કડવી દવા – ગિરીશ ગણાત્રા

દિલ્હી રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલી ગાડીની ચકાસણી કરી મનીષ મહેતા જ્યારે પોતાની બેગ લઈ ફર્સ્ટકલાસના કમ્પાર્ટમેન્ટમાં પોતાની બર્થ પર આવ્યા ત્યારે કમ્પાર્ટમેન્ટની સામેની બર્થ પર બિછાનું પાથરી બેઠેલા એક પાંસઠેક વર્ષના બુઝર્ગે એની સામે એવી રીતે જોયું કે જાણે એની માલિકીના આ કમ્પાર્ટમેન્ટમાં કોઈ હક્ક કરીને ઘૂસી આવ્યું ન હોય ? પણ એમાં મનીષ મહેતાનો કોઈ વાંક નહોતો. કમ્પાર્ટમેન્ટની બહાર ચિપકાવેલા ચાર્ટ મુજબની જ એની બર્થ હતી. ચાર બર્થના આ કમ્પાર્ટમેન્ટમાં માત્ર બે જ પ્રવાસીઓ હતા. એક પોતે અને બીજા આ પી. વ્હોરા. ચાર્ટમાં એનું નામ આ પ્રમાણે ટાઈપ થયેલું હતું. પછી એ મી.પી. વ્હોરા પંજાબી હોઈ શકે કે રાજસ્થાની પણ હોઈ શકે. બીજી બે બર્થની સામે કોઈ નામ છપાયેલાં ન હતાં. વચ્ચેના સ્ટેશને આ બર્થ બીજા કોઈને પણ ફાળવી શકાય.

મનીષ મહેતાએ વિવેક ખાતર ‘ગુડ-મોર્નિંગ’ કહ્યું. પણ પેલા મી. પી. વ્હોરાએ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. કદાચ એ એનાથી અડધા ઉંમરના હોઈ એ બુઝર્ગના માનના અધિકારી નહોતા. પણ ઉંમરનો તફાવત બાદ કરીએ તો મનીષ મહેતા કોઈ નાખી દેવા જેવી વ્યક્તિ તો નહોતી જ. એ મી.પી. વ્હોરા કદાચ કોઈ રાજકીય પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ હોઈ શકે કે બિઝનેસ ટાયકૂન પણ હોય યા કોઈ કંપનીમાં ખૂબ જ ઊંચો હોદ્દો ધરાવતા એક્ઝિક્યુટિવ હોય, પણ એમ જોઈએ તો મનીષ મહેતા પણ કોઈ નાનીસૂની હસ્તી તો નહોતી જ. પંદર-પંદર નેશનલ કલાયન્ટ ધરાવતી વાર્ષિક સાત-આઠ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી એક એડવર્ટાઈઝિંગ કંપનીના માલિકનો પુત્ર અને પોતાની કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવતો બિઝનેસ-પાર્ટનર હતો. દિલ્હીમાં ભરાયેલી બિઝનેસ કોમ્યુનિકેશન્સના વાર્ષિક સંમેલનમાં ભાગ લઈ એ પાછો મુંબઈ જઈ રહ્યો હતો.

ટ્રેન શરૂ થઈ ત્યાં સુધી મી. વ્હોરા અકડુ થઈને બેઠા રહ્યા. મનીષ મહેતાએ ચા મગાવી ત્યારે એણે મી. વ્હોરાને ઓફર કરી, પણ એણે ખરાબ રીતે નકારી કાઢી. હવે મનીષ મહેતાએ વર્તમાનપત્રો-મેગેઝિનો કાઢી વાંચવાનું શરૂ કર્યું. મી. વ્હોરા નહોતા કંઈ વાંચતા કે નહોતા કંઈ બોલતા. એ બારી બહાર, તેમ જ કમ્પાર્ટમેન્ટની અંદર જોતા રહ્યા, એના મોં પરથી લાગતું હતું કે એને મનીષ મહેતાની કંપની ગમી નહોતી. કદાચ, એના જેવા સમવયસ્કની એ રાહ જોઈને બેઠા હતા.

એવા એક સમવયસ્ક વચ્ચેના સ્ટેશનેથી આવ્યા પણ ખરા. બંને વચ્ચે થોડી ઔપચારિકતાયે થઈ અને બંનેની વાતચીતમાંથી મનીષ મહેતાને જાણવા મળ્યું કે શ્રી પી. વ્હોરા મહાશય એક નાણાકીય સંસ્થાના રિટાયર્ડ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. એમણે પેલા બુઝર્ગને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને જ્યારે એ બુઝર્ગનો પરિચય માગ્યો ત્યારે એણે રેલવેના બુકિંગ ઓફિસર તરીકેનો પરિચય આપ્યો. જેવા આ નવા આગંતુક બુઝર્ગે પોતાના હોદ્દાની માહિતી આપી કે વ્હોરા મહાશયે વાતચીત કાપી નાખી. મનીષ મહેતા સમજી ગયા કે આ વ્હોરા મહાશય સમવયસ્ક સાથે નહીં, સમ-પ્રતિષ્ઠિત સાથે જ વાત કરવા માગે છે. કોઈ ઈન્સ્ટિટ્યૂશનના આટલા ઉચ્ચ સ્થાને રહી ચૂકેલા આ સદગૃહસ્થનો વીતેલા સમયમાં ભોગવેલી સત્તાના કેફનો નશો હજુયે ઓસર્યો નથી.

પેલા બુકિંગ ઓફિસર તો પછીના કોઈ સ્ટેશને ઊતરી પણ ગયા, જ્યારે બંને એકલા પડ્યા ત્યારે મનીષ મહેતાએ હળવેથી અંગ્રેજીમાં પૂછ્યું :
‘વ્હોરા સાહેબ, આપ ક્યા રાજ્યના ?’
‘કેમ ?’
‘એટલા માટે જાણવું છે કે તમારી, આ અટક આપણા વિશાળ દેશમાં કઈ કઈ કોમને લાગુ પડે છે. દા.ત. મારી અટક ‘મહેતા’ છે, પણ પંજાબીમાંય ‘મહેતા’ અટક હોય છે.’
‘હું ગુજરાતી છું.’
‘વાહ સરસ’ મનીષ મહેતાએ હવે ગુજરાતીમાં કહ્યું, ‘હું પણ ગુજરાતી જ છું અને આપણા ગુજરાતીઓની પ્રથા પ્રમાણે તમે મારા વડીલ કહેવાઓ એટલે પુત્રભાવે તમારી પાસેથી ઘણું ઘણું શીખવા મળશે….. બાય ધ વે, આ મારું વિઝિટિંગ કાર્ડ.’ કહી એમણે પોતાનું કાર્ડ વ્હોરા સાહેબ સામે ધર્યું. વ્હોરા સાહેબે કાર્ડ જોયું. મનીષ મહેતાનું નામ અને હોદ્દો જોઈ બોલ્યા :
‘બહુ નાની વયમાં એડ. એજન્સીના વાઈસ પ્રેસિડન્ટ બની ગયા છો ને શું ?’
‘એ તો સર, મારા ફાધરે પ્રોમોટ કરેલી એજન્સી છે એટલે હું વાઈસ પ્રેસિડન્ટ છું, બાકી મારે હજુ ઘણું ઘણું શીખવાનું છે.’
‘ધેટ્સ બેટર. તમે આટલું સમજી શક્યા છો એ ઘણું છે. બાકી હું મારી સંસ્થામાં છેક નીચલી પાયરીમાંથી ઉચ્ચ સ્થાને પહોંચ્યો હતો એટલે એ માટે કેટલી મહેનત અને હરીફાઈઓનો સામનો કરવો પડે છે એની મને ખબર છે. મહેનત વિના સત્તા પ્રાપ્ત નથી થતી.’

‘સત્તા’ શબ્દ સાંભળી મનીષ મહેતા હસ્યા અને બોલ્યા :
‘સર, મેં જોયું છે કે તમે જે નાણાકીય સંસ્થામાં હતા એવી નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ પાવર ગેમમાં એવા અટવાઈ જાય છે કે એમની પાસે જિંદગીને સમજવા માટેનો કોઈ સમય રહેતો નથી.’
‘એટલે ? તમે શું કહેવા માગો છો ?’ મી. વ્હોરાએ કડક સ્વરમાં કહ્યું.
‘ખોટું ન લગાડશો. હું જરા નાના મોંએ વાત કરવા લાગી ગયો. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ઈફ યોર ફિલિંગ્સ આર હર્ટ….. વ્હોરા સાહેબ, મુંબઈની લાંબી સફર છે. મેલ કે સુપરફાસ્ટ ટ્રેન મળવાને બદલે આ એક્સપ્રેસમાં આપણને રિઝર્વેશન મળ્યું. હવે સમય પસાર કરવા…. સાહેબ, તમને શેનો શોખ છે ?’
‘એટલે ?’
‘એટલે કે કોઈ હોબી ?’
‘ના.’
‘સાહિત્યમાં કંઈ વાંચ્યું હશે ને ! આપણે એવા કોઈ સાહિત્ય વિશે વાતો કરી સમય પસાર કરીએ.’
‘ના, નોકરીમાં એવું વાંચવાનો સમય મળ્યો નથી.’
મનીષ મહેતા થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા : ‘લતા મંગેશકરનું કયું ગીત તમને વધારે ગમે છે ?’
‘ખાસ કોઈ નહીં. જોકે સંગીત સાંભળવા માટેનો સમય જ મને મળ્યો નથી.’
‘હાઉ એબાઉટ ક્રિકેટ ? ઈન્ડિયા ફાસ્ટ-બોલર પ્રોડ્યુસ કરી શકે ખરું ?’
‘આઈ એમ સોરી. મને એના વિશે કશી ગતાગમ નથી. ઈન્ડિયન ઈકોનોમિક્સ વિશે કહી શકું.’
‘એમ તો હું વિજ્ઞાપનની દુનિયા વિશે ઘણું ઘણું કહી શકું. આપણા પ્રોફેશન સિવાય અન્ય વિશે આપણે કેટલું કહી શકીએ એ આપણો દષ્ટિકોણ દર્શાવે.’
‘તમે વિજ્ઞાપન સિવાય બીજું શું શું જાણો છો ?’ હવે મી. વ્હોરાએ સામો પ્રશ્ન પૂછ્યો.
‘લગભગ બધા વિષયોમાં થોડું થોડું. થિયેટર હોય, ફોટોગ્રાફી હોય, નૃત્ય હોય કે સાહિત્ય હોય. એ બધા વિશે જો ચર્ચા થતી હોય તો સહેલાઈથી એમાં ઝંપલાવી શકું. પણ મારો ખાસ શોખનો વિષય છે ખગોળશાસ્ત્ર. જેટલી સહેલાઈથી હું માણસોને ઓળખું છું એટલી સહેલાઈથી હું તારા, વિશ્વ, સૂર્યો અને અવકાશી પદાર્થોને ઓળખું છું.’ મી. વ્હોરાએ માત્ર ‘હં’ કહીને જ વાત કાપી નાખી.

મનીષ મહેતાએ હવે પત્તાં કાઢ્યાં. પણ બેચાર બાજી રમ્યા પછી જાણી ગયા કે મી. વ્હોરાને પત્તાંની રમતની કોઈ ખાસ જાણકારી નથી. છવ્વીસ કલાકની લાંબી મુસાફરી દરમિયાન મનીષ મહેતા ખૂબ વાચાળ અને મળતાવડા રહ્યા એ મી. વ્હોરાએ નોંધ્યું. વચ્ચે કમ્પાર્ટમેન્ટમાં આવતા ટૂંકી મંઝિલના મુસાફરો જોડે એમના પ્રદેશ, ભાષા, રહેણીકરણી, રિવાજો, રૂઢિઓ વિશે જે ચર્ચા કરતા રહ્યા એના પરથી મી. વ્હોરાએ એટલું તારવ્યું કે આ વિષયોમાં એની ચાંચ ડૂબી શકે એમ નથી. રાત્રે સૂતી વખતે મનીષ મહેતાએ એક પૂછપરછ કરી લીધી.
‘અત્યારે શું કરો છો, સર ?’
‘કશું નહીં.’
‘રિટાયર્ડ થયા પછીની પ્રવૃત્તિઓ કઈ કઈ ?’
‘કશી જ નહીં.’
‘કોઈ કલબના મેમ્બર તો હશો ને ?’
‘નો. આઈ ડોન્ટ ફીલ લાઈક મિટિંગ ધ પીપલ….’
‘અરે ! વેરી સરપ્રાઈઝીંગ ! કલબમાં ઘણાં ઘણાં મેમ્બરો આવે. એમની સાથે હળવા-મળવાથી….’
‘એ બધા ચીપ-ટોક્સ કરતા હોય છે. આઈ ડોન્ટ લાઈક ચીપ-ટોક્સ.’
‘તો કેવી રીતે સમય પસાર કરો છો ?’
‘બસ, પસાર થઈ જાય છે – જેમ તેમ કરીને.’
‘તમે વાતવાતમાં કહ્યું કે મુંબઈ તમારા પુત્રને મળવા જાઓ છો. મને લાગે છે કે એમના નાનકડાં સંતાનો જોડે સારો સમય પસાર થઈ જશે.’
‘જોઈએ હવે. આઈ કાન્ટ સસ્ટેઈન ધ નોઈસ ઓફ ચિલ્ડ્રન.’

રાત્રે મનીષ મહેતા તો ઘસઘસાટ ઊંઘી ગયા પણ સવારે એ જાગ્યા ત્યારે મી. વ્હોરા પાસેથી જાણ્યું કે એમને ટ્રેનની સફરમાં બરાબર ઊંઘ નથી આવતી. દાદર પસાર થયું ત્યારે મનીષ મહેતાએ છેવટે જે કહેવાનું હતું તે કહી જ દીધું : ‘થેંક્યુ સર, થોડીઘણી કંપની આપવા બદલ. પણ મને કહેવા દો કે મેં આજ સુધી જે લાંબી ટૂંકી મુસાફરી કરી છે એમાં સૌથી બોરિંગ મુસાફરી આજે થઈ છે. દિલ્હી છોડતી વખતે મેં વાતવાતમાં કહ્યું હતું કે તમે તમારી નોકરીના સમય દરમિયાન સત્તા મેળવવા જે પાવર ગેમ ખેલતા આવો છો એમાં જિંદગીનો ખરો મકસદ ભુલાવી દો છો. પરિણામ એ આવે છે કે તમારી વૃદ્ધાવસ્થામાં તમારું જીવન તમને જ બોજારૂપ બની જાય છે. ઉચ્ચ સત્તા પર વિરાજ્યા હોવાથી નાના માણસો જોડે વાત કરવામાં તમને નાનમ લાગે છે. તોર અને તુમાખીથી તમે એમને જુવો છો. સોરી સાહેબ, મારા કહેવાનો ઊંધો અર્થ ન લેતા. મારી ઓફિસમાં મારા હાથ નીચેના માણસો જો મારાથી સતત ડરતા રહેતા હોય તો એમની નોકરીનો એકએક કલાક એમને બોજારૂપ બની જાય. પણ મારી વર્તણૂક સલૂકાઈભરી હોય તો એમને નોકરીએ આવવાનો આનંદ મળે અને એનો આઉટપુટ વધી જાય. મને લાગે છે સાહેબ, જિંદગીનો જે શેષ સમય તમારી પાસે રહ્યો છે એને હવે આનંદથી ભોગવવા તમારું દષ્ટિબિંદુ બદલાવવું પડશે. ઓકે. સર, સ્ટેશન આવી ગયું છે. મને પુત્ર લેખી મારી વાત પર વિચાર કરજો…’ મનીષ મહેતા પોતાની બેગ લઈ કમ્પાર્ટમેન્ટ છોડી ગયા અને પેસેન્જરોની વચ્ચે ખોવાઈ ગયા.

અઠવાડિયા પછી જ્યારે એની ઓફિસમાં મી. પી. વ્હોરા એને મળવા આવ્યા ત્યારે એ નવાઈ પામી બોલી ઊઠ્યા :
‘આવો, આવો વ્હોરા સાહેબ, તમે અહીં ?’
‘હા. આજ સુધી તમારી વાત પર વિચારતો રહ્યો હતો. આટલાં વર્ષોમાં ક્યારેય, કોઈએ મને કડવી દવા પીવરાવી નહોતી તે તમે આપણી કલાકોની મુસાફરીમાં છેલ્લી પંદર મિનિટમાં પીવરાવી દીધી….’
‘સોરી સર, તમને દુઃખ લાગ્યું હોય તો !’
‘નોટ ધ લિસ્ટ !’ વ્હોરા સાહેબે સસ્મિત વદને કહ્યું, ‘હું તો તમારો આભાર માનવા અને ગુરુપદે સ્થાપવા આવ્યો છું…. બાય ધ વે, મારે હવે એક હોબી કેળવવી છે. મને લાગે છે કે સંગીતનો શોખ મારી પ્રકૃતિને અનુકૂળ રહેશે. તમે મને લતા મંગેશકરના સંગીતની વાત કહી હતી તો……’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “કડવી દવા – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.