સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]

સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?

માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.

આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.

લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.

આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.

વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :

ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ
વાચકોની કૃતિઓ – સંકલિત Next »   

9 પ્રતિભાવો : સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

 1. સુંદર….સાચી વાત માણસ પ્રેમ કરતાં વધુ ઝેર રાખે છે ને પછી દુઃખી થાય છે.

 2. હિરજી મહેશ્વરી,ગાંધીનગર્ says:

  બહુ જ સુંદર લેખ.જાત સાથેનો સંબંધ જ સાચો સંબંધ.એ સંબંધ જાણ્યા પછી વ્યવહારિક સંબંધો જાળવવાનું સરળ થઇ જશે.

 3. Karasan says:

  સુન્દર પ્રેરક લેખ !
  સાચી સમજ જાતને સમજવામા, તે સમજ્યા વીના બિજાને સમજવા મથતા આપણે સૌ !

 4. kkmodi says:

  ખરેખર માનસ વેર ને ભુલિ પ્રેમ ને મહત્વ આપે તો દુખિ થવાનો વારો ભાગ્યે જ આવે.

 5. kkmodi says:

  બહુ જ સુન્દર લેખ. પ્રેમ રાખો ને ઝેર ને તિલાન્જલિ આપો જિવન માથિ.

 6. kit patel says:

  પોતા નિ સથે નો સબ્મ્ધ જ પોતા નો સવજન બને .

 7. dinesh bhai bhatt. vapi says:

  બહુ જ સુન્દર લેખ છે ધન્યવાદ કોઇ કોઇ શબ્દો તો ખરેખર અદ્બભુત છે

  વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :

  ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
  આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.

  DINESH BHATT VAPI

 8. vinod says:

  ૧૦૦#સાચુ ચ્હે. ખુબ સરસ આભાર સુરેસભાઇ.

 9. Arvind Patel says:

  સંસાર એટલે શું !! હું, મને અને મારું નું માળખું એટલે સંસાર. મારી પત્ની, મારો દીકરો, મારી કંપની, મારું ઘર, વગેરે વગેરે. મને તો આ જ ગમે. મને આ ના જ ગમે. આવી બધી વાતો ના પાયા પર સંસાર રચાયો છે. તમે જો હું, મને અને મારું ની બાદબાકી કરો તો શું રહેશે !! કશું જ નહિ. આ સંસાર કે આ જગત ઈશ્વર ની માયા કે લીલા જે કહો તે છે. કશું જ ખુબ ગંભીરતા થી લેવું નહિ. આપણે આપણને સોંપાયેલ કામ ખુબ જ નિષ્ઠા થી કરવા, આનંદ માં રહેવું. બની શકે તેટલા વર્તમાન માં જીવવું. બહુ જાજી ચિંતાઓ કરવી નહિ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.