[ આજે 150મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે માણીએ આ યુગપુરુષના કેટલાક ક્રાંતિકારી વિચારો અને તેમાં રહેલું વ્યાપક આંતર દર્શન.]
[1] મંદિરો કે દેવળો, પુસ્તકો અથવા મૂર્તિઓ ધર્મનાં માત્ર બાલમંદિરો છે; આધ્યાત્મિકતામાં પ્રવેશવા માગતા બાળ-સાધકને ઉચ્ચ પગલાં ભરવામાં તે શક્તિમાન બનાવે છે; અને સાધકને જો ધર્મની જરૂર હોય તો આ પ્રથમ પગલાંઓ આવશ્યક છે. તમન્ના અને ઈશ્વરને મેળવવાની તાલાવેલી સાથે જ ખરી ભક્તિ આવે છે.
[2] માણસ તમને ઘણો વિદ્વાન લાગે કે સાવ અજ્ઞાની લાગે, પણ તેનામાં વિશ્વાસ રાખો; માણસ તમને દેવ જેવો દેખાય કે દાનવની મૂર્તિ જ દેખાય પણ તેનામાં વિશ્વાસ રાખો. પ્રથમ માણસમાં શ્રદ્ધા રાખો પછી જો તેનામાં ખામીઓ જણાય, જો તે ભૂલો કરે, જો તે પ્રાકૃતમાં પ્રાકૃત અને હલકામાં હલકા સિદ્ધાંતોમાં માને તોપણ એમ માનજો કે એ બધાં તેના સાચા સ્વભાવનાં લક્ષણો નથી, પણ તેની સમક્ષ ઊંચા આદર્શોના અભાવનું એ પરિણામ છે.
[3] જગતમાં બધે પ્રકાશ ફેલાવો. પ્રકાશ, બસ પ્રકાશ લાવો ! સૌ કોઈને પ્રકાશ મળે એમ કરો. જ્યાં સુધી સૌ કોઈ પરમાત્મા પાસે પહોંચ્યું નથી, ત્યાં સુધી આ કાર્ય પૂરું નહીં થાય. ગરીબોને પ્રકાશ આપો; પણ પૈસાદારોને વધુ પ્રકાશ આપો કારણ કે તેમને ગરીબો કરતાં એની વિશેષ જરૂર છે. અશિક્ષિતોને પ્રકાશ આપો; પણ સુશિક્ષિતોને વધુ પ્રકાશ આપો, કારણ કે આપણા જમાનાના શિક્ષણની અહંતા જબરજસ્ત છે !
[4] મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી. બીજું, લોકોનાં દુઃખ દૂર કરવા માટે મીઠાશભર્યા વચનો અને ત્રીજું, પર્વતસમાન મુશ્કેલીઓને પાર કરવાની ઈચ્છાશક્તિ. જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના. તમારે છાપાઓમાં લેખો છપાવવાની જરૂર નહીં રહે; તમારે ભાષણખોરીનીયે જરૂર નહીં પડે. તમારો ચહેરો જ દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તોપણ એ પથ્થરની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે. અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે, અને અંતે એ કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે.
[5] ઉતાવળા ન થાઓ; અન્યની નકલ કરવા દોડો નહીં. વાંદરનકલ એ સંસ્કૃતિ નથી. હું ભલે રાજાનો પોશાક પહેરું પણ એથી કાંઈ હું રાજા થોડો થઈ જવાનો હતો ? ગધેડાને માથે સિંહનું ચામડું ઓઢાડો તોપણ એ ગધેડો સિંહ નહીં થાય. નકલથી કદી પ્રગતિ થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલા ભયાનક અધઃપાતની નિશાની છે.
[6] લોકો પોતાને ઠીક લાગે તેમ ભલે ભારતના પુનરુદ્ધારની વાતો કર્યા કરે; પરંતુ જેણે આખી જિંદગી ભારતના હિત માટે કાર્ય કર્યા કર્યું છે અગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એવા એક અદના આદમી તરીકે હું તમને કહી દઉં કે તમે આધ્યાત્મિક શક્તિવાળા નહીં બનો ત્યાં સુધી ભારતનો કોઈ ઉદ્ધાર થવાનો નથી.
[7] આવતી કાલે જ હું મરી જાઉં, તો પણ કાર્ય મરવાનું નથી. હું ખરા અંતઃકરણથી માનું છું કે હજારો એવા યુવકો નીકળી આવશે, જેઓ આ કાર્યને ઉઠાવી લેશે; અને મારી ગગનગામી આશાએ કલ્પ્યું પણ નહીં હોય તે કરતાં પણ વધુ ને વધુ આગળ ધપાવ્યે જશે. મને મારા દેશમાં, ખાસ કરીને મારા દેશના નવયુવકોમાં શ્રદ્ધા છે.
[8] શરીરમાં પોતાને નીરોગી બનાવવાની અમુક એક શક્તિ રહેલી છે; ઘણી બાબતો – જેવી કે માનસિક અવસ્થાઓ, ઔષધિઓ, આસનો, વગેરે – તેની આ રોગનિવારક શક્તિને જગાડીને કાર્યપ્રવણ બનાવી શકે છે. જ્યાં સુધી આપણે ભૌતિક પરિસ્થિતિઓથી હેરાન થઈએ છીએ ત્યાં સુધી ભૌતિક સાધનોની મદદ આપણને જરૂરની છે. જ્યાં સુધી આપણે જ્ઞાનતંતુઓના બંધનથી મુક્ત ન થઈ શકીએ ત્યાં સુધી આપણે ભૌતિક સાધનોની ઉપેક્ષા કરી ન શકીએ.
[9] આપણા પૂર્વજો શાંતિથી બેસીને ઈશ્વર અને નીતિધર્મનો વિચાર કરતા; આપણને પણ તે જ પ્રમાણે તે જ ધ્યેય માટે બુદ્ધિ આપવામાં આવી છે; પૈસાના લોભની દોડધામમાં આપણે ઈશ્વર અને નીતિધર્મ બેઉને ગુમાવીએ એવો સંભવ છે.
[10] જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ?
[11] આપણે આ દુનિયામાં આવ્યા તે પહેલાં તેની બહાર નીકળી જવાનાં સાધનો પણ ઈશ્વરે આપ્યાં છે; તેથી આપણે તો માત્ર આ સાધનો શોધી કાઢવાનું જ કામ કરવાનું છે. રીત અંગે ઝઘડો ન રાખો. માત્ર સાક્ષાત્કાર કરવા તરફ નજર રાખો અને તમને અનુકૂળ લાગે તેવી ઉત્તમ રીત પસંદ કરો. તમે કેરી ખાવા માંડો. ટોપલા માટે બીજાઓને ઝઘડવા દો.
[12] કોઈને પણ અંગત રીતે ચાહવું એ બંધન છે. સૌને એકસરખી રીતે ચાહો, એટલે બધી ઈચ્છાઓ ટળી જશે.
[13] ચાર મુસાફરો એ ઊંચી દીવાલ પાસે આવ્યા. પહેલો મુશ્કેલીથી તેની ઉપર ચડી ગયો અને પાછું જોયા વિના બીજી બાજુએ કૂદી પડ્યો. બીજો માંડ માંડ દીવાલ ઉપર ચડી ગયો, આજુબાજુ જોયું અને પછી આનંદની બૂમ મારીને દીવાલ પાછળ અદશ્ય થયો. ત્રીજો પણ ઉપર ચડ્યો; પોતાના આગલા સાથીદારો ક્યાં ગયા તે જોયું અને આનંદથી ખડખડાટ હસ્યો તથા તેમની પાછળ ગયો. પણ ચોથો પોતાના સાથીદારોનું શું થયું તે કહેવા માટે પાછો આવ્યો. માયાની દીવાલ ઓળંગીને પેલે પાર ગયેલા મહાનુભાવો પાસેથી આવતું હાસ્ય એ માયાની દીવાલને પેલે પાર કંઈક છે તેની આપણને મળતી નિશાની છે.
[14] અપવિત્ર કલ્પના અપવિત્ર કર્મ જેટલી જ ખરાબ છે. સંયમમાં રાખેલી ઈચ્છા સર્વોચ્ચ પરિણામે લઈ જાય છે. ઈન્દ્રિયભોગની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં ફેરવી નાખો, પણ તેને પાંગળી ન બનાવો; કારણ કે તેનો અર્થ તો શક્તિને વેડફી નાખવાનો છે. આ શક્તિ જેટલી વધારે તેટલું તેનાથી વિશેષ કામ થાય. પાણીનો જોરદાર પ્રવાહ જળશક્તિ દ્વારા કરવાના ખોદકામ માટેની પ્રચંડ કાર્યશક્તિ પ્રગટ કરી શકે.
[15] દેશ, કાળ અને નિમિત્ત એ બધાં ભ્રમ છે. તમે બદ્ધ છો અને મુક્ત થશો તેમ માનો છો, તે તમારો રોગ છે. તમે અવિકારી આત્મા છો. વાતો ન કરો. શાંતિથી બેસી જાઓ અને બધી ચીજોને ઓગળી જવા દો. તેઓ માત્ર સ્વપ્નાં છે. ત્યાં કશો ભેદ નથી, કોઈ વિશિષ્ટતા નથી; તે બધો વહેમ છે. માટે ચૂપ થઈ જાઓ અને તમે શું છો તે જાણો.
11 thoughts on “વ્યાપક દર્શન – સ્વામી વિવેકાનંદ”
Nice
સ્વામિ વિવેકાનંદ આજે પણ એટલાજ પ્રસ્તુત છે. ૧૫૦ મા જન્મદિને સૌ ભારતવાસી સાચા ભારતિય બને એજ અભ્યર્થના.
બહુ જ સરસ……..
THIS IS PREEMINENT AND BEST ARTICAL FOR ALL
very inspirationl thoughts..really great person.
Very nice thoughts
He was really father of motivational knowledge
ચુમ્બકેીય શક્તિ છે સ્વામિ વિવેકાનન્દના વચનોમા, જે હમણા જ સામે બોલતા હોય એમ લાગે અને હદય ને સ્પર્શ કરેી જાય……
આદયાત્મિક દ્રષ્ટી કેળવવા પ્રેરણાસ્તોત્ર.
what an amazing and strong article
તમે બદ્ધ છો અને મુક્ત થશો તેમ માનો છો, તે તમારો રોગ છે. તમે અવિકારી આત્મા છો. વાતો ન કરો. શાંતિથી બેસી જાઓ અને બધી ચીજોને ઓગળી જવા દો. તેઓ માત્ર સ્વપ્નાં છે. ત્યાં કશો ભેદ નથી, કોઈ વિશિષ્ટતા નથી; તે બધો વહેમ છે. માટે ચૂપ થઈ જાઓ અને તમે શું છો તે જાણો.