- ReadGujarati.com - http://www.readgujarati.com -

મારા વ્યક્તિત્વ વિકાસમાં ફાળો મારા પરિવારનો… – નીતા અજિત પંડિત

[ પ્રસ્તુત સત્યઘટનાત્મક જીવનપ્રસંગ ‘અખંડ આનંદ’ ડીસેમ્બર-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

સંયુક્ત કુટુંબમાં વડીલોને માન અપાતું અને તેમનો પડ્યો બોલ ઝિલાતો. સંયુક્ત કુટુંબ એક તાલીમશાળા હતી જેમાં ત્યાગીને ભોગવવાનું હતું. ગમતું હોય તોય બીજા માટે છોડવાનું રહેતું ને એની ફરિયાદ પણ કરવાની નહોતી. ઓછી વસ્તુથી વધારે સંતોષ માણવાનો હતો. અહીં સુખ કે દુઃખ કશુંય એકનું નહોતું, સહિયારું હતું. દુઃખથી ડરવાનું ન હોય. એકમેકની હૂંફ મળી જતી અને ચિંતા ચાલી જતી. સંયુક્ત પરિવારમાં તહેવાર અને વહેવાર બન્ને સચવાઈ જતા.

સંયુક્ત પરિવારમાં કાર્યભાર, જવાબદારી વધારે રહેતી તેથી પોતાના માટે સમય મળતો જ નહિ. બીજું દરેક બાબતે વડીલોની આજ્ઞા લેવી પડતી. તેમની સંમતિ સિવાય કાંઈ થઈ શકે નહિ. એટલે મોટો ફટકો પડ્યો સ્વતંત્રતા પર ! તેથી જ કમનસીબે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના પ્રતીક સમી સંયુક્ત પ્રથાને આજે ધક્કો લાગ્યો છે અને એ તૂટવા માંડી છે.

મારો ઉછેર રાજસ્થાનમાં થયો. માતા-પિતા અને અમે પાંચ ભાઈબહેન, હું સૌથી મોટી. પાંચ જણાં સાથે ઊછર્યાં એટલે બધું જ વહેંચાતું મળતું. વાપરવા મળતી વસ્તુઓ મારી નહિ પણ ‘અમારી’ રહેતી. માતા સરળ સ્વભાવનાં હતાં. તેમણે સંતોષનો પાઠ શીખવ્યો હતો, જે જીવનપર્યંત મને ઉપયોગી થયો. મારા પિતાજી શિસ્ત અને સમયના આગ્રહી. એમની મૂકેલી વસ્તુઓ જરૂર પડે એમને ન મળે તો ગુસ્સે થઈ જતા. ક્યાંય બહાર જવાનું હોય તો સમય કરતાં વહેલા તૈયાર થઈ જવાની એમને ટેવ. આ આગ્રહોમાંથી અમે ઘડાયાં તેથી આજે પણ કોઈ સમારંભમાં જવાનું હોય કે પછી બસ-ટ્રેન પકડવાની હોય, અમારાથી અડધો કલાક વહેલા જ તૈયાર થઈ જવાય છે. મારા કુટુંબની વાત કરું તો હું સંયુક્ત કુટુંબમાં રહી છું. મારા પરિવારમાં પ્રેમાળ સાસુજી અને એવા જ સ્નેહાળ શ્વસુરજી, પતિદેવ શાંત અને સૌમ્યતાની મૂર્તિ. મારે ત્રણ નણંદ છે, જેઓ પોતપોતાને ઘેર સુખી છે. મારાં સાસુમા મને પોતાની દીકરીની જેમ રાખતાં હતાં. એમના તરફથી મને એટલો પ્રેમ-હૂંફ મળતાં કે પિયરની યાદ પણ ન આવે ! ઘરનાં કામકાજ જેવાં કે કપડાં ધોવાં, ઘરની સફાઈ, વસ્તુઓ ગોઠવવી, સજાવટ કરવી, એ બધું હું કરી લેતી પણ…. સાચું કહું તો રસોઈ કરવી મને ગમે જ નહિ. શરૂઆતમાં મારાં સાસુમા રસોઈ કરી લેતાં એટલે આપણે બંદાને મઝા જ મઝા. હા, રસોઈના કામમાં મદદ કરતી પણ જવાબદારી લઈ એકલી રસોઈ કરવાની હિંમત થતી જ નહિ.

અને એક દિવસ રસોઈ કરવાનો વારો આવ્યો. સાસુમાને ક્યાંક બહાર જવાનું થયું. એ દિવસે અમારા પરિવાર માટે આનંદનો દિવસ હતો તેથી મને પૂરણપોળી બનાવવાનું કહીને તેઓ ગયાં. એ પહેલાં મેં કદી પૂરણપોળી બનાવેલી નહિ ! આવડે નહિ ને કોઈને પૂછ્યું પણ નહિ ! તુવેરની દાળને કૂકરમાં બાફવા મૂકી. બફાઈ ગયા બાદ તેમાં ખાંડ નાખીને પૂરણ તૈયાર કરવા ગૅસ ચાલુ કર્યો. હલાવે રાખ્યું પણ ઘટ્ટ થાય જ નહિ. એક કલાક થઈ ગયો પણ પૂરણ ઘટ્ટ થયું જ નહિ. અતિશય મૂંઝવણ થઈ. એને પડતું મૂકી સાદી રોટલી, ભાત-કઢી શાક વગેરે બનાવી લીધાં. જમવાનો સમય થયો. સસરાજી અને પતિદેવની થાળી પીરસી. પતિદેવે થાળીમાં નજર કરી તરત જ પૂછ્યું, ‘કેમ આજે સાદી રોટલી….? પૂરણપોળી…?’
‘બની નથી….’ મેં ટૂંકો જવાબ આપ્યો. પછી તો મેં જોયું કે થોડુંક જમીને બન્ને ઊભા થઈ ગયા. મને દુઃખ થયું. કમને હું જમવા બેઠી. કઢીમાં ગળપણ જ નહિ ! ઉતાવળમાં કરેલું શાક અધકચરું….! હું રડમસ થઈ ગઈ. મારી રસોઈ બગડી એ વાતનો મને અતિશય ક્ષોભ થયો. ‘રસોઈમાં વળી શું શીખવાનું, કરીએ એટલે આવડી જાય…’ મારો એ ભ્રમ આજે તૂટી ગયો. સાંજે મારાં સાસુમા આવ્યાં. મનમાં ડર હતો કે હમણાં જ મને ઠપકો મળશે ! આવા શુભ દિને બંને જણ ભૂખ્યા રહ્યા તેવી ટકોર તો થશે જ !

આ ઘટના ઘટી તે દિવસ હતો મારા પતિનો જન્મદિન ! બપોરનું ખાણું બગડ્યું. મેં સમગ્ર ઘટના મારાં સાસુને રડતા હૃદયે કહી. મારી આંખમાં અશ્રુ જોતાં સાસુએ હળવેથી હિંમત આપતાં કહ્યું : ‘નીતા, રસોઈ બગડી તેમાં આટલી હતાશા શાને ? કામ કરે તેને હાથે ભૂલ થાય, ન કરે તેની ભૂલ ક્યાંથી થાય, અરે….ગાંડી, રડીશ નહિ. ભૂલી જા આ બધું !’ મને મારી ભૂલ સમજાઈ. તેમની ઉષ્માપૂર્ણ વાતથી મારામાં હિંમત આવી અને પછી મારો આત્મવિશ્વાસ પણ વધ્યો. આવાં હતાં મારાં માતા સમાન મારાં સાસુમા. મારા બંને બાળકોના ઘડતરમાં મારાં સાસુ-સસરાનો ઘણો મોટો ફાળો રહ્યો છે. દાદીમા પ્રાર્થના-ભજન-શ્લોકો ગવડાવતાં અને કંઠસ્થ કરાવતાં. સાથે જ રામાયણ-મહાભારતની કથાઓ બાળકોને કહી સંભળાવતાં. દાદાજી રાત્રે બાળકોને આંક બોલાવે, પલાખાં પૂછે, અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ તૈયાર કરાવે. તેથી જ આજે તેઓ દાદા-બાની પ્રેમ-વાત્સલ્યની વાતો પોતાનાં સંતાનોને કહી ગૌરવ અનુભવે છે.

સ્નાતક થયા પછી લગ્ન થઈ ગયાં તેથી અનુસ્નાતક થવાની એક મહેચ્છા અધૂરી રહી ગઈ હતી. બંને દીકરા કૉલેજમાં આવ્યા બાદ મને સમય મળવા લાગ્યો. તેથી તક જોઈ મેં એમ.એ. કરવાની વાત કુટુંબ સમક્ષ મૂકી. સહેજ પણ આનાકાની વગર મને સહર્ષ સ્વીકૃતિ મળી ગઈ. મારા જીવનની એ યાદગાર ક્ષણ હતી ! પછી તો ફક્ત પતિએ જ નહિ, સાસુ-સસરા બધાંએ મને ઘરમાં વાંચવાની અનુકૂળતા કરી આપી. અને એમ.એ. થવાની મારી એ મહેચ્છા લગ્ન પછીના પચીસમા વરસે પૂરી થઈ. સામાજિક સંસ્થાઓમાં કાર્ય કરવા માટે મને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર હતા મારા સસરાજી. અમારા શહેરનાં મહિલામંડળ, મહિલા પુસ્તકાલય તથા બીજી સામાજિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મને ભાગ લેતી કરી હતી. આ સંસ્થાઓમાં જોડાતાં મને ઘણું શીખવા મળ્યું. તેથી મારો વ્યક્તિગત વિકાસ થતો રહ્યો છે. પતિદેવની મદદથી આજે મારી લેખનપ્રવૃત્તિને વેગ સાંપડ્યો છે. જે થોડું ઘણું લખી શકું છું તેમાં તેમનું માર્ગદર્શન મને મળતું રહે છે. તેથી ‘હું આજે જે કંઈ છું તે મારા પરિવારના પ્રતાપે છું.’ એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ કરતી નથી.