ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા

[વિશેષ નોંધ : હાલમાં મુંબઈની મુલાકાતે સૌ વાચકમિત્રોને મળવાનું ચાલી રહ્યું હોવાથી રીડગુજરાતી પર આજે બંને લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યા છે. આ કારણસર આવતીકાલે એક વિરામ રહેશે. નવા બે લેખો/કાવ્યો સાથે શનિવારે ફરી મળીશું. આભાર. – તંત્રી.]

[લેખકના જીવનના સ્વાનુભવ અને નિરીક્ષણના માર્મિક પ્રસંગો પર આધારીત પુસ્તક ‘ક્ષણોના ઝબકાર’ માંથી કેટલાક જીવનપ્રસંગો અહીં સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’ના શ્રી વનરાજભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.]

[1]
સવારના માંડ આઠ વાગ્યા છે. મારે હજી તૈયાર થવાનું બાકી જ છે. ત્યાં તો બહાર થોડેક છેટેથી કોઈક બાળકના ધીમા રૂદનનો અવાજ મારે કાને આવે છે. બારણું ઉઘાડી ગેલેરીમાંથી રસ્તા પર નજર કરું છું તો મારા ઘરના ખૂણે ચાર રસ્તાની બરાબર વચ્ચોવચ્ચ એક બાળકી અઢી-ત્રણ વરસની એક બાળકી ઊભી છે અને ધીમે સ્વરે રડે છે. ઝટપટ હું દાદરો ઉતરી રસ્તા પર એની પાસે પહોંચું છું. મારા શ્રીમતી અને પુત્રવધૂને પણ બોલાવું છું. શ્યામવર્ણ, લીલા રંગનું નાનકડું ફરાક અને બન્ને હાથમાં કાચની લીલા રંગની બંગડીઓ એ બાળકીએ પહેરેલ છે. એની બંધ મુઠ્ઠીમાં 20 પૈસાનો એક સિક્કો છે. ભરચક્ક વાહનવ્યવહારવાળા ચૌરાહાની બરાબર વચ્ચોવચ્ચ એ સ્થિરપણે ઊભી છે, પોતાની માથી વિખૂટી પડી ગયેલ લાગે છે. એક-બે હાથલારીવાળા આવી મને જોઈને ઊભા રહે છે. બાળકીને નજીકથી જોઈને કહે છે ‘છે તો અમારી વાઘરીની જ.’ પણ એમની પાસે સમય નથી. નજીકમાં જ શાકભાજીનું હૉલસેલ માર્કેટ છે ત્યાંથી એની માથી વિખૂટી પડેલ હશે. આખરે એક બીજા ભાઈ સાયકલ પર પસાર થતાં નીકળે છે અને પ્રેમથી એને ઊંચકી શાક-માર્કેટમાં એની માને શોધી એને સોંપવા લઈ જાય છે.

મારી પોતાની એક મનુષ્ય તરીકેની સ્થિતિ, જગત આખાના તમામ માનવીઓની સ્થિતિ ચાર રસ્તાની વચ્ચોવચ્ચ ઊભેલી એ અબોધ લાચાર બાળકી જેવી નથી શું ?

[2]
‘બીજાઓને સુધારવાનો ઝંડો લઈ જેઓ મેદાનમાં નીકળી પડે છે તેમનું પોતાનું જીવન જો લક્ષપૂર્વક જોવામાં આવે તો દેખાઈ આવે છે કે તેઓને જાતે જ સેંકડો બાબતોમાં સુધરવાનું બાકી હોય છે. આખા જગતને અજ્ઞાનથી ઘેરાયેલ માનનાર પોતે પોતાના અંત:કરણમાં એથી પણ વધુ ગાઢ અજ્ઞાનથી ઘેરાયેલા હોય છે. પોતાની જાતને સુધારવાનું પ્રથમ કર્તવ્ય ચૂકીને તે બીજાઓને સુધારવાનું દ્વિતીય કર્તવ્ય સ્વીકારવાથી અલ્પ સમયમાં જ પોતે ગૂંચવાઈ જાય છે. હજારો મનુષ્યોએ આમ કર્યું છે, અને હજી કરી રહ્યા છે. ઉત્તરાવસ્થામાં તેઓને એ સમજાયા વિના રહેતું નથી કે પોતાના પ્રયત્નોના પ્રમાણમાં તેમણે ઘણા થોડાઓનું જ, અલ્પહિત કર્યું છે. એટલી મહેનત તેઓએ સ્વહિત માટે કરી હોત તો તેઓ પોતાનું હિત સર્વોત્તમ પ્રકારે સાધી શક્યા હોત એટલું જ નહિં પરંતુ પોતાના ઉત્કૃષ્ટ અને નક્કર ઉદાહરણથી ઘણ વધુ લોકોનું હિત અનાયાસે જ તેઓ થકી સધાયું હોત.’

એક અજાણ-અનામી સાધકની નોંધપોથીમાંના ઉપરોક્ત શબ્દો શું મારી આંખો ઉઘાડી શકશે ?

[3]
થોડાક વર્ષો પહેલનો આ પ્રસંગ છે. કચ્છના એક નાનકડા ગામડામાં દિક્ષા મહોત્સવ છે. છ બહેનો દિક્ષા લઈ રહી છે. દશ હજારની મેદની ભેગી થઈ છે. મુંબઈથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આ ઉત્સવમાં સામેલ થવા આવી પહોંચ્યા છે.

વાજતે-ગાજતે દિક્ષાનો વરઘોડો ગામની શેરીઓ વચ્ચેથી આગળ વધી રહ્યો છે. દિક્ષાર્થીમાંના એક બહેન ત્યક્તા (ડાયવોર્સી) છે અને તેઓ પોતાની 13 વર્ષની કુમળી વયની પુત્રી સાથે દિક્ષા લઈ રહ્યા છે. એક શણગારેલી ગાડીમાં દિક્ષાર્થીઓ જયજયકાર વચ્ચે વરઘોડામાં આગળ વધી રહ્યા છે અને ગાડીના ફૂટબોર્ડ ઉપર ઊભો રહીને એ ત્યક્તા બહેનનો 8-10 વર્ષનો પુત્ર ચોધાર આંસુએ રડી રહ્યો છે, રડી રહ્યો છે… – બસ, રડી રહ્યો છે…..

બીજીવાર અનાથ બનેલ આ બાળકને છાનું રાખનાર આ દશ હજાર ભાવિકોમાંથી છે કોઈ ?

[4]
એક મિત્રે કહ્યું : ‘હમણાં તો મચ્છરોનો ભારે ત્રાસ છે.’ ભાઈ, વાત સાચી છે. કોઈકને મચ્છરોનો ત્રાસ છે. કોઈકને માખીઓનો ત્રાસ છે, ક્યાંક ઉંદરોનો ત્રાસ છે તો વળી ક્યાંક કૂતરાઓનો ત્રાસ છે. ત્રાસની આ વાતો સાંભળીને 84 લાખ યોનિ મુજબની મનુષ્ય સિવાયની બાકીની તમામ જીવસૃષ્ટિએ એક સભા ભરીને આ બાબતની વિચારણા કરી અને આખરે નિષ્કર્ષ એ નીકળ્યો કે, ‘માણસનો જ મોટો ત્રાસ છે.’

પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર અજ્ઞેયના શબ્દો મને નિર્મલ વાસ્વાણીએ કોઈક સિંધી મેગેઝીનમાંથી વાંચી સંભળાવેલ, એ શબ્દો યાદ આવ્યા. કંઈક આમ હતું : ‘હે સર્પ, તું અમારા જેવો સુસંસ્કૃત નથી અને વળી અમારી જેમ શહેરમાં પણ રહેતો નથી. તો પછી તારા મોં માં આ ઝેર આવ્યું ક્યાંથી ???’

[5]
એક શુક્રવારની સવારનો સાડાસાત વાગ્યાનો સમય છે. નીચેથી શ્રીમતી બૂમ પાડી બોલાવતાં કહે છે : ‘નહાવા જાઉં છું – નીચે બેસો – હમણાં દૂધવાળો આવશે.’ નીચે ‘ધર્મલાપ’ ગ્રંથ લેતો જાઉં છું જેથી બે-ત્રણ પાના વાંચી સમય લેખે લાગે – પણ હું તો ટીવી ચાલુ કરું છું અને દિલ્હીના કોઈક પાનવાળાનો ઈન્ટરવ્યુ ચાલી રહ્યો છે. પાનનો ગલ્લો ચલાવતાં-ચલાવતાં એણે 11 પુસ્તકો લખ્યાં છે. બે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે – બીજા 4-5 પુસ્તકો છપાઈ રહ્યા છે. પાનની દુકાને સવારે 8 થી રાત્રે 8 સુધી બેસીને જ વચ્ચે-વચ્ચે જ્યારે ફાજલ સમય મળે ત્યારે એનું લેખન-વાંચન ચાલતું રહે છે. ઈન્ટરવ્યુની આખરે એ પાનવાળો કહે છે : ‘વૈસે તો મેં મામુલી પાનવાલા…..’

વકીલો, ડૉક્ટરો, એન્જીનીયરો મોટી-મોટી એરકંડીશન્ડ ઑફિસોમાં ખુરશી પર બિરાજતા એ બધાના નામ-સંબોધનના છેડે ‘સાહેબ !’ અને રોજ બાર કલાકની જાત-પરિશ્રમથી રોટલો રળતો આ પાનવાળો ‘મામુલી’ માણસ જ. સમાજનો એક નાનકડો પણ મોટા અવાજવાળો ભયાનક શોષણ અને તાગડધિન્ના કરતો એ ‘સાહેબ’ વર્ગ હકીકતમાં તો આવા પરિશ્રમનો રોટલો રળનારના ઉપર જ નભી રહ્યો છે – જળોની જેમ વળગી બેઠો છે.

[6]
એક પતંગિયું નાચતું-કૂદતું કિલ્લોલ કરતું હતું. થાકીને તે ઊંઘી ગયું અને પછી એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે માણસ બની ગયું હતું. પછી તો એ માણસે ‘દોરી-લોટો’થી જીવનની શરૂઆત કરીને મહાન ઉદ્યોગપતિ થયો; એક રાજકારણી બનીને એ ઠેઠ વડાપ્રધાન કે એથી ઉચ્ચ પદો સુધી પહોંચ્યો. પણ હજી એને આંતરિક સંતોષ નહોતો મળતો એટલે એણે લેખક-કવિ બનવાનું શરૂ કર્યું. એમાં પણ ભારે પ્રસિદ્ધિ અને માન-સન્માનો એને મળતાં ગયાં. કળાના ક્ષેત્રે પણ એની પ્રગતિ ધડાધડ થવા લાગી. પણ હવે એ અંર્તમુખ બન્યો. બધે જ એને અનિષ્ટ દેખાવા લાગ્યું – અને ઠેક-ઠેકાણે એની વિરુદ્ધ હરીફાઈ, અદેખાઈ, આક્ષેપો-ગ્રુપબાજી વધતાં ગયાં. આખરે કંટાળીને, ત્રાસીને, થાકીને એને વાનપ્રસ્થ થવાનું મન થયું. એક જંગલમાં સુંદર પુષ્પાચ્છાદિત વૃક્ષો વચ્ચે પર્ણકુટિ બનાવી એણે પ્રવેશ કર્યો. જીવન આખાથી એ થાક્યો હતો – ત્રાસ્યો હતો. એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ! જ્યારે જાગ્યો ત્યારે ચીસ પાડી ઉઠ્યો – ઓહ, કેવું ભયાનક દુ:સ્વપ્ન ! ફરી પાછું એ પતંગિયું નાચતું કૂદતું ફૂલો વચ્ચે અદશ્ય થઈ ગયું.

[7]
મુંબઈના એક ભીડવાળા લત્તામાં એવી જ એક ગીચ ગલીમાંથી થઈને મારા એક મિત્રના પ્રથમ માળે આવેલ ફલેટમાં એક સાંજે હું પહોંચું છું. અમે 4-6 મિત્રો વચ્ચે જીવનની, તત્વજ્ઞાનની, સાધનાની, જીવનના અર્થની અનેક ગંભીર વાતો ચાલી રહી છે. એક મિત્ર તો એમના પત્ની સાથે ખાસ બહારગામથી એ માટે ત્યાં પહોંચી આવ્યા છે.

દારૂના નશાની જેમ ફિલસૂફીની વાતોનો પણ કોણ જાણે એક નશો થઈ પડે છે. એ નશામાંથી બહાર આવવાનું મન જ નથી થતું. ઘડિયાળનો કાંટો તો આગળ દોડતો રહે છે. આખરે અમે સૌ છુટાં પડીએ છીએ. એ જૂની બિલ્ડીંગનો જર્જરિત દાદરો હું સંભાળપૂર્વક ઊતરું છું; ત્યાં જ નજર પડે છે, નીચે પેસેજમાં ટૂંટિયુંવાળીને નિરાંતે સૂતેલી એક સ્ત્રી પર.

દિવસ આખો કોઈકના ઘરકામો કે બીજી મજૂરી કરીને પેટિયું રળતી એ સ્ત્રીનું ઘર કહો, શયનગૃહ કહો કે જિંદગી કહો એ બસ આ જ હતું. એક ક્ષણમાં જ આ ઘટનાથી હું હલબલી ગયો. જીવનની આ પણ એક વાસ્તવિકતા હતી. એક તરફ અમે – આપણા જેવા સૌ ફિલસૂફીની, અધ્યાત્મની સૂફીયાણી વાતો ભરેલ પેટે અને ભરેલ ખિસ્સે આસાનીથી કરતા રહીએ છીએ અને એ બાબત સન્માનનીય પણ ગણાઈ ચૂકી છે; અને બીજી તરફ છે જીવનનો સંઘર્ષ, અસહાયતા, લાચારી અછત અને બીજું ઘણું બધું.

[8]
મિત્રોના સમૂહ વચ્ચે સુરેશ પરીખ મારી સામે બેઠાં છે. પુસ્તકો, જીવનની ઘટનાઓ, જીવનની સમસ્યાઓ એમ વાતરૂપી કેમેરા ચારે તરફ ઘૂમતો રહે છે. અને એક સંદર્ભમાં સુરેશભાઈ કહે છે :

‘જલ્પા, મારા મિત્રની 5-6 વર્ષની દીકરી મારી સાથે હળી-ભળી ગયેલી. મને પોતાનો દોસ્ત માને. મારા ઘરમાં કંઈ તોફાન કરે તો મારી પત્ની સુશીલા એને ટોકે, ઠપકો આપે અને ‘આઈ એમ સોરી’ કહેવાનું શીખવે. આજકાલ તો ‘સોરી-થૅન્ક્યુ’ શબ્દો બાળકો જન્મથી જ શીખતા જાય છે. એકવાર હું જલ્પાને સાયકલ પર બેસાડી ફરવા લઈ જતો હતો. ત્યાં ઓચિંતાનું જલ્પા મને કહે : ‘તું ગધેડો છે.’ પછી એને કોણ જાણે કંઈક સમજાયું અને મને પૂછે કે : ‘તું તો મારો દોસ્ત છે તો પણ શું મારે ‘આઈ એમ સોરી’ કહેવું ?’

એરિક સેગલની એક નવલકથા ‘લવસ્ટોરી’માં છેલ્લા પાના પરનું છેલ્લું વાક્ય છે : ‘જ્યાં ખરેખર પ્રેમ છે ત્યાં ‘આઈ એમ સોરી’ જેવા શબ્દોને સ્થાન જ નથી.’

[9]
ચારે તરફ ઉત્પાત મચી રહ્યો છે. અજાણ્યા નિર્દોષ માણસોને છરાથી રહેંસી નાખવામાં આવે છે. આખે આખા કુટુંબને ઘરમાં બંધ કરીને સળગાવી દેવામાં આવે છે. ક્યાંક આઠ-દસ વર્ષની બાલિકા પર બળાત્કારો થતા રહે છે. ક્યાંક કોઈક દેશના સીમાડા પર બે-ઘર ભૂખે મરતા, રોગોથી ઘેરાયેલા હિઝરતીઓની વણઝારો ચાલી રહી છે.

અને એ બધાની લગોલગ સિનેમા-નાટકોના થીયેટર પર દર્શનાર્થીઓની કતારો છે, ફાઈવ-સ્ટાર હૉટલોમાં સેંકડો વાનગીઓથી સજાવેલાં ખાણાના ટેબલો છે અને કેબરે નૃત્યો ચાલી રહ્યાં છે. સેંકડો નહિ હજારો મણ આઈસ્ક્રીમ રોજ ખવાઈ જાય છે અને બીજી તરફ 5-10 વર્ષના લાખ્ખો બાળકો દિવાસળી અને ફટાકડાના કારખાનાઓમાં રોજ ચૌદ કલાકની મજૂરી કરી રહ્યાં છે. જ્યાંથી રોજ દૂધની ટ્રેઈનો ભરાઈને 500-700 કિલોમીટર છેટેના શહેરોમાં ઠલવાય છે, ત્યાં જ અનેક બાળકોને દૂધનું ટીપું પણ મળતું નથી.

અંધકાર અને પ્રકાશ સાથોસાથ રહી શકે જ નહિ એમ કહેનારા બધા તર્કશાસ્ત્રીઓ શું લબાડ છે ? આ બધું જ મને હવે જરા પણ ઢંઢોળતું નથી – હચમચાવતું નથી. હું એક સજ્જન છું – સદગૃહસ્થ ગણાઉં છું, કારણ કે હવે એ બધા આઘાતો-પ્રત્યાઘાતોથી રીઢો થઈ ગયો છું અને ભરેલે પેટે આ બધી સમસ્યાઓ ઉપર એક બુદ્ધિજીવી બ્રાન્ડની ચર્ચાઓ કરી શકું છું અને ક્યાં, કોણે શું કરવું જોઈએ એનું ડહાપણ ડોળતો રહું છું, પણ મારે શું કરવું જોઈએ એવું કહેનાર કોઈ ન મળી જાય એની બરોબર સાવધાની રાખું છું !

[10]
‘તું શું ભણે છે ?’
જ્યંતિ ધનજી જોગાણીએ ભણવાનું મૂકી દીધું છે. છઠ્ઠી ચોપડી સુધી ભણ્યો એટલે ઉંમર 11-12 વર્ષની હશે પણ લાગે માંડ 9-10 વર્ષનો. એક હોટલવાળાને ત્યાં નોકરી કરે છે અને આખો દિવસ ચાહના કપ પહોંચાડવા નજીકની બિલ્ડીંગના દાદર ચડ-ઉતર કરે છે. ચારસો રૂપિયાનો પગાર પણ એને મળે છે, અને પોતાના ગરીબ પરિવારને પોતાનો ટેકો છે એનો સંતોષ પણ એના મોં પર છે. સ્વચ્છ કપડાં પહેરે છે. ‘સરકારી સ્કૂલમાં માસ્તરો ભણાવે જ નહિ – ઢોરની જેમ આખો દિવસ વર્ગમાં પૂરી રાખે પછી શું કામ ભણવું ?’ જ્યંતિએ મને સહજભાવે કહ્યું.

જ્યંતિને કોઈ ફરિયાદ નથી. જીવનમાં કશો અસંતોષ નથી. અગીયાર વર્ષની ઉંમરે એ 31 વર્ષના પાકટ માણસ જેવી ગંભીરતાથી વાતો કરે છે. એ પોતાના પરિશ્રમનો રોટલો કમાય છે. એને કોઈનું શોષણ કરવાની જરૂર જ નથી પડતી. એના અસ્તિત્વ થકી સમાજને, દેશને ક્યાંયે જરા સરખી પણ હાનિ નથી. સમાજ ઉપર એ ભારરૂપ નથી.

આધ્યાત્મિક ક્ષેત્રે ‘સાધક’ શબ્દનો ભારે મહિમા છે, આદર છે. આવા જયંતિને ‘સાધક’ શું કામ ન ગણવો ?

[કુલ પાન : 80. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગળમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362 001. ફોન : +91 285 2650505.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાહ, ભાવનગર ! – પ્રો. જશવંત શેખડીવાળા
વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’ Next »   

13 પ્રતિભાવો : ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા

 1. durgesh oza says:

  શ્રી માવજીભાઈ સાવલાની વાતો ખૂબ જ પ્રેરક,સુંદર.વિચારતા કરી મુકે તેવી અર્થસભર,લાગણીભરી…..એમને અને રીડગુજરાતીને ખૂબ અભિનંદન.

 2. Amee says:

  Life is totally with mystery and contoroversy….We will talk something but act something else

 3. Bhumika says:

  Like in the story,

  We will see everything,
  think everything,
  but does nothing.

 4. ખુબ સરસ દ્રશ્ટાન્તો.
  નબર ૪. આપણી માનવજાત કોને નથી નડતી?

 5. સરસ પ્રસંગો.
  બીજાને સુધારવાની વાતજો પ્રસંગ ૨ વાંચીને મને એક વાત યાદ આવી ગઈ કે જુવાનીમાં આખી દુનિયાને સુધારવાનો ઝંડો લઈને નીકળેલા વ્યક્તિને ઘડપણમાં પોતાની પાચનશક્તિ કરી રીતે સુધારે એની વધારે ફિકર હોય છે.

 6. rita jhaveri says:

  ખુબ આભાર.
  આપણા આ સમાજ ને વધારે “જયન્તિ” ની જરુર રહેવાની-આત્મનિર્ભર અને સ્વાભીમાની .
  રીટા ઝવેરી

 7. devina says:

  real presentation of our reel life………..
  thanks authour….
  thanks editor…..

 8. Navin N Modi says:

  પ્રસંગ નં.(૪)ના અનુસંધાનમાં કહેવાનું કે;
  લેખકે છેલ્લે ટાંકેલ સિંધી મેગેઝીન મેં જો કે વાંચ્યું નથી, પરંતુ મને લાગે છે કે એ શબ્દો બાદ જો કંઈ છપાયું હશે તો એ નીચે મુજબ હશેઃ
  “જવાબમાં સર્પે માનવીને પ્રતિ-પ્રશ્ન કર્યો; ‘અમે તો સુસંસ્ક્રુત નથી તેથી અમારા મોંમાં ઝેર છે, પરંતુ સુસંસ્ક્રુત હોવાનો દાવો કરતી માનવ જાતના હ્રદયમાં આટલુ બધું ઝેર ક્યાંથી આવ્યું?”

 9. priyangu says:

  વાદરો ગુલાટ ના ભુલે સાપ ડખ ના ભુલે માણસ માણસાઈ ભુલે ઊદહરણ પશુ નુ આપે પણ માણસ નુ નહી માણસ ને કહેવુ પડે કે માણસ થા.

 10. NAVINBHAI RUPANI U.S.A. says:

  Very nice!!

 11. Preeti says:

  ખુબ જ સરસ. ક્ષણમાં ગૂંથાયેલી વાતો.

 12. Hasmukh Sureja says:

  ચોટદાર! એકે એક પ્રસન્ગ ૪૪૦ વોલ્ટનો ઝબકારો!

 13. Hemant Jani says:

  હ કોઇ ધર્મનિ ટિકા કરવા માન્ગતો નથિ, પરન્તુ આ દિક્ષા નો માર્ગ મારિ માનવ્સમજ નિ બહાર છે. એવુ સાંભળવા/જાણવા મળ્યું છે કે દિક્ષર્થિના કુટુંબ પરિવાર્ને જે ત ધર્મના
  વડા તરફ્થિ સારિ એવિ આર્થિક મદદ મલે છે. બિજિ રિતે જોઇએ તો આ એક સોદાબાજિ જ લાગે… દિક્ષા લેનાર તેનિ અને તેના કુટુંબનિ આર્થિક મજબુરિને લઈને
  જ સંસાર ત્યાગતા હોય છે, નહિં કે કોઇ ધર્મપ્રેમ કે પ્રભુ ભક્તિ માટે….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.