[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
અનાડી આવ્યો રે વંટોળ,
ચકળવકળ ચકરાવે લેતો આવ્યો રે નઘરોળ
અનાડી આવ્યો રે વંટોળ
શ્વાસે શ્વાસે મણકા ગણતી મનખા કેરી માયા,
આસપાસમાં ઊંચા શ્વાસે ચકરાતી મનછાયા,
રોમ રોમ જાગે રટણા, કોણ થતું અંઘોળ !
અનાડી આવ્યો રે વંટોળ
પલાશનો ચંદરવો ઓઢી વસંત આંહીં મલકે
ધરતી હૈયે મધમધ ફૂલો પીપળ કેવી છલકે !
પતંગિયાંની ઊડતી આવે ઝૂલો ઝાકમ ઝોળ,
અનાડી આવ્યો રે વંટોળ
આકળ વિકળ અંધારામાં કોની મૂરત દેખું;
ભીતરમાં ચઢતી ભરતીમાં કોની સૂરત પેખું !
શમણાંના સળ ખોલું ત્યાં તો, છલકે અચરજ છોળ
અનાડી આવ્યો રે વંટોળ
One thought on “વંટોળ – જગદીશ ધનેશ્વર ભટ્ટ”
બહુ જ સરસ…