બહુરૂપી – મધુકાન્ત પ્રજાપતિ

[બાળવાર્તા : ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

એક હતો બહુરૂપી. તે જાતજાતના વેશ ધારણ કરી બધાંને ભુલભુલામણીમાં નાખી દેતો. તે વ્યવસાયમાં ખૂબ પારંગત હતો. ક્યારેક મદારીનો વેશ તો ક્યારેક માતાજીનો વેશ. ક્યારેક રાજાનો વેશ તો ક્યારેક ભિખારીનો વેશ. તે એટલો આબેહૂબ ભજવતો કે જોનારા દંગ રહી જતા.

બહુરૂપી ફરતો ફરતો રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રાજાને વિનંતી કરતાં બોલ્યો :
‘મહારાજ, મારી બહુરૂપીની કળા બતાવવાની મને તક આપો.’
રાજા કહે : ‘ઠીક, જંગલના રાજા સિંહનો વેશ ભજવી બતાવ.’
બે હાથ જોડી બહુરૂપી કહેવા લાગ્યો : ‘અન્નદાતા, આ વેશ બહુ ખતરનાક છે. તે વેશ જોવાનો આગ્રહ છોડી દો.’
રાજા કહે : ‘અમે તો સિંહનો વેશ જ જોવા માગીએ છીએ.’
બહુરૂપીએ કહ્યું : ‘વેશ ભજવતાં મારાથી ભૂલ થઈ જાય તો પહેલાંથી જ તમારી માફી માગી લઉં છું.’
રાજા કહે : ‘હું પહેલાંથી જ તને માફી આપી દઉં છું. જા, સિંહનો વેશ ભજવી બતાવ.’

બહુરૂપી બીજા દિવસે સિંહનું ચામડું ઓઢીને બરાબર સિંહની જેમ દરબારમાં હાજર થયો. મંત્રીઓ પણ સિંહનું રૂપ જોઈ ડરી ગયા. સિંહ જોરથી ત્રાડ પાડવા લાગ્યો. આ જોઈ બાજુમાં રમી રહેલા રાજાના કુંવરે સિંહને જોરથી લાકડી ફટકારી. સિંહ ગુસ્સાથી સમસમી ગયો. તેણે તરત જ પાછા વળી કુંવરને ગરદનમાંથી પકડ્યો. કુંવર ધમપછાડા કરવા લાગ્યો. પણ પળવારમાં તો તેના પ્રાણ ઊડી ગયા. આખી સભા સ્તબ્ધ બની ગઈ. રાજાને અફસોસ થવા લાગ્યો : ‘મને ક્યાં અવળી બુદ્ધિ સૂઝી તે મેં સિંહનો વેશ ભજવવાનું કહ્યું.’

તરત જ બહુરૂપી સિંહનો વેશ દૂર કરીને રાજા સામે હાજર થયો. રાજાને બે હાથ જોડી કહેવા લાગ્યો : ‘અન્નદાતા ! મેં તમને પહેલેથી જ કહ્યું હતું મારી પાસે આવો ખતરનાક વેશ ભજવવાનો આગ્રહ ન રાખો. જો હું મારો વેશ બરાબર ન ભજવું તો ઈષ્ટદેવી મા ભગવતી નારાજ થાય.’
રાજા કહે : ‘તારો વેશ તો ઠીક છે, પણ મારો કુંવર ગયો તેનું શું ? રાણીને હું શું જવાબ આપીશ ?’
રાજા કશું કરી શકે તેમ નહોતો. તે અગાઉથી વચને બંધાયેલો હતો. તેથી બહુરૂપીને સજા પણ કરી શકે તેમ નહોતો. ત્યાં દરબારના નાયીએ રાજાને ખાનગીમાં સલાહ આપી કે બહુરૂપીને સતી થવાનો વેશ ભજવવાનું કહેજો. સતી થવા માટે તેને સળગતી ચિતામાં બેસવું પડશે. તેનું પ્રાણપંખેરું ઊડી જશે. રાજકુમારને મારવાનો દંડ પણ મળી જશે. આપણે તેને સજા નહીં કરવી પડે. રાજાને નાયીની વાત ગમી ગઈ.

બીજા દિવસે રાજાએ બહુરૂપીને દરબારમાં બોલાવી સતીનો વેશ ભજવવાની આજ્ઞા કરી. બહુરૂપી પોતાના વ્યવસાયને વફાદાર હતો. તે રાજાને ના કહી શક્યો નહીં. સ્મશાનમાં એક અનાથ મડદું પડી રહ્યું હતું. બહુરૂપી સતીનો વેશ ધારણ કરી વાજતે ગાજતે સ્મશાન તરફ રવાના થયો. રાજાને કાને આ વાત પહોંચી એટલે તેણે મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા.
‘જુઓ, તે પેલો બહુરૂપી છે કે બીજી કોઈ સ્ત્રી. અને, જો બહુરૂપી હોય તો તેને ચિતામાં બરાબર સળગાવજો જેથી તે બચી ન જાય.’ બહુરૂપી સતી સ્મશાનઘાટ પહોંચી. ત્યાં મોટી ચિતા ખડકવામાં આવી. ચિતા પર અનાથ મડદાને ખોળામાં લઈ બહુરૂપી સતી ચિતા પર બેસી ગઈ. બહુરૂપી પોતાની ઈષ્ટદેવી ભગવતીનું સ્મરણ કરવા લાગ્યો. ડાઘુઓએ ચિતાને આગ લગાવી. આગ ધીમે ધીમે પ્રજળવા લાગી. એટલામાં ગર્જનાઓ થઈ અને વરસાદ તૂટી પડ્યો. આંધી અને વરસાદથી ડરીને બધા નગરજનો પોતપોતાને ઘરે ભાગી ગયા. વરસાદથી આગ ઓલવાઈ ગઈ. નદીમાં પૂર આવવાથી લાકડાં પ્રવાહમાં તણાવા લાગ્યાં. બહુરૂપી લાકડાં પર જ બેસી રહ્યો. તે બીજા કિનારે સહીસલામત પહોંચી ગયો. તેણે ઈષ્ટદેવી ભગવતીનો આભાર માન્યો.

થોડા દિવસો પછી બહુરૂપી રાજાના દરબારમાં હાજર થયો. રાજાને કહેવા લાગ્યો :
‘અન્નદાતા, મારું ઈનામ મને આપવામાં આવે.’ રાજા બહુરૂપીને જોઈને નવાઈ પામ્યો, તે બોલ્યો : ‘અરે તું તો સતી થઈને મરી ગયો હતો ને ?’
‘જી, મહારાજ, હું ભગવતીની કૃપાથી સ્વર્ગમાં જઈને આવ્યો છું.’ બહુરૂપીએ જવાબ આપ્યો.
રાજાએ કહ્યું : ‘શું ત્યાં તું અમારા દાદા-વડદાદાને મળ્યો હતો ? ત્યાંથી શું સમાચાર લાવ્યો છે ?’
બહુરૂપીની નજર રાજાની કાન ભંભેરણી કરનાર નાયી પર પડી. તેણે કહ્યું : ‘મહારાજ ! તમારા દાદા-વડદાદા તો ત્યાં ખૂબ મજામાં છે, પણ તેમના વાળ અને દાઢી એટલા વધી ગયાં છે કે ઓળખાતા નથી. તેમણે ઘરના નાયીને ત્યાં મોકલવાનો સંદેશો કહેવડાવ્યો છે.’
રાજા કહે : ‘પણ નાયી ત્યાં જશે કઈ રીતે ?’
બહુરૂપીએ ઠાવકાઈથી કહ્યું : ‘જેવી રીતે બાપ-દાદા ગયા તેવી રીતે તે પણ જશે. ત્યાં જવાનો રસ્તો તો એક જ છે ને ?’ નાયી થરથર ધ્રુજવા લાગ્યો. તેને પોતાની સલાહ બદલ પસ્તાવો થવા લાગ્યો. હવે જો રાજા ત્યાં જવાની આજ્ઞા આપશે તો મારું તો આવી બન્યું. નાયી જઈને બહુરૂપીના પગમાં પડ્યો :
‘ગમે તે રીતે મને બચાવી લે ! મારું ઘર બરબાદ થઈ જશે. હજુ છોકરાં નાનાં છે. ઘરમાં કમાવાવાળું કોઈ નથી.’
બહુરૂપી બોલ્યો : ‘સતીનો વેશ લઈ મને મારી નાખવા તેં જ રાજાને સલાહ આપી હતી. હવે તું પણ સ્વર્ગમાં જા.’

નાયી બહુરૂપીને ખૂબ કરગરવા લાગ્યો. તેની આંખોમાં આંસુ હતાં. બહુરૂપીને તેની દયા આવી. તેણે કહ્યું : ‘ઠીક છે, મારે તારી સાથે કોઈ વેર નથી.’ તેણે રાજાને કહ્યું : ‘મહારાજા, વાસ્તવમાં હું મર્યો નથી. જે દિવસે હું સતી થવા ચિતામાં બેઠો ત્યારે ભયંકર વાવાઝોડું અને વરસાદ આવવાથી મા ભગવતીએ મને ઊગારી લીધો. હું સતીનો વેશ ભજવતાં ડર્યો નહોતો. જુદા જુદા વેશ ભજવવા એ તો મારો ધર્મ છે. તમે કહેશો તે વેશ ભજવીશ. ઈનામ તમારે જે આપવું હોય તે આપજો.’ રાજાને બહુરૂપીની વાત સાંભળી પ્રસન્નતા થઈ. તેની કળા અને વ્યવસાય પ્રત્યેની નિષ્ઠાની કદર કરીને રાજ્યમાં આશ્રય આપી તેને પોતાનો મંત્રી બનાવી દીધો.

Leave a Reply to mahendrabhai and neelabeben Dubai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “બહુરૂપી – મધુકાન્ત પ્રજાપતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.