મારા વ્હાલુડા રાજાને – મેહુલ મકવાણા

[‘નિરીક્ષક’ સામાયિકમાંથી સાભાર.]

ઓ મારા વ્હાલુડા રાજા,
તારી જાહેરાત મેં વાંચી છે
ને મોટાં પાટિયાં પણ જોયાં છે
– પણ માફ કરજે મને
તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું !

અગાઉ ઘણા દી’ મેં ભૂખ્યા કાઢ્યા છે
ને જાણું છું કે એવા બીજાય ઘણા કાઢવાના છે
ને તારી સાથે ઉપવાસ એ તો પુન સાથે
ભવિષ માટે ધાન બચાવવાનો લ્હાવો પણ છે
પણ માફ કરજે વ્હાલુડા રાજા

મારી બાર કલાકની પાળી છે,
મશીન સાથે બાથા ભરવાના છે,
ખેતરાવ ચોખ્ખાં કરવાના છે,
જંગલનાં ઝાડવાં ખોતરવાનાં છે,
નવમે માળે રોડા પાથરવાના છે,
જે મલે એ ખાવું પડશે
ભૂખ્યું નઈ રેવાય ભૈશાબ !
દહાડો નઈ પડાય ભૈશાબ !

આ સદભાવ તો ઠીક મારા ભૈ,
હશે તો વર્તાશે
ને આવશે તો પરખાશે,
પણ તું ભૂખ્યો રે’વાનો છે
એમાં જે બે ચાર રોટલા બચે તે મોકલજે !
ના ના… મારે હાટું નહીં !
હું તો હજુ કડે ઘડે છું.
લાત મારીને ય લણી લઉં છું.
પણ બીજાં ઘણાંય ઘરમાં ચૂલો નથી એમને માટે !
બાજુવાળાં નાથી ડોશીથી હવે ચલાતું નથી એને માટે,
ગયા વરહે લઠ્ઠામાં જે લટકી ગયો એ ભીખલાના છોકરાવ માટે,
ડેમમાં ચણાઈ ગયી’તી એ રમલીના ગાંડા બાપા માટે,
ગામ બાર મેલાયેલા સવશી ડુંગરના કુટુંબ માટે……

ઝાઝી તકલીફ ના લેતો વ્હાલુડા રાજા,
કટકો-બટકો જે બચે એ મોકલજે,
પાકું સરનામું તો નથી કોઈનું
પણ કહટી વેઠીને શોધી લેજે જરાક…
બીજું કંઈ ખાસ નઈ આટલું જ કારણ છે
બાકી તારી જાહેરાત મેં વાંચી છે
ને મોટાં પાટિયાં પણ જોયાં છે
પણ માફ કરજે મને.
તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “મારા વ્હાલુડા રાજાને – મેહુલ મકવાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.