વાહ, ભાવનગર ! – પ્રો. જશવંત શેખડીવાળા

[‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી જશવંતભાઈનો (પેટલાદ) ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 324243.]

સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી જનારાં રાજ્યોમાં ભાવનગર એક અગ્રણી રાજ્ય હતું. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. અન્ય રજવાડાં ભાવનગરના રાજા અને રાજ્ય તરફ માન અને અહોભાવથી જોતાં હતાં. ભાવનગર ભૌગોલિક દષ્ટિએ સૌરાષ્ટ્રમાં હતું, પરંતુ તેનો સાંસ્કૃતિક-વ્યાપારિક સંબંધ સવિશેષ, અમદાવાદ-તળ ગુજરાત સાથે હતો અને છે. ભાવનગરની ગુજરાતી શિષ્ટ ગુજરાતીની સૌથી નજીક છે. ભાવનગર શહેર પણ ગાયકવાડી રાજ્યના પાટનગર વડોદરાની જેમ, ‘સંસ્કારનગરી’ તરીકે જાણીતું છે. વીસમી સદીના આરંભકાળના ત્રણ ચાર દાયકા દરમિયાન શિક્ષણ-સાહિત્ય-સંસ્કારના અનેક અવનવા સ્ત્રોતો ભાવનગરમાંથી વહેવા શરૂ થયાં હતાં અને સમગ્ર ગુજરાતમાં તે રેલાયાં હતાં.

ગિજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણ-પુરુષો અને ‘દક્ષિણામૂર્તિ’, ‘ઘરશાળા’, ‘સંસ્કાર સાહિત્ય મંદિર’ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રકાશન ગૃહોનાં ઉજ્જવળ નામ-કામ ગુજરાતભરમાં જાણીતાં થયાં હતાં. નૂતન બાળકેળવણીનો પ્રકાશ ગિજુભાઈના ઉત્કટ, સન્નિષ્ઠ, સાતત્યપૂર્ણ પ્રયાસોથી ચોતરફ પ્રસર્યો હતો. ગ્રામશિક્ષણ અને ગ્રામોત્કર્ષના સ્મરણીય-અનુકરણીય પ્રયોગો નાનાભાઈ ભટ્ટ દ્વારા આંબલામાં શરૂ થયાં હતાં. મૂળશંકર ભટ્ટે યુરોપીય ઉત્તમ લેખકોનાં શ્રેષ્ઠ પુસ્તકોના રસળતા ગુજરાતી અનુવાદો દ્વારા ગુજરાતી કિશોરો-યુવકોને વિવિધ જ્ઞાનપિપાસા-નિર્ભીકતા-સાહસિકતાના દઢ સંસ્કાર સિંચ્યા હતા. તેમણે કિશોરો-યુવકોને, ગ્રામપ્રદેશની બહાર નીકળી, દેશ અને દુનિયામાં જવા-જોવા માટે માર્ગ ચીંધ્યો હતો. મારા જેવા લાખો ગુજરાતી તરુણોનું બહુમુખી સંસ્કારઘડતર ગિજુભાઈ, મૂળશંકર ભટ્ટ, નાનાભાઈની ત્રિમૂર્તિ થકી થયેલું.

‘દક્ષિણામૂર્તિ’ શિક્ષણ સંસ્થા હોવાની સાથે પુસ્તક-પ્રકાશન સંસ્થા પણ હતી. તેના દ્વારા પ્રકાશિત ગિજુભાઈની એંસી જેટલી પુસ્તિકાઓની વિવિધલક્ષી વિષયોની ગ્રંથમાળાએ ત્યારે કિશોરો-યુવાનો માટે વિશ્વજ્ઞાનસંગ્રહ (એન્સાઈકલોપીડિયા)ની ગરજ સારેલી. તેમાં વ્યક્તિ, કોમ, સમાજ, વ્યવસાય, પ્રકૃતિ, ભૂ-ખંડ, ખગોળ, આકાશી પદાર્થો, ઝાડ-છોડ-પાક, પશુ-પંખી, વિવિધ પદાર્થો, વૈજ્ઞાનિક શોધખોળો, યાતાયાતનાં નવીન સાધનો, ભાષા, કહેવતો, રૂઢિપ્રયોગો, ઉખાણાં, લોકવાર્તાઓ, લોકરિવાજ, લોકમાન્યતાઓ-આદિ વ્યક્તિગત રસનાં તમામ વસ્તુ-વિષયો વિશે, સોરઠી બોલીના તળપદા રંગો ધરાવતી, શિષ્ટ સરળ પ્રવાહી બોલાતી, જીવંત રસળતી ગુજરાતીમાં રોચક માહિતી અપાઈ હતી. વારંવાર વાંચવી ગમે એવી, વસ્તુ-નિરુપણમાં આકર્ષક-બત્રીસ પાનની, માત્ર દોઢ આના (દશ પૈસા)ની કિંમતની આ બધી (‘પરિચય’ ટ્રસ્ટ, મુંબઈની પુરોગામી) પુસ્તિકાઓ તેમજ ગિજુભાઈ-ન્હાનાભાઈ-મૂળશંકર ભટ્ટનાં અન્ય તમામ પુસ્તકો મારા ગામ સેખડીની પ્રાથમિક શાળા સાથે સંબદ્ધ લાયબ્રેરીમાં મોજૂદ હતાં. કિશોરો અને યુવાનો ઉપરાંત પ્રૌઢ વાચકો દ્વારા પણ તે ખૂબ વંચાતાં હતાં. મેં પોતે, અને મારા જેવા ઘણા કિશોરોએ, આ ભાવનગરી લેખકોનાં તમામ પુસ્તકો વારંવાર વાંચ્યાં અને માણ્યાં હતાં. મને તેમાંથી વિવિધ વિષયો-વસ્તુઓની જાણવાજોગ ઘણી બધી માહિતી, નિર્દોષ મનોરંજન અને નીતિ-સદાચાર-વ્યવહારનું સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયેલું. સાઠ-સિત્તેર વર્ષ પૂર્વેના સમગ્ર ગુજરાતના લાખો કિશોરો-યુવાનોને મારા જેવો જ અનુભવ થયો છે.

ગિજુભાઈનાં બાળવાર્તાનાં અન્ય પાંચ પુસ્તક, બાળ લોકગીતનાં બે પુસ્તક, પ્રવાસ વર્ણન, વાર્તાકથન અને સાહસકથા વિશેનાં મૌલિક-અનુદિત અનેક પુસ્તકો પણ એવાં જ રસળતાં વિચારોત્તેજક અને પ્રેરણાદાયક હતાં. જ્ઞાન અને ગમ્મ્ત ઉભયનો તેમાં અજબ સુમેળ સધાયો હતો. હળવી, પ્રસંગોપાત વિનોદી થતી, મર્માળ બોલી-શૈલીમાં લખાયેલાં આ પુસ્તકો એવાં તો રસળતાં હતાં કે પુસ્તકનું એક વાર વાચન શરૂ થાય તે પછી તેને પૂરું કર્યે જ છૂટકો થાય. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ ચિતાર તેમાં હૂબહૂ અપાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રનું દર્શન મને ગિજુભાઈનાં પુસ્તકો દ્વારા ઘેર બેઠાં થઈ શક્યું હતું. આવાં આનંદ અને અવબોધ યુગપદ આપતાં બીજાં તરુણપ્રિય પુસ્તકો તે પછી ઘણા દાયકા વીતી ગયા છતાં આજ સુધીમાં ભાગ્યે જ જોવા મળે છે.

મૂળશંકર ભટ્ટ ગુજરાતી વાચકોને પાશ્ચાત્ય વિજ્ઞાન-કલ્પના કથાઓનો પ્રથમ વાર પરિચય કરાવનાર ઉમદા લેખક-અનુવાદક-શિક્ષક હતા. પ્રખ્યાત ફ્રેન્ચ લેખક જૂલે વર્નનાં જગપ્રસિદ્ધ પુસ્તકો- ‘પાતાળ પ્રવેશ’, ‘સાગરસમ્રાટ’, ‘સાહસિકોની સૃષ્ટિ’ વગેરેનો ગુજરાતી કિશોર-યુવાન વાચકોને પ્રથમ વાર તેમણે જ રોમાંચક-ઉત્તેજનાત્મક-પ્રેરણાદાયક પરિચય કરાવ્યો હતો. મૂળ ફ્રેન્ચ ભાષાનાં અંગ્રેજી ભાષાંતરોના તેમણે, સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ લાગે તેવા, અનુવાદો એવી સ-રસ ગુજરાતીમાં કર્યા હતા કે એવું જ લાગે કે આ બધાં પુસ્તકો મૂળ ગુજરાતીમાં જ લખાયાં હશે. મેં આ પુસ્તકો વારંવાર વાંચ્યાં હતાં અને દૂર દૂરના અપરિચિત રોમાંચક પ્રદેશોની આનંદપ્રદ સફરો ઘેર બેઠાં માણી હતી.

અફાટ મહાસાગર મધ્યે આવેલ અજાણ્યા ટાપુઓ, અકસ્માત ત્યાં આવી પડેલા સાહસિક જુવાનિયા, તેમની વૈજ્ઞાનિક જાણકારી અને વ્યવહારકુશળતા, અનેકવિધ જોખમો અને સંઘર્ષો અને તેમાંથી અંતે તેમની થતી મુક્તિ ‘સાહસિકોની સૃષ્ટિ’માં, રૂવાં ખડાં કરી દે તે રીતે, નિરૂપાયાં છે. ‘સાગરસમ્રાટ’માં જગતથી ત્યજાયેલા એક ભારતીય ક્રાન્તિકારી અને અલગારી યુવાન-કેપ્ટન નેમો તેની વૈજ્ઞાનિક બુદ્ધિથી, મહાસાગર મધ્યેના એક ટાપુ પર વસી, તેના જેવા સાહસિક અને બુદ્ધિમાન જુવાનિયાઓનું જૂથ જમાવી, કેવી અદ્દભુત સબમરિન નોટિલસનું નિર્માણ કરી, મહાસાગર પર પોતાનું વર્ચસ્વ જમાવી, સાગરસમ્રાટ તરીકે જગતભરનાં સામ્રાજ્યોને કેવા ધ્રુજાવે છે તેનું રોમહર્ષક આલેખન થયું છે. વસ્તુ-પાત્ર-પ્રસંગ-કાર્યના નિરૂપણમાં વૈજ્ઞાનિક દષ્ટિ અને કલ્પનાનું વાસ્તવિક લાગે તેવું સંયોજન થયું છે. કથાનાયક નેમો વાચકોનો પ્રેમ-આદર-અહોભાવ પ્રાપ્ત કરી લે તેવો સમભાવપ્રેરક આલેખાયો છે. ‘પાતાળપ્રવેશ’ માં છેક ઉત્તર યુરોપમાં આવેલા, સુપ્ત અને જીવંત જવાળામુખી પર્વતોના ટાપુદેશ ‘આઈસલેહડ’ના એક સુપ્ત જવાળામુખીના મુખમાં થઈ પૃથ્વી પેટાળના મધ્યબિંદુ સુધી પહોંચવાનું અતિ મુશ્કેલ અને જોખમકારક સાહસ આલેખાયું છે. સાહસિકો અનેક ચિત્રવિચિત્ર અને ભયાનક અનુભવો પ્રાપ્ત કરી, ભૂગર્ભમાં એટલાણ્ટિક મહાસાગર અને પૂરો પશ્ચિમ યુરોપ ખંડ ઓળંગી, મહાસાગરના તળિયાની નીચે હજારેક માઈલનો પ્રવાસ ખેડી, અંતે દક્ષિણ યુરોપમાં આવેલા ઈટાલી દેશના એક સુપ્ત જ્વાળામુખી પર્વતના મુખમાંથી કેવા બહાર આવે છે તે નિરૂપાયું છે. તેમનાં ‘ખજાનાની શોધમાં’, ‘ચંદ્રલોકમાં’, ‘મહાન મુસાફરો’ પુસ્તકો પણ યુવાન વાચકોમાં ઘણાં લોકપ્રિય થયાં હતાં. લેખક મૂળશંકર ભટ્ટે અમને કિશોરોને દેશબહારની વિશાળ વૈવિધ્યમય રોમાંચક દુનિયાનું પ્રથમ વાર દર્શન કરાવેલું. અમારા જેવા કિશોરો-યુવાનોનાં હૈયામાં તેમણે પ્રેમ-અહોભાવ-મમતાની ઉત્કટ લાગણી પ્રગટાવેલી. અમારા તેઓ એક સંસ્કારગુરુ બની ગયેલા. મારી આજની ઈઠ્યોતેર વર્ષની વયે પણ મારા અંતરમાં તેમની યાદ તરોતાજા છે.

નાનાભાઈ ભટ્ટ કૃત ‘રામાયણનાં પાત્રો’ અને ‘મહાભારતનાં પાત્રો’ વિષયક પુસ્તકોની પણ તે કાળના કિશોરો-યુવાનો પર ઊંડી અસર પડેલી. બધાં પાત્રોનું લેખકીય વિભાવન અને નિરૂપણ રસળતી વાર્તાઓ રૂપે થયેલું. ખાસ યુવાન વાચકોને અનુલક્ષી તે લખાયેલાં. રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી, ભીષ્મ, કુંતી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, દ્રૌપદી, શ્રીકૃષ્ણ આદિ પ્રાચીન પાત્રો અને તેમનાં કાર્યો તેમાં જીવંત મર્મસ્પર્શી રૂપમાં આલેખાયાં હતાં. વર્તમાન જીવનમાં પણ પ્રસ્તુત લાગે તેવાં તેમનાં વિચાર-કલ્પના-સંવેદન-વ્યવહારકાર્યનું તેમાં થયેલું ચિત્રાત્મક-નાટ્યાત્મક-સાક્ષાત્કારક નિરૂપણ એ મહામાનવોને વાચકની મનોદષ્ટિ સમક્ષ જીવંત પ્રભાવક રૂપમાં ખડાં કરી દેતું હતું. વાચકોનો સમભાવ જ નહીં, અહોભાવ પણ તેઓ સહજ સ્વાભાવિક રીતે મેળવી લેતાં હતાં. તેમનાં વિચાર-આદર્શ-ગુણ-કાર્ય યુવાનો માટે પ્રેરણાદાયી અને કેટલેક અંશે અનુકરણીય લાગતાં હતાં. આનંદ અને અવબોધ તે સાથોસાથ આપતાં હતાં. સીધી સરળ પ્રવાહી જીવંત રસળતી ભાષા-શૈલીમાં નિરૂપિત આ બધાં પુસ્તકોએ ગુજરાતભરના કિશોરો-યુવાનોના સંસ્કાર ઘડતરમાં ત્યારે મહત્વનું યોગદાન આપ્યું હતું. અમારા શેખડી ગામના શાળા પુસ્તકાલયમાં ગિજુભાઈ અને મૂળશંકર ભટ્ટની સાથોસાથ નાનાભાઈ ભટ્ટનાં તમામ પુસ્તકો મોજૂદ હતાં. મેં અને મારા જેવા ઘણા કિશોર વાચકોએ આ બધાં પુસ્તકો વખતોવખત વાંચ્યાં હતાં. સરસ વાર્તાઓનાં પુસ્તકો જેવો આનંદ આપે તેવો આનંદ આ પુસ્તકોએ અમને આપ્યો હતો.

આદર્શ શિક્ષકો, દષ્ટિસંપન્ન કેળવણીકારો, વારંવાર વાંચવા ગમે તેવા લેખકો, સતત વિદ્યાપ્રવૃત્ત સંસ્થાઓનો વારસો ભાવનગરે ઓછેવત્તે અંશે આજ સુધી જાળવી રાખ્યો છે. નાથાલાલ દવે, મનુભાઈ ભટ્ટ, મહેન્દ્ર મેઘાણી, જયેન્દ્ર ત્રિવેદી, તખ્તસિંહ પરમાર, ખોડીદાસ પરમાર, રક્ષાબહેન દવે આદિની શૈક્ષણિક-સાહિત્યિક પ્રવૃત્તિ ભાવનગરમાં જન્મી અને વિકસી છે. ઉચ્ચ કોટિનાં, સાવ સસ્તી કિંમતનાં પુસ્તકોના પ્રકાશનની, પ્રચારની અને વિતરણની પ્રવૃત્તિ ભાવનગરે મહેન્દ્ર મેઘાણી અને જયન્ત મેઘાણીની રાહબરી નીચે, આરંભી છે અને ચાલુ રાખી છે. ‘મિલાપ’ અને ‘પ્રસાર’ સંસ્થાઓ દ્વારા તેમણે પુસ્તકો અંગે વાર્તાલાપો-પ્રવચનો-પ્રદર્શનો-પુસ્તકમેળા યોજી ગુજરાતભરમાં તેમજ વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ ઘણી જાગૃતિ આણી છે. ‘મિલાપ’ જેવા ઉચ્ચસ્તરીય સામાયિક દ્વારા મહેન્દ્ર મેઘાણીએ ગુજરાતી સાહિત્ય, લેખકો, વાચકોની ઘણી ઉમદા સેવા કરી છે. તેમણે પુસ્તકોથી દૂર રહેતા લોકોને પુસ્તકો પાસે આણ્યાં છે, એટલું જ નહીં તેમને પુસ્તકો ખરીદતા કર્યા છે. ઉત્તમ કોટિનાં પુસ્તકો તેમણે લોકોને ઘેર બેઠાં પહોંચાડ્યાં છે. મેઘાણી-બંધુઓની આવી પુસ્તકીય પ્રવૃત્તિ સાચે જ સ્મરણીય અને પ્રશંસનીય છે.

માનભાઈ ભટ્ટ બાળ કેળવણીકાર-સુધારક-લોકસેવક તરીકે જાણીતા છે. નાથાલાલ દવે સમર્થ કેળવણીકાર ઉપરાંત નોંધપાત્ર કવિ અને વાર્તાકાર પણ હતા. તેમના કાવ્યસંગ્રહો સુંદરમ, ઉમાશંકર, શ્રીધરાણીના કાવ્યસંગ્રહોની સાથોસાથ વંચાતા હતા. વ્યક્તિ તરીકે તેઓ નમ્ર, સૌજન્યશીલ અને હેતાળ હતા. તેમ છતાં સમકાલીન શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર-સમાજ ક્ષેત્રે પ્રવર્તતાં બદી અને દુરાચાર પ્રત્યે અકળાયેલા હતા. તેમણે તેમની અકળામણ ‘ઉપદ્રવ’ નામક કાવ્યસંગ્રહો દ્વારા પ્રગટ કરી હતી. તેમાં વ્યક્તિ-સમાજ-સંસ્થા-સત્તામાં પ્રવર્તતી હાનિકર અનિષ્ટ બાબતો અંગે વ્યંગ-વિનોદ-કટાક્ષ-ટીખળ દ્વારા તેમની, નિર્દંશ-નિર્દોષ રૂપમાં મજાક ઉડાવી છે. જયેન્દ્ર ત્રિવેદી કેળવણીકાર તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. તખ્તસિંહ પરમાર ગુરુઓના ગુરુ છે. તેમના ઘણા વિદ્યાર્થીઓ આજે સૌરાષ્ટ્રની સ્કૂલો-કોલેજોમાં અધ્યાપકો તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તખુભા શિક્ષણ ક્ષેત્રે, ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્કર્ષ પ્રતિ દાયકાઓથી આજ સુધી સતત સક્રિય રહ્યા છે. મુકુન્દ પારાશર્ય તેમની રસળતી અને પ્રેરણાદાયી સત્યકથાઓને લઈ એક સારા ચરિત્રકાર તરીકે ગુજરાતી વાચકોમાં પ્રતિષ્ઠિત થયા છે. રક્ષાબહેન દવે સન્નિષ્ઠ અધ્યાપક હોવાની સાથે ઉલ્લેખનીય સર્જક-વિવેચક છે. ગદ્ય-પદ્ય ઉભયમાં તેમનું નોંધપાત્ર અર્પણ છે. તેમનાં અનેક પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. તેમના ત્રણ વિવેચન સંગ્રહ ‘ઈતિ મે મતિ’, ‘મતિર્મમ’ અને ‘અભિપ્રાય’ પ્રકાશિત થયા છે. તેમાંના કેટલાક લેખ દા…ત : ‘ભક્ત કવિ નરસિંહ મહેતા : એક પુનર્મૂલ્યાંકન’ , ‘ભક્ત કવયિત્રી મીરાંબાઈ : એક પુનર્મૂલ્યાંકન’, મીરાં વિશેના વિદ્વાન વિવેચકોના ગપગોળા ‘મતિર્મમ’ જેવા તલસ્પર્શી-વિગતવાર-સમર્થક અવતરણ ઉદાહરણથી ખચિત, આલોચનાત્મક લેખો ગુજરાતીમાં ‘અદ્વિતિય’ કહેવાય તેવા છે. તેમાં નરસિંહ-મીરાં વિશે પૂરું પાધરું સમજ્યા વિના ગમે તેમ અદ્ધરતાલ લખતા રહેલા ગુજરાતીના ઘણા પ્રતિષ્ઠિત વિવેચકોની તેમણે ટીકા કરી છે અને મજાક ઉડાવી છે. આવી સૂક્ષ્મ દષ્ટિ અને નિર્ભીકતા આપણા વિવેચકોમાં કવચિત જ જોવા મળે છે.

ભાવનગર આવા ઉમદા પુસ્તક પ્રેમીઓ, કેળવણીકારો, લેખકો-કવિઓ-ગઝલકારોનું વતન યા નિવાસસ્થાન છે. ભૂતકાળમાં કવિકાન્તની શૈક્ષણિક અને કાવ્યસર્જનની પ્રવૃત્તિ અહીં જન્મી અને વિકસી હતી. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો પણ ભાવનગર સાથે સંબંધ રહ્યો છે. સરસ્વતીચંદ્ર ભાગ-1લામાં નિરૂપાયેલા શિવ મંદિરનો પરિસર અને રાજ્ય ખટપટ ભાવનગરની તત્કાલીન સ્થિતિનું પ્રતિબિંબ રજુ કરે છે. ભાવનગરની આજની શિશુવિહાર, બુધસભા જેવી સંસ્થાઓ બાળકેળવણીની દષ્ટિસંપન્ન માવજત કરવાની સાથે નવોદિત કવિઓને કવિતાસર્જનના પાઠ પણ શીખવે છે; અને નવોદિત કવિઓનાં કાવ્યોના સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત પણ કરે છે. સાહિત્યરસિકોને આ કાવ્યસંગ્રહો ભેટ રૂપે મોકલવામાં આવે છે. (મને તેનો અનેક વાર લાભ મળ્યો છે.) ભાવનગરની શામળદાસ કોલેજ ગુજરાતની સૌથી જૂની કોલેજોમાંની એક છે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેની પ્રતિષ્ઠા છે. દાયકાઓથી તે ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્કર્ષ માટે કામ કરતી રહી છે. મેઘાણી, ધૂમકેતુ આદિ અનેક સુપ્રસિદ્ધ સાહિત્યકારો તેના વિદ્યાર્થીઓ હતા. મેઘાણી ભાવનગર સાથે અનેકવિધ સંબંધે સંકળાયેલ હતા. સુંદરમ, ઉમાશંકરના સમકાલીન શ્રીધરાણીનો, કવિ-નવલકથાકાર હરીન્દ્રદવેનો, ‘પ્રબુદ્ધ જીવન’ (મુંબઈ)ના હાલના તંત્રી અને નાટ્યકાર ધનવંત તિ.શાહનો, ભાવનગરના વતની યા નિવાસી તરીકે, શહેર સાથે સંબંધ રહ્યો છે.

ભાવનગરમાં આજે પણ ઘણાબધા કવિઓ-લેખકો-લોકસાહિત્યકારો-ગઝલકારો વતની યા નિવાસી તરીકે વસ્યા છે; અને તેઓએ યથાશક્તિમતિ સાહિત્યસર્જન કર્યું છે યા કરતા રહે છે, જેવા કે જિતુભાઈ મહેતા, પ્રદ્યુમ્ન દેસાઈ, શશિન ઓઝા, જશવંત મહેતા, શિવપ્રસાદ રાજગોર, ઉપેન્દ્ર ભટ્ટ, રશ્મિ મહેતા, કિસ્મત કુરેશી, ગીતા પરીખ, મૂળશંકર ત્રિવેદી, ચન્દ્રકાન્ત અંધારિયા, બુદ્ધિલાલ અંધારિયા, રાહી ઓધારિયા, ઈન્દુકુમાર દવે, હર્ષદેવ માધવ, વિનોદ જોશી, દક્ષા પટ્ટણી, અનિરુદ્ધ પરીખ, નટુભાઈ મહેતા વગેરે. આ યાદી ઘણી લાંબી છે. વસ્તુત: ભાવનગરે ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર ક્ષેત્રે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. વર્તમાન પેઢીને-ખુદ ભાવનગરના ઘણા લોકોને તેની ખબર નથી, પરંતુ ભાવનગરનું આ ક્ષેત્રોમાંનું પ્રદાન ભૂલવા જેવું નથી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા
ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા Next »   

11 પ્રતિભાવો : વાહ, ભાવનગર ! – પ્રો. જશવંત શેખડીવાળા

 1. Bhumika says:

  Manbhai Bhatt a founder of “Shishu Vihar”. I impressed by him.i read a book written by miraben on his life.

 2. Naveen Joshi,Dhari,Gujarat says:

  શ્રી જયેન્દ્રભાઈ,
  ભાવનગરના સ્રર્જકોમા “માય ડીયર જયુ” કેમ ભૂલાયા?લેખ સુન્દર.હુ પણ ભાવનગરી છુ.જિલ્લાના સર્જકોમા દર્શક પણ ખરા. અભિનન્દન.
  નવીન જોશી,ધારી

 3. Bakul M. Bhatt says:

  આ લેખમાં ભાવનગરના કવિ સ્વ. પ્રહલાદ પારેખનો ઉલ્લેખ કરવાનું રહી ગયું લાગે છે. આ વર્ષે એમની જન્મ-શતાબ્દી ઉજવાઈ છે.

 4. ભાઈશ્રેી,
  લેખ વાંચવો ગમ્યો. મામા નાથાલાલ દવે એ સમયે રસપ્રદ કવિ-વક્તા હતા.
  અમારા બા કવિયેત્રી ભાગીરથી મહેતાની યાદમાં “જાહ્ન્વિ સ્મૃતિ” કવિ સંમેલન છેલ્લા સત્તર વર્ષથી શીશુવિહારમાં યોજાય છે. હા,ભાવનગર કવિઓ અને કલાકારોનુ ગામ.
  નમસ્તે. સરયૂ મહેતા-પરીખ
  http://www.saryu.wordpress.com

 5. Prasanna Kane says:

  યન્ગ ક્લબ એના નાટકો,કલાકારો,લેખક વિગેરે સર્વોનો ઉલ્લેખ રહિ ગયો !
  તેમજ અમારા દા દા ડો.કાણે નુ યોગદાન પણ ઉલ્લેખનેીય ખરુ !

 6. narendra Kane says:

  ભવ્નગર ના સન્ગિત ક્શેત્રે યોગદાન નિ માહિતિ સાવ ભુલઇ ગઇ ચ્હે.યશવન્ત પુરોહિત,બાબુલાલ આન્ધરિઆ,રસિકલાલ અન્ધારિઆ,પન્ડિત શર્મા,મોહનલાલ કાપડિ અને જગદિપ વિરાણિ ને કેમ ભુલાય ?

 7. તમે ચિત્રકારો ને ભુલિ ગયા કુમાર ના રવિશન્કર રાવલ ને કેમ ભુલાય જેને ગુજરાત ના યુવકો ને નવિ દ્રસ્તિ આપિ..સોમલાલ શાહ ખોદિદાસ પર્માર વિ..ભુલિ ગયા

 8. p j paandya says:

  ભવ્નગર આજે પન સન્સ્કાર નગરિ ચ્હે સૌથ્ય વધુ દેહ્દન ભવ્નગર્મથ્ય ર્હૈ ચ્હે

 9. Uma Bhatt says:

  Bahu j Saras lekh Bhavanagar ma Dakshina murti adhyapan ma me Abhyas Karyo chhe tyare tyanu Saras vatavaran manyu chhe bhavanagar sanskar nagari chhe

 10. Neetin D. Vyas says:

  આ લેખના કર્તા પ્રો, શેખડીવાળા ને અભિનંદન, ઘણાબધા ભાવનગરી નો આપે ઉલ્લેખ કર્યો અને તેમના સામાજિક અને સંસ્કૃતિક વિકાસ અર્થે કરેલી ઉમદા કામગીરી ની સરાહના આપે કરીછે, આ બધા પાછળ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ની આગવી દ્રષ્ટિ અને તેમની સાથે બાહોશ વહીવટ કરનાર શ્રી પ્રભાશંકર પટ્ટણી ને સાદર પ્રણામ કરવા ઘટે. લેખમાં નૃત્યકારો, સંગીતકારો, નાટ્યકારો, ચિત્રકારો, રમતવીરો, ગાયકો, આઝાદીની ચળવળ માં ભાગ લેનારાઓ વગેરે વિવિધ ક્ષેત્રે પોતાનું સુંદર યોગદાન કરવાવાળા ઘણા નાગરિકોનો નો ઉલ્લેખ થયો નથી. પણ આપનો ભાવનગર વિષે લખવાનો પ્રયત્ન ને દાદ આપવી ઘટે. આભાર।

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.