ભાવના – નાગજીભાઈ દેસાઈ

[ શ્રી નાગજીભાઈ દેસાઈની છત્રછાયામાં ઉછરેલા અને સંસ્કાર પામેલા કેટલાક વિદ્યાર્થીઓએ સંસ્થાનું ગૌરવ વધારે તેવું ઉજ્જવળ જીવન જીવી બતાવ્યું છે. સામાન્ય રીતે આપણે વિદ્યાર્થીઓને મહાપુરુષોના જીવનના પ્રેરક-પ્રસંગો કહીને તેમનું જીવનઘડતર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તાજેતરમાં તેમના પ્રકાશિત થયેલા પુસ્તક ‘ભૂલ્યા નહિ ભુલાય’માં ઊલટી ગંગા વહે છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓના જીવનપ્રસંગોમાંથી સૌને માનવતાની પ્રેરણા મળે તેવું પાથેય પીરસવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઑફિસમાં જાઉં તો એક બહેન એક બાળકને લઈને એક ભાઈ સાથે બેઠેલાં.
જોતાં જ ઓળખી ગયો.
‘અરે ! ભાવના તું ?’
‘હા ભાઈ….’ ભાવવિભોર હાસ્યથી ભાવના બોલી ને કહેવા લાગી, ‘બાબાને પગે લગાડવા આવી છું. આ મારો બાબો….’ કહી તંદુરસ્ત બાળક મને બતાવ્યો. જમાઈરાજને પણ ઓળખાવ્યા. બન્નેની શરીરની મજબૂતાઈમાં ઘણો મોટો ફેર.

‘બન્ને એકબીજાને સાચવો છો સારા તે તમારી તબિયત ઉપરથી નક્કી થાય છે…’ મેં કહ્યું.
બન્ને ભાવવિભોર થઈને એક જ વાક્ય બોલ્યા, ‘તમારા આશીર્વાદ’
‘તમે શું કરો છો ?’ મેં યુવાનને પૂછ્યું.
‘મિલેટરીમાં છું….’
‘સરસ… ભાવના, તને ગમે છે ને ?’
‘હા ભાઈ, તમારી પસંદગી મોળી હોય ?’ કહેતાં સૌ હાસ્યના પવિત્ર વાતાવરણમાં ઝબોળાઈ ગયા. ઘણી બધી વાતો કરી. વિદાય લેતી વખતે યુવાન બોલ્યો, ‘તમારી શિખામણ અક્ષરશઃ પાળું છું, વિશ્વાસ રાખજો…’
મેં કહ્યું : ‘વિશ્વાસ હતો એટલે જ તો તે દિવસે હા પાડેલી, કેમ.. ખરું ને ?’
‘હા…’ યુવાને કહ્યું.
ત્યાં ભાવના બોલી, ‘ભાઈ, હું ખૂબ જ સુખી છું. નોકરી મળી ગઈ છે. થોડા સમયમાં તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પરત આવી જવાનું વિચારે છે. તમો એકાદ વાર ઘેર આવો.’
‘આવીશ’ કહી સૌને વિદાય આપી… બન્ને યુવાનો દેખાયા ત્યાં સુધી જોતો જ રહ્યો…. તેઓના ગયા પછી ભૂતકાળ મારી સામે ખડો થયો.

ભાવના ! બી.એડ કૉલેજની શરૂઆતની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છાત્રાલયમાં રહે. શાંત પ્રકૃતિ, હસતો ચહેરો ખરો પરંતુ સતત ખોવાયેલો. અમે કોઈએ પૂછવા જેટલી કાળજી લીધેલી નહિ. પ્રકૃતિજન્ય વ્યવહાર હશે તેમ માની ચાલીએ. એક દિવસ સવારે ભાવના ઑફિસમાં આવીને મને કહે, ‘ભાઈ… તમો હમણાં રોકાશો… જશો નહિ. મારા કાકા એક છોકરાને લઈને મને બતાવવા આવે છે. મારા કાકા તમને મળવા માગે છે ને છોકરો તમારે પસંદ કરવાનો છે. તમો વાત કરો. તમારો અભિપ્રાય હું છેલ્લો ગણીશ. તમો ‘હા’ કહેશો તો ‘હા’ અને ‘ના’ કહેશો તો ‘ના.’
‘અરે છોકરી ! તારા કુટુંબમાં કોઈને નહિ ને મને અધિકાર આપે છે ! ભાન છે ? આ ઉપરાંત, છોકરા સાથે તારે લગ્ન કરવાનાં છે, તારો નિર્ણય એ આખરી ગણાય. મને એ બધી વાતોમાં નાખીશ નહિ.’ આટલું બોલી શાંત થયો પરંતુ ભાવના તો સોટાની જેમ નીચે માથું ઢાળી આંસુની ધારે મૂંગી ઊભી હતી. મેં કહ્યું : ‘અરે, રડે છે શા માટે ? તારા કાકા-કાકી, બા-બાપુજી જે વિચારશે તેમાં તારું ભલું હશે.’ છતાં તે મૌન રહી.
મેં કહ્યું : ‘કેમ મૌન છે ? કંઈ બોલ તો ખરી….’
‘આજે એમ લાગે છે કે મા-બાપ હોત તો સારું. દુઃખનો ભાર રડીને હળવો કરત. પરંતુ જેમને મા માની તેતો જાકારો દે છે.’
‘હું સમજ્યો નહિ.’ મેં કહ્યું.

અમારી વાત ચાલતી હતી ત્યાં છાત્રાલયમાંથી એની બે ત્રણ બહેનપણીઓ આવી ગઈ. તેને છાની રાખવા પ્રયત્ન કરતી હતી તે એક છોકરી મને માંડીને વાત કરવા લાગી.
‘ભાઈ, તેને મા-બાપ નાની મૂકીને સ્વર્ગે સિધાવી ગયેલા. કાકા-કાકીએ ખૂબ જ લાડથી મોટી કરી છે. ગઈકાલે કાગળ આવ્યો કે આજે તેના સગપણ માટે છોકરો જોવા આવે છે. તેના કાકીના પિયરમાંથી સગાનો છે. આજે સવારે ભાવના કહેતી હતી કે મારે તો મા-બાપ નથી એટલે હું તો છોકરાનો ઈન્ટરર્વ્યૂ ભાઈ સાથે ગોઠવીશ. મારે તો મા-બાપ જે કહો તે ભાઈ. તેઓ કહેશે કે છોકરો સારો છે તો હા, નહિતર ના. ભાઈ કાયમ કહે છે કે જીવન જીવવાનો આનંદ ન મળે તો સંસાર શા કામનો ? મને એ વાત ગળે ઊતરી ગઈ છે.’ છોકરી બોલતી ગઈ અને રડતી ગઈ…. સાથેની છોકરીઓ પણ રડતી હતી. હું વાતનો મર્મ સમજી ગયો.
મેં કહ્યું : ‘સારું ! સારું !… હું રોકાઉં છું. બાર વાગ્યા સુધી આવે તો અહીં નહિતર ઘરે લઈને આવજો.’ સૌ રાજી થઈ ગયાં.

બપોરે ત્રણ વાગ્યે મહેમાન સાથે ભાવના ઘરે આવી. ગૃહસ્થધર્મ મુજબ સૌનું સ્વાગત કરી હું યુવાન સાથે એક બાજુ બેઠો. મારી જે કંઈ વાતો હતી તેનાથી યુવાન સતત સંતોષ અનુભવતો, તે તેની આંખોમાં હું વાંચી શકતો હતો. છેલ્લે મેં કહ્યું : ‘તે મા-બાપ વગરની દીકરી છે. તેના ગૃહમાતા તરીકે હું તમારી પાસે આશા રાખું છું. જીવની જેમ સાચવશો તો તમે સુખી થાશો. એના જીવનમાં ભૌતિક સુખ છે પરંતુ ભૌતિક સાધન સંપત્તિ એક જ સુખ નથી. સુખ સમીર જેવું છે, સ્પર્શ થાય તેને જ શાતા મળે. છોકરી પારેવું છે, સાચવજો….’
‘સાહેબ !’ કહી યુવાને મારો હાથ તેના હાથમાં પકડી બોલ્યો, ‘તમારી વાતોથી મને નવી દષ્ટિ મળી છે. વિશ્વાસ રાખજો કે હું સાચવીશ…. પતિ તરીકે એવી રીતે વર્તીશ કે મા-બાપની યાદ તેને ન સતાવે….’

સમૂહમાં બધાં બેઠાં હતાં. મારા સ્વભાવ પ્રમાણે મેં સૌથી વચ્ચે કહ્યું ક, ‘ભાવના, આ છોકરો એટલો સરસ છે કે છોકરી હોત તો હું જ પરણી જાત….’ બધાં ખૂબ જ પેટ પકડી હસ્યાં ને એ નિર્દોષ હાસ્ય વચ્ચે જ નક્કી થયું કે ભાવના ને છોકરો બન્નેની હા છે. લગ્ન બાદ છ વર્ષે મળવાં આવ્યાં ત્યારે બન્નેના આનંદનું પ્રતીક પણ સાથે જ હતું. પેલા શબ્દો સતત મારો વાંસો થાબડી કહેતા હતા કે ભગિની છાત્રાલયના ગૃહમાતા તરીકે તારી આ સફળતા છે. તેનો ઍવોર્ડ એક સુખી દંપતીનું જીવન. આ ઍવોર્ડને શું નામ આપીશું ? આજે પણ પ્રશ્ન છે.

[કુલ પાન : 96. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ભાવના – નાગજીભાઈ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.