[ નોંધ : ક્યારેક કેટલીક કૃતિઓની શોધખોળ ખૂબ મહેનત માંગી લે છે. આજના આ લેખની બાબતમાં બરાબર એમ જ બન્યું છે. વર્ષેક અગાઉ ધ્રુવભાઈને મળવાનું થયું ત્યારે તેમણે આ સત્ય ઘટના રૂબરૂ કહી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે વર્ષો અગાઉ તે ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થઈ હતી પરંતુ હવે તે મળવું મુશ્કેલ હતું. તેમ છતાં મેં તેમને આ લેખ મેળવી આપવા માટે વિનંતી કરી. એમણે ‘નવનીત સમર્પણ’ના સંપાદક શ્રી દીપકભાઈ દોશીને વાત કરી. એમણે ભારે જાહેમત બાદ ‘નવેમ્બર-2000’ના અંકમાં આ લેખ શોધી કાઢ્યો અને તુરંત અમને મોકલી આપ્યો. આ માટે દીપકભાઈનો તેમજ ‘નવનીત સમર્પણ’નો આભાર માનીએ તેટલો ઓછો છે. પૂરા બાર વર્ષ પછી આ કૃતિ ફરી પ્રકાશમાં આવી રહી છે ત્યારે ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’ના સર્જક ધ્રુવભાઈનો ખૂબ ખૂબ આભાર માનીને આ સુંદર કૃતિને તેમના જ શબ્દોમાં માણીએ. આપ ધ્રુવભાઈનો આ નંબર પર +91 9426331058 અથવા આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
પહાડી નિશાળ. નિશાળમાં હોવી જોઈએ તે કરતાં વધુ શાંતિ એ ધારી રહી છે. ત્રીજા-ચોથાની પરીક્ષાઓ પૂરી થઈ. પાંચથી સાતની પરીક્ષા ચાલે છે. નવરા પડેલાં છોકરા-છોકરીઓ વાર્તાઓ વાંચી, ગીતો ગાઈ, પોતાની વખરી ગોઠવી નાહી-ધોઈને રમવામાં પડ્યાં. હું પરીક્ષાખંડમાં આંટો મારીને પાછો આવતો હતો ત્યાં થોડા છોકરા ગિલ્લી-દંડો રમતા હતા. થોડું રોકાઈને જોયું. પછી થોડું સાથે રમ્યો અને પાછો આવ્યો. છોકરીઓએ આ જોયું.
બપોરે વાંચતો હતો ત્યાં બારણામાં અને બારીઓમાં નાની નાની છોકરીઓ ડોકાઈ. ઘરમાં તો આવે નહીં. બહાર મૂંગી મૂંગી ઊભી રહે. પહેલાં તો બારીમાંથી જ જોયા કરતાં. બોલાવીએ તો દોડીને નાસી જાય. હમણાં હમણાં બારણે ડોકાવા જેટલાં છૂટાં થયાં છે.
‘શું કામ છે ?’ તેવું પૂછ્યું તો નીચું મોં કરી હસે.
કેટલીયે વાર પૂછ્યું પછી એક જણ ધીમેથી કહે : ‘તું માઝી હારે, ખેળતીલ કાય ?’ (મારી સાથે તું રમે ?)
‘હા, પણ અંદર આવો અને બેસો તો રમીએ.’
એક પછી એક બધાં અંદર આવ્યાં. ગોળ ચકરડું બનાવીને બેસવા કહ્યું તે બેઠાં. હવે શું રમવું ? અંતકડીમાં તો એમને હું પહોંચું નહીં એટલું ગાવાના. વાર્તા કહું કે રમત રમાડું તો તો રમાડનાર અને રમનાર જુદા થઈ જાય. એ કંઈ સાથે રમ્યું કહેવાય નહીં. લંગડી-પકડદાવ રમવાના મારા દિવસો તો પૂરા થયા. અચાનક મને થયું પાંચીકા રમીએ. પૂછ્યું :
‘પાંચીકે રમતાં આવડે કે ?’
‘ના.’ ટૂંકો જવાબ.
‘જુઓ, એક જણ જાઓ, બહારથી ગોળ નાના પાંચ પથ્થર લઈ આવો.’
‘દગડ ?’ આખું ચક્કર એકસાથે બોલ્યું અને હસી પડ્યું, ‘આહે, આહે.’ કહેતાં દરેકે પોતાનાં નાનકડાં સ્કર્ટના ખિસ્સામાંથી પોતપોતાનો ખજાનો કાઢ્યો. સરસ, સાચવીને વીણેલા ગોળ, ખરબચડા પાંચીકા.
રમત શરૂ થઈ.
લીલા, ઉષા, જયવંતી, સંગીતા – પાંચીકા તો ઊછળી ઊછળીને છતે આંબે. મારાથી એક-બે-ત્રણ-ચાર સુધી સહેલાઈથી થાય. અંગૂઠો અને પહેલી આંગળી જમીન પર મૂકીને બનાવેલા દરવાજામાંથી પાંચિકો સરકાવવાનું પણ ફાવે; પરંતુ અવળી હથેળી પર પાંચીકા ઝીલવાનું કેમેય બને નહીં. જાડા, કઠણ આંગળાં ઊંધાં વળીને કમાન થાય નહીં ને પાણકા, હથેળી પાછળ ઢળતી સપાટી પર ટકે જ નહીં.
બાસંતી મારી આગળ ફટાફટ ચાર દાવ-પાંચ દાવ કરી નાખે. મારા પર દાવ ચડાવતી જાય અને હું કેટલીય વારે એકાદ-બે માંડ ઉતારું. કેટલીક શરમાળ છોકરીઓ હજુ બારીમાંથી જોયા કરે. તેમાં એક ભામી. કાળી, દૂબળી-પાતળી, ઝીણા અવાજવાળી – વારે વારે બોલ્યા કરે : ‘બાસંતી અસા ન કરાં’ (બાસંતી એવું ન કર) ‘ધ્રુભાઈલા જીતુ દે’ (ધ્રુવભાઈને જીતવા દે). પણ અંદર તો રમતના ઉત્સાહમાં-કલબલાટ, કોઈ સાંભળે-બાંભળે નહીં. જમવાનો બેલ પડ્યો ત્યારે ધ્રુવભાઈ પંદર દાવના દેવા સાથે ઊભા થયા.
‘દાવ ક્યારે ઉતારશો ?’
તો કહે : ‘હવે જમીને તમે બધા તમારે ગામ જાઓ. વૅકેશન ખૂલે ત્યારે કોઈક દિવસ ફરી રમીશું તો ઉતારી દઈશ.’
ટોળું હસતુંરમતું, કલબલ કરતું ગયું. પોતપોતાની જગ્યાએ જઈ નાનાં-મોટાં થાળીવાટકા લઈને બધાં ભોજનશાળામાં સાથે બેસીને જમ્યાં. જેમની પરીક્ષા પૂરી થઈ તેમાંથી કેટલાંક, જેને પોતાના ગામથી કોઈ તેડવા આવે, પોતાને ઘેર દિવાળીની રજા માણવા જવાનાં. જવાનાં હોય ત્યારે ‘ધ્રુભાઈ, આવજે’ કહેવા પણ રોકાવાનાં નહીં. વળી, ઘરે પહોંચે એટલે ફરી નિશાળ યાદ આવવાની. વૅકેશન લાંબું લાગવાનું એ પણ એટલું જ સાચું. જવાની તૈયારી થઈ. બધાં ગયાં. નિશાળ ચાલુ હોય ત્યારે સાંજ-સવાર ક્યારેક બધાં સાથે ફરવા જઈએ ત્યારે ટેકરીઓ, ડુંગરાઓ પર દોડતાં બાળકોના પગને જોયાં નહોતાં ત્યાં સુધી હું એમ જ માનતો કે સ્થિર ડુંગર પર શ્રેષ્ઠ ચલાયમાન દશ્યજગત તો ચડતાં બકરાં-ઘેટાં કે ઊતરતાં ઝરણાં જ સર્જી શકે; પણ આ મારુત તુલ્ય વેગમ – ઘર તરફ દોડતાં જતાં બાળકોને જોયાં કે બસ, બારીમાં ઊભો ઊભો જોઈ જ રહ્યો. ક્યાં ક્યાં ડુંગરો પાર એ લોકો જશે. ‘તીન ડોંગર વરીલ’ ત્રણ ડુંગરા પછી કે બે ખીણ પછી એનું ગામ છે એવું તો એમણે મને અનેક વાર કહ્યું છે. પણ આજે જ્યારે તેમને જતાં જોઉં છું ત્યારે એ અંતર કેટલું છે તે સમજાય છે. ઘાસ-પાંદડાં-વેલાથી છવાયેલો, સાપ, વીંછી જેવા જીવજંતુથી સદાય ભર્યો ભર્યો રહેતો છતાં આ અરણ્યપથ તેમને નિર્વિધ્ને ઘરે પહોંચાડશે જ એની ખાતરી હોવા છતાં મનમાં ઉચાટ રહે. એમાંય ગામમાંથી આવેલો વડીલ તો હજી ટેકરી ચડે છે ને છોકરાંનું ટોળું છેક મથાળે પહોંચી ગયું છે તે અહીં બેઠે દેખાય તેથી ઉચાટ વધે.
થોડાં બાળકો ગયાં. બાકીનાં પણ આજ-કાલમાં જશે. એકસાથે વેકેશન પાડીએ તો પણ જુદા જુદા ગામનાં બાળકોને ગામ પહોંચવા સંગાથ એકસાથે ન મળે. આથી જે ગામથી કોઈ મોટું આવે તેની સાથે તે ગામના ને આસ-પાસનાં બાળકો જતાં રહે. આમ અમે ધીમે ધીમે ખાલી થઈએ અને પાછા ભરાઈએ પણ ધીમે ધીમે.
છઠ્ઠા-સાતમાના છેલ્લાં પેપર ચાલતાં હતાં. ડુંગરો માનવરહિત, વાદળછાયા આકાશ તળે આરામથી તડકોછાંયડો રમતા હતા. હું ખાટલા પર બેસીને લખતો હતો ત્યાં બારીમાંથી અવાજ આવ્યો.
‘ધ્રુભાય, ભામી આલી’ – એક જરા મોટી છોકરી બોલતી હતી.
‘કથ આહે ? તી તો ગેલી’ મેં કહ્યું. એ તો કાલની નીકળી ગઈ. પછી ક્યાંથી આવી હોય ?
‘અથ આહે’ કહીને પેલીએ બારીથી દૂર ઊભેલી ભામીને સામે ખેંચીને બતાવી. હું ઊભો થયો. બેઉને અંદર બોલાવ્યાં. અને ભામીને પૂછ્યું કે ‘શું કામ પાછી આવી અને એકલી કેમ આવી ?’
‘એકલી તો નથી આવી. એના મામા અનાજ લેવા આવ્યા છે તેની સાથે આવી છે.’ મોટી છોકરીએ ખુલાસો કર્યો. પણ શા માટે ? તે ખબર નહીં. મેં માન્યું કે ફરવા આવી હશે તે નિશાળે આંટો મારવા પણ આવી ગઈ. થોડા પ્રશ્નો પૂછ્યા, વાતો કરી પણ ભામી મૌન.
મેં કહ્યું : ‘તું મળવા આવી તે ગમ્યું. તારા ગામમાં બધાને યાદ કહેજે હાં ! હવે જા.’
પણ તે ગઈ નહીં. તેને કંઈક કહેવું છે અને તે ખાસ કંઈક કહેવા જ મારી સામે ઊભી છે તેવું સમજાતાં મેં તેને અનેક વાર પૂછ્યું કે કામ શું છે ? – અંતે પેલી મોટી છોકરીએ તેને પૂછ્યું કે શું કહેવાનું છે ?
તો ભામીએ ધીમે સ્વરે કહ્યું, ‘મી બાસંતીચી હારે ખેળલુ આંન પંદર દાન ઉતાર ટાકલા. ધ્રુભાયચા.’
અર્થ સમજતાં વાર લાગી પણ જ્યારે પૂરેપૂરો સમજાયો ત્યારે પર્વતોથી ઘેરાયેલા આ આખા મેદાન પરનું ઘાસ ખળભળી ઊઠ્યું. એણે બાસંતી સાથે પાંચીકા રમીને મારા ચડેલા પંદર દાવ ઉતારી નાખ્યા છે અને એ કહેવા અને મને આખું વેકેશન ઋણ-મુક્ત અવસ્થા માણવા દેવા જ આ જગદંબા, તીન ડૉંગર વરીલ, આ નાનકડા, પાતળા પગો પર આવડું વિશાળ અસ્તિત્વ ધારીને દોડતી આવીને મારી સામે ઊભી છે. મેં તેને પાસે બોલાવી. માથે હાથ મૂક્યો અને તેનો હાથ મારા માથા પર મુકાવ્યો. મારે કંઈ જ કંઈ જ કહેવાનું ન હતું. મારા પંદર દાવનું ઋણ ઉતારીને એણે જે ઋણ મારા પર ચડાવ્યું તે વહેવાની શક્તિ મારી પાસે નથી. એ તો ધરતી જ વહી શકે.
હું ક્યારેય એ સમજી શક્યો નથી કે આ સચરાચરમાં કોણ કોનાં ઋણ ક્યારે અને ક્યા કારણે ફેડે છે. પણ એક વાત તો સ્પષ્ટ સમજી શક્યો છું કે જ્યારે જ્યારે આવું કંઈ બને છે ત્યારે ત્યારે આ ધરતીને ગમે છે અને આખીય માનવજાત વતી ધરતી પોતે આવા અદશ્ય, અકથ્ય ઋણનો સ્વીકાર કરીને માણસને હળવો રાખવા મથ્યા કરે છે. ભામી તો પાછી ગઈ. એ જાય પેલી ટેકરીની ધાર પર એના મામાની આગળ આગળ….. એ મારી વિદ્યાર્થીની છે. હું એને ભણાવવા, સંસ્કારવા અહીં આવ્યો છું અને તેના દૂર સરતા જતા એક એક પગલામાંથી આવતો સ્વર મને કહે છે : ‘ मा मा शाधिमाम् ’ નહીં, નહીં, મને શીખવ નહીં.
19 thoughts on “મા મા શાધિમામ – ધ્રુવ ભટ્ટ”
simply awesome….am a big fan of dhruv bhatt writing…can any one tell me where can i find all his creations specially — pratigachti?…
વાર્તા ની સાદગી સ્પર્શી ગઈ. ખૂબ સુંદર આલેખન. આ કૃતિનો આસ્વાદ કરાવવા માટે મૃગેશભાઈ ને ધન્યવાદ.
ખુબ જ સુન્દર્
વાર્તાનો અર્થ (સાર) સરસ છે. અમુક મરાઠી વાક્યોનો અર્થ બરાબર ખબર પડી નહિ.પણ આપણે જયારે નાના હોઈએ ત્યારે ઘણી વાર આવું બધું વિચારતા હોઈએ છીએ જે મોટા થયે લોજીકલ કે અર્થપૂર્ણ ના યે લાગે પરંતુ એ જ તો નાનપણની અવસ્થાની ખૂબી છે.
ખુબ સુંદર
સુંદર, સરસ અને સરળ કૃતિ.
અતરાપિ બાદ ધ્રુવ ભટ્ટની કોઈ નવલકથા પ્રગટ થઈ?
some fonts can’t write to Gujarati.
ખૂબ ખૂબ ખૂ…..બ સુંદર કૃતિ.લેખ મળ્યો તો ફાયદો જ થયો.
ધન્યવાદ મૃગેશભાઈ.
આચરણ દ્વારા પોતાના શિક્ષકને પણ સાચા પ્રેમનો અર્થ સમજાવતી આ બાળકીની વાત હ્રદયને સ્પર્શિ ગઈ. ખૂબ સુંદર અભિવ્યક્તિ. અને તેવું જ સુંદર તેનું વર્ણન.
Awesome…..Good one.. Dhruvbhai become happy in End but that Girl “Bhami” will remember for whole life….Oh just imagine when she won in real that time how was her face expression……
story beautifully described
leaves me speechless..most of the times when we are “teaching” innocent ones..we get to hear this..ma ma shadhimam..
two words.Very best.
thanks Mrugeshbhai
raj
I dont know why but i read this story again and again and again. i like it too much.. in very simple words all mention…i just learn by heart this story….I like it.
Thanks Read Gujarati Team.
@Amee, same here….i also read this story again and again and everytime i read it, the feeling is so overwhelming. Thanks to Mrugeshbhai for sharing this.
સુન્દર ક્રુતિ…..ધ્રુવદાદા ખરેખર અદભૂત લખાણ અને કામ કરે છે…
nice story… i am big fan of dhruv bhatt writingl…
Nice story…
What to say? simply superb!