વાદળનાં ફૂલ – પૂજા તત્સત્

[ ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2012માંથી સાભાર.]

‘ડેડી-’
‘હા બેટા-’
‘મોટો થઈને હું શું બનું ?-’
‘તારે જે બનવું હોય તે બેટા…’
‘હું તો સુપરમેન બનીશ…’
‘હા બેટા….’
‘ડેડી…’
‘હમઅઅઅ….’
‘આજે રાત્રે મારો તૂટેલો દાંત પીલો નીચે મૂકીને સૂઈ જઈશ તો કાલે સવારે પીલો નીચેથી મને પૈસા મળશે ?’
‘કોણે કહ્યું ?’
‘મમ્માએ…’
‘હા હા મળશે…’
‘પૈસા કોણ આપે ?’
‘ભગવાન આપે…’
‘ડેડી….’
‘હા બેટા….’
‘આવતા વીકએન્ડમાં મેકડોનાલ્ડ જઈશું ?’
‘હા બેટા…’
‘બેન ટેનનું નવું ટોય મળશે ?’
‘હા બેટા મળશે…’
‘બેન ટેન શું ખાય ?’
‘બધું ખાય બેટા…’
‘મમ્મા કહે કે એ સ્પિનચ બહુ ખાય એટલે આટલો સ્ટ્રોંગ છે…’
‘હા બેટા…’
‘ડેડી બેન ટેન વધારે શક્તિશાળી કે હનુમાન ?’
‘હનુમાનજી….’
‘સૌથી તાકતવર તો સુપરમેન જ હોય…’
‘ના બેટા હનુ….’

છોકરો અચાનક ઊભો થઈ સમુદ્રનાં ઊછળતાં મોજાં સામે જોઈ રહ્યો. પછી થોડી વારે મોજાંથી પણ વધારે સંખ્યામાં ઊભરાતા માણસો સામે જોવા લાગ્યો.
‘ડેડી કેમલ રાઈડ….’
‘ચાલો બેટા….’
છોકરો ઊંટ પર બેઠો. ડેડીએ એના ફોટા પાડ્યા. પછી બલૂન, પછી ક્રિકેટનો વારો આવ્યો…
‘ડેડી કુરકુરે…’
‘એ ન ખવાય બેટા….’
‘મોમને નહીં કહું બસ….’
‘એના કરતાં આઈસ્ક્રીમ ખાઈએ….’
‘ડેડી….’
‘શું બેટા…’
‘હવે ક્રિસમસ આવશે ?’
‘હા બેટા…’
‘પહેલાં ક્રિસમસ આવે કે દિવાળી ?’
‘દિવાળી…’
‘મમ્મા આપણી સાથે અહીં આવે તો કેવી મજા આવે…’
‘હા બેટા…’
‘પણ એ કહેતી હતી કે એને સી બીચ નથી ગમતો….’
‘….’
‘ડેડી તમને ‘દબંગ’ ગમે કે ‘સિંઘમ’ ?’
‘મને એ એ એ….’
‘મને તો ‘સિંઘમ’ ગમે….’

છોકરો લયબદ્ધ ડોલતો સિંઘમ સિંઘમ ગાવા લાગ્યો. ડેડીએ એના હાથપગ પરથી રેતી ખંખેરી. રૂમાલ વડે એના ગાલ પરથી આઈસ્ક્રીમના રેલા લૂછ્યા.
‘ડેડ આપણે આ વખતે પણ ક્રિસમસ વેકેશનમાં ગોવા જઈશું ? ગઈ ક્રિસમસમાં કેવી મજા આવી હતી, નહીં…’
‘જોઈએ બેટા આ વખતે પોસિબલ નથી…’
‘પોસિબલનું ઓપોઝિટ ઈમ્પોસિબલ થાય ?’
‘હા બેટા…’

એવામાં એક છોકરો આવીને ભીખ માગવા લાગ્યો. ડેડીએ એને ખીસામાંથી સિક્કા કાઢીને આપ્યા. એ લઈને એ દૂર ઊભેલી એની મા પાસે દોડી ગયો.
‘એ કોની પાસે દોડી ગયો ?’
‘એની મમ્મા પાસે…’
‘બાજુમાં છે તે એના ડેડી છે ?’
‘હા….’
‘એ લોકો પુઅર છે ?’
‘હા બેટા…’
‘આપણે રિચ છીએ ?’
‘ના એટલે આપણે આમ…’
‘રિચ નથી ?’
‘આપણે બંનેની વચ્ચેના કહેવાઈએ….’
‘મીતા કહેતી હતી પુઅર લોકોને પૈસા ન અપાય. દારૂ પીએ. હવે એ દારૂ પીશે ?’
‘હા કદાચ…’
‘આપણે પુઅર નથી તો પણ તમે દારૂ પીઓ છો ?’
‘હું…. ત્યાં સામે જો બેટા પેલા જાડા અંકલ કેમલ પરથી કેવા પડવા જેવા થઈ ગયા છે ?’ છોકરો અટકીને એ દિશામાં જોવા લાગ્યો. પછી તાલી પાડીને ખડખડાટ હસવા લાગ્યો. પછી અચાનક જમીન પર બેસીને બંને હાથ વડે દરિયાની ભીની રેતીમાં ઘર બનાવવા લાગ્યો.

‘ઊભો રહે બેટા શૂઝ કાઢીને બનાવ નહીં તો રેતી ભરાઈ જશે…’ ડેડીએ એનાં શૂઝ અને મોજાં કાઢીને બાજુમાં મૂક્યાં. હાથથી બરાબર આકાર આપીને છોકરાએ ઘર બનાવ્યું. પછી એક સળી વડે બાજુમાં લખ્યું : અર્જુન્સ હાઉસ.
‘ડેડી, હું નેક્સ્ટ યર સેકન્ડમાં આવીશ પછી થર્ડ, ફોર્થ એમ કરીને ટ્વેલ્થમાં, પછી કૉલેજમાં, પછી જોબ કરીશ, પછી મારા મેરેજ થશે ?’
‘હા, હા બેટા…’
‘જોબ કરીએ તો જ મેરેજ કરાય ?’
‘હા બેટા….’
‘હું કોની સાથે મેરેજ કરું ?’
‘હમઅઅઅઅ…’
‘હું તો વિશ્વા સાથે કરીશ…’
‘કોણ વિશ્વા….’
‘મારા કલાસમાં જ છે….’
‘સારું….’
‘હવે અંધારું થશે એટલે આપણે પાછા જઈશું ?’
‘હા.’
‘કેવું સારું મમ્મા ન હોય એટલે મને તો કારમાં તમારી સાથે આગળની સીટ પર બેસવા મળે… પણ મમ્મા હોય તો વધારે સારું….’
‘…’
‘ડેડી મારા કલાસનો એક છોકરો કહેતો હતો કે એ ઘરે એકલો જ રહે છે…’
‘એવું ન હોય બેટા…’
‘હા. એનાં મમ્મા-ડેડી સવારે જોબ પર જાય પછી થોડા દિવસ આવે જ નહીં. એ રાત્રે એસી ચાલુ કરીને એકલો સૂઈ જાય. સવારે જાતે જાતે લંચ-બોક્સ ભરીને સ્કૂલે આવે. બોલો કેટલો સ્માર્ટ કહેવાયને !….’
‘એવું ન બને. એનાં મમ્મા-ડેડી રાત્રે ઘરે આવી જતાં હશે…’
‘ના એ રાત્રે પણ એકલો જ રહે છે….’
‘અચ્છા….’
‘મારે તો કેટલું સારું મોમ સાંજે ઘરે આવી જાય. વીકએન્ડમાં ડેડી સાથે ફરવા મળે…’
‘હા બેટા…’
‘પણ તમે અને મોમ બંને મારી સાથે રહેતાં હો તો…. આપણે વીકએન્ડમાં પણ સાથે ફરવા જઈએ….’
‘હા પણ…’
‘તમે દારૂ પીઓ છો એ મમ્માને ગમતું નથી એટલે….’
‘ના એવું….’
‘એના કરતાં તમે ટ્રોપિકાના જ્યુસ પીઓ તો… ડેડી, વિરાટને તો નાની બેબી-સિસ્ટર પણ છે. એ કહેતો હતો મને હવે બેબી-સિસ્ટર નહીં મળે, કેમ કે તમે અને મમ્માએ ડિવોર્સ…..’
‘આજે લંચબોક્સમાં શું લઈ ગયો હતો, બેટા ?…’
‘ડેડી મેરેજમાં એક હાઉસ અને એક ટીવી અને ડિવોર્સમાં બે હાઉસ અને બે ટીવી હોય હેંને ?’
‘હા પણ…’
‘પણ ડેડી મમ્માને તો બેબી-સિસ્ટર આવી શકે ને એમ પણ બેબી તો વુમનને જ આવેને ?’
‘હા બેટા પણ….’
‘ડેડી લાસ્ટ ક્રિસમસમાં આપણે ગોવા ગયા હતા ત્યારે શિપમાં બેસવાની કેવી મજા આવી હતી ?’
‘હા બેટા…’
‘વિવેક અંકલ, આન્ટી, મમ્મા, તમે, હું બધાંએ કેવો ડાન્સ કર્યો હતો નહીં….’
‘હા બેટા….’
‘પછી રાત્રે તમે મોમ સાથે ગુસ્સામાં ફાઈટ કરતા હતા ત્યારે બેન ટેનના ગંદા એલિયન જેવા દેખાતા હતા…’
‘બેટા બીજો આઈસક્રીમ….’
‘ડાન્સ કરતી વખતે અંકલે મોમનો હાથ પકડ્યો હતો એવું બધું બોલતા હતા….’
‘…..’
‘ડેડી પહેલાં જોબ, પછી મેરેજ, પછી ડિવોર્સ થાય ?’
‘….’
‘અંકલે મોમનો હાથ ન પકડ્યો હોત તો ન થાત ?’
‘….’
‘ડેડી જલદી જુઓ પેલાં વાદળ આકાશમાં કેવાં દોડાદોડી કરે છે….’
‘હેં હા બેટા…’
‘ડેડી પેલાં નાનાં વાદળ સ્કાય બ્લુ કલરનાં ફૂલ જેવાં દેખાય છે ને….’
‘હા હા બેટા એકદમ ફૂલ જેવાં….’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “વાદળનાં ફૂલ – પૂજા તત્સત્”

Copy Protected by Chetan's WP-Copyprotect.