હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી

[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825230903 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] દાંત

સમ ખાવા છે એક જ સાળી
વાત કરું એની વિસ્તારી
કાળા-પીળા મોટા દાંત
જાણે વઘાર્યા વાસી ભાત – ડૉ. બળવંત વ્યાસ

દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.

બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !

એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.

આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે.

[2] બસ

બીવીકો અગર બસમેં લે જાઓ
તો વો બસમેં નહીં આતી હૈ
બીવી કો અગર કારમેં લે જાઓ
તો વો જરૂર બસમેં આતી હૈ

કોઈ હિન્દી કવિએ અહીં ‘બસ’ શબ્દનો સુંદર શ્લેષ કર્યો છે. શ્લેષ અલંકારમાં એક જ શબ્દનો બે વખત પ્રયોગ થાય છે અને બન્ને વખત એનો અર્થ જુદોજુદો હોય છે. અહીં બસનો એક અર્થ Bus એટલે એસ.ટી. કે ટ્રાવેલ્સની બસ એવો થાય છે અને ‘બસ’ શબ્દનો બીજીવાર અર્થ વશ અથવા તો કાબુમાં એવો થાય છે. પત્નીને જો બસ નામનાં વાહનમાં લઈ જઈએ તો કાબુમાં આવતી નથી પણ જો મોટરકારમાં લઈ જઈએ તો વશ થઈને વર્તે છે, એવો આ વ્યંગનો અર્થ થાય છે.

હું એકવાર એક ગામથી બીજે ગામ બસમાં જવા માટે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ઉપર આવ્યો, જે બસ મારા નસીબમાં આવી તે ખુબ જૂની અને સાવ ખખડી ગયેલી હોવાથી મેં કંડકટરને મઝાક કરવા માટે સવાલ કર્યો કે આ ખટારો ક્યારે ઉપાડશો ? આ સાંભળી કંડકટર બોલ્યો કે બસ કચરો ભરાઈ જાય એની રાહ છે. હાસ્યકલાકાર અને હાસ્યલેખકનું મોઢું સીવી લે એવા જવાબ કાઠિયાવાડનાં માણસો આપી શકે છે. એકવાર એક બસમાં એક મુસાફર સામે જોઈને એક સ્ત્રી મુસાફરે બેત્રણ વખત સ્માઈલ આપ્યું ત્યાં તો પેલો પુરુષ ભાન ભૂલી ગયો, તરત જ માથું ઓળવા લાગ્યો અને કપડાં સરખાં કરવા લાગ્યો, પુરુષને મહેનત કરતો જોઈને કંડકટર બોલ્યો કે તમારે જે ગામ જવું હોય એની ટિકીટનાં રૂપિયા આપો એટલે હું તમને ટિકીટ આપું, બાકી એમાં હેરાન થશો નહીં કારણ કે એ ગાંડી છે અને આખી દુનિયાને સ્માઈલ આપે છે. કંડકટરે પોતાનો અનુભવ પણ કહ્યો કે પહેલે દિવસે મને પણ તમારી જેમ ભ્રમ થયો હતો અને પરિણામે મારે ટિકીટનાં હિસાબમાં ભૂલ આવી હતી.

એક બસમાં ખૂબ જ ભીડ હોવાથી એક ભાઈએ વક્રોક્તિ કરી કે બસની હાલત જોઈને મને એમ લાગે છે કે હું પ્રાણીસંગ્રહાલયમાં આવી ગયો છું. આ સાંભળીને બીજો પેસેન્જર તરત જ બોલ્યો કે બસ માત્ર એક ગધેડાની ખામી હતી જે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે. એકવાર હું અમદાવાદનાં સીટી બસ સ્ટોપ ઉપર સીટી બસની રાહમાં ઊભો હતો ત્યાં મારી બાજુમાં ઊભેલા કાકાની આંખ સામે દષ્ટિ પડી તો ખ્યાલ આવ્યો કે કાકાની એક આંખ નકલી છે. એટલે મેં વિનમ્રતાથી સવાલ પૂછ્યો કે કાકા… આ કાચની આંખ કઈ કામમાં આવે ? એટલે કાકો અમદાવાદી હોવાથી તરત જ બોલ્યો કે થોડીવાર અહીંયા જ ઊભો રહેજે, હમણાં તને જવાબ મળી જશે. થોડીવાર થઈ ત્યાં એક ડબલડેકર બસ આવી, પેલા કાકાએ પોતાની નકલી આંખ બહાર કાઢી, બે માળની બસ પાસે હવામાં ઉછાળીને કેચ કરીને પાછી આંખ લગાડી દીધી. મેં આમ કરવાનું કારણ પૂછ્યું તો મને કહે મેં નકલી આંખને હવામાં ઉછાળીને જોયું કે બસનો ઉપરનો માળ ખાલી છે કે નહીં ? મેં કહ્યું કાકા, બસનો ખાલી હોય કે ન હોય પરંતુ તમારો ઉપરનો માળ ખાલી છે તે નક્કી થઈ ગયું. ડ્રાઈવર અને કંડકટરમાં એટલો જ તફાવત છે કે જો કંડકટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ફાટે નહીં પરંતુ, ડ્રાઈવર સૂઈ જાય તો બધાંની ટિકિટ ફાટે !

[કુલ પાન : 132. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.