સોનાનાં વૃક્ષો – મણિલાલ હ. પટેલ

[ પ્રકૃતિ વિષયક સુંદર નિબંધોના પુસ્તક ‘સોનાનાં વૃક્ષો’માંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે.
બધા ય દેવોને પોતાનાં અલગ અલગ વાહન છે. ઋતુનું પણ એવું અલગ વાહન છે, ભલે એ દેવી નથી પણ વૃક્ષ એનું વાહન છે. વૃક્ષો વિનાની ઋતુ જોઈ-જાણી નથી. પૃથ્વીના નિરવધિ પટ પર ઊભેલાં આ વૃક્ષો વિશાળ શતરંજફલક પર મૂકાયેલાં પ્યાદાં જેવાં લાગે છે, શૃંગેથી તમે એમને જોયાં હશે તો આ વાત ઝટ સમજાઈ જશે. વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે… અને ઋતુઓ વૃક્ષોને વ્હાલ કરતાં થાકતી નથી.

ખરતાં અને ખીલતાં વૃક્ષો કશુંક રહસ્ય ઊઘાડતાં રહે છે, જો આદમી ઈન્દ્રિયજડ ન હોય તો વૃક્ષો પ્રત્યેક ઋતુમાં જે અલખ સંદેશો લાવે છે એ સાંભળવા ઉત્સુક થઈ જતો હોય છે…. આવા લોકો હવે વિરલ થતા જાય છે એ ખરું. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે. ઋતુ ભોંયને ઊઘાડી કરી દે છે, રાતીભૂરી ટેકરીઓ પાછી નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે, ઋતુને હું દૂર દૂર વહી જતી જોઈ રહું છું, આમે ય, પરિવર્તનની પ્રક્રિયા જોઈ રહેવાનું આસ્વાદ્ય લાગે છે. સંક્રાન્તિમાં તો કેટકેટલું સંમિશ્ર થયા કરે છે. આંબા સોને મઢાઈ જાય છે, ને એ સોનામાં પાછી સુગંધ હોય છે. પણ સોનાનાં વૃક્ષો તો જુદાં જ, એમની સિકલ આ ઋતુમાં જ સાવ પરિવર્તાઈ રહે છે. ફાગણનો તડકો ખેતરોમાં ઉપણાતો હોય, ઘઉંની ફસલ સોનાવરણી થઈ ગઈ હોય, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય. સવારે પાકેલાં ખેતરો પર કાન માંડીએ તો રણકતાં સંભળાય – જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય ! પેલાં સોનાનાં વૃક્ષો આ જ દિવસોમાં ધ્યાન ખેંચવા માંડે છે…. હા, સોનાનાં વૃક્ષો એટલે મહુડા….

હવામાં છાક સમાતો ના હોય, બપોરે સમય સ્હેજ પોરો ખાતો હોય, પાનખર વસંતમાં પલટાઈ ગઈ હોય ત્યારે મહુડા માયા ઊતારતા યોગી જેવા લાગે છે. ગામના પહેલા ખેતરથી શરૂ થાય તે છેક વનો લગી આ વૃક્ષોની વસતિ. એનાં પાંદડાં બધાં જ પીળાં થઈ જાય, અદ્દલ સાચુકલા સોના જેવાં…. મહુડો સોને મઢાઈ જાય ! એની બધી જ ડાળીઓ સોનાપત્રો સાચવીને મલકાતી હોય ત્યારે પાકેલાં ખેતરોની ગંધથી સીમ મઘમઘી ઊઠે છે…. ક્ષણવાર થાય કે સોનું મ્હેંકે છે કે તડકો ? મહુડાઓને સોનેરી માયાના વૃક્ષે વૃક્ષે જુદા જુદા આકારો. કોઈ નીચાં, કોઈ એક ડાળીએ ઊંચા વધેલાં, કોઈ ધમ્મરઘટ્ટ વડલા જેવાં, કોઈ ખંડિત તો કોઈ નાનકી ઢગલી જેવાં, કોઈ પડછંદ વીર જેવાં…… ધરતીમાંથી અચાનક ફૂટેલા પીળા ફૂવારા જેવાં આ વૃક્ષો મારી આંખને જકડી રાખે છે. એક કવિએ કહ્યું છે કે ‘વૃક્ષો મારાં ભેરુ / વૃક્ષો – હું’. વૃક્ષો સાથેનું આવું અદ્વૈત હું ય અનુભવું છું. યંત્રયુગમાં વૃક્ષો સાથેની પ્રીતિ મારે મન કુદરતનો આશીર્વાદ છે, માણસોએ એ વરદાનને ઝીલી લેવું જોઈએ. વૃક્ષ જીવતો-જાગતો દેવ છે, જીવનનો દેવ છે ! જે દેવ પરોપકાર અને સહાનુભૂતિનો સાક્ષાત અવતાર છે. જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી. વૃક્ષનો ઈન્કાર જીવન-ચેતનાનો ઈન્કાર છે. એ ફૂલેફળે છે એમાં વાર્ધક્યપૂર્ણ જીવનનો સ્વીકાર રહેલો છે.

ગામડે અમે જે નાયકાઓને ખેતીમાં કામ કરવા રાખતા એ જ્યારે પરણવાના હોય ત્યારે દસ દસ દિવસ સુધી પીઠીને બદલે હળદર લગાવીને ફરતા રહેતા. શરૂઆતમાં એ લોકો પીળાચટ વાઘ જેવા લાગતા ને પછી આખાય ડીલે સોનેરી થઈ જતા. આજે મહુડાઓ પર સોનાના દિવસોને બેઠેલા જોતાં મને એ નાયકાઓ દેખાયા કરે છે. ગામડે બ્હેનો અને બા કોઈ પ્રસંગે પ્હેરવા માટે સોનાના દાગીનાને હળદરથી ધોતી, હળદરમાં ધોવાયેલાં એ દાગીના – ઘરેણાં અને પહેરનારના સ્મિતને હું જોયા કરતો હતો. એ ઉજળી ક્ષણો પછી મહુડાઓની સાખે આજે સાંભરી આવી છે.

પિતાજી પાસે બેચાર પૈસા ય વાપરવા માગતા ત્યારે એ હમેશાં કહેતા : ‘અહીં કાંઈ પૈસાનાં ઝાડ છે તે તોડી આપું….’ મને મનમાં એમ ઠસી ગયેલું કે પૈસા નક્કી ઝાડ પર પાકતા હશે, ને એવાં ઝાડ માત્ર રાજાઓ જ ઉગાડતા હશે. હા, સરકારનો ખ્યાલ તો ઘણો મોડો આવેલો, ને રૂપિયા-પૈસા વિશેનું જ્ઞાન પણ ઘણું મોડું મળેલું. કશુંય પ્રાપ્ત કરવું ત્યારે તો સાવ દુર્લભ હતું, ઘણી ચીજો તો જોઈ જ રહેવાની, કેટલુંક તો સાંભળીને જ સંતોષાવાનું. હાઈસ્કૂલમાં ભણવા બેઠો ત્યારે રેલગાડીમાં પહેલીવાર બેસવાનો અનુભવ, અરે ના રોમાંચ થયેલો. ને પગમાં બૂટ તો મેં કૉલેજમાં અધ્યાપક થયા પછી ઈડરમાં પહેલીવાર ખરીદીને પ્હેર્યા હતા ! જીવન ત્યારે ઘણું કિંમતી અને મર્મમય લાગતું હતું, દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાં જ મળેલાં…. એટલે ચાલતાં શીખ્યા એવા ઘરની બહાર ગયા, ને સીમ-વૃક્ષો-નદી-તળાવ સાથે દોસ્તી બાંધી. મને પ્રકૃતિએ આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું, ને એટલે જ આજે એ અણખૂટ વૈભવનો આનંદ છે. પ્રકૃતિને જોઉં-જીવું ત્યારે મને કશાની ઓછપ અનુભવાતી નથી. પ્રકૃતિ જ મારી મા રહી છે. આજે જ્યારે મહુડાઓને રૂપ બદલીને ઊભા રહી ગયેલા જોઉં છું ત્યારે પેલાં ‘પૈસાનાં ઝાડ’ મનમાં ઊગી નીકળે છે, થાય છે કે ચાલો, પૈસાનાં ઝાડ ના જોવા મળ્યાં તો ખેર, પણ આજે સોનાનાં ઝાડ તો જોવા મળ્યાં ! ને એ વૃક્ષોની હારમાળાઓ…. ઝૂંડ…. ભરચક મેદાનો ! તમે દેવગઢ બારિયા જોયું છે ? વીરેશ્વર – સારણેશ્વરનાં જંગલોની જેમ બારિયા જતાં ય મહુડાનું વન પીળાશથી છલકાઈ જતું હશે. ધરતીએ પ્રગટાવેલું કે આકાશે વરસાવેલું છે આ સોનું ? આ વૃક્ષોની વચ્ચેથી પસાર થાય છે નેરોગેજ રેલવે લાઈન. મહુડા મ્હેકતાં હોય ત્યારે એ ગાડીની મુસાફરી કેવી માદક બની જતી હશે. કાળાંભૂરાં થડ અગણિત… ને માથે ફરફરતું રવરવતું અને મર્મરતું સોનું ! સજીવ સોનું.

પછી પાંદડા ખરી જાય, સૂકાં પાંદડા તાંબાવરણાં થઈને મહુડા નીચેની ભોંયને મરુણ-કથ્થાઈ ભાતથી મઢી દે. આખું વન તામ્રપત્રે છવાઈ જતું લાગે. આદિવાસીઓ આ પાનના ઢગલા કરે, તાંબાની આ ઢગલીઓ સળગી ઊઠે ને રોજ સવારે વન વાદળી ધુમાડાથી ભરાઈ જાય…. દૂરથી એ બધું રહસ્યઘેરા પરીમુલક જેવું લાગે, મન ત્યાં જવા તલપાપડ થઈ જાય. જઈને જોઈએ તો વૃક્ષો પર્ણહીન… એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી… નકશી કરેલી સીદી સૈયદની જાળી સાંભરે…. ખાસ તો ડાળીઓને હાથા લટકી આવે ત્યારે. આ અસંખ્ય હાથાઓ છીંકણીરંગે રંગાયેલા રેશમી. ખરેખર તો એ મહુડાંની કળીઓ છે. આ હાથાઓથી આખું વૃક્ષ શોભી રહે. આ હાથાઓને ફલાવરપોટમાં સજાવીએ તો આખું ય વર્ષ એ એવા જ રૂપેરંગે જીવતા રહે. મહુડાઓ નર્યા, રેખાઓના માળખા જેવા લાગે….. ચિત્રકારોએ આવા લૅન્ડસ્કેપ- આવાં વૃક્ષોની ભરચકતાને ફલક પર ઉતાર્યાનું જોયું-જાણ્યું નથી કે સુરેશ જોશીનાં નિબંધોમાં આવો છાકભર્યો મહુડો ખાસ પ્રેમપૂર્વક પ્રગટેલો વાંચ્યો નથી. એમણે શિરીષને લાડ લડાવ્યાં છે એટલાં તો ગુલમ્હોર-ગરમાળાને ય નથી મળ્યાં, પછી આ વસતિથી વેગળો રહીને વર્ષમાં થોડાક જ દિવસોને મધુમયતાથી મદીર કરી જતો મહુડો એમની કલમને ઓછો જડે એ સહજ છે.

ફાગણ ને ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે. એ તરુ તળેની ધરતી પીળી ચાદરથી ઢંકાઈ જાય… આદિવાસીઓ કે ખેડૂતો એ મહુડાં એટલે કે મધુપુષ્પોને વીણી લે છે… એના અનેક ઉપયોગો છે – દારૂ બનાવવા સિવાય પણ. મહુડાને માણસની વૃત્તિએ વગોવ્યો છે, બાકી એ સૂકાં મહુડાંને શેકી ને ગોળ સાથે ખાઈએ ત્યારે જુદી જ મસ્તી આવે છે. ડળક ડળક વહી આવતાં આંસુને ઘણીવાર મહુડાંની ઉપમા અપાય છે. કેવી મીઠાશ છે એમાં ! વિરહિણીનાં આંસુ આવાં જ હશે ને ? મધમાખીઓ ને ભમરા આ ઋતુમાં જ મધનો સંચય કરે છે. રોજ અંધારી સવારોમાં અમેય મહુડાં સાચવવા ને વીણવા પહોંચી જતા. દાદા એ મહુડાંની સૂકવણી ચોમાસે બાફીને બળદોને ખવડાવતા… કહેતા ‘આનાથી બળદનો થાક ઊતરી જાય….’ મહુડાંની એ મ્હેંક આજેય વનમાં જઈને માણું છું. હમણાં જ વીરેશ્વરનાં જંગલોમાં મિત્ર યજ્ઞેશ દવે ને તુષાર શુક્લ સાથે ગયેલા. મહુડાનો કેફ અમને જંપવા દેતો ન્હોતો… તુષાર કહે : ‘મહુડો જ આપણું રાષ્ટ્રીય વૃક્ષ હોવું ઘટે…’ રસભરેલાં પીળાં મહુડાં ચાખતાં ચાખતાં થયેલી એ વાત અમને ય ગમી ગયેલી. યજ્ઞેશને વનના, વનભૂમિના અને વૃક્ષોના રંગો તથા ત્યાંના લૅન્ડસ્કેપોએ ધરવી દીધો હતો. આ મહુડો વસંત અને ગ્રીષ્મની વચ્ચે સાંકળ બની રહે છે. મહુડાંની ઋતુ ઉલતી જાય એમ ડાળીએ ડાળીએ કૂણી કથ્થાઈ જાંબલી કૂંપળો તતડી નીકળે, રાતોરાત વનપટ પડખું બદલી લે છે. કૂંપળોથી આખું વન પલપલી રહે છે. વૃક્ષોનાં વૃક્ષોને અખંડપણે એકસાથે કૂંપળખચિત જોવાનું ભાગ્ય બધાંને નસીબ નથી હોતું. પછી આ કૂંપળો આછી લીલી થાય, વન પર કશો વાવટો ફરકતો રહેતો પમાય ન પમાય ને પાંદડા ગાઢી લીલાશ પકડે. મહુડાં હતાં ત્યાં ડોળી (ફળ)નાં ઝૂમખાં લટકી આવે. આ ડોળી પાકીને ખરે ત્યારે અમે વીણી લાવતા. એના તેલમાંથી સાબુ ય બને છે… મહુડો વરસાદે પાછો નિજમાં નિમગ્ન બની જાય… જાણે છે જ નહિ એમ એ તરુ ચૂપ થઈ જાય છે.

બે જ માસમાં પોતાનો સર્જનખેલ આદરી ને આટોપી લેનારા મહુડા ઓછાબોલા પણ કામના માણસ જેવા છે. ઘણીવાર આ વૃક્ષોની આસપાસ રુક્ષ કાંટાળી છાલવાળા શીમળા જોઉં છું. કટોરી જેવાં રાતાં ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતાં હસ્યા કરે છે. વનની ધારે ધારે ને ખરેલા વનની વચ્ચે ઊંચી ડોકે કેસૂડાં ખીલી નીકળે છે. આવી ઋતુમાં મારી ઈન્દ્રિયચેતના અણબોટ બનીને વહે છે. મને નથી કાલિદાસ સાંભરતા કે નથી યાદ આવતા રિલ્કે-બોદલેર…. મારું મન આ ઋતુરૂપને અને વનસૌંદર્યને પોતાની ભોંય પર રહીને ભોગવે છે. શીમળાનાં ફૂલોમાંથી શાંતિને છલકાતી સાંભળું છું. એ ફૂલોની શીતળતા મારી આંખોને જળછાલક શી સ્પર્શે છે. શીમળા નીચે જઈશ તો રતાશથી ભીંજાઈ જઈશ એમ થાય છે. બસની બારીમાંથી દોડી જતા શીમળા જોઉં છું ને સાવ તરસ્યો રહી જાઉં છું. કંકુનો વર્ણ શીમળામાં વધારે સઘન લાગે છે. કેસૂડાની વાત જરા જુદી છે. કાળા વજ્રને ફોડીને એ બહાર આવતો હોવાથી એનામાં ભારે ખુમારી છે. વનને માથે એ સાફો થઈને બેસે છે. બાર બાર માસના મૌનનું સાટું એ કેસરી રંગે વાળવા ઊંચે ચડે છે, મેદાને પડે છે. અણુઅણુથી છલકાઈ જતો કેસૂડો નીરવ રાગને ઘૂંટ્યા કરે છે એટલે જોનારને પણ એ કેફનો પ્યાલો પાય છે. કેસૂડો આપણને બહેકાવી મૂકે છે જ્યારે શીમળો છલકાવીને ય શાંત કરી દે છે ! રંગોની કેવી અસર હોય છે ! દરેક વૃક્ષ પોતાની ઓળખ ગન્ધ વડે ય સાચવી રાખે છે. અરણી, આંકલવા, રાયણના મામા અને અજાણ્યાં વૃક્ષો ય આ ઋતુમાં ભીતર ખુલ્લું મૂકી દે છે. પણ આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ? સાંજે ઝીણા ઝીણા ચિલ્લીરવો સંભળાય છે, વનલાવરી ક્યાંક ઠંડી જગામાં છૂપાઈને બોલ્યા કરે છે પણ આપણો કાન કશાની નોંધ લેતો નથી, યંત્રોની કર્કશતાએ એને ખરડી નાખ્યો છે. પવન પાંદડા જોડે ગમ્મત કરે છે, બે કોયલો સંવનન કરતી રમણે ચડી છે. ગરમાળા ને ગુલમોર લચી પડવાની તૈયારી કરતા આંગણે ઊભા છે… પણ ચોકઠાબદ્ધ અને ટેવગ્રસ્ત જીવતા લોકો આ બધાયથી અળગા થઈ રહે છે.

ખરેખર તો આપણે સૂકાં પાંદડાં જેવા ખખડ્યા કરીએ છીએ, વેળાકવેળા કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે, આપણી ચેતનાનો ફૂવારો હવે ઊંચે ઊડી શકતો નથી. વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે, આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા ? આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે. ખુલવાનું કે ખીલવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલું જ, બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથે ય રહેતાં આવડ્યું નથી. આપણે સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને ? ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જાપાનવાસીઓને પૂછો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ શું છે ? સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે. પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં પાંગરી છે. વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે. હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું…..

[કુલ પાન : 90. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મુક્તકો – હેમેન શાહ
વાદળનાં ફૂલ – પૂજા તત્સત્ Next »   

14 પ્રતિભાવો : સોનાનાં વૃક્ષો – મણિલાલ હ. પટેલ

 1. સુંદર વર્ણન….

  બહુ જ ઓછા સમયમાં બધા જ પાંડડા ખેરવીને ફરી પાછા નવા પંદડા સાથે તૌયાર થતો મારા ઘરની સામે નો પીપળો મેં જોયો છે….ત્યારે ઇશ્વર નો શાક્ષાત ચમત્કાર જોતા હોઇ એ તેમ લાગે!

 2. kalpana desai says:

  પ્રકૃતિનું આટલું સુંદર વર્ણન!! મજા પડી ગઈ.એપ્રિલમાં મળસ્કે આહવાના જંગલમાં
  જંગલની શોભા જોવા ગયેલાં ત્યારે જાતજાતની સુગંધથી મન તર થઈ ગયેલું.મહુડા વિશે વાંચતાં મહુડાનાં ફુલ વીણવાનો ને ખાવાનો જે આનંદ મેળવેલો તેની યાદ ફરીથી તાજી થઈ.આ વર્ષે સોનાનાં વૃક્ષો જોવાની તૈયારી અગાઉથી કરવી પડશે.ધન્યવાદ.
  મૃગેશભાઈને પણ ધન્યવાદ ઘટે.

 3. rita jhaveri says:

  very nice picture comes to our mind reading this article.
  in USA trees like oak suddenly put out their stored enegy after cold tempratures are going.1st lot of flower like pollen comes.that gives way to new delicate leaves that cover the tree all over in 1-2 days & it turns green .
  & all the oaks in our area remain at same speed & harmony is amazing .those 2-3 days are so hard for people who are itching eyes due to allergy but still witnessing this miracle is all worth it.
  In fall season all oak & maple trees look so colorful as if covered with gold & copper & burning red hot.

 4. pradip shah says:

  બહુ વખતે મણિલાલ હ.પટેલ ની ક્રુતિ વાંચવા મળી !

 5. chandrika a rao says:

  બહુ સરસ.

 6. Mahesh shah says:

  Excellent very good!!!!!!!

 7. mamta says:

  Nice articles

 8. dip khuman says:

  Nice Articles
  Wonderful

 9. PATEL SACHIN says:

  Heart ♥ touch Natural

 10. vishakha bhagat says:

  This essay is a one of lesson of 10 standard. I Miss my school days with this nice story.

 11. Trivedi shivam says:

  જ્યારે નાના હતાં ત્યારે ભણેલો એક પાઠ આજે વાંચીને મજા આવી ગઇ , તે સમય મ ખોવાઇ ગયો

 12. અશોક સુતરીઆ says:

  પાંચ વષૅ સુધી ધોરણ 10મા ભણાવવાનો આનંદ છે.

 13. Thakor Nilesh says:

  ખરેખર આ પાઠ બૌ જ સુંદર હતો જે આજે પણ વાંચીએ તો દિલ માં ઉતરી જાય છે.હવે આવા પાઠ હોતા જ નથી ખબર નઇ એ સમય પણ ક્યાં ખોવાઈ ગયો…એ પાનખર ને એ વીતેલી વસંત આજે પણ આજે પણ યાદ છે…❤️

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.