ દાન આપ્યું ને એ ઉપવાસ કર્યા ને એ પૂજા ગોઠવી એ પ્રાપ્ત થયું છે. જાહેરાત થઈ છે. પ્રશંસા મળી છે. પૂરો ન્યાય છે. ચોખ્ખો હિસાબ છે. દુઃખ તો એટલું જ કે જે કાર્યથી અનંત બદલો મળી શક્યો હોત તેનું આટલું ક્ષુદ્ર વળતર મળ્યું છે; જે મૂડી ભગવાનને ચોપડે નોંધાઈ શકી હોત તે ફક્ત લોકજીભે નોંધાઈ; જે રકમનું સોગણું વ્યાજ મળી શક્યું હોત તે વિના વ્યાજે ખર્ચાઈ.

તો એ અનંત બદલો મેળવવા માટે શું કરવું ? સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાર્થના કરો ત્યારે બારણાં વાસજો. ઉપવાસ કરો ત્યારે માથામાં તેલ નાખશો. દાન આપો ત્યારે તમારો જમણો હાથ શું કરે છે એની જાણ તમારા ડાબા હાથને થવા ન દેશો. સુંદર ઉપદેશ છે. બીજાઓને તો શું પણ તમારા ડાબા હાથને પણ ખબર પડવા ન દો. જમણા હાથમાં દાન છે. સામે એ પીડિત, નિર્ધન, નિરાધાર આદમી ઊભો છે. એની તરફ એ હાથ લંબાય છે. એમાં દાન છે. એને મદદ કરવા, એની ભીડ ભાંગવા, એનું પેટ ભરવા ને હાથ હાથને મળે. એકનું ધન બીજામાં આવે. પણ કોઈ એ ન જુએ. કોઈને ખબર ન પડે. પેલો ડાબો હાથ આમ પડ્યો હતો એને પણ ખ્યાલ ન આવે કે એનો આ સગો હાથ શું કરી રહ્યો છે. કોઈને ખબર ન પડે. એ નિર્ધન નિરાધાર આદમી પણ એટલું જ જાણે છે કે કોઈ સજ્જને મારા હાથમાં કંઈક મૂક્યું છે. એ શું છે તે એણે હજુ જોયું નથી. આપનાર કોણ છે એનો કોઈ ખ્યાલ એને નથી અને એ આભાર માને ને આશીર્વાદ ઉચ્ચારે તે પહેલાં પેલો સજ્જન તો ત્યાંથી નીકળી પડ્યો છે. કોઈને ખબર પડી નથી. પણ ભગવાનને બરાબર ખબર પડી છે. કોણે-કોને. કેટલું. તેણે એ બરાબર જોયું છે અને બીજા કોઈએ જોયું નથી, માટે ભગવાનની ફરજ છે કે હવે એ પોતે એની કદર કરે. સારું કામ હતું. કોઈએ એ જોયું નહિ. માટે કોઈ એની કદર કરવાનું નથી. માટે ભગવાન કરશે અને ભગવાન કદર કરશે તો કેવી કરશે ! એને શોભે એવી કરશે. એને ઘટે એવો બદલો આપશે. ભરચક ને સમૃદ્ધ, પૂરો ને અનંત. એનું માનપત્ર સાચું. એનો આભાર ખરો. એનાં અભિનંદન વિશિષ્ટ. ખરેખર ડાબા હાથને જાણવા ન દેવામાં કેટલું ડહાપણ હતું !

કોઈ ન જુએ એ માટે ધર્મકાર્ય કરવા જંગલમાં જવું જોઈએ એમ પણ નથી. કામ સરળતાથી થાય, શુદ્ધ હેતુથી થાય, ભગવાનની આગળ થાય. પછી કોઈ જુએ તો ભલે, ને જોઈને ધન્ય થાય તો ઉત્તમ. ઈસુએ આગળ એ પણ કહ્યું હતું કે, ‘તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારાં સારાં કૃત્યો જોઈને તમારા પરમપિતાનાં યશોગાન ગાય.’ ‘પ્રકાશ પડવા દેવો’ અને ‘લોકોની નજરે ચડવા કામ કરવું’ એ બેમાં ફેર છે. પ્રકાશ જોઈએ, ચળકાટ નહિ. નિખાલસતા જોઈએ, જાહેરાત નહિ. જાહેરાત એ ધર્મની ઊધઈ છે : તેનું સત્વ ખાય છે, તેને પોકળ ને મિથ્યા બનાવે છે. માટે ધર્મકૃત્યો ખરેખર ધર્મનાં કૃત્યો જ રહે એ માટે નમ્રતા ને વિવેક રાખીએ, એકાંતનું કામ એકાંતમાં કરીએ ને ખાનગી કામ ખાનગીમાં કરીએ અને ઉપકાર કરતી વખતે પણ જમણો હાથ શું કરી રહ્યો છે એ ડાબા હાથને પણ જાણવા ન દઈએ.

[કુલ પાન : 124. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.