શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા

[ ઔદ્યોગિક ક્ષેત્રે ‘ગોદરેજ’નું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. તેના મૂળમાં તેના સ્થાપકોની સંઘર્ષગાથા છે. પરમ સ્વદેશપ્રેમી ઉદ્યોગવીર અરદેશર ગોદરેજનું જીવન આ સંઘર્ષગાથાનો પરિચય કરાવે છે. જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર માનવરત્ન શ્રેણી’ અંતર્ગત ‘અરદેશર ગોદરેજ’ નામના પુસ્તકમાંથી પ્રથમ પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. તેનું લેખન પ્રો. ડૉ. મહેન્દ્રભાઈ છત્રારાએ કર્યું છે. આપ તેમનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

હૈયે અખૂટ ધૈર્ય હોય, પાંખોમાં પરાક્રમ હોય, આંખોમાં સાહસ અંજાયેલું હોય તે પક્ષી સંકટોના વિરાટ સાગરને પાર કરી નિશ્ચિત ધ્યેયની મંઝીલે અવશ્ય પહોંચતું જ હોય છે. દઢ સંકલ્પના બીજને વાવી, ધીરજપૂર્વક કાર્યઆયોજનનું જળ સીંચવામાં આવે, ત્યારે અચૂક ઘટાદાર વૃક્ષ ઊગતું જ હોય છે. ઝરણું ક્યાંય રોકાયા વગર, ‘સાગર સુધી પહોંચવાનો ટૂંકો માર્ગ કયો ?’ – એવું કોઈને પૂછ્યા વિના સતત દોડ્યા કરે, તે ચોક્કસ સાગર સમીપે પહોંચતું જ હોય છે. કંઈક આવું જ બન્યું – શૂન્યમાંથી વિરાટ સર્જન કરનારા મહામાનવ અરદેશર ગોદરેજ સાથે !

26 માર્ચ, 1868ના રોજ આ સાહસિક, દીર્ઘદષ્ટા, રાષ્ટ્રભાવનાથી ભર્યાભર્યો ઉદ્યોગવીર અરદેશરનો જન્મ થયો. તેમના પરિવારની મૂળ અટક ગૂથેરાજી હતી. તેમના દાદા સોરાબજી ગૂથેરાજીના નામથી ઓળખાતા. તેમના પિતાજી બરજોરજીએ 1871માં આ ઉચ્ચારવી અઘરી અને વિચિત્ર ગૂથેરાજી અટકને સરળ રીતે ઉચ્ચારી શકાય તે માટે ગોદરેજ કરી હતી. જે નામ પછીથી અરદેશરના પ્રચંડ પુરુષાર્થ બળે ભારતમાં ઘરે ઘરે પહોંચવાનું હતું, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવાનું હતું. બરજોરજી અને ડોસીબાઈના સંતાનોમાં અરદેશર, હોરમસજી, પિરોજશા, મંચેરશા, શિરીનબાઈ અને તહેમિનાનો સમાવેશ થતો હતો.

અરદેશરમાં રાષ્ટ્રભાવના, દેશ માટે કંઈક કરી છૂટવાની ઝંખના, દૂરદષ્ટિ, અથાક મહેનત, નક્કી કરેલા ધ્યેયને નિષ્ઠા- ખંતપૂર્વક પાર પાડવાની તમન્ના, વિશિષ્ટ ઉદ્યોગ ક્ષેત્રને ખોળી કાઢવા માટેની સંશોધક વૃત્તિ, નિશ્ચિત સંકલ્પ પાર પાડવા માટે ઊંડો અભ્યાસ, ઓછાં સાધનો અને નાણાંકીય તંગી વેળાએ માર્ગ કાઢવાની કોઠાસૂઝ, સત્યપ્રિયતા, મિતભાષીતા અને સાચા અર્થમાં ધાર્મિક વલણ – આ સર્વ ગુણો હતા, જેણે તેમને સામાન્ય માનવમાંથી મહામાનવ બનાવ્યા. ધનની લાલસા અતિ પુરાણી છે. નાણાં મેળવવા માનવી કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે. વિત્તેષણાને કારણે કેવી કેવી ઘટનાઓ બને છે, તે આપણે વર્તમાનપત્રો અને ટીવી ન્યૂઝચેનલોમાં જોતા હોઈએ છીએ. અરદેશરની બાબતમાં અહીં ઊંધું બન્યું. તેમની યુવાવસ્થામાં પ્રવેશ વેળાની જ ઘટના ચોંકાવી દે તેવી છે. પિતાજીએ સર્વ સંતાનોને વારસામાં આવતી રકમ યોગ્ય સ્વરૂપે વહેંચી આપી. અરદેશરે પોતાના ભાગમાં આવતી રકમ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો. ઈ.સ. 1880માં દાદા સોરાબજી પાસેથી પિતા બરજોરજીને મળેલા રૂ. 1,51,000ને ધ્યાનમાં લેતા, અરદેશરના ભાગે એ જમાનામાં કેવડી મોટી રકમ આવી હશે, તેનું અનુમાન થઈ શકે. પણ પોતે સેવેલા સિદ્ધાંતની વિરુદ્ધ જઈને અરદેશર આ રકમ કઈ રીતે સ્વીકારે ?

પિતાએ પુત્રને પાઠ ભણાવ્યો હતો કે, ‘કદી ખોટું બોલવું નહીં, પછી ગમે તેવા સંજોગો હોય. પોતાના હક્કનો ન હોય એવો પૈસો કદી વાપરવો નહીં. નાની બાબતોની ફરિયાદ કર્યા વિના તેને સ્વીકારી લેવી અને અન્યનો વિજય જોઈ જીવ બાળવો નહીં.’ આથી તેમના મગજમાં એક જ વાત – પોતે કમાયા હોય તે જ પૈસા પોતાના ! પિતા તરફથી વારસારૂપે મળતા રૂપિયા માટે તેમણે તો કંઈ પ્રયત્ન કર્યો નથી. તેથી આ રકમના હક્કદાર પોતે કઈ રીતે થઈ શકે ? પોતાના ભાગે આવેલી એ જમાનાની જંગી રકમનો બોજો ઝડપભેર ખંખેરી નાખવાના ભાગરૂપે તેમણે એ રકમ પોતાના ભાઈઓ તથા બહેનોને આપી દીધી. આ વાત માની શકાય તેવી નથી. તેમની પોતાના સિદ્ધાંતોને અચૂકપણે વળગી રહેવાની તેમની ભાવના આ પ્રસંગમાં નિહાળી શકાય છે. પોતાના ભાવિ જીવનનો પાયો જેના ઉપર ઊભો થવાનો છે તેવી ગંજાવર રકમ કારકીર્દિના આરંભ પૂર્વે આ રીતે ભાઈ-બહેનોને આપી દેવી, એ કોઈ સામાન્ય માનવીના ભેજામાં આવે પણ નહીં અને ઊતરે પણ નહીં !

તેમની સત્યને વળગી રહેવાની નિષ્ઠાને ઉજાગર કરતો અન્ય પ્રસંગ રસદાયક છે. અરદેશરે કાયદાનો અભ્યાસ તેજસ્વી રીતે પૂરો કર્યો અને એક સોલિસિટર પેઢી સાથે જોડાયા. આ પેઢીના એક અસીલ આફ્રિકામાં હતા. તેમનો એક કોર્ટ કેસ ઝાંઝીબારની અદાલતમાં હતો. જીવનમાં પહેલી જ વાર અરદેશરને આ દાવો લડવા જવાનો મોકો મળ્યો. સાલ હતી 1894ની, અને અરદેશરની ઉંમર હતી 26 વર્ષ ! જો આ કેસ તેઓ જીતી જાય, તો તેઓ મુંબઈ પાછા ફરે તે પૂર્વે તેમના નામ પર કીર્તિના કળશ ચઢી જાય અને હારી જાય તો, કમનસીબી નિષ્ફળતાનો હાર લઈને ઊભી જ હતી. તેમણે કેસની ઝીણવટભરી વિગતો તૈયાર કરી હતી. વિવેકપુરઃસર દલીલો કરી, પણ એક બાબત ખટકી – સંપૂર્ણ કેસ એક તદ્દન મામુલી વાત પર અંતિમ આધાર રાખતો હતો, તે ‘દાવેદાર અમુક જગ્યાએ ગયો હતો કે કેમ ?’ સાંયોગિક પુરાવા મળતા હતા, પણ આધારભૂત સાબિતિ મળતી ન હતી. બીજો વકીલ હોત તો વિગતોને મારીમચડીને કેસને પોતાની તરફેણમાં લાવવા પ્રયાસો કરત. પણ અરદેશરના અંતઃકરણે એમ કરવાની ના પાડી. ઘણા બધાની ઘણી સમજાવટ, પણ અરદેશરના આત્માને તેની અસર ન જ થઈ. કેસ હારી જવાશે, તેની ભીતિ વગર તેઓ મક્કમ રહ્યા. આ તો તદ્દન નવી નવાઈની વાત હતી. પક્ષકાર અસીલ ધૂંધવાયા હતા, અરદેશર માટે ‘ચક્રમ’ જેવો શબ્દ પ્રયોગ થયો. છેવટે સોલિસિટરોના પ્રતિનિધિઓએ ચૂકાદો ફરમાવ્યો – ‘જુવાન, તું ખોટા ધંધામાં પડ્યો છે !’ અરદેશરનો જવાબ હતો – ‘સાવ સાચું. એ ભાન મને પણ થયું છે.’ પોતાના સત્યવાદી સિદ્ધાંતોમાં માનતા પિતાજીએ આપેલી શિખામણ યાદ કરી, તેમણે તદ્દન શાંત ભાવે-મક્કમ સ્વરે કહ્યું : ‘તમારે મને ફી આપવાની જરૂર નથી. હું દાવામાંથી ખસી જાઉં છું અને વકીલાત જ છોડી દઉં છું !’

પોતાના અંતરાત્માને વફાદાર રહેવા અરદેશરે કેસ છોડી દીધો, ફી લેવાનું માંડી વાળ્યું અને જીવનભર વકિલાત કરવાનું પણ છોડી દીધું. સંસાર-દષ્ટિએ આ તેમની નિષ્ફળતા ગણી શકાય, કાળી ટીલી ગણાય, પરંતુ પોતાના સિદ્ધાંતને વળગી રહેવાના અનન્ય સંકલ્પને કારણે જ જીવનમાં આવેલી આ પ્રથમ ઠેસને ખમી ખાવાના અડગ નિર્ધારને લીધે જ અરદેશરના ભાવિ જીવનમાં સફળતાનો રાજપથ આવવાનો હતો. મુંબઈ પરત ફરેલા અરદેશરને ન હતી ભાવિની ચિંતા કે ન હતો પસ્તાવો, પણ કુટુંબને તો આંચકાજનક આઘાત લાગ્યો હતો. આફ્રિકાથી અરદેશર ત્યાંનો એક પોપટ પોતાની સાથે લાવ્યા હતા. સિદ્ધાંત ખાતર વકિલાતનો વ્યવસાય કાયમી ધોરણે છોડી દેવાનો નિર્ણય આકરો હતો, પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો આઘાત આપનારી ઘટના તો હવે આવી રહી હતી. માનવ-જીવનનો રસ્તો કદી સીધો, સપાટ, એકધારો, સુખદ, સલામત હોતો નથી. જીવન-પથ પર ખાડાટેકરા આવે, સ્પીડ બ્રેકર કે ડાયવર્ઝનના કાચા ઉબડખાબડ રસ્તાઓ પણ આવે. આવા સમયે સમતોલન સાચવવું અઘરું છે.

અરદેશરના જીવનમાં એકાએક અંધારું છવાઈ જાય તેવી કારમી ઘટના બની. તેમના લગ્નજીવનનું એક વર્ષ પણ પૂરું થયું ન હતું અને અકસ્માતે યુગલ વિખુટું પડી ગયું, જોડી ખંડિત થઈ. તેમના જીવનમાં અસહ્ય આઘાતની ઘટના ઘટી. લગ્નના એક જ વર્ષ દરમ્યાન, પોતાનાથી ઉંમરમાં ચાર વર્ષ નાના, માત્ર 19 વર્ષના ધર્મપત્નીના અણધાર્યા મૃત્યુની ઘટના ! નાની ઉંમરે પણ શાણપણના સાગર સમા બચુબાઈના આકસ્મિક અવસાનની આ કારમી પળે અરદેશરના અંતરને વલોવી નાખ્યું. જાણે તેમનું યૌવન હણાઈ ગયું, અચાનક જ તેઓ એકદમ મોટા અને એકલવાયા બની ગયા. આ કરુણાંતિકા કેમ કરતાં સર્જાઈ હતી ? 25 એપ્રિલ, 1891ના ગોઝારા દિને શ્રીમતી બચુબાઈ અરદેશર ગોદરેજ તથા તેમના પિતરાઈ બહેન શ્રીમતી પિરોજબાઈ સોરાબજી કામદીન મુંબઈના રાજાબાઈ ટાવરના મથાળે ચડતા હતા ત્યારે કોઈ મવાલીએ તેમનો પીછો કરતાં, પોતે ફસાઈ ગયાનું જાણી, લાજ લૂંટાવા દેવી કે જીવનનો ત્યાગ કરવો – તે પળવારમાં વિચારી આ બન્ને પવિત્ર મહિલાઓએ આશરે 200 ફૂટની ઊંચાઈ પરથી કૂદકો મારી આત્મબલિદાન આપ્યું. શીલ રક્ષા માટે અપાયેલા આ આત્મભોગની અરેરાટીપૂર્ણ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા. મુંબઈમાં ચકચાર મચાવી, ગોદરેજ પરિવારમાં ભૂકંપ સર્જ્યો. અને અરદેશરનું હૈયું ભાંગી પડ્યું.

બહારથી કઠણ જણાતા અરદેશર જાણે પોતાના પર આવી પડેલી અણધારી આપત્તિના બોજામાં કોઈ ભાગ પડાવે, તે કદાચ ઈચ્છતા ન હતા. પોતાની પ્રિય પત્નીને કાયદાનો ઠરડાયેલો હાથ પાછી લાવી શકે તેમ નથી, તેમ જાણતા તેઓએ, ન તો ગુનેગારને સજા થાય તેમાં રસ દાખવ્યો કે ન તો ગુનેગારને સજા ન થઈ તેનાથી ગુસ્સે થયા. જાણે કે સંતોની જેમ સ્વીકારી લીધું કે પાપથી પર પાપની ક્ષમા છે. આ આઘાતની અરદેશરને કળ વળી નહીં. યુવાવસ્થાના આરંભે ઓગણીસ વર્ષના પત્નીનું અકાળ કરુણ નિધન એમને એવો તો આંચકો આપી ગયું કે, પરિવારજનોનો – ખાસ કરીને માતાનો આગ્રહ – છતાં તેમણે બીજા લગ્ન અંગે જીવનપર્યંત વિચાર્યું પણ નહીં !

[કુલ પાન : 50. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા”

Copy Protected by Chetan's WP-Copyprotect.