રસરંજન – સંકલિત

[1] અથ શ્રી લોકમિલાપ-કથા – યશવન્ત મહેતા

26 જાન્યુઆરી, 1950. આ તારીખ સમગ્ર રાષ્ટ્ર માટે મહત્વની છે, કારણ કે તે દિવસે દેશના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો. અને આ તારીખ ગુજરાતના સાહિત્યજગત માટે મહત્વની છે, કારણ કે તે દિવસે ‘મિલાપ’ માસિકનો અને એ રીતે લોકમિલાપ કાર્યાલયનો જન્મ થયો. એના જન્મદાતા એ અદ્દભુત સાહિત્યપુત્ર સાહિત્યસેવી મહેન્દ્રભાઈ મેઘાણી. એમને શત શત સલામ.

પ્રારંભ મુંબઈથી થયો. થોડાં પુસ્તક-વેચાણથી અને થોડાંક પુસ્તક-પ્રકાશનોથી. ચારેક વર્ષમાં ભાવનગર આવ્યા. પછી અઢારમે વર્ષે લોકમિલાપનું ટ્રસ્ટમાં રૂપાંતર થયું – એ જ પ્રજાસત્તાક દિને, 1968માં. પ્રથમ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઉમાશંકર જોશી હતા. ટ્રસ્ટના હેતુઓ વ્યાપક હતા. પુસ્તકોનો પ્રચાર તો ખરો જ (જે નામે પછીથી જયંતભાઈ મેઘાણીએ પુસ્તક-પ્રસારનો યજ્ઞ આરંભ્યો, જે આજેય ચાલે છે) ઉપરાંત ભારતના વિવિધ પ્રદેશોના લોકો તથા દુનિયાભરના લોકો અને ભારતના લોકો વચ્ચે સમજદારી અને સમભાવ વધારવાનો મહત્વાકાંક્ષી હેતુ પણ ખરો ! ‘મિલાપ’નું નામ પછીથી ‘લોકમિલાપ’ થયું અને 1975ની કટોકટીના સંદર્ભમાં એનું પ્રકાશન બંધ થયું. પુસ્તક પ્રકાશન સારા એવા પ્રમાણમાં ચાલતું રહ્યું. ગુજરાતી પ્રકાશન જગતે કદી ન જોયા હોય એવા પ્રકાશન-પ્રયોગો ચાલ્યા. ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ના આગોતરા ગ્રાહકો બજાર કરતાં ઘણી ઓછી કિંમતે નોંધીને લાખ ઉપરાંત ઘરો સુધી પહોંચાડવામાં આવી. મેઘાણીની 75મી જયંતી નિમિત્તે તે દિવસોમાં બજારભાવ રૂ. 20 મુકાય એવાં પુસ્તકો રૂ. 5માં આપ્યાં. અને તેય ઘેર બેઠાં ! આગળ જતાં, કેટલુંક મેઘાણી-સાહિત્ય, ‘કાવ્ય-કોડિયાં’, ‘કાવ્ય-કણિકા’, ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ, ‘રોજેરોજની વાચન યાત્રા’ના પાંચ ભાગ, વગેરે વગેરે અનેક અપૂર્વ પ્રયોગ કર્યા.

પુસ્તક-પ્રકાશન અને પુસ્તક-પ્રસાર નિમિત્તે મહેન્દ્રભાઈએ વારંવાર વ્યાપક વિદેશ પ્રવાસ ખેડ્યા. ત્યાં પ્રદર્શન યોજ્યાં. વાચન યોજ્યાં. વચ્ચે જે કોઈ બોલાવે તેને ઘેર જઈને વાચન કરવાનો પ્રયોગ કર્યો. લોકરુચિને સંમાર્જિત કરવાના હેતુથી દેશવિદેશમાં ઉત્તમ ચલચિત્રો પ્રદર્શિત કર્યાં. ધંધાદારી થિયેટરો જે બતાવવાની હિંમત ન કરે એવી ફિલ્મો બતાવી. લોકમિલાપ દ્વારા અઢીસો જેટલાં પ્રકાશનો થયાં છે. કદાચ ત્રણસો. પણ એકેએક પ્રકાશન લાખેણું છે. માત્ર વાચનમૂલ્યની દષ્ટિએ નહિ, ભાષાશુદ્ધિ, કાગળ, બાંધણી, સચિત્રતા, દરેક રીતે ઉત્તમ. 1950ના પ્રજાસત્તાક-દિને જન્મેલી આ સંસ્કાર સંસ્થાને અને 89 વર્ષના એના સ્ત્રષ્ટાને હૅટ્સ ઑફ !
(‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] આ તે કેવો ઊંધો ઢાળ ! – ગુજરાત ડાયરી

દોડવું’તું ને ઢાળ મળ્યો…. એ કહેવત ક્યારે વપરાય એ તો સૌને ખબર જ છે, પણ આ કહેવત જૂનાગઢ પાસે તુલસીશ્યામના ઢોળાવ (ઢાળ)વાળી જગ્યાએ ખોટી પડે તો નવાઈ નહીં.
ન સમજાયું ?
ઢોળાવ હોય તો કોઈ પણ વસ્તુ નીચેની તરફ સરકે. જો કે આ ગુરુત્વાકર્ષણનો વૈજ્ઞાનિક નિયમ છે, પણ તુલસીશ્યામ પાસે આવેલા એક ઢોળાવવાળા રસ્તા પર ઊંધું થઈ રહ્યું છે. કોઈ પણ વસ્તુ ઢાળ પર રાખો તો એ ઢાળ ઊતરવાને બદલે ઢાળ ચઢવા લાગે છે. છે ને આશ્ચર્ય પમાડે એવી વાત ?

આ સંશોધન કર્યું છે રતિલાલ પરમારે. મોરબીના રતિલાલ પરમાર એટલે એ જ, જે ચલણી નોટમાં બર્થ-ડે નંબર એકઠા કરી જે-તે સેલિબ્રિટીના ફોટાવાળાં કાર્ડ બનાવી આપે છે (ચિત્રલેખા : 12 જુલાઈ, 2010). એ રતિભાઈ ગયા પખવાડિયે પોતાના ભાઈબંધો સાથે કામ માટે બહારગામ જતા હતા અને એમણે વિસામો ખાવા પોતાની કાર તુલસીશ્યામ નજીક એક ઢોળાવવાળા રસ્તે ઊભી રાખી. કાર બંધ કરી એ ઊભા રહ્યા અને એકાએક કાર ઢોળાવવાળા રસ્તા પર નીચે સરકવાને બદલે ઉપર જવા લાગી. આ જોઈ રતિભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા, છતાં પણ રતિભાઈને વાત ગળે ઊતરે નહીં અને એમને વિચાર આવ્યો કે કાર ઊંધી દિશામાં જાય છે તો કોઈ પણ વસ્તુ ઊંધી દિશામાં જવી જોઈએ અને રતિભાઈએ એ જ ઢોળાવ પર પાણી ઢોળ્યું. એ પાણી પણ નીચે સરકવાને બદલે ઉપરની દિશામાં સરક્યું હતું. રતિભાઈએ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું અને રાજ્ય સરકારને મોકલ્યું છે કે આ સ્થળ કંઈક અલગ જ છે. આમાં તપાસ કરવી જોઈએ.

રતિભાઈ કહે છે કે દેશ-વિદેશમાં અડધો ડઝનથી વધુ આવા ઢોળાવ છે જ, પણ ત્યાં કાર ઊંઘી સરકે છે, પાણી સરકતું નથી. એ ઉમેરે છે કે વિજ્ઞાનીઓ પણ આ વાતને સ્વીકારે છે. એની પાછળ અઢળક કારણો છે. તુલસીશ્યામથી ધારી જતા એક કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. સમુદ્રની સપાટીથી છસ્સો ને વીસ ફૂટ ઊંચાઈએ આ જગ્યા આવેલી છે. આ ઢાળનો લાઈવ વિડિયો રતિભાઈએ યુ-ટ્યૂબ પર પણ મૂક્યો છે. ક્લિક : youtube.com/watch?v=36vYPRmJelo (‘ચિત્રલેખા’ 23 જાન્યુઆરી, 2012માંથી સાભાર.)
.

[3] જ્વાલા અને જ્યોત – ગોવિંદભાઈ રાવલ

આમ તો હું નાનપણથી સતત વાંચતો આવ્યો છું. પણ છેક 1947માં પ્રગટ થયેલો વિક્ટર હ્યુગોની નવલકથા ‘નાઈન્ટી થ્રી’નો અનુવાદ ‘જ્વાલા અને જ્યોત’ મારા હાથમાં, ભલા કેમ નહીં આવ્યો હોય ? મારી 80 વર્ષની જિંદગીમાં આવી કૃતિ મેં કદી વાંચી નથી. ‘લા મિઝરેબલ’ બે અનુવાદકોની બે વાર વાંચેલી, પણ આ ‘નાઈન્ટી-થ્રી’ તો ‘નાઈન્ટી-થ્રી’ જ છે. વાંચતાં વાંચતાં હૃદયમાં કથા-પ્રવાહની સાથે તરતાં-તણાતાં ભાવનાં સ્પંદનો, ઊર્મિઓ, હર્ષાશ્રુ, રુદન, ડૂમો…. જેવી વિવિધ લાગણીઓના ઉછાળા અનુભવાતા હતા. માનવી કેટકેટલો ક્રૂર છે, ને માનવી કેટલો કોમળ પણ છે, કેવો હત્યારો છે ને કેવો તારણહાર, કુદરત જેવી જ એની પણ કેવી ચિત્રવિચિત્ર લીલાઓ છે, એનું અદ્દભુત ચિત્રણ હ્યુગોની મહાનવલના આ વામનરૂપમાં પણ આબાદ તાદશ્ય થયું છે.

કુદરતે માતા સર્જીને તો કમાલ કરી છે. કવિવર ટાગોરનું કથન છે કે ભગવાનને થયું હશે કે, હું બધે કેવી રીતે પહોંચી શકીશ ? એટલે એણે માતાનું સર્જન કર્યું. આ કૃતિમાં પોતાનાં હરાયેલાં બાલુડાં માટે ગાંડી થઈને ભૂતની જેમ ભમતી માતાનું ચિત્રણ પથ્થર દિલના માનવીને પણ પીગળાવી દે એવું છે. તો ઠાકોર જેવા વજ્જર દિલના મરદના કાળજામાં પણ નિર્દોષ ભૂલકાંને બચાવવા મોત વહાલું કરવા સુધીની મમતા કેવી કોળી હશે ? આવી કૃતિને એક વાર વાંચીને વેગળી ન મુકાય. હું એને ફરી વાંચવા ને એના અંગે વિચારવા માગું છું. આટલું તો વાંચીને તરત, ન રહેવાયું એટલે લખું છું. (જ્વાલા અને જ્યોત : વિક્ટર હ્યુગો, અનુવાદક : મહેન્દ્રમેઘાણી, રૂ. 150, પાનાં 256. (ગૂર્જર, 2011)) (‘અખંડ આનંદ’માંથી સાભાર.)
.

[4] ખીલા – અજ્ઞાત

ઈબ્રાહીમ નામના એક સૂફી સંત થઈ ગયા. તેઓને ઠાઠમાઠથી રહેવાનું ગમતું. જે તંબુમાં તેઓ રહેતા તે સમૃદ્ધિનું પ્રતીક ગણાતો. તેના ખીલા પણ સોનાના બનેલા હતા. એકવાર એક દરવેશ ત્યાંથી પસાર થતો હતો અને તેણે આ જોયું. તેને ખૂબ નવાઈ લાગી. તે પોતે પણ સૂફી હતો અને માત્ર એક લાકડાનું ભિક્ષાપાત્ર લઈને નીકળી પડેલો. તે તંબુમાં ગયો અને ઈબ્રાહીમને કહેવા લાગ્યો :
‘આમ તો તમે તમારી જાતને સૂફી સંત કહેવડાવો છો અને આમ આટલા વૈભવથી રહો છો, આ બરાબર ન કહેવાય.’
ઈબ્રાહીમે કંઈ જવાબ ન આપ્યો. પછી કહ્યું, ‘ભાઈ, તમે અહીં આરામ કરવો હોય તો કરી શકો છો.’ પછી નોકરોને તેને ખૂબ સારી રીતે જમાડવાનું અને આરામની વ્યવસ્થા કરવાનું કહ્યું. સવારે ઈબ્રાહીમે કહ્યું : ‘હું આજે મક્કા જવા નીકળવાનો છું. તમારે સાથે આવવું હોય તો આવજો.’ બંને નીકળ્યા. ઘણા આગળ પહોંચ્યા ને દરવેશને યાદ આવ્યું કે તે તેનું લાકડાનું ભિક્ષાપાત્ર તો તંબુમાં જ ભૂલી ગયો !’
તેણે ચિંતિત થઈને કહ્યું : ‘મારે પાછા જવું પડશે….!’
ઈબ્રાહીમ હસ્યા અને કહ્યું : ‘ભાઈ હું મારી આટલી બધી જાહોજલાલી છોડીને આવ્યો છું પણ મને કંઈ જ યાદ નથી આવતું અને તું તારું એક ભિક્ષાપાત્ર ભૂલી નથી શકતો ? ભાઈ, જે સોનાના ખીલાથી તને ખૂબ અચરજ થયું હતું, તે જમીનમાં ખોડાયેલા હતા, મારા હૃદયમાં જરાપણ નહીં.’ (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)
.

[5] સ્વાર્થી બનીએ – સુરેશ પરીખ

પ્રવચનના અંતે ઘણીવાર હું કહેતો હોઉં છું કે ‘મારો આભાર માનવાની જરૂર નથી. હું અહીં વાર્તાલાપ-પ્રવચન માટે આવ્યો છું મારી મઝા માટે. તમોને એમાંથી કાંઈ જીવન ઉપયોગી વાત મળે, તમોને ફાયદો થતો લાગે, તમોને આનંદ આવે તો મને ગમે પણ મારી પ્રવૃત્તિનો એ હેતુ નથી – એ મારા વાર્તાલાપની આડપેદાશ છે. એટલે હું જે કાંઈ મારી મઝા માટે કરતો હોઉં તેને માટે મારો આભાર માનવાની જરૂર નથી.’ ગાંધી કહેતા તેમ બધાના ઉદયમાં મારો ઉદય હોય તો મારા ઉદયમાં બધાનો ઉદય સમાયેલો જ હોય. પણ મારા ઉદય માટે હું પૂરો સમય કામે લાગું તો લોકો મને સ્વાર્થી માને અને હજારો વર્ષથી કહેવાય છે કે સ્વાર્થી બનવું ખરાબ છે એટલે હું મારા સ્વાર્થમાં પૂરો પ્રવૃત્ત રહું છતાં કબૂલ કરવું ન ગમે.

તમોને કોઈને હું પૂછું કે ખરેખર તમારો મુખ્ય રસ, તમારી મુખ્ય નિસ્બત શેમાં છે તો જો તમો આડીઅવળી વાત વિચારો નહીં અને સીધા પ્રમાણિક જવાબ આપો તો કહેશો કે, ‘હું મારી પ્રગતિમાં, મારી નોકરી, મારું કુટુંબ, જીવનમાં માનનીય પ્રતિષ્ઠાપૂર્ણ જગ્યા મેળવવી, બીજા લોકો મારા કહ્યામાં રહે વગેરેમાં રસ છે.’ પણ પછી તુર્ત જ વર્ષોના સંસ્કાર, સમાજની માન્યતા વગેરે ધ્યાનમાં લઈ મને લાગે છે કે આવું સ્વાર્થી જીવન જીવવું વ્યાજબી નથી. પોતાના કરતાં બીજાને મદદરૂપ થઈ બીજાના કલ્યાણ માટે જીવવું વધુ સારું છે. પણ બીજાને માટે જીવવામાં તમોને વધુ આનંદ આવે- સંતોષ થાય ત્યારે મૂળભૂત રીતે એ તમોને વધારે આનંદ મળે એ જ હેતુ છે. પછી વચમાં આદર્શ વગેરેની વાતો લાવવાનો કોઈ અર્થ નથી. કોલેજમાં નોકરી કરતાં મને સ્વમાનપૂર્વક મારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી જીવવામાં રસ છે એટલે સંસ્થાની કે વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધની વાત આવે તો વિરોધ કરવાનું થાય જ. પછી એને માટે નોકરીમાં સહન કરવું પડે તો કરવું.

આપણામાંથી ઘણા બધાની મુશ્કેલી એ છે કે હું મારી માન્યતા પ્રમાણે જીવવાની કિંમત ચૂકવવા તૈયાર નથી એટલે સહજ રીતે બાંધછોડ કરું છું. એટલે આમ તો આપણે બધા એક જ વાત ધ્યાનમાં લઈ પ્રવૃત્ત હોઈએ છીએ કે હું મારા કહેવાતા ફાલતુ લાભો જતા કરી સ્વમાન સાચવું અને અન્ય કોઈ સ્વમાનને ભોગે ફાલતુ લાભ મેળવતો રહે. બંને જણા પોતાને અગત્યનું લાગે છે તે મેળવે છે અને બિનઅગત્યની વાત જતી કરે છે. એટલે છેવટે તમોને શું અગત્યનું લાગે છે તેના પર તમારું મૂલ્યાંકન થાય- થવું જોઈએ. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “રસરંજન – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.