‘જયા, તું ક્યારેય નહીં સુધરે !’ – જયા જોશી

[ પોતાના પ્રિય શિક્ષક પ્રતિ વિદ્યાર્થીઓને આજીવન કેટલો આદર રહેતો હોય છે અને એ આદર કેવી રીતે વ્યક્ત કરી શકાય, તેનું પ્રમાણ છે ‘અમારા બોરીસાગરસાહેબ’ નામનું આ પુસ્તક. આપણા લોકપ્રિય હાસ્યલેખક શ્રી રતિલાલભાઈ બોરીસાગરના સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને તેમની સાથેના પોતાના સંસ્મરણો લખીને તેને આ પુસ્તકદેહ આપ્યો છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં લખનારા કોઈ જ લેખક નથી. કોઈ જ નામ પરિચિત નથી. તે છતાં તમામ લેખો રસસભર બન્યાં છે. શબ્દે શબ્દમાં વિદ્યાર્થીઓનો બોરીસાગરસાહેબ પ્રતિ પ્રેમાદર વ્યક્ત થાય છે. એવો જ એક લેખ આજે તેમનાં વિદ્યાર્થીની જયાબેનની કલમે માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી રતિલાલભાઈ બોરીસાગરનો આ નંબર પર સંપર્ક +91 9925111301 કરી શકો છો.– તંત્રી.]

ચોમાસું બરાબર જામ્યું હતું. રાત આખી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. સવારે સૌરાષ્ટ્ર સમાચાર છાપું ખોલીને જોયું તો પહેલા જ પાને ધસમસતા પાણીનો મોટો ફોટો હતો અને નીચે લખ્યું હતું – ‘સાવરકુંડલાની નાવલી નદીમાં આવેલું ઘોડાપૂર.’ ટીવી શરૂ કરીને જોયું, તો તેમાં પણ નાવલી નદી બંને કાંઠે ધસમસતા પ્રવાહે વહી રહી હતી. વહેતી નાવલી નદીનાં પાણી નિહાળ્યાં. થોડાક ત્યાંથી આવી આંખેથી આંસુ થઈ વહી રહ્યાં. નદીનાં વહેતાં પાણી જોઈને હું પણ આજથી ચુમ્માલીસ-પિસ્તાલીસ વર્ષ પહેલાંના અતીતમાં વહી ગઈ.

હા, પિસ્તાલીસ વર્ષ પહેલાંનો એ હાઈસ્કૂલના શિક્ષણનો સુવર્ણકાળ, કિશોરાવસ્થાનો એ થનગનાટ, એ સમય મારા વિચારોમાં એક ફિલ્મની જેમ આંખ સામે તાદશ્ય થઈ રહ્યો હતો. સાવરકુંડલાની શામળદાસ વીરચંદ દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં 1966 થી 1970 સુધીનો ધોરણ 8 થી 11 – ચાર વર્ષનો મારો અભ્યાસકાળ રહ્યો. ઘણા શિક્ષકો હતા, પરંતુ મારા સૌથી પ્રિય શિક્ષક હતા – શ્રી બોરીસાગરસાહેબ. એઓ અમારા અંગ્રેજી અને ગુજરાતી વિષય લેતા. મુખ પર સદાય મર્મર હાસ્ય છવાયેલું હોય. સફેદ પેન્ટ અને સફેદ શર્ટ એમનો યુનિફૉર્મ. ચપટી વગાડતાં-વગાડતાં વર્ગમાં આવે. ખૂબ જ રસ પડે અને બરાબર સમજાઈ જાય એવી રીતે ભણાવે. પણ મારી નબળાઈ એ હતી કે મને અંગ્રેજીમાં જરાય રસ પડતો ન હતો. એથી સાહેબ જ્યારે અંગ્રેજીનો તાસ લેતા હોય, ત્યારે મારાથી કંઈક ટીખળ થઈ જાય. સાહેબ ડિસ્ટર્બ થાય અને ગંભીર થઈ મારા પર ગુસ્સે થવા જાય પણ એમને તો ખિજાતા – ગુસ્સો કરતાં પણ ન આવડે અને પળવારમાં હસી પડે. અને કહે, ‘જયા, તું ક્યારેય નહીં સુધરે.’ આ વાક્ય મારા માટેનું એમનું તકિયા-કલામ હતું. દિવસમાં એક વાર તો બોલવું જ પડે. બીજી વિદ્યાર્થિનીઓ એમને કહે કે સાહેબ, જ્યા તમને હેરાન કરે છે તો તમે એને ખિજાવને ! પણ સાહેબ તરત હસીને કહે કે, ‘નહીં એ તો મારી લાડકી વિદ્યાર્થીની છે, તેને ન ખિજાવાય.’

સાહેબ ગુજરાતી ખૂબ જ સરસ – રસપૂર્વક ભણાવતા. અમે પણ રસતરબોળ થઈ જતા. એમનું ગુજરાતી ભણાવવું એટલે માત્ર બે પૂંઠાં વચ્ચેનાં પાઠ અને કવિતાઓનું ભણતર નહીં, પણ એ સિવાયની વાર્તાઓ, નવલકથાઓ અને કાવ્યોનો અમને પરિચય પણ કરાવે. મારી અંદર રહેલ મૌલિકતા ખીલવવામાં સાહેબનો મહત્વનો ફાળો છે. નિબંધોમાં વિષય અને મુદ્દા પ્રમાણે ઋતુઓ, તહેવારો, કુદરત વગેરેનું વર્ણન કેમ કરવું; પત્રલેખન, વાર્તાલેખન, વિચાર-વિસ્તારને પંક્તિ અને સુવાક્યોના ઉદાહરણથી કેમ આલંકારીક કરી શકાય – તેની સમજણ આપી. નિબંધ, વિચાર-વિસ્તાર વગેરે લખવામાં મેં ક્યારેય નિબંધમાળાનો ઉપયોગ નથી કર્યો. ક્યાંક સમજણ ન પડતી હોય કે પ્રશ્ન ઊભો થાય તો ફ્રી તાસમાં કોઈ પણ જાતના ડર વગર ઑફિસમાં અમે એમને મળી શકતા. મારા જીવનમાં બે વરદાન મને સાહેબ પાસેથી મળ્યાં – સારા અક્ષર અને વાંચનનો શોખ. અત્યારે બધા કહે છે કે મારા અક્ષર સારા છે. પણ નવમા ધોરણ સુધી મારા અક્ષર સારા ન હતા. ત્યારે સાહેબને કંઈક લખવાનું હોય, ત્યારે જેના અક્ષર સારા હોય તેની પાસે લખાવતા. મારા અક્ષર સારા નહીં એટલે મને એ લાભ ન મળતો. મને ચાટી ગઈ, મનમાં નિશ્ચય કર્યો કે અક્ષર સારા કરીને જ રહીશ. વૅકેશનમાં ખૂબ જ મહેનત કરી અને મારા અક્ષર સરસ થયા. બીજું – પહેલાં મને ઈતરવાંચનમાં જરા પણ રસ ન હતો. પરંતુ જ્યારે મને સાહેબે લાઈબ્રેરી સંભાળવાનું કામ સોંપ્યું અને એટલાં બધાં પુસ્તકોનો મને પરિચય કરાવ્યો કે ત્યારે મેં મેઘાણી, પ્રેમચંદ, શરદબાબુ, ઈશ્વર પેટલીકર, મુનશી વગેરે લેખકોનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં. આજે પણ મારો એ રસ તેમાં વધારો થઈને જળવાઈ રહ્યો છે. રાત્રે નૉવેલ વાંચતાં-વાંચતાં સવાર ક્યારે પડી જાય તેની પણ ખબર ન રહે !

હું ભણતી ત્યારે સાવરકુંડલામાં ત્રણ હાઈસ્કૂલ હતી – ધી કુંડલા હાઈસ્કૂલ, કે.કે. હાઈસ્કૂલ અને શા.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ. ત્રણેય હાઈસ્કૂલો વચ્ચે જુદી-જુદી સ્પર્ધાઓ થતી રહેતી, એમ નાટકની સ્પર્ધા પણ થતી. એ નાટકોની તૈયારી બોરીસાગરસાહેબ કરાવતાં. એટલું જ નહીં, અમારે ચાલતા પાઠોમાંથી તેનું નાટ્યરૂપાન્તર કરતા અને અમે ભજવતા. ‘લોહીની સગાઈ’ અને ‘ખરી મા’ પાઠનાં નાટ્યરૂપાન્તર સાહેબે બહુ સુંદર કર્યાં હતાં. એ ‘લોહીની સગાઈ’ જ્યારે સ્ટેજ ઉપર ભજવાયું ત્યારે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું બાલમંદિરનું મેદાન આખું હીબકે ચડ્યું હતું. સાહેબ જ્યારે નાટકની પ્રૅક્ટિસ કરાવે ત્યારે નાનામાં નાના પાત્રને પણ બરાબર ન્યાય આપે, સંવાદો કેમ ચોટદાર બનાવવા, પ્રસંગોને સાંકળીને વેશભૂષા અને રંગમંચની સજાવટનું પણ તે ઝીણવટથી ધ્યાન રાખતા. છેલ્લા બે દિવસ તો સ્ટેજ પર જ પ્રૅક્ટિસ કરાવતા. છેલ્લે દિવસે તો સાહેબ એવા ઘાંઘા થઈ જતા કે ન પૂછો વાત. એક વખત સાંજે નાટક ભજવવાનું હતું, બપોરે સ્ટેજને છેલ્લો ઓપ આપવા અમે પડદા, વિંગ, ફર્નિચર વગેરે ગોઠવી રહ્યાં હતાં, ત્યાં સાહેબ જોરજોરથી બૂમો પાડતા આવ્યા કે – ‘આને કોઈ ઠારો, આને કોઈ ઠારો.’ જોયું તો હાથાવાળી સૂપડી જેવું હતું, તેમાં થોડો કચરો હતો, એ સળગી રહ્યો હતો. મહેશભાઈએ તેના હાથમાંથી સૂપડી લઈ નીચે મૂકી તેના ઉપર બૂટ પહેરેલ પગ મૂકી ઓલવી નાખ્યું. બધાં હસ્યાં અને પોતે તો ખખડી પડ્યા ને બોલ્યા – ‘મને આવું કેમ ન સૂઝ્યું ?’
સ્મરણ જો હોય પોળ કે ગલી,
મઢાવી એને ભીંત પર ટાંગું,
હોય જો નદી સહિતનું ગામ,
કહો જી એને કેમ હું બાંધું ?

હાઈસ્કૂલનું અગિયારમું ધોરણ પૂરું થયું. વિદાયમાનના કાર્યક્રમમાં ગિરધરવાવ જવાનું ગોઠવ્યું હતું. ધોરણ 11ની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો. આખો દિવસ ત્યાં રહેવાનું, જમવાનું. બપોર પછી સભા ભરી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ પોતાના અભિપ્રાય અને લાગણી વ્યકત કરવાનાં હતાં. હું પણ મોટેઉપાડે બોલવા ઊભી થઈ. બધા સાથે રહેવાનો છેલ્લો દિવસ હતો. અભ્યાસ પૂર્ણ થયાના આનંદ કરતાં છૂટા પડવાનું દુઃખ વધારે હતું. બોલવા ઊભી તો થઈ. થોડું બોલી પણ ખરી, પરંતુ જ્યાં બોરીસાગરસાહેબ વિશે બોલવા ગઈ, તો એકદમ રડી પડાયું, ખૂબ રડી ત્યારે બોરીસાગરસાહેબે મને પોતાની પાસે લઈ, માથે હાથ મૂકી, ગળગળા થઈ ભીની આંખે કહ્યું : ‘જયા, તું ક્યારેય નહીં સુધરે.’ આજે પણ એ વાત્સલ્યપૂર્વક આશીર્વાદ આપવા માથે મૂકેલા હાથનો સ્પર્શ અનુભવી શકું છું. ‘જયા, તું ક્યારેય નહીં સુધરે’ એ વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યું છે અને હા, હું હજુય નથી સુધરી.

[કુલ પાન : 344. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “‘જયા, તું ક્યારેય નહીં સુધરે !’ – જયા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.