એકાંત અને શાંતિનું ધામ – મૃગેશ શાહ

લાંબા સમયના એકધાર્યા કામકાજથી કંટાળેલા લોકો મોટેભાગે ટૂંકા પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. એક-બે દિવસના આવા પ્રવાસોની મુખ્ય તકલીફ એ છે કે એમાં માનસિક થાકને ઉતારવા જતા શારીરિક થાક ઘર કરી બેસે છે ! વળી, કોઈ પણ જગ્યાને ફક્ત જોવી અને માણવી એ બંને જુદી વસ્તુ છે. ત્રણ-ચાર સ્થળોને ફક્ત જોઈને નીકળી જવા કરતાં કોઈ એક સ્થળના સૌંદર્યને માણવું એ કંઈક અલગ અનુભૂતિની વાત છે. મોંઘાદાટ રિસોર્ટ, હોટલો અને ખર્ચાળ ટૂર-પેકેજો એટલો આનંદ નથી આપી શકતાં, જેટલો આનંદ કોઈક સાત્વિક સ્થાનમાં ગાળેલા થોડા કલાકોમાં મળે છે.

આજે એવા જ એક સ્થાન વિશે વાત કરવી છે જેની નિતાંત શાંતિ આપણા મન અને હૃદયને પ્રસન્નતાથી ભરી દે છે. એ છે ‘મોટી કોરલ’ ગામ પાસે આવેલ ‘પંચમહાદેવ અને પુનિત આશ્રમ’. ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ જગ્યા બહુ ઓછી જાણીતી છે અને તેથી જ એની શાંતિ અને સૌંદર્ય અકબંધ રહી શક્યું છે. જેમને કંઈક સાધના કરવી છે અથવા તો વાંચવુ-લખવું છે, તેઓની માટે આ ઉત્તમ સ્થળ છે. વિશાળ મંદિર અને આશ્રમની પવિત્રતા સ્હેજે સ્પર્શે છે. મૌન રહીને ચિંતન-મનન કરવા ઈચ્છનાર તથા પ્રકૃતિના સૌંદર્યનું પાન કરનાર કોઈ પણ જાગૃત વ્યક્તિને અહીંનું વાતાવરણ ખૂબ મદદ કરે છે.

સૌપ્રથમ એ જોઈએ કે આ સ્થાન સુધી કેવી રીતે પહોંચી શકાય ? વડોદરા-મુંબઈ નેશનલ હાઈ-વે નંબર-8 પર પોર, કાયાવરોહણ ને પસાર કરતાં કરજણ સુધી પહોંચ્યા બાદ ત્યાંથી આગળ સુપ્રસિદ્ધ તીર્થ નારેશ્વર તરફના રસ્તે થઈને ત્યાં જઈ શકાય છે. હાઈ-વેથી નારેશ્વર 27 કિ.મી અંદર છે. ગ્રામ્ય વિસ્તારો અને વડના ગીચ વૃક્ષોની વનરાજીમાંથી પસાર થતાં કુદરતને ખોળે આવ્યાનો અહેસાસ થાય છે. થોડા ઉબડખાબડવાળા એકમાર્ગી રસ્તા અને ગણપતપુરા પાસે આવેલ રેલ્વે-ક્રોસિંગને પસાર કરીને આગળ વધતાં છૂટીછવાયી દૂકાનો અને ખેતરમાં મજદૂરીએ જતાં ગામવાસીઓ નજરે પડે છે. ક્યાંક બકરીઓના કે ઘેટાનાં ટોળાં તો ક્યાંક ગાયોના ધણ રસ્તો રોકી લે છે. ઝાડની ડાળીએ ટાયર બાંધીને હિંચકા ખાતાં ભૂલકાંઓ એ ગ્રામ્યવિસ્તારોની ઓળખ સમાન છે. સાઈકલ પર ખેતર તરફ જતાં ખેડૂતો આનંદમાં નિમગ્ન જણાય છે. નારેશ્વર પહોંચતા બે રસ્તા પડે છે. એક રસ્તો સંત રંગઅવધૂત મહારાજના મંદિર તરફ જાય છે અને બીજો રસ્તો પાલેજ તરફ જાય છે. આ પાલેજ તરફના રસ્તે આશરે એકાદ-બે કિલોમીટર આગળ જતાં ‘મોટી કોરલ’ ગામ તરફ જવાનું બોર્ડ નજરે ચઢે છે. એ રસ્તે અંદર વળીને આશરે 5-7 કિ.મી.નું અંતર કાપવાનું રહે છે. અહીં પ્રવેશ કરતાં જ દુનિયાથી સાવ અલગ થઈને કોઈ નિર્જન ઉપવનમાં આવી ગયા હોઈએ તેવું લાગે છે. આ રસ્તે ખૂબ જ ઓછી માનવવસ્તી છે. ખેતરોમાં મુખ્યત્વે શેરડી અને કપાસનો પાક લહેરાય છે. અહીં અવાજોનું પ્રદુષણ નથી કે નથી વાહનોની અવરજવર. ભાગ્યે જ કોઈ વાહન નજરે ચઢે છે. મુખ્યત્વે માટીના મકાનો હોવા છતાં ક્યાંક પાકા મકાન પણ જોવા મળે છે. થોડું અંતર કાપ્યા બાદ ‘મોટી કોરલ’ ગામનું પાદર આવી પહોંચે છે. ત્યાંથી બે રસ્તા છે. એક રસ્તો આશાપૂરી માતાના મંદિર તરફ જાય છે અને બીજો રસ્તો આ પુનિત આશ્રમ તરફ જાય છે. પુનિત આશ્રમના રસ્તે આગળ જતાં ‘પંચમહાદેવ અને પુનિત આશ્રમ’ લખેલી મોટી કમાનનું પ્રવેશદ્વાર નજરે પડે છે.

આશ્રમમાં પ્રવેશતાં ડાબા હાથે નવું તૈયાર થયેલું ‘પુનિત ભુવન’ જોઈ શકાય છે. પાસે એક નાનકડો બગીચો છે અને થોડાં પગથિયાં ઉપર ચઢતાં મંદિરનું વિશાળ અને નયનરમ્ય પરિસર દષ્ટિગોચર થાય છે. અહીં મુખ્યત્વે ભગવાન રણછોડજીનું મંદિર આવેલું છે. રણછોડજીની સુંદર પ્રતિમાની સાથે એક જ ઘુમ્મટ નીચે ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે. શૈવ-વૈષ્ણવની એકતાના પ્રતિકરૂપ આ તીર્થ એક અલગ ઓળખ ઊભી કરે છે. આ અહીંની વિશેષતા છે. લોકકથા પ્રમાણે એમ કહેવાય છે કે કોઈક પરદેશી શાસકે અહીં હુમલો કર્યો ત્યારે આ શિવલિંગમાંથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા હતા અને તેનાથી હુમલાખોરો ગભરાઈને ભાગી ગયા હતા. મુખ્ય મંદિરની આસપાસમાં આવેલા બીજા ચાર-પાંચ નાના-નાના મંદિરોમાં શંકર ભગવાનના જુદા જુદા શિવલિંગને ‘બ્રહ્મણેશ્વર મહાદેવ’ કે ‘કેદારેશ્વર મહાદેવ’ એવા જુદા જુદા નામ આપવામાં આવ્યાં છે. મંદિરમાં ક્યાંક જુદા જુદા આકારના યજ્ઞકુંડો પણ બનાવેલા છે. મંદિરની પાછળના ભાગમાં વિશાળ ચોક છે. ચોકના છેડે બાંકડા ગોઠવવામાં આવ્યા છે. અહીં બેસતાં દૂર દૂર સુધી ચોતરફ સુંદર ખેતરો દેખાય છે. ક્યાંક કેળ તો ક્યાંક અન્ય શાકભાજીના પાક લહેરાય છે. જુદા જુદા પક્ષીઓના અવાજો સાંભળવા મળે છે. આસપાસમાં એકપણ મકાન ન હોવાથી માઈલો દૂર આવેલા પર્વત કે ટેકરીઓ સહિત ક્ષિતિજને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

અહીંનું મુખ્ય આકર્ષણ છે નિતાંત શાંતિ. કોઈ જ અવાજ કે ઘોંઘાટ નહીં. જૂજ માનવવસ્તીને કારણે અવરજવર ઓછી રહે છે. મંદિર સાથે જોડાયેલા પુનિતઆશ્રમમાં રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા છે. પદયાત્રીઓ, યાત્રિકો કે કોઈ પણ મુલાકાતીઓને સવારે બાર વાગ્યે અને સાંજે સાત વાગ્યે વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. લેખક-કવિ, સાહિત્યકાર કે કોઈ સાધક જો અહીં પોતાના અભ્યાસ માટે એક મહિનો રહેવા ઈચ્છતા હોય તો એ માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. એક માસ માટે રોકાણ કરનારને અહીં રૂ. 3000 ભરવાના રહે છે જેમાં તેમને ‘પુનિત ભુવન’માં અલગ રૂમ આપવામાં આવે છે અને તેમની સવાર-સાંજ જમવા-ચા ની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. વળી, અહીં મોબાઈલ અને ઈન્ટરનેટનું નેટવર્ક પૂરેપૂરું ઉપલબ્ધ છે આથી લેપટોપ જેવા ઉપકરણો વાપરનારને કોઈ અગવડ રહેતી નથી. વડોદરાથી 70 કિ.મીના અંતરે આવેલું આ સ્થાન ખરેખર એકાંતનો અનુભવ કરાવનારું છે.

મોટી કોરલ ગામની આસપાસ અનેક તીર્થ વસેલાં છે. સાત-આઠ કિ.મીના અંતરે નારેશ્વર જઈ શકાય છે. અહીંથી માલસર 40 કિ.મીના અંતરે આવેલું છે. થોડું વધુ અંતર કાપીને કાયાવરોહણની મુલાકાત પણ લઈ શકાય છે. પાલેજ 18 અને ભરૂચ 45 કિ.મી.ના અંતરે આવેલાં છે. જેમને ભારતનું ખરું જીવન જોવાની ઈચ્છા હોય, પ્રકૃતિનું અફાટ સૌંદર્ય જેણે મન ભરીને માણવું હોય તેમણે આવા સ્થાનની મુલાકાત લેવી અત્યંત આવશ્યક છે. આ પ્રકારના એકાંત અને શાંતિભર્યા તીર્થસ્થાનો જ ભારતનું હૃદય છે. ત્યાં અપાર શાંતિ છે અને આપણને સ્વસ્થ કરીને પ્રસન્નતાથી ભરી દેવાની દિવ્ય શક્તિ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “એકાંત અને શાંતિનું ધામ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.