પુષ્પનો પગરવ – ઉર્વીશ વસાવડા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘પુષ્પનો પગરવ’ ગઝલસંગ્રહમાંથી પ્રસ્તુત ગઝલો સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. ઉર્વીશભાઈ વસાવડા (જૂનાગઢ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824295259 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતે આપવામાં આવી છે.]

[1]
નિહાળે છે તું આ બધી જે સજાવટ,
ખરેખર સમયની જ છે એ બનાવટ.

અદબ શ્વાસની જાળવી છેતરાયા,
ખબર ક્યાં હતી એ નીકળશે નપાવટ.

લખે રેત પર તું ભલે ઓટ વેળા,
હશે કાલ ભરતી, ભૂંસાશે લખાવટ.

કરી સાવ સરભર હિસાબો, નીકળશું,
ન બાકી હશે ચોપડે કૈં પતાવટ.

હવે રંગ ભગવો ફક્ત ચીતરું છું,
નથી શક્ય એમાં કશી પણ મિલાવટ.

[2]
જાળવેલો ભેદ જન્મોનો ઉઘાડો થઈ જશે,
એક ક્ષણમાં જાત જ્યારે પણ ધૂમાડો થઈ જશે.

એક રેખા દોરતી વેળા ખબર એ ક્યાં હતી,
આપણી સઘળી સફરનો એ સીમાડો થઈ જશે.

એક આ મનની સ્થિતિનો તાગ પામી લે તરત,
તાપ જો વધશે સ્મરણનો તો નિભાડો થઈ જશે.

કાચ માફક લાગણીને સાચવી રાખો છતાં,
એક પણ કારણ વિના એમાં તિરાડો થઈ જશે.

એક સાંકળ ખોલવામાં આયખું વીતે અગર,
શું કરીશું, બંધ જો સઘળાં કમાડો થઈ જશે ?

[3]
કુદરત પણ માંડે ગાવાને એવું લખશું,
દીપ પ્રગટશે પાને પાને એવું લખશું.

દરિયો છે, ઝંઝાવાતો ઊઠતા રહેવાના,
ચડે ઝાંઝવા પણ તોફાને એવું લખશું.

એ તિખારો મૂકી કલમ પર ફૂંક મારશું,
આગ લાગશે ભરી સભાને એવું લખશું.

ચ્હેરાથી ના ભલે ઓળખે કોઈ મને પણ,
શબ્દો વાંચી તરત પિછાને એવું લખશું.

બ્હાર ભલે ના કોઈ સ્વીકારે મારી વાતો,
સંમત હો સહુ અંદરખાને એવું લખશું.

એમ નથી કે લખશું કાયમ કડવી વાણી,
થોડું થોડું ગમે બધાંને એવું લખશું.

[કુલ પાન : 151. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “પુષ્પનો પગરવ – ઉર્વીશ વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.