[ સૌ વાચકમિત્રોને આજના પતંગપર્વ એટલે કે મકરસંક્રાંતિની શુભકામનાઓ. પ્રસ્તુત બાળગીત ‘બાલમૂર્તિ’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યું છે.]
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.
ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.
લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !
પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.
કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !
દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.
4 thoughts on “પતંગ – રામુ ડરણકર”
ખુબજ સરસ
ખુબ જ સુન્દર,અને મનોરન્જક કવિતા
ખુબજ સરસ
સરસ,પતન્ગપર્વનેી સુન્દર કાલ્પનિક કાવ્યરચના.