એક ડગલું બસ થાય….! – મૃગેશ શાહ

આ જગતમાં બહુ ઓછા લોકો છે જે જીવનને સાચા અર્થમાં માણી શકે છે. જીવનભરની અનેક નાની-મોટી સમસ્યાઓ અને તકલીફોમાંથી નિજાનંદ શોધી લેવો એ કંઈ સામાન્ય બાબત નથી. ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કપરું કાર્ય છે. દુનિયામાં મોટા પાયે પરિવર્તન એવા લોકો જ લાવી શકે છે જેણે પોતાનો આનંદ ખોળી કાઢ્યો હોય છે. એ આનંદ પછી ભલે ને સંગીત, સાહિત્ય, અભ્યાસ કે કોઈ પણ કલા દ્વારા વ્યક્ત થતો હોય ! આનંદ ન આવે તો કોઈ પણ કામ બોજ બની જાય. સંન્યાસીથી લઈને વિજ્ઞાની સુધી સૌને તેની જરૂર રહે છે.

દુર્ભાગ્યે દુનિયાને આ આનંદ તત્વની જાણ બહુ મોડેથી થતી હોય છે. બાળકને નવું જાણવા-શીખવાનો અપાર આનંદ આવે છે. રોજ એને એકનું એક ભણવાનું પસંદ નથી પડતું. એને બધુ જુદી જુદી રીતે કરવા જોઈએ છે. કહેવાતો સભ્ય સમાજ એને ‘ધમાલ’નું નામ આપે છે અને અગાઉથી નક્કી કરાયેલા એક ઢાંચામાં બાળકને બરાબર ફીટ ન કરી દે ત્યાં સુધી દુનિયાને ચેન પડતું નથી. બાળકને દાદરના પગથિયા ગણતાં-ગણતાં એકથી દસ યાદ કરવા હોય છે પરંતુ એના આ ભાવને સમજવા જેટલી સમજ વડીલોમાં હોય તો તો જોઈતું’તું શું ? એની સામે ફરજિયાત ઘડિયાની ચોપડીઓ ધરી દેવામાં આવે છે. યુવાન વયે કંઈક અલગ કરવાની સ્વતંત્રતા મળે છે ખરી પરંતુ એ પારવગરની જવાબદારીઓના બોજ તળે દબાઈ જાય છે. ભવિષ્યના આયોજનોમાં વર્તમાન મૂઠ્ઠીમાંથી નીકળી જાય છે. ‘કવિતાઓ લખીશું તો ખાઈશું શું ?’, ‘આ રાગડા તાણવાથી કંઈ પેટ નહીં ભરાય….’, ‘પહેલા બે પૈસા ભેગા કરો પછી બધા શોખ કરો….’ – આમ કહીને આ જગત એને એના નિજાનંદથી માઈલો દૂર મૂકી આવે છે.

આવક-જાવકના બે છેડા ભેગા કરવામાં જિંદગી ખર્ચી નાખતો આ માણસ વૃદ્ધાવસ્થામાં તમને મંદિરોના ઓટલે જોવા ન મળે તો ક્યાં જોવા મળે ? થાકેલો, હારેલો, નિરાશ થયેલો, કુટુંબ માટે જીવન ખર્ચી નાખનારો અને એ જ કુટુંબથી પીડિત થતો માણસ આખરે ક્યાં જાય ? સંગીત, સાહિત્ય, કલા સહિત જીવનને પ્રફુલ્લિત કરનારા બીજા અનેક માધ્યમોનું ગળું દબાવીને જેણે આજીવન મજૂરી કરી હોય, તે હવે વૃદ્ધાવસ્થામાં સાવ ઢીલો-પોચો, કંગાળ અને દીન ન બની જાય તો જ નવાઈ ! ટ્રેનની રાહ જોઈને પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરોની જેમ તે કાળની રાહ જોઈને બેઠો છે કારણ કે તેણે પેલી આનંદની સોય ખોઈ નાખી છે. અહીં કેટલાય પ્રકારના રંગોથી જીવન ભરેલું છે એવું તેમને કંઈ ખબર જ નથી. નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા અને સંતાનોના ઘરે સંતાનો મોટાં થઈ ગયાં – હવે જીવીને શું કરવાનું ? આ રીતે, હંમેશા ફરજ નિભાવવામાંથી બહાર ન આવનારા લોકો પોતાના જાત પ્રત્યેની ફરજ કેટલી આસાનીથી ચૂકી જાય છે ! એ બસ, સમય પસાર કરવા માટે જીવે છે, પોતાના ‘હોવાપણા’ના આનંદથી નિજાનંદ તરફ ગતિ કરવા માટે નહીં. આનંદની કૂંચી સૌને હાથ નથી લાગતી.

આ દોડધામ ભરી જિંદગીમાં, પોતાની આંતરિક પ્રસન્નતાને ખોયા વગર જીવનને ખરા અર્થમાં માણનાર કોઈક મળી આવે તો તેની ખરેખર વંદના થવી જોઈએ. આપણે એમને પોંખવા જોઈએ. સદભાગ્યે ખુલ્લી આંખે શોધવાથી હજુ એવી વ્યક્તિઓ ક્યાંક-ક્યાંક મળી આવે છે. એમના જીવનને નજીકથી જોતાં એમાં ખળખળ વહેતી આનંદની સરવાણી જોઈ શકાય છે. તેમનું જીવન તો ઉલ્લાસથી ભરેલું હોય છે જ પરંતુ તેમની પાસે રહેનારા લોકોને પણ તેઓ સ્ફૂર્તિનું દાન કરતા રહે છે. જગતમાં આ પ્રમાણે જીવનારા લોકોની યાદી નાની હશે કે મોટી, એ તો ખ્યાલ નથી પરંતુ તેમાં એક નિશ્ચિત સ્થાન વડોદરાના રહેવાસી શ્રી જનકભાઈ પરીખનું હશે એટલું તો ચોક્કસ કહી શકાય. આજે થોડીક એમના વિશે વાત કરીને આ આનંદની અંતર્યાત્રા તરફ એક ડગલું વધારે ભરવું છે.

અભ્યાસે ‘સ્ક્ટ્રક્ચરલ એન્જિનિયર’ અને વ્યવસાયે કૉલેજના પ્રોફેસર તરીકે રહીને નિવૃત્ત થયેલા જનકભાઈનો સ્થૂળ પરિચય આપવો આમ તો બહુ સરળ છે પરંતુ તેમની પ્રવૃત્તિઓનો પરિચય એટલી સરળતાથી આપી શકાય એમ નથી. ખૂબ અભ્યાસપૂર્વક તમે તેમની પ્રવૃત્તિઓને બારીકાઈથી નિહાળો તો ખ્યાલ આવે કે રસની ખોજ કરનાર મધમાખીની જેમ તેઓ પોતાનો આનંદ દરેક પ્રવૃત્તિમાંથી કેવી રીતે શોધી કાઢે છે ! વ્યક્તિગત આનંદથી લઈને સમષ્ટિની સુવ્યવસ્થા માટે, એમનું કાર્યક્ષેત્ર નિરંતર વિકસતું રહે છે. આ માટે એમણે કેટલાક વર્ષોનું અમેરિકાનું સ્થાયી જીવન છોડીને ભારત તરફ પ્રયાણ કર્યું. માત્ર એટલું જ નહીં, બિબાંઢાળ જીવનશૈલીમાં ક્યાંક બંધાઈ ન જવાય એ માટે પ્રૉફેસર પદેથી થોડી વહેલી નિવૃત્તિ જાહેર કરી દીધી. ‘કશુંક નવું કરવું જોઈએ…. અથવા જો એનું એ કરવાનું થાય તો એને નવી રીતે કરવું જોઈએ….’ એ એમનો જાણે જીવનમંત્ર બની ગયો છે. સામાન્યતઃ લોકોને એક જ ઘરેડનું કામ ગમતું હોય છે પરંતુ તેઓ કહે છે, ‘પ્રૉફેસર તરીકે ભણાવતો ત્યારે પણ હું એક જ પ્રકરણના બે વર્ગ ક્યારેય લઈ શકતો નહીં. ફરીથી એનું એ જ બોલવાનું ? અરે, એમ તે કંઈ હોય ! સંજોગોવશાત એમ કરવાનું થાય તો હું મારી ભણાવવાની પદ્ધતિમાં મને આનંદ આવે એ રીતે ફેરફાર કરી નાખતો…’

વ્યક્તિગત આનંદની સાધનામાં તેમના જીવનનું એક મહત્વનું અંગ છે ‘શાસ્ત્રીય સંગીત’. નિવૃત્તિમાં સમય પસાર કરવા માટે શોખની પ્રવૃત્તિ તરીકે નહીં, પરંતુ એક ભારતીય સર્વોત્તમ કલાને આત્મસાત કરવાના ભરપૂર પ્રયત્ન તરીકે એમણે સંગીતને જીવનમાં સ્થાન આપ્યું છે. અનેક ફિલ્મી ગીતો, ભજન, પદ, ગઝલ આખેઆખાં તેમની જીભના ટેરવે રમતાં હોય છે. બાગેશ્રી, જોગ, ભૈરવી, દરબારી, હંસધ્વનિ, યમન, માલકૌંસ જેવા અનેક રાગો પરની તેમની પ્રસ્તુતિ સાંભળનારને કંઈક જુદી અનુભૂતિ કરાવે છે. તેમનો અવાજ અંતરથી ઘૂંટાઈને આવે છે અને સામેની વ્યક્તિના મન પર એક વિશિષ્ટ છાપ છોડી જાય છે. એ લય પછી સાંભળનારના મનમાં ગૂંજ્યા જ કરે છે. પોતાની આ કલાને નિત્યનૂતન રાખવા માટે તેઓ સંગીતના મર્મજ્ઞો પાસે સતત કંઈક સાંભળતા અને શીખતા રહે છે. જે કંઈ નવું મળે તેને ગુણગ્રાહી વ્યક્તિની જેમ પોતાનામાં ઉતારવાનો અને ઉમેરવાનો પ્રયાસ કરે છે. કોઈપણ કામ અધૂરું ન હોવું જોઈએ, એ ન્યાયે પોતાને ગાવાના ગીતો કે પદોની વ્યવસ્થિત નોટ્સ બનાવે છે અને તેમાં પણ જે તે રાગ કે સૂર માટે હાર્મોનિયમ પરની સફેદ-1, કાળી-1 ચાંપની નાનામાં નાની વિગત નોંધવાનું ચૂકતાં નથી. ગાતાં-ગાતાં ક્યારેક કોઈ પંક્તિ ભુલાઈ જાય તો પોતાની મસ્તીમાં એકાદ પંક્તિ જાતે બનાવીને એ રીતે જોડી દે છે કે સાંભળનાર બે ઘડી વિચારમાં પડી જાય કે આ પદમાં આવી પણ કોઈ પંક્તિ હતી ખરી ?!! કોઈ કાવ્ય ગમી જાય તો તેને પોતાની રીતે સ્વરબદ્ધ કરે છે. ‘Hobby’ તરીકે નહીં, એક ‘Passion’ તરીકે કોઈ કામ થાય તો જ તેમાં આટલું ચૈતન્ય વિસ્તરી શકે. જનકભાઈની બાબતમાં આ ઉક્તિ યથાર્થ ઠરે છે. તેઓ દ્રઢપણે માને છે કે, ‘બીજું બધું કામ તો આજે થાય કે કાલેય થાય ! અને, કામ તો વળી આવે ને જાય… પણ કરવા જેવું તો મુખ્ય આ સંગીત છે…. ગાવું-વગાડવું ને આનંદમાં રહેવું એ વધારે અગત્યનું છે….’

માત્ર સંગીત જ નહીં, વ્યક્તિગત આનંદની સાધનામાં હજુ એમના જીવનના બીજા ઘણાં પાસાંઓ છે, જે અન્ય લોકોના જીવન માટે પ્રેરણાદાયી થઈ શકે તેમ છે. તન-મનને પ્રસન્ન રાખવા માટે જાણે તેમણે કોઈ નિશ્ચિત કાર્યક્રમ ઘડી કાઢ્યો છે ! આજે જ્યારે રમતગમત ક્ષેત્રે 60 વર્ષની ઉંમર પછી સક્રિય હોય એવા ખૂબ જૂજ લોકો જોવા મળે છે ત્યારે તેમણે ‘ટેનિસ’ સાથે મૈત્રી કરીને જુદો જ માર્ગ અપનાવ્યો છે. નિયમિત કલબમાં જઈને ‘ટેનિસ’ રમવાનો વિચાર આંતરિક રીતે જીવનથી થાકી કે હારી ગયેલા માણસો કરી જ ન શકે. અઠવાડિયામાં અમુક દિવસો નિશ્ચિત કરીને ચેસ અને બ્રિજ રમવા માટે પણ અમુક અભ્યાસ તો જોઈએ જ ને ? માત્ર એટલું નહિ, અનેક લોકો આ રમત સરળતાથી શીખી શકે એ માટે પોતાની રીતે તેની નોંધ બનાવી, પેમ્ફલેટ્સ તૈયાર કરીને સૌના સમૂહમાં કલાસ લેવા એ કંઈ સહેલું કામ નથી. વિશ્વના ઈતિહાસનું વાંચન અને એમાંય ખાસ કરીને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વખતની ઘટનાઓ – એ એમનો મનગમતો વિષય. અંગ્રેજી-ગુજરાતી ભાષાના સેંકડો પુસ્તકોનું વાંચન કરીને એમણે સમયનો સદુપયોગ કરવામાં એક ક્ષણ પણ બાકી રાખી નથી. એ ઉપરાંત યોગ, સ્વીમિંગ જેવી બીજી અનેક કલાઓને જીવનમાં સ્થાન આપવા માટે પણ દ્રઢ ઈચ્છાશક્તિની આવશ્યકતા રહેતી હોય છે. જનકભાઈ માટે આ બધું જ જીવનનો એક હિસ્સો બની ગયું છે. તેઓ અત્યંત સહજતાથી કહી દે છે : ‘આ જ તો કરવા જેવું છે….! બીજું શું કરવા જેવું છે ?….. આ ન કરીએ તો બીજું કરીએ પણ શું….?’

સામાજિક પ્રવૃત્તિઓમાં જનકભાઈની એક વિશિષ્ટ ઓળખ છે : ‘નાગરિક ફોરમ’. તેના તેઓ ખરા અર્થમાં ‘જનક’ છે. તેઓ માને છે કે ‘સમાજ પ્રત્યે આપણું વિશિષ્ટ કર્તવ્ય છે અને આપણે જો ભણેલા-ગણેલા અને આર્થિક રીતે સ્થિર થયેલા વ્યક્તિઓ પણ એ કર્તવ્ય બરાબર નહીં નિભાવીએ તો પછી એ કોણ નિભાવશે ?’ આ વિચારને મૂર્તિમંત કરવા માટે કેટલાક મિત્રો સાથે મળીને તેમણે ઈ.સ. 1991માં ‘નાગરિક ફોરમ’ નામના એક ગ્રુપની રચના કરી. તેમાં સંયોજક તરીકે રહીને અત્યાર સુધીમાં નાના-મોટાં અનેક કાર્યો જનકભાઈએ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. મહિનામાં સૌ ભેગાં મળીને જે તે સ્થાનિક પ્રશ્નો વિશે ચર્ચા કરે છે. તેના શું ઉકેલ મેળવી શકાય તે અંગે વિકલ્પો વિચારે છે. આ માટે કોને મળવું અને કઈ રીતે રજૂઆત કરવી તેની એક રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. આ રૂપરેખા પ્રમાણે કાર્યપદ્ધતિ નક્કી થાય છે અને જરૂર પડે તે પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે, નવરાત્રિના ગરબા મોડી રાત સુધી ન થાય એ માટે આ ફોરમે સતત છ વર્ષ અવિરત પ્રયાસ કરીને સફળતા મેળવી છે. જનકભાઈ સહિત તમામ કાર્યકર્તાઓએ આ માટે પોલીસ-ગરબા આયોજકો સાથે બેઠક કરી, બેનર-પ્રદર્શન-પત્રિકા વિતરણ સહિત અનેક રીતે કાર્ય કરીને આ વાત લોકો સમક્ષ મૂકી છે. શહેરના બગીચાઓમાં લોકો ગમે ત્યાં કચરો ન નાંખે એ માટે કચરાપેટી આપીને આ ફોરમ પોતાની ફરજ પૂરી થયાનું સ્વીકારી લેતું નથી. તેઓ સૌ મહિનાના અમુક રવિવારે નક્કી કરીને ત્યાં ભેગા મળે છે અને સૌને કચરો કચરાપેટીમાં નાખવા વિનંતી કરે છે. જો કોઈ એમ કરતાં ફરજ ચૂકે તો પોતે સફાઈ અભિયાન હાથ ધરે છે. આમ કરતાં, તેમની આ પ્રવૃત્તિને અનેક લોકોનો સહકાર સાંપડ્યો છે. રસ્તાની વચ્ચે આવેલા મંદિર ખસેડવાથી લઈને ટ્રાફિક કે ભ્રષ્ટાચાર સુધીની અનેક સમસ્યાઓ માટે એક સંનિષ્ઠ કાર્યકર્તાની જેમ જનકભાઈ સતત ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરતાં રહે છે. તેઓ કહે છે કે : ‘કંઈક ખોટું થતું જુઓ તો ચૂપ ન રહો, પ્રેમથી વાત કરો….’ તેમનું માનવું છે કે : ‘દેશને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવવો હોય તો સ્વચ્છતા, વ્યવસ્થા અને શિસ્તના મૂલ્યોનું સિંચન અનિવાર્ય છે. નિયમનો ભંગ કરનાર સામે દંડ અનિવાર્ય છે અને આ દંડ એટલે શિક્ષા – જે એક પ્રકારનું શિક્ષણ જ છે.’ રસ્તા પર બેનર લઈને ઊભા રહેવું, શાળાનાં આચાર્યોને મળવું, કલેકટર-મેયર જેવા અધિકારીઓ પાસે પ્રશ્નોની રજૂઆત કરવી – આ બધા કંઈ ખાવાના ખેલ નથી ! જાગૃત નિષ્ઠા અને પોતાના કાર્ય પરત્વેની પ્રતિબદ્ધતા વગર આ પ્રકારની પ્રવૃત્તિઓ આટલા લાંબા સમય સુધી ચાલી શકતી નથી. જનકભાઈની મજબૂત કાર્યનિષ્ઠા ‘નાગરિક ફોરમ’ના મૂળિયાનું સતત સિંચન કરતી રહી છે.

વ્યક્તિ ધારે તો શું ન કરી શકે તેનું તેઓ પ્રત્યક્ષ પ્રમાણ છે. આપણે ભલે વિશ્વના કોઈ મહાન માનવી ન બની શકીએ પરંતુ આપણી આસપાસ રહેલા વિવિધ કાર્યક્ષેત્રોમાં આપણું સક્રિય યોગદાન તો આપી જ શકીએ છીએ – એમ જનકભાઈના જીવન પરથી ફલિત થાય છે. આપણા કવિ શ્રી નરસિંહરાવ દિવેટીયા તો કહે જ છે ને કે :
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ, થાય,
મારે એક ડગલું બસ, થાય…

આજે જ્યારે આપણે ઘરના ઓટલે, મંદિરના બાંકડે અને રસ્તા પર અનેક વડીલ-વૃદ્ધોને થાકેલા, હારેલા અને સમય પસાર કરતાં જોઈએ છીએ ત્યારે એમ કહેવાનું મન થાય છે કે માણસે આનંદ ખોઈ દીધો એ તો સમજ્યા, પરંતુ તેને ખોવાયેલા આનંદની ખોજ કરતાં પણ ન આવડ્યું ? એકવીસમી સદીને તેજસ્વી યુવાનીની જેટલી જરૂર છે, એટલી જ સ્ફૂર્તિવાન વડીલોની પણ જરૂર છે. જનકભાઈની જેમ સંગીત, સાહિત્ય જેવી વિવિધ કલાઓને આત્મસાત કરનાર વ્યક્તિ કદી ઘરડાં થતાં નથી. તેઓ વૃદ્ધ થાય છે – એટલે કે નિત્ય વૃદ્ધિને પામે છે. તેઓ ગાશે, રમશે, ફેસબુક ચેટ પણ કરશે અને જીવનની દરેક પળોને આનંદથી ભરી દેશે. એથી ફરી કહેવાનું મન થાય છે કે, બહુ જ ઓછા લોકો જનકભાઈની જેમ જીવનને સાચા અર્થમાં માણતાં હોય છે. આવો, આપણે તેમની આ પ્રવૃત્તિઓને આનંદપૂર્વક બિરદાવીએ અને તેમના જીવનમાંથી કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીએ.

[ આપ ‘નાગરિક ફોરમ’ની પ્રવૃત્તિઓ વિશે, આ સરનામે www.nagrikforum.com માહિતી મેળવી શકો છો અને શ્રી જનકભાઈ પરીખનો આ નંબર પર +91 7874057614 સંપર્ક કરી શકો છો.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

34 thoughts on “એક ડગલું બસ થાય….! – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.