બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર

[આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી.]

[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકો તેમજ લેખોથી આપણે પરિચિત છીએ. રીડગુજરાતીને આ વિચારપ્રેરક નિબંધો મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો.]

[1] દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે…

માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે. પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલો પાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.

હમણાં એક મિત્ર દંપતિ પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈપણ કારણવગર બસ ગુમસુમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું ન હતું. શહેરના શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું. આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે. અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. અંગ્રેજીમાં કહેવાયું છે કે : ‘Friend in need is friend indeed.’ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે ? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.

દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. ‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી. પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો….

‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસુસ કરો
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો….’
.

[2] આપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો….

‘તમે મારું નામ આપજો ને, એને ત્યાંથી જ એ વસ્તુ મળી જશે…’
‘મેં તમારો સંદર્ભ આપ્યો, વાત પણ કરી છે પરંતુ એમનું કહેવું છે કે આ પ્રકારની ડાયરી હવે મળતી જ નથી.’
‘એવું નથી. એની દુકાનમાં ડાબી બાજુએ કબાટ છે. એમાં નીચેના ભાગે આવી ઘણીબધી ડાયરી પડેલી હોય છે.’ ખાત્રી આપનાર વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી હતી. સામાપક્ષે જેની દુકાનેથી આ વસ્તુ લેવાની હતી, એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો કે મારી પાસે શું છે એની ખબર મને ના હોય ?

વાત આગળ ચાલી અને સાચે જ આશ્ચર્યજનક રીતે માહિતી આપનાર વ્યક્તિની શ્રદ્ધા સાચી પડી હતી. દુકાનદારને ભોંઠપનો અનુભવ થયો હોય એવું લાગ્યું. પરંતુ એણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર પોતાની પાસે રાખેલી વેચાણ માટેની વસ્તુની પોતાને જ ખબર ના હોય એ વાત વેપારી માટે તો બરાબર ના ગણાય. આ પ્રસંગમાં આમ જોઈએ તો ઘણી બાબતો પ્રતિબિંબિત થાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માણસ આર્થિક વ્યવહારો સાથેના વ્યવહારમાં અને બજાર વચ્ચે બેઠો હોવા છતાં પણ પોતાની શક્તિઓ કે સંપત્તિ બાબતે એને પર્યાપ્ત જાણકારી નથી. સામાપક્ષે એક અજાણ્યો મધ્યસ્થી કે ક્યારેક જ એક ગ્રાહક તરીકે એની દુકાન ઉપર જાય છે. એ એની અવલોકનશક્તિ કે યાદશક્તિથી જાણી શકે છે કે એ વ્યક્તિ પાસે શું વસ્તુ છે, ક્યા પ્રકારની આવડત છે.

આમાં કશું જ નવિનતાપ્રેરક અથવા તો આશ્ચર્યજનક નથી. કેમ કે આપણે સહુ મોટા ભાગે ચીલાચાલુ કે ગતાનુગતિક કહી શકાય એ રીતે જીવન વ્યવહાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણા પ્રતિભાવો કે આપણા પ્રત્યુત્તરોમાં મોટાભાગે રૂટીન પ્રકારના ઉદ્દગારો પ્રગટ થઈ જતાં હોય છે. જેમ ઘણી બાબતે આપણે ટેવવશ કરતા હોઈએ છીએ એમ જિંદગી પણ જાણે કે ટેવવશ જીવતા હોઈએ એવું એમાં વ્યક્ત થતું હોય છે. આવું બનવાનું કારણ ઘણીવાર કેવળ આપણો દષ્ટિકોણ હોય છે. આપણે પરંપરાગત આવડતથી કે ઘણી વખત મિથ્યા પ્રકારના આપણા મનોભાવોથી કોઈપણ ઘટના કે પ્રસંગને તેના અંતરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી. પરિણામે સામાન્ય લાગતી ઘટના કે બાબતની ઊંડાઈ કે તેના આંતરિક પ્રવાહોનો અંદાજ મેળવવામાં આપણે થાપ ખાઈ જતાં હોવાનું બહાર આવે છે. આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શકાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી. અને ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી વિશિષ્ટતાઓ વિશે મારા પરિચિતોને જેટલી ખબર હોય, એટલી જાણે મને ખબર હોતી નથી.

આમાં કશું છુપાવવા જેવું નથી. પ્રસ્તુત પ્રસંગમાં વેપારી મિત્રને પણ એવું લાગ્યું કે સ્પર્ધાત્મક બજારમાં બેસીને પણ પોતાની પાસે શું વસ્તુ છે એની જાણકારી ન હોઈને એ એક વેપારી તરીકે મર્યાદા જરૂર છે, પરંતુ એવું થવું અસ્વાભાવિક નથી. એની પાછળ ઘણા વાજબી કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રસંગમાંથી જે બાબત શીખવા મળે છે એ તમામ સ્તરની વ્યક્તિઓને લાગુ પડે છે. આપણી શક્તિઓ વિશે ઘણીવાર આપણી પાસે જ ખોટો અંદાજ હોય છે.
‘હું આમ ના કરી શકું…..’
‘મારાથી આટલી ઉંમરે આવું કઈ રીતે થાય ?’
‘ગામડામાં રહીને હું શું કરી શકું ?’
પોતાની જાત માટેના આવા ઘણા અવતરણો મોજૂદ હોય છે. પરંતુ એ તમામ માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે એ મુજબ ‘જગતના ઉત્તમમાં ઉત્તમ માણસો પણ પોતાને મળેલી શક્તિમાંથી ફક્ત બે-પાંચ ટકા શક્તિનો જ ઉપયોગ કરી શકે છે.’ – એ વિધાનમાંથી આશ્વાસન મેળવી શકાય. ચંદ્રગુપ્ત નામના યુવાનમાં ભારતના સૌપ્રથમ સમ્રાટ બનવાની શક્તિઓ પડેલી છે, એવું ચાણક્ય નામનો શિક્ષક જ કહી શકે. અને ધનનંદ જેવા લોખંડી શાસક સામે એક છોકરડા જેવા લાગતા યુવાનના સહારે એ જંગ માંડે અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટના જ કેટલી ભવ્ય છે. મોહનદાસ નામના બેરિસ્ટરને પોલોક નામનો અંગ્રેજી મિત્ર એક નાનકડું પુસ્તક ટ્રેઈનની મુસાફરીમાં ટાઈમપાસ કરવા આપે છે એનું નામ છે ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લેખક છે જહોન રસ્કિન. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની એકાંકી મુસાફરી દરમ્યાન આ પુસ્તકનું વાંચન મોહનદાસ ને મહાત્મા બનાવનાર મહત્વનું સીમાચિન્હ બની જાય છે. આ પુસ્તકની તીવ્ર અસર હેઠળ જ આખી ‘સર્વોદય’ની વિચારધારા આવી અને ગાંધીને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ મળ્યો.

કોઈ મિત્ર પ્રેયસી કે ગુરુ અથવા તો ઉપહાસ કરનાર વ્યક્તિની નાની ટકોર કે પ્રેરણાના પ્રતિભાવ જગતને કોઈક નવી શોધ, નવું પુસ્તક કે મહાપુરુષ આપનારા સાબિત થયાં છે. ભાભીની ટકોર અને ઉપહાસ થકી નરસિંહનું મન કૃષ્ણમય બન્યું અને એક યુગપ્રવર્તક કવિ ગુજરાતી ભાષાને મળ્યો, જેણે લખ્યું : ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે…’ ઘણી વખત કોઈ આપણને કહે કે ‘આ તમારું કામ નહીં, આ તમે નહીં કરી શકો….’ ત્યારે એ વખતે આપણે બમણા વેગથી કાર્યરત થઈ જતા હોઈએ છીએ અને અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈકની ટકોરથી તાત્કાલિક ઉશ્કેરાઈ જવું અથવા તો જે બાબતમાં આપણી શક્તિ કે આવડત ના હોય એમાં અચાનક ધસી જવું. આપણી પાસે શું શક્તિઓ છે, આપણો પરિવેશ, આપણું બેકગ્રાઉન્ડ, આપણી શારીરિક મર્યાદા – એ બધાનું આકલન પણ જરૂરી બની જાય છે. ટૂંકમાં, આ તમામ બાબતે સંયમિત અને વિવેકબુદ્ધિથી આગળ વધવાની બાબત પણ એટલી જ મહત્વની બની જતી હોય છે. આમ, છતાં માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી. આ બાબતની સમજણ ના હોવાના કારણે મોહનમાંથી મહાત્મા બનવાની ઘટનાઓ જવલ્લે જ આકાર લેતી હોય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ‘જયા, તું ક્યારેય નહીં સુધરે !’ – જયા જોશી
દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ Next »   

17 પ્રતિભાવો : બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર

 1. kaushal says:

  બંને સરસ લેખ તેમાં પણ્ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે આ લાઈન તદન સાચી છે.

  આભાર રીડ ગુજરાતી અને રમેશભાઈ નો

  લી કૌશલ પારેખ

 2. Mahesh Patel says:

  જયારે બધા તમારુ આગણુ છોડી જતા રહે ત્યારે જે તમારે આગણે આવી ઉભો રહે તે સાચો મિત્ર. સરસ લેખ મો.૭૮૭૮૦૧૮૦૦૭

 3. બન્ને વાતો ખુબ સુંદર….

  ૧. મિત્ર એટલે જેની સામે આપણે આપણી જાત ને સાચી ચિત્રી શકીએ.

  ૨. ક્યારેક આપણે બીજાની ક્ષમતા ઓછી આંકીને સામેવાળા ના સ્વમાન ને ધક્કો પણ પહોંચાડતા હોઇએ છીએ.

 4. Renuka Dave says:

  Very nice articles.

 5. hetusha says:

  બન્ને લેખ બહુ જ સરસ છે.

 6. આપણે આપણી જાત ને સાચી ચિત્રી શકીએ
  વાતો ખુબ સુંદર…
  મો.
  ૭૮૭૮૮૪૪૧૪૨

 7. Karasan says:

  સુન્દર વાસ્તવીક લેખો.
  જીવનમા કમશ કમ એક મીત્ર સાથે મુક્ત દીલે સઘળી ચર્ચા થાય એ ખુબ જરુરી છે.
  જ્યારે આપણી શકિત કે નબળાઇઓ માટે અન્યની સોચને આપણા અન્દાજથી ન જોવાય.

 8. PATEL JITENDRA says:

  ખુબસુરત્

 9. SUNIL says:

  માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે ? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.

  સુનિલ્

 10. bharat n thakker says:

  મિત્ર જ સ્હાય્ક હોય

 11. Kalidas V. Patel { Vagosana } says:

  બંને નિબંધો ઉત્તમ રહ્યા. બીજા નિબંધમાં ચોથા ફકરામાં બીજી લીટીમાં … જાણકારી ન હોઈને … કઈક ભૂલ છે, વાક્ય બરાબર લાગતું નથી. જોઈ લેવા વિનંતી.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 12. Sanjay K. Raval says:

  તમારા બંને લેખો બહુ સરસ છે. મિત્ર એ એક એવું માઘ્યમ જેની સામે આપણે પોતાની લાગણીઓ, દુખ, વિચારો રજુ કરી શકીએ છીએ.

 13. jitendra says:

  Tamara banne lekuo khub gamya vachi ne khub saru laghyu

 14. Rahul Roy says:

  Maare Chakshudaan vishe Nibandh joie che
  Please
  Please
  Chakshudaan Nibandh update karo
  Maare Chakshudaan vishe Nibandh joie che
  Please
  Please
  Chakshudaan Nibandh update karo
  Fast please

 15. Rahul Roy says:

  Update fast Chakshudaan Nibandh in
  Today
  Update in some hours please

 16. NEELAM GUPTA says:

  Please update the essay on my life’s role modal

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.