દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, રતનમહાલ, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત લેખના તમામ ફોટોગ્રાફ્સ, લેખના અંતે ‘સ્લાઈડ-શૉ’ તરીકે આપવામાં આવ્યા છે, જેની નોંધ લેશો.]

કહેવાય છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. થોડીક પણ જો રજા મળી જાય તો ફરવા ઉપડી જાય. પણ મોટા ભાગના લોકો તો બહુ જાણીતી જગ્યાઓએ જ જતાં હોય છે. આવી જગ્યાઓએ ગાડી અને હોટેલોનાં બુકીંગ કરાવીને દોડવાનું અને ગિરદીમાં ભીંસાઈને ‘જઈ આવ્યા’ નો માત્ર સંતોષ જ માનવાનો રહે છે. એને બદલે શાંત અને પ્રકૃતિને ખોળે આવેલાં સ્થળો જોવાની કેટલી બધી મજા આવે ! વળી, આવાં સ્થળો માટે બહુ દૂર દોડવાની પણ જરૂર નથી. આપણા ગુજરાતમાં જ કેટલીયે સુંદર જગાઓ આવેલી છે. ત્યાં જઈને ત્યાંની કુદરતને માણવાનો આનંદ કંઈ ઓર જ છે.

આવી જ એક સરસ જગા છે ‘દેવઘાટ’. ત્યાંથી નજીક આવેલા ‘કેવડીડેમ’ અને ‘ટકાઉધોધ’ પણ જોવા જેવા છે. ‘દેવઘાટ’ નામ જ એવું સરસ છે, જાણે કે ત્યાં ઘાટ પર દેવો પધારતા ન હોય ! અમે સૌએ આ ત્રણ સ્થળોએ જવાનો ત્રણ દિવસનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો ! અમે ગ્રુપમાં ૧૬ જણ હતા. દેવઘાટનો રસ્તો આ પ્રમાણે છે : ભરૂચથી અંકલેશ્વર, વાલિયા, વાડી, ઉમરપાડા, ધનાવડ અને દીવતણ થઈને દેવઘાટ. ભરૂચથી દીવતણનું અંતર ૮૫ કિ.મી અને રસ્તો સારો. દીવતણથી દેવઘાટ ૬ કિ.મી. કાચા પથરાળ રસ્તે થઈને પહોંચાય. ગાડી જઈ શકે. આ ૬ કિ.મી.માં જંગલો જ જંગલો પથરાયેલાં છે. દેવઘાટમાં જંગલોની વચ્ચે થોડી જગ્યા સાફસુથરી કરીને રહેવા માટે રૂમ અને તંબૂઓ, રસોઈઘર અને બગીચો બનાવેલ છે. અહીં વૃક્ષોની છાયામાં ખાટલા પાથરીને આરામ ફરમાવવાની સગવડ છે. અહીં કોઈ ગામ કે વસ્તી નથી. આ સ્થળની દેખભાળ અને રસોઈ માટે વનવિભાગે બે-ચાર માણસો નીમ્યા હોય એટલું જ. હા, ફરવા આવેલા લોકો તો ખરા જ.

દેવઘાટમાં શું જોવા-માણવાનું છે, તેની વાત કરીએ. તંબૂઓવાળી આ જગાએથી એકાદ કી.મી. દૂર ‘આંજણીયા’ નામની નદી વહે છે, અને તે ધોધરૂપે પડે છે. અમે ગાડીઓ અહીં દેવઘાટમાં પાર્ક કરી દીધી અને ૧ કી.મી. ચાલીને ગયા. આ ૧ કી.મી. પણ ગાડી જઈ શકે એવો રસ્તો છે. એ પછી ૧૩૫ પગથિયાં ઉતરો એટલે નદી કિનારો આવે. પગથિયાંની બાજુમાં એક નાનું મંદિર પણ છે. પગથિયાં પરથી નદી અને ધોધનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. એમ થાય કે દોડીને જલ્દીથી નદીમાં પહોંચી જઈએ ! પણ એ ખ્યાલ જરૂર રાખવાનો કે પડી ના જવાય અને પાણીમાં ગરકાવ ના થઇ જવાય. અમે નદી કિનારે જઈને જોયું તો નદી બે વાર ધોધરૂપે પડે છે. એક વાર ધોધરૂપે પડ્યા પછી, એક વિશાળ ખાડામાં પાણી ભરાઈને, છલકાઈને ખડકાળ પથ્થરોમાં થઈને આગળ વહે છે. પછી એક ચેકડેમ જેવું બનાવ્યું છે. તેમાંથી ઉભરાઈને આગળ વહ્યા પછી, ફરી ધોધરૂપે નીચે પડે છે. આ ચેકડેમમાંથી ઉભરાતા પાણીમાં બેસીને સ્નાન કરી શકાય તેવું છે. અમે આ જગાએ પહોંચી ગયા અને ખૂબ નાહ્યાં. પાણી ઉછાળવાની અને ભીંજાવાની મજા આવી ગઈ. આવો નિર્ભેળ અને કુદરતી આનંદ આપણા ભાગદોડભર્યા શહેરી જીવનમાં મળે ખરો ? ક્યારેક તો કુદરતને ખોળે આવી મજા માણવાની તક ઝડપી લેવી જોઈએ. અહીં કલાકેક નાહીને, નદીના સામે કિનારે થઈને, પહેલા ધોધના ખાડા આગળ પાણીમાં ઉતરી ફરી નાહ્યાં અને ખૂબ ખૂબ નાહ્યાં !! ખાડામાં વધુ અંદર ના જવું કારણ કે ડૂબી જવાનો ભય છે. અહીં પાણીમાં ડૂબેલો એક એવો પથ્થર જોયો કે જેના પર પલાંઠી વાળીને બેસીએ, તો પાણીની સપાટી પર પલાંઠી વાળીને બેઠા હોઈએ એવું લાગે ! નદીના બેય કિનારે ઊંચા ટેકરા અને જંગલો અને આ એકાંત જંગલમાં ધોધનો સંગીતમય નાદ. કુદરતની આ અદભૂત લીલાને નિહાળવાનો ખૂબ આનંદ આવ્યો. અમે બે-ચાર શ્લોકનું પઠન કરી, પ્રાર્થના કરી. અમારામાંના બેચાર સભ્યો તો પાણીમાંથી બહાર આવવાનું નામ જ લેતા ન હતા. છતાં પણ છેવટે બધા બહાર આવ્યા. સમય કંઈ થોડો કોઈના માટે થોભે છે ?

નદીકિનારે જંગલમાં કોઈક માણસો ઝાડ નીચે ખાવાનું પકાવતા પણ જોવા મળ્યાં. અમે મૂળ રસ્તે, પગથિયાં ચઢી, મનમાં સંતોષ ભરી, ચાલીને દેવઘાટ પરત આવ્યા. ભૂખ કકડીને લાગી હતી. રસોઈ તૈયાર હતી. રોટલી, દાળ, ભાત, શાક અને કચુંબર. ખાટલાઓમાં બેસી જમવાનો ખૂબ આનંદ આવ્યો. થોડો આરામ કર્યો. કદાચ આ જંગલમાં રાત રહેવાનું હોય તો પણ ગમે. પરંતુ અમારે રાત્રિમુકામ તો કેવડીડેમ આગળ કરવાનો હતો. એટલે અમે દેવઘાટથી ગાડીઓ દોડાવીને પાછા નીકળ્યા. ૬ કી.મી.નો એ જ કાચો રસ્તો, દેવતણ, ધનાવડ અને પછી ઉમરપાડા પહોંચવાને બદલે વચ્ચેથી અમે રસ્તો બદલ્યો. દેવઘાટથી કુલ ૨૯ કિ.મી.નું અંતર કાપી ‘આંબલીડેમ’ પહોંચ્યા. ‘વરે’ નદી પર અહીં વિશાળ ડેમ બાંધેલો છે. ઉપરવાસમાં ડેમ છલોછલ ભરેલો હતો, જાણે કે કોઈ મોટું સરોવર જ જોઈ લો ! સામે દૂર દૂર કોઈ ગામ બાજુથી હલેસાંવાળી એક હોડી આવી રહી હતી. હોડીનો નાવિક તેની ગ્રામ્ય ભાષામાં ઊંચા અવાજે કોઈ ગીત લલકારી રહ્યો હતો. એ જોઈને લાગ્યું કે આ લોકો પાસે લાખોની મિલકત ન હોવા છતાં, કેવી મસ્તીથી જિંદગી જીવી રહ્યાં છે ! ડેમની દેખભાળ કરનાર ભાઈ સાથે વાતો કરી. તેણે કહ્યું કે ‘અહીં દૂરનાં ગામડાંઓમાં લોકો હોડીમાં બેસીને મજૂરીએ જાય છે.’ ત્યારે થયું કે આ લોકોને ખાવાનો રોટલો મેળવવો કેટલો કપરો છે ! તે ભાઈએ અમને ‘કેવડીડેમ’ જવાનો રસ્તો પણ સમજાવ્યો. તેના જણાવ્યા પ્રમાણે, અહીં નીચવાસમાં થઈ, પાલદા અને પછી માંડવી જવાના રસ્તા પર પીપલવાડા પહોંચ્યા.

અંધારું પડી ગયું હતું. અહીંથી બાજુમાં ફંટાઈને ૪ કી.મી. દૂર, કેવડી ડેમના કાંઠા પરની કોટેજો સુધી પહોંચવાનું હતું. આ ૪ કી.મી.નો રસ્તો કાચો, સાંકડી કેડીવાળો અને બિલકુલ અંધારિયો હતો. અમે ફોન કરીને કોટેજોવાળા એક ભાઈને અહીં બોલાવી લીધો. તે ભાઈ બાઈક પર આવ્યા. તેનું બાઈક આગળ અને અમારી ગાડીઓ તેની પાછળ…..એમ કરીને એ સાંકડા રસ્તે થઈને કેવડીડેમની કોટેજોએ પહોંચ્યા. ગાઢ જંગલ, ચારે કોર અંધકાર, બિલકુલ અજાણ્યો અને માનવવિહોણો રસ્તો – ડર લાગવા માટે આનાથી વધારે શું જોઈએ ? ક્યાંકથી કોઈ આવે અને લૂંટી લે તો ? કોઈ પ્રાણી આવી જાય તો ? સ્ત્રીવર્ગને તો આવા વિચારો આવી ગયા. હા, દિવસ હોય તો આવું કંઈ ન થાય. પણ આખા દિવસના થાકેલા અને રાતે બિહામણા જંગલમાંથી પસાર થવાનું – પછી મુકામવાળી જગ્યા તો ડરામણી નહિ હોય ને ? પણ આવું કંઈ જ ન હતું. કોટેજો પર પહોંચ્યા. અગાઉથી બુક કરાવેલું હોવાથી, જમવાનું તૈયાર હતું. હવે તો કોટેજોમાં સુઈ જ જવાનું હતું. પણ એમ થયું કે બધા બેસીને વાતો કરીએ. આખા દિવસમાં કેવું ફર્યા તેની વાતો કરી. બધાએ પોતાના જૂના અનુભવો જણાવ્યા, અંતાક્ષરી અને જોક્સ પણ ચાલ્યાં. દિવસનો થાક ક્યાંય ઊતરી ગયો. જાણે કે તાજગી આવી ગઈ. ત્યાંના રખેવાળોના કહેવા પ્રમાણે, રાતે દીપડો કોટેજો તરફ આવતો હોય છે. આમ છતાં, અમે બે-ચાર જણ, નજીકમાં થોડું ચક્કર મારી આવ્યા. પછી તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અહીં ઠંડકનું પ્રમાણ વધારે હતું. કોટેજો સારી હતી પણ મચ્છરો હતા. અમે મચ્છર અગરબત્તી લઈને આવેલા. આવી જગ્યાએ વીજળી તો ક્યાંથી હોય ? પણ સોલર લાઈટો હતી. મોબાઈલ ટાવર ન હતા. દેખભાળ કરનારા છોકરાઓએ તો તેમની રૂમમાં મોડે
સુધી ગીતોની કેસેટો વગાડી, તે અમને પણ સંભળાતી હતી.

કેવડીડેમના કિનારે સવાર પડી. સવારે અજવાળું જોતાં, રાતે જે કોઈને થોડો ડર લાગેલો તે ગાયબ થઈ ગયો. એણે બદલે બધા આ જગ્યાની શોભા નિરખવામાં પડી ગયા. ‘સવાર પડશે કે તરત આ જગ્યાએથી નીકળી જઈશું’ રાત્રે આવું બોલનારા, સવારે ખુશમિજાજમાં હતા. કેવડીડેમના ઉપરવાસમાં ભરાયેલા સરોવરના બિલકુલ કિનારે અમારી કોટેજો હતી. રાત્રે તો આ સરોવર દેખાતું ન હતું. સરોવર વિષે ખબર પણ ન હતી. સવારે સરોવરના કિનારે જઈને ઉભા રહ્યા. સરોવરના પાણી પર, વાયુરૂપમાં વરાળનાં વાદળો દેખાતાં હતાં. ક્યાંક તેના પર સૂર્યનું એકાદ કુમળું કિરણ પડતું હતું. સરોવરના શાંત પાણીમાં, સામે કિનારે આવેલાં વૃક્ષોનાં પ્રતિબિંબ પડતાં હતાં. સરોવરના કિનારે બાંધેલા વાંસના નાના માંચડા પર બેસીને સરોવરનું આ દ્રશ્ય જોવાનું ખૂબ ગમ્યું. કોટેજોની આજુબાજુ ફર્યા. અહીં તંબૂની પણ વ્યવસ્થા છે. આપણા વનવિભાગે ગુજરાતમાં ઘણી જગાએ આવાં સ્થળો ઊભાં કર્યાં છે.

છોકરાઓએ ચૂલો સળગાવી મોટા તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. તેમાંથી બાલદીઓ ભરી બાથરૂમમાં નાહી લીધું. જો કે અહીં તો ખુલ્લામાં નહાવાની પણ મજા આવે. સરોવરમાં તો બિલકુલ ઉતરાય એવું ન હતું. નાહી-ધોઈ, ઘરેથી લાવેલો નાસ્તો કરી, અમે ટ્રેકીંગ માટે નીકળી પડ્યા. જંગલની નાની કેડીએ વાંકાચૂકાં, ઊંચાનીચા રસ્તે સરોવરના કિનારે આશરે ૨ કી.મી. જેટલું ચાલીને ‘કેવડીડેમ’ આગળ પહોંચ્યા. કુદરતનો નયનરમ્ય નઝારો જોયો. અહીંની હવા સરસ આરોગ્યમય લાગી. આવા ખુલ્લા વાતાવરણમાં રોગી માણસ વગર દવાએ પણ સાજો થઈ જાય. કેવડી નદી પરનો આ કેવડીડેમ સાદો, માટી અને પથ્થરોથી જ બનાવેલો ડેમ છે. ડેમમાંથી નહેરો કાઢી, તેનું પાણી આજુબાજુનાં ગામોમાં ખેતીના ઉપયોગમાં લેવાય છે. આ બધું જોઈ અમે કોટેજો પર પાછા આવ્યા. વળી પાછો પત્તાં રમવાનો અને ભજનનો કાર્યક્રમ ચાલ્યો. જમવાનું તૈયાર થઈ ગયું. જમીને કેવડીડેમને ‘બાય’ કરી પાછા આવવા નીકળી પડ્યાં. ૪ કી.મી.ના એ જ કાચા રસ્તે પીપલવાડા આવ્યા. ત્યાંથી માંડવી, કીમ અને અંકલેશ્વર થઈને ૧૦૬ કી.મી.નું અંતર કાપીને ભરુચ પહોંચ્યા.

બીજે દિવસે સવારે ભરૂચથી નીકળ્યા અમે ‘ટકાઉધોધ’ જોવા. આજે અમે નવ જણ હતા. ટકાઉધોધ ‘જૂનાઘાટા’ના નામે પણ ઓળખાય છે. આ ધોધ ભરૂચથી ૫૫ કી.મી. દૂર આવેલો છે. ભરૂચથી રાજપીપળાના રસ્તે ૫૦ કી.મી. જેટલું ગયા પછી, નર્મદા સુગર ફેક્ટરી અને ખાજલવાસા ગામના બસસ્ટોપથી જમણી બાજુ વળી જવાનું હોય છે. આ રસ્તે ૫ કી.મી. જેટલું જાવ એટલે ટકાઉ નામની નદી આવે. આ નદી જ પોતે ધોધરૂપે પડે છે. આ ૫ કી.મી.નો રસ્તો સાંકડો ખરો, પણ સારો છે અને ગામડાંઓમાં થઈને પસાર થાય છે. ગાડી આરામથી જઈ શકે. અમે ભરૂચથી રાજપીપળાના રસ્તે, વચ્ચે ગુમાનદેવ હનુમાનજીના મંદિરે દર્શન કરી ટકાઉ પહોંચ્યા. ત્યાં રસ્તાની બાજુના ખેતરમાં ગાડીઓ પાર્ક કરી નદી તરફ ગયાં. નદી બહુ જ ઊંડી છે, આશરે ૧૦૦ ફૂટ જેટલી. માટી અને કાંકરાવાળા સીધા ઢાળમાં ઉતરવાનું અને લપસી કે પડી ના જવાય એનું ધ્યાન રાખવાનું. અમે નજીકના ગામમાંથી બે-ત્રણ છોકરાને અમારી સાથે લઇ લીધા હતા, તેઓએ હાથ પકડીને બધાને નદીમાં ઉતાર્યાં. છેલ્લા વીસેક ફૂટનું ઉતરાણ તો સાવ ખડકાળ છે. સાચવીને પગ ગોઠવી ગોઠવીને ઉતરવાનું. ઉતરતી વખતે મનમાં એમ પણ થાય કે આ પાછું ચડાશે કઈ રીતે ? પણ દ્રઢ નિશ્ચય કરીને ઉતરીએ તો વાંધો નથી આવતો. નદીમાં ધોધની સામે જઈને ઉભા રહીએ ત્યારે તો થાય કે વાહ ! શું સુંદર જગ્યાએ આવ્યા છીએ ! ધોધ આશરે દસેક મીટર ઊંચાઈએથી ખડકો પર થઈને પડે છે અને પછી પાણી નદીમાં આગળ વહી જાય છે. ધોધ જ્યાં પડે છે ત્યાં ધોધમાં આસાનીથી સ્નાન કરી શકાય તેવું છે. પાણી બહુ ઊંડું નથી. હા, ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે અહીં સ્નાન ના કરી શકાય.

અમે બધા ધોધમાં ખૂબ નાહ્યાં. ધોધનું પાણી બરડામાં વાગે અને ધોધના જોરથી પાણીમાં આગળ ધકેલાઈ જવાય, તેથી બળપૂર્વક બેસવું પડે. ધોધનો કર્ણપ્રિય ધ્વનિ અને શાંત નિ:શબ્દ વાતાવરણ. કુદરતના ખોળે બેસવાની આવી તક બીજે ક્યાં મળે ? અહીં અમારા સિવાય બીજા કોઈ પ્રવાસી ન હતા. આ ધોધ બહુ જાણીતો નથી એટલે અહીં આવનારાની સંખ્યા ઓછી હોય છે. પરંતુ જેને ધોધનું સૌન્દર્ય આકર્ષતું હોય એવા લોકો તો આવવાના જ. અહીં બીજી કોઈ સુવિધા ઊભી કરેલ નથી. જો નદીમાં ઉતરવાનાં પગથિયાં બનાવવામાં આવે તો ધોધની નજીક જવાનું બહુ જ સરળ પડે. બહાર રોડ પર, ધોધ તરફ નિશાન બનાવતું બોર્ડ પણ લગાવવું જોઈએ અને અંતર પણ લખવું જોઈએ. અમે ટકાઉધોધનું બોર્ડ ક્યાંય જોયું નહિ. પણ બીજા લોકો પાસેથી માહિતી મેળવેલ હતી એટલે અહીં સુધી પહોંચી શક્યા.

ધોધમાં નહાવાની બહુ જ મજા આવી. બે કલાક સુધી નાહ્યા પછી, નદીમાંથી ઉપર ચડી અમારી ગાડીઓ સુધી પહોંચ્યા. પાછા વળતાં એક શિવમંદિરના પ્રાંગણમાં ઘેરથી લાવેલું જમવાનું જમી લીધું. વનભોજનમાં ખૂબ આનંદ આવ્યો. એ પછી બહાર ખાજલવાસના સ્ટોપ આગળ આવ્યા. અહીંથી રાજપીપળા ફક્ત ૧૩ કી.મી. દૂર હતું. હવે અમારે વડોદરા જવાનું હતું એટલે ભરુચ પાછા જવાને બદલે રાજપીપળા તરફ આગળ વળ્યા અને રાજપીપળાથી ૭૩ કી.મી. કાપીને વડોદરા પહોંચ્યા. ટકાઉધોધ જોવા જેવો તો ખરો જ. ગુજરાતમાં જ આવો સરસ ધોધ આવેલો છે તે જાણીને-જોઈને ખૂબ જ આનંદ થયો. હવે અમારો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો થયો હતો. એકંદરે ફરવાની મજા આવી. ત્રણે સ્થળો રમણીય છે. કુદરતનો ખોળો ખૂંદવાની વૃત્તિ ધરાવનારને તો આ જગ્યાઓ જરૂર ગમવાની જ.

નોંધ : ઉમરપાડાની નજીક કેવડી નામનું એક ગામ આવેલું છે તે અને કેવડી નદી પરનો કેવડીડેમ – એ બંને અલગ સ્થળો છે. વળી, પંચમહાલ જીલ્લાના કંજેટાથી ૧૪ કી.મી. દૂર આવેલી કેવડી-ઇકો-કેમ્પસાઇટ પણ જુદી જગ્યા છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર
2020માં ભારત બને યુવાનો માટે બહેતર દેશ ! – ચેતન ભગત Next »   

6 પ્રતિભાવો : દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ

 1. ખુબ સુંદર વર્ણન!!! જાણે સાક્ષાત ધોધ ના દર્શન કર્યા હોય તેમ લાગે

 2. Pratima Mangrola says:

  અતિ રોમાંચક,બા….પુ….એકવાર તો જવુંજ જોઈએ.

 3. Ashish Dave, Sunnyvale, California says:

  Thanks for the pictures with such a nice article as always…

  Ashish Dave

 4. ખુબ સરસ સ્થળ. પ્રવાસ વર્ણનની ભાષા સરલ. તસ્વીર પણ સુન્દર.

 5. Raju Chitre says:

  ખુબ સરિ મહિતિ મલિ. ત્યન્થિ જરુર ઇસ્વર્ નુ સનિધ્ય માનિ સકાય્.. આભર્

 6. ખુબ સરસ વર્ણન,,, શૂળપાણેશ્વર વન્યપ્રાણી અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર ખુબ જ સમૃધ્ધ અને અનેક જળધોધ અને ઝરણાઓથી ભરપૂર છે. જેમાના કેટલાક બારમાસી છે. ગુજરાતના ખુબ જ ઓછા જાણીતા આ જંગલો અને તેના સ્થળોનો પ્રવાસ તમે અમદાવાદથી આટલે દૂર આવી કરી શક્યા તે ખરખર નવાઇ પમાડે તેવુ છે. નર્મદા,તાપી અને ડાંગના જંગલો ખરેખર સુંદર છે પણ જંગલોની સાચવણી માટે થોડી તકેદારી અને સ્થાનિક લોકોમા જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો સરકાર કરશે તો સ્થાનિક લોકોની ભાગીદારીથી આ જંગલો ઓર નીખરી શકે તેમ છે. ભરૂચ નર્મદાના હેજી કેટલાક સ્થળોની માહીતી ને નીચેની બ્લોગ્મા લખી છે. શક્ય બનશે તો અહી પણ ઉમેરો કરવા પ્રયત્ન કરીશ.
  http://nitin-vigyanbharti.blogspot.in/

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.