- ReadGujarati.com - http://www.readgujarati.com -

મારું ખરીદી-અભિયાન – હરિશ્ચંદ્ર

[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

ચાર દિવસ પહેલાં મહિલા મંડળમાં એક સમારંભ થયો, ત્યારથી મારા મનમાં દયા ને અનુકંપાનો ઝરો ફૂટી નીકળ્યો હતો. સમાજમાં કેટલા લોકો મુશ્કેલીમાં જીવે છે ! એમનેય પોતાનો રોટલો મેળવવાનો અધિકાર છે. આપણે તેમાં એમને થોડી ઘણી મદદ કરી શકીએ, તો શું ખોટું ? મેં મનોમન નક્કી કર્યું કે થાય તેટલી મદદ હું કરી છૂટીશ. તે માટે મારે મારી આદત સાવ બદલી નાખવી પડી. વરસોથી મારે એક નિયમ – મહિના આખાની ખરીદી પહેલી તારીખે જ કરી લેવી. મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ મારી યાદી તૈયાર થઈ જાય. કેટલુંક મારે જાતે ખરીદવાનું હોય, કેટલુંક પતિદેવ ખરીદી લાવે. પહેલી તારીખે એમના હાથમાં ખરીદીની યાદી મુકાઈ જ જાય.

પરંતુ આ પહેલી તારીખે હાથમાં યાદી ન આવી એટલે પતિદેવ આશ્ચર્યચકિત થઈ ગયા.
‘કેમ, કેલેન્ડરમાં હજી 30 તારીખ ફાટી નથી કે શું ?’
‘નહીં, મને ખબર છે, આજે પહેલી તારીખ છે. પરંતુ હવેથી બધો સામાન હું ઘર બેઠાં જ ખરીદવાની છું. તમારે આ બહારથી કાંઈ લાવવાનું નથી. જે કાંઈ જોઈતું કરાવતું હોય, તે મને લખાવી દેવું.’ પતિનું જ નહીં છોકરાંવનાંયે મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં. ઘરે કોઈ કાંઈ વેચવા આવે, તો કદી કશું ન લેનારી હું, હવે બધું ઘેર બેઠાં ખરીદીશ ? એ માલ સારો નથી હોતો, ગમે તેવો હલકી ક્વોલિટીનો હોય, વજનમાં ઓછો હોય, વગેરે વગેરે મેં હમેશાં કહ્યે રાખ્યું હતું. તો આજે હવે તેમાં એકદમ પરિવર્તન કેમ ?

તેનું કારણ હતું. અમારા મહિલા મંડળમાં રમાબાઈનું સન્માન થયું. એમના પતિ બહુ નાની ઉંમરે ગુજરી ગયેલા. બે નાનાં બાળકો. રમાબાઈએ ઘરે ઘરે ફરી ચીજવસ્તુનું વેચાણ કરી ઘર ચલાવ્યું. બે બાળકોને ભણાવ્યાં, પરણાવ્યાં, ભારે મહેનત મજૂરી કરી આ કામમાં એમણે 25 વરસ પૂરાં કર્યાં, તે નિમિત્તે મહિલા મંડળે એમનું સન્માન કર્યું. સન્માનના જવાબમાં એમણે પોતાના અનુભવો કહ્યા. ઘણી વાર કેવાં કેવાં અપમાન સહન કરવાં પડ્યાં ! ક્યારેક સવારથી સાંજ સુધી ફરીએ, થાકીને લોથ થઈ જઈએ, પણ કશુંયે ન વેચાયું હોય. તેમાંયે ખરીદે નહીં તો કાંઈ નહીં, પણ માનહાનિ ને ધુત્કાર તો બહુ વસમા લાગે. છેવટે રમાબાઈએ આર્તસ્વરે કહ્યું, ‘ભારે વખાના માર્યા જ અમારા જેવાએ આમ ઘેર ઘેર ભટકવું પડતું હોય છે. ફટ દઈને તમે ના કહી દો, તેને બદલે કાંઈક ને કાંઈક નાનું અમથું યે ખરીદો, તો કેટલું સારું લાગે ! ક્યારેક અમારી સ્થિતિ વિશે બે વાત પૂછો કે પાણીનો પ્યાલો ધરો તો અમારા બળ્યા-જળ્યા મનને કેવું સાંત્વન મળે !’ રમાબાઈની વાત મારા હૃદયને હચમચાવી ગઈ, એટલે મેં આવો નિર્ણય કર્યો.

એક બપોરે બેલ વાગ્યો. મેં બારણું ખોલ્યું. સામે એક બહેન. ખભે મોટા બે થેલા જોઈને હું બારણું બંધ કરી દઈશ માની, એ સડસડાટ બોલવા માંડી, ‘મોટાં બહેન, કાંઈ લેશો કે ? સાબુ છે, લિક્વિડ શોપ છે, વાસણ માંજવાનો પાઉડર, એસિડ, વાંદા મારવાનો….’
‘હા, હા, જરૂર લઈશ પણ પહેલાં તમે ઘરમાં તો આવો !’
આવા સૌજન્યની એને ક્યાંથી અપેક્ષા હોય ? ઘડીભર મારી સામે જોતી રહી. મારી આંખમાં આવકાર જોઈ અંદર આવી. હજી પસીનો લૂછતી હતી, ત્યાં તો મેં પાણીનો ગ્લાસ લાવી એના હાથમાં મૂક્યો. ધોમ ધખતાં તાપમાંથી આવી હતી, તે ગ્લાસ ગટગટાવી ગઈ. મેં લાવીને બીજો ગ્લાસ આપ્યો તેય પી ગઈ. એનું જ નહીં, મારુંયે કાળજું ઠર્યું. મેં એની પાસેથી ઘણો સામાન ખરીદ્યો. એ પાછી ગઈ, ત્યારે એના થેલાનો અડધો ભાર ઓછો થઈ ગયો હતો.

પછી તો મારું આ ખરીદી અભિયાન પૂરજોશમાં ચાલ્યું. ઘર-વપરાશની ચીજવસ્તુ, ખાવાપીવાની સામગ્રી, ચાદર-ટુવાલ, લગભગ બધું જ ઘર બેઠાં ખરીદાવા માંડ્યું. મારે બારણે આવેલું કોઈ કાંઈ ને કાંઈ વેચ્યા વિના પાછું ન જાય. તેમાં પછી ક્યારેક ન જોઈતી વસ્તુયે ખરીદાઈ જાય કે બબ્બે, ત્રણ-ત્રણ વાર પણ ખરીદાઈ જાય. કેટલાક મને છેતરીયે જાય. મહિનાનું બજેટ પંદર દિવસમાં ખલાસ થઈ જવા માંડ્યું. પતિદેવ નારાજ. તેમાં એક દિવસ એમને ખાસ કામ માટે પૈસા જોઈતા હતા, પણ હું તો મહિનાનો પગાર વાપરી ચૂકી હતી. એ ભારે ગુસ્સે થયા, ‘આ બધો નકામો સામાન ઘરમાં ખડકી દીધો છે.’
એ ઑફિસે ગયા. હું સૂનમૂન બેઠી હતી.
દીકરી કહે, ‘મમ્મી, આ સામાન આપણે ફરી વેચી દીધો હોય તો ?’
મારા મનમાં એકદમ ઝબકારો થયો. લાવ, થોડો જાત-અનુભવ પણ થશે. મેં બે મોટા થેલામાં બધી ચીજવસ્તુ ભરી અને બે ખભે બે થેલા લટકાવી નીકળી પડી. બે દાદર ચઢી એક બારણે બેલ માર્યો. બારણું ઊઘડ્યું. પણ મારો અવતાર જોઈ હું કાંઈ બોલું તે પહેલાં જ ‘કાંઈ નથી લેવું’ – કહી બારણું ફટાક બંધ કરી દીધું.

કપાળે વળેલો પરસેવો લૂછતાં એ બારણા પાછળના જોયેલા ચહેરાને યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો. અરે, એ તો પેલાં રમાબાઈ જ નહીં !

(શ્રી મીના ગરીબેની મરાઠી વાર્તાને આધારે.)