2020માં ભારત બને યુવાનો માટે બહેતર દેશ ! – ચેતન ભગત

[ ‘શિક્ષણ’માં ભ્રષ્ટાચાર એ આજના સમયની પાયાની સમસ્યા છે. આ બાબત વિશે તાજેતરના ‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-2011)માં શ્રી ચેતન ભગતે પોતાના વિચારો તટસ્થ રીતે રજૂ કર્યા છે. આ બાબતે શું થઈ શકે તે દિશામાં આંગળી ચીંધી છે. રીડગુજરાતીને આ વિશેષ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ની ટીમ, તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તથા શ્રી ચેતન ભગતનો ખૂબ ખૂબ આભાર. આ લેખ ‘ચિત્રલેખા’ વાર્ષિક વિશેષાંક 2011-માંથી અત્રે સાભાર પ્રસ્તુત છે.]

આહ ! અત્યારે, આ ક્ષણે હું મુંબઈના પરા અંધેરીમાં આવેલા એક મૉલની રેસ્ટોરાંમાં મારા લૅપટૉપ સાથે બેઠો છું. મારી સામે રેસ્ટોરાંના શેફે પીરસેલી ઉપવાસની ફિક્સ થાળી (બટાટાનું શાક-રાજગરાની પૂરી-સાબુદાણાનાં વડાં-શિંગોડાનો શીરો-દહીં-મોળી છાશનો ગ્લાસ) છે. નવરાત્રના ઉપવાસનો આજે પહેલો દિવસ છે. મને કહેવામાં આવ્યું છે કે મારે ચિત્રલેખાના 61મા વાર્ષિક અંક માટે એક લેખ લખવો, જેનો વિષય છે : ‘ઈન્ડિયા : વિઝન 2020’ અર્થાત આજથી નવેક વર્ષ બાદ ભારત કેવું હશે અથવા એ કેવું હોવું જોઈએ એ વિશેની મારી આશા-અપેક્ષા-આકાંક્ષા શી છે ?

મને થાય છે કે નવ વર્ષ તો બાજુએ, નવ દિવસના ઉપવાસ પછી મારું શારીરિક સ્વાસ્થ્ય કેવું હશે ?
મજાક બાજુએ, સિરિયસ વાત. કેવો સુભગ સંયોગ: આ લેખ આપ વાંચશો ત્યારે મારું નવું પુસ્તક બુક સ્ટોરમાં આવી ગયું હશે, જેનું શીર્ષક છે ‘રિવોલ્યુશન 2020: લવ. કરપ્શન. એમ્બિશન.’ મુંબઈમાં અભિનેત્રી સોનમ કપૂરે આ પુસ્તક લૉન્ચ કર્યું. ખેર, મારે માટે 2020માં સૌથી મહત્વની વાત છે : ‘બેટર ઈન્ડિયા ફૉર યૂથ:’ યુવાનો માટે એક બહેતર દેશ, જે એકદમ સુવિકસિત હોય, દરેક ભારતીયની સરેરાશ આવકનો સ્તર ઊંચો હોય.
આ કેવી રીતે શક્ય બને ?
જવાબ છે :
એક : પ્રમૉટિંગ મેરિટ ઑફ ઍન એક્સલન્સ અર્થાત કાબેલિયતની કદર અને બે : સત્ય-સમાનતા-ન્યાય. ન્યાયના કેવળ સિદ્ધાંત જ નહીં, પણ એના અમલના પાયા પર રચાયેલો સમાજ હું જોવા માગું છું.

[કાબેલિયતની કદર]
તમારામાંથી કેટલાક લોકોએ દિગ્દર્શક પ્રકાશ ઝાની ‘આરક્ષણ’ જોઈ હશે. આરક્ષણ હોવું જોઈએ કે નહીં એની જફામાં ન પડતાં મારે માત્ર એટલું જ કહેવું છે કે જેનામાં ક્ષમતા છે, જેનામાં પ્રતિભા છે એ ટૉપ સુધી પહોંચવો (કે પહોંચવી) જ જોઈએ અને દેશના વિકાસમાં એણે ફાળો આપવો જ જોઈએ એવી એક જડબેસલાક વ્યવસ્થા આપણે વિકસાવવી પડશે. લાગવગ નહીં, નાત-જાત નહીં, સગાંવાદ નહીં, બસ, કેવળ લાયકાતના જોરે જ યૌવન ટોચ સુધી પહોંચે એ બહુ જરૂરી તેમ જ અગત્યનું છે. આજે આપણે ત્યાં બને છે એવું કે કાબેલિયતની કદર થતી નથી, સારા, તેજસ્વી યુવાનોને મોકો મળતો નથી, જ્યારે ખોટા લોકો આસન પર ચડી જાય છે.

[સત્ય-સમાનતા-ન્યાય]
મને આપણા દેશ વિશેની એક વાત ક્યારેય સમજઈ નથી. ધાર્મિક બાબત આવે ત્યારે આપણી લાગણી સાવ નજીવી, ક્ષુલ્લક બાબતમાં દુભાઈ જાય છે… તો અન્યાય, ભ્રષ્ટાચાર જેવાં દૂષણ આપણને કેમ અબખે પડી ગયાં છે ? ધર્મ વિશે કોઈ કશુંક બોલે-લખે-ચિત્રણ કરે તો કેવો આક્રોશ રોમેરોમ વ્યાપી જાય છે ? તો ઈનજસ્ટિસ-અન્યાય કે કરપ્શન-ભ્રષ્ટાચાર સામે જનાક્રોશ કેમ નહીં ? અરે, આપણા આદરણીય વડા પ્રધાન ઊઠીને જ્યારે લાચાર બનીને કહી દે છે કે ક્યા કરેં, (સત્તા ટકાવી રાખવા) કૉમ્પ્રોમાઈઝ કરના પડતા હૈ ! હવે જો પ્રાઈમ મિનિસ્ટર આવું કહેતા હોય તો આમ જનતાનું શું કરવું ? આ માટે આવતી કાલના નાગરિકને મા-બાપ સારા સંસ્કાર આપે એ બહુ જરૂરી છે. પુસ્તકિયું જ્ઞાન ભલે આપો, બાળકને થોડું આધ્યાત્મિક, થોડા સંસ્કાર મળે એ જરૂરી છે. ભ્રષ્ટાચાર ન કરવો એવું એક અણ્ણા હઝારે કહે ત્યાં સુધી આપણે શું કામ રાહ જોવાની ? લાંચ અપાય જ નહીં અને લાંચ લેવાય જ નહીં એવું આપણા મનમાં પહેલેથી કેમ ઠસાવવામાં આવતું નથી ? સરકારી કચેરીમાં કોઈ આપણું કામ કરીને આપણી પર કોઈ ઉપકાર કરતું નથી. એને એ માટે જ નોકરીએ રાખવામાં આવ્યો છે. એને એ માટે જ પગાર આપવામાં આવે છે એટલી સીધી ને સટ વાત આપણે (અને પેલો કર્મચારી) કેમ સમજતા નથી ?

આ શક્ય બને એ માટે આપણી શિક્ષણવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આણવાં પડશે અને મારો નેક્સ્ટ મુદ્દો પણ એ જ છે :
ઍન્જ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર…. શિક્ષણવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન.
આ વિશે અહીં જરા હું વિગતે વાત કરવા ઈચ્છું છું.

[પઢેગા ઈન્ડિયા…. બઢેગા ઈન્ડિયા]
આમ તો અજીબ લાગે, પણ સત્ય છે. અત્યારે આપણી પાસે જે સારી કૉલેજ-યુનિવર્સિટીઝ છે એ દેશના દસેક ટકા ઍપ્લિકન્ટ્સ-વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે છે. બાકીના ઍપ્લિકન્ટ્સ અથવા અરજદાર વિદ્યાર્થીઓનું શું થતું હશે એનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? પહેલા મહિનાથી જ તગડો પગાર મળવો જોઈએ, આઈઆઈટી-આઈઆઈએમ અને કૉલેજની કટઑફ, વગેરે આપણાં મન-મગજ પર એ હદે સવાર થઈ ગયાં છે કે પેલા રઝળી પડેલા લાખ્ખો વિદ્યાર્થીઓનું શું થતું હશે એની ચિંતા આપણે કદી કરતા નથી. શું એમને પેલા દસ ટકાની જેમ જીવનનાં સુખ ભોગવવાનો અધિકાર નથી ? મને આ સવાલ સતાવ્યા કરતા હતા એટલે મેં એના ઊંડાણમાં જવાનું નક્કી કર્યું.
ઓકે. જેમને સારી, નામાંકિત ગવર્નમેન્ટ દ્વારા ચલાવવામાં આવતી કૉલેજ-યુનિવર્સિટીઝમાં ઍડ્મિશન નથી મળતું એમાંના મોટા ભાગના વિદ્યાર્થી પ્રાઈવેટ કૉલેજોમાં જાય છે. આ પ્રાઈવેટ કૉલેજો એમને (વિદ્યાર્થીઓને) એમની પસંદગીની ડિગ્રી મેળવવાની તક આપે છે. આમાં કંઈ જ ખોટું નથી. હું તો ત્યાં સુધી કહીશ કે પ્રાઈવેટ સેક્ટર આપણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની ભૂમિકા અદા કરે એ વિચારમાત્રને આપણે બિરદાવવો જોઈએ, પણ મુશ્કેલી એક જ છે…. વરસાદમાં ઠેર ઠેર ફૂટી નીકળતા બિલાડીના ટૉપની જેમ જ્યાં ને ત્યાં શરૂ થઈ ગયેલી ખાનગી કૉલેજોની ગુણવત્તા.

હમણાં હું દિલ્હી અને એની પાદરે આવેલા નોઈડા તથા ‘એનસીઆર’ તરીકે ઓળખાતા નૅશનલ કૅપિટલ રિજિયન વિસ્તારમાં ગયો. એકલા આ વિસ્તારમાં જ સૌથી વધુ ‘એમબીએ’ કૉલેજો ખૂલી ગઈ છે. દેશના બાકીના હિસ્સામાં કેટલી પ્રાઈવેટ ‘એમબીએ’ કૉલેજો ખૂલી હશે એની કલ્પના કરી લો. હવે આટલી મોટી સંખ્યામાં ખાનગી કૉલેજો ખૂલે એટલે એની ગુણવત્તા ઓગણીસ-વીસ હોવાની જ…. અહીં શું શીખવવામાં આવે છે ? અને વિદ્યાર્થીઓ શું શીખે છે ? એ મારી સૌથી મોટી ચિંતા છે. જો ‘આઈઆઈટી’ જેવી સંસ્થામાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ વિશે ઈન્ફોસિસના નારાયણમૂર્તિ ચિંતિત હોય તો પ્રાઈવેટ એમબીએ (કે બીજી બધી) શિક્ષણસંસ્થામાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ કેવા હશે એનો વિચાર કરવો રહ્યો.
આવું કેમ ?
આલીશાન પ્રાઈવેટ કૉલેજ શરૂ કરવા પાછળ ઈન્વેસ્ટમેન્ટ કરનારા બિઝનેસમેન સારી ફૅકલ્ટી, સારો સ્ટાફ રાખવા પાછળ કેમ ઈન્વેસ્ટમેન્ટ નહીં કરતા હોય ?
આ રહ્યો જવાબ:
અનેક પ્રાઈવેટ કૉલેજોના માલિકો છડેચોક કહે છે કે એક કૉલેજ શરૂ કરવા જોઈતી જમીનથી લઈને અનેક જાતની પરવાનગી માટે એમણે સરકારી દફતરમાં ડગલે ને પગલે એટલી બધી લાંચ આપવી પડે છે કે કૉલેજ શરૂ કર્યા બાદ સારો સ્ટાફ રાખવા ભાગ્યે જ કંઈ બચે છે ! પ્રાઈવેટ ઍજ્યુકેશન સેક્ટર કરપ્શનથી એવું તો ખદબદે છે કે ગુણવત્તા વિશે તો કોઈ વિચારતું પણ નથી. પ્રાઈવેટ એજ્યુકેશન સેકટરમાં આ હદે ભ્રષ્ટાચાર શું કામ ? – એનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. કારણ છે સરકારની એક વિચિત્ર પૉલિસી, જેનું નામ છે : ‘નો-પ્રૉફિટ્સ એલાઉડ પૉલિસી’ અર્થાત તમે શિક્ષણસંસ્થા શરૂ કરો તો એમાંથી નફો રળી ન શકો ! તમારે એક નૉન-પ્રૉફિટ ટ્રસ્ટ રચીને એ હેઠળ જ ખાનગી શિક્ષણસંસ્થા શરૂ કરવાની ! ખબર નહીં કેમ, પણ સરકારને એવી એક ભ્રમણા છે કે ભારતમાં એવા અનેક લોકો છે, જે લાખ્ખો-કરોડો રૂપિયા રોકીને માત્ર સેવા કરવાના હેતુસર, સીટ વગર રઝળી પડેલા વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુસર કૉલેજ શરૂ કરવા રીતસરના મરી પડે છે. એમને જાણે પોતાના લાખ્ખો-કરોડો રૂપિયાની કોઈ પડી નથી !

અલબત્ત, આવું કંઈ જ બનતું નથી. ટ્રસ્ટમાંથી પૈસા સીધા ઘેર પહોંચી જાય છે. બ્લૅક મની, કૉલેજ બિલ્ડિંગમાં અમુકતમુક કામ કરાવ્યાનાં કૉન્ટ્રાક્ટરનાં ખોટાં ખોટાં પેમેન્ટ, એ માટેનાં ખોટાં ખોટાં બિલ્સ તથા વધુ પડતા ખર્ચા બતાવવા જેવી જાતજાતની નીતિ-રીતિ દ્વારા પૈસા ઘરે પગ કરી જ જાય છે. આનાથી બને છે એવું કે પ્રામાણિક લોકો, ભ્રષ્ટાચારથી દૂર રહેતા લોકો, પ્રાઈવેટ એજ્યુકેશન સેક્ટરમાં ખરેખર કંઈ કરવા માગતા લોકો આગળ આવતા નથી. જ્યારે શિક્ષણક્ષેત્ર સાથે નજીકનો કે દૂરનો, કોઈ જ સંબંધ ન ધરાવનારા કેવળ પૈસા કમાવાના હેતુસર એન્જિનિયરિંગ, ‘એમબીએ’ કૉલેજની દુકાન ખોલીને બેસી ગયા છે અને આપણે આપણાં બચ્ચાં અને એમનાં ભવિષ્ય એમને સોંપી દઈએ છીએ ! આ જે કંઈ બની રહ્યું છે એ સદંતર ખોટું છે અને સરકારની શિક્ષણનીતિ બરાબર નથી એવું કહેવા માટે તમે એક્સપર્ટ હો એ જરૂરી નથી. આમ છતાં જે લોકો એક્સપર્ટ છે, નીતિઘડવૈયા છે એ લોકો આ વિશે કંઈ જ કરતા નથી. શિક્ષણક્ષેત્રે આવો ભ્રષ્ટાચાર ચલાવી લેવાય જ નહીં. ધારો કે એક રસ્તો બાંધવામાં ભ્રષ્ટાચાર થાય તો રસ્તા પર ખાડા દેખાય, પણ શિક્ષણમાં ભ્રષ્ટાચાર થાય એટલે મગજમાં ખાડા દેખાય, જે ખતરનાક છે. એજ્યુકેશનના કમર્શિયલાઈઝેશન- શિક્ષણના ધંધાકીયકરણ સામે મને કોઈ વાંધો નથી, પરંતુ ભૂતપૂર્વ પ્રોફેસર, પ્રિન્સિપાલ કે શિક્ષકો સારી શૈક્ષણિક સંસ્થા શરૂ કરે એ માટે એમને પ્રોત્સાહન તો મળવું જોઈએને ? આ ઉપરાંત, આજે છે એના કરતાં ત્રણ-ચાર ગણી ગુણવત્તાવાળી, સારી, સરકારી કૉલેજો-યુનિવર્સિટીઝ આપણને જોઈશે. હવે સમય માત્ર શિક્ષણનો નહીં, બલકે સારા શિક્ષણનો, ક્વૉલિટી એજ્યુકેશનનો છે. તમને ભૂખ લાગે તો તમે ગમે તેવું ખાવાનું તો ખાતા નથી. બીજું કંઈ નહીં તો ખાવાનું કમ સે કમ સારું હોય એટલી તો અપેક્ષા રાખવી એમાં કશું ખોટું નથી.

[ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઈટ્સ]
લેખકજીવ છું એટલે આ મુદ્દો પણ ચર્ચી લઉં ?
આજે દુનિયા વધુ ને વધુ સાંકડી બનતી ચાલી છે અથવા કહો કે વિશ્વ હવે એક ગામ બની ગયું છે ત્યારે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી (બૌદ્ધિક મૂડી) રાઈટ્સનો આદર કરવો પડશે. ગમે ત્યાંથી ગમે એનું ચોરીને ઈન્ટરનેટ પર કે બીજાં માધ્યમમાં પોતાના નામે ચડાવી દેવાનો નંગો નાચ બંધ થવો જ જોઈએ. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ભવિષ્ય છે. એનું જતન થવું જ જોઈએ. આ માટે કૉપીરાઈટ્સ લૉ, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઈટ્સ બહુ સ્પષ્ટ બનાવવા પડશે, નહીંતર નવી પેઢીને કંઈ નવું કરવાની પ્રેરણા જ નહીં મળે અને આ વાત માત્ર લેખકને જ લાગુ પડતી નથી. સાયન્ટિસ્ટ્સ, ટેકનોલૉજિસ્ટ્સને બધાને લાગુ પડે છે. જસ્ટ ટેલ મી, વિજ્ઞાન-તકનિકી ક્ષેત્રે નવી નવી શોધ, નવા આવિષ્કાર ફોરેનમાં જ કેમ થાય છે ? આવો સવાલ તમને કદીય થયો છે ખરો ? એક જણ દિમાગનું દહીં કરીને કંઈ નવું શોધે છે અને બીજે જ દિવસે ધડાધડ એની નકલ થવા માંડે છે. આવું થતું રહે તો કંઈક નવું કરવાની ઈચ્છા-ઉત્સાહ ક્યાંથી જાગે ?

[રાઈટ ટુ રિકૉલ…. જનલોકપાલ]
વેલ, રાઈટ ટુ રિકૉલમાં મને ખાસ શ્રદ્ધા નથી. ચૂંટાયેલો ઉમેદવાર ઢબ્બુનો ઢ સાબિત થાય, પોતાના મતવિસ્તારમાં દેખાય જ નહીં, એક પૈસાનું કામ મતવિસ્તારમાં કરે નહીં એને પાછો ઘેર બેસાડી દેવો એ થયું રાઈટ ટુ રિકૉલ, પણ એ માટે મત આપવા જવું પડે. આપણે ત્યાં 30-35-40 ટકા લોકો મત આપવા જતા હોય ત્યાં રાઈટ ટુ રિકૉલની અપેક્ષા રાખવી મને જરાય વ્યવહારિક લાગતી નથી.

આ લેખનો અંત હું પોઝિટિવ થૉટ-સારા વિચાર સાથે કરવા માગું છું. આપણે એટલે કે ઈન્ડિયન્સ બદલાઈ રહ્યા છીએ, દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. માત્ર એટલું જ છે કે આ પરિવર્તનની ઝડપ જરા ધીમી છે. એને ફાસ્ટ બનાવવી પડશે. જનલોકપાલ, વગેરે વગેરે આવશે, પણ એની રાહ જોયા વગર આપણે જ સુધરી જઈએ તો ? આવનારાં વર્ષોમાં આપણે ડિજિટલ વર્લ્ડમાં ઓતપ્રોત થઈ જઈશું. ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા છે એના કરતાં બમણી-તમણી થઈ જશે. સ્માર્ટ ફોન, આઈપેડ બધા પાસે હશે અને ખોટું કરનારો તરત પકડાઈ જશે, પણ એની રાહ શું કામ જોવી ? આપણે જ એક સંકલ્પ કરીએ કે ભ્રષ્ટાચારને, ભ્રષ્ટાચારીને હવે ઊંચકીને ફગાવી દો….. પિરિયડ એટલે કે પૂર્ણવિરામ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

31 thoughts on “2020માં ભારત બને યુવાનો માટે બહેતર દેશ ! – ચેતન ભગત”

Copy Protected by Chetan's WP-Copyprotect.