ભીતરની આંખે કેમેરા માંડનાર : અશ્વિન મહેતા – ભદ્રાયુ વછરાજાની

[‘ઉત્સવ’ સામાયિક 2011માંથી સાભાર.]

ભાવનગરના સૂફી શિક્ષક સુભાષ ભટ્ટે આત્મીયતાથી કહેલું : ‘તીથલ જાઓ છો તો અશ્વિન મહેતાને મળવાનો પ્રયાસ કરજો, ભીતરનો માણસ છે.’ સુભાષ સાથેનો નાતો દિલનો એટલે એના બોલાયેલાં ઓછા શબ્દો પણ શ્રેષ્ઠત્વ તરફ આંગળી ચીંધતા હોય એની શ્રદ્ધા પાક્કી. સુભાષને પૂછ્યું :
‘કેમ, મળવાનો પ્રયાસ કરજો ? તમે કહ્યું એટલે મળીશ જ.’
તરત સુભાષ ભટ્ટ માર્મિક હાસ્ય કરી બોલ્યા, ‘એ તો અશ્વિન મહેતા ઈચ્છશે તો તમે મળશો ને ? બાપુ, એને નહીં ઊગે તો એ તો તમને બારણું ખોલીને કહી દેશે કે આજે મને એમ નથી લાગતું કે આપણે મળવું જોઈએ ! મેં કહ્યું ને કે એ તો ભીતરનો માણસ છે, અંદર ઊગશે તો અને તો જ મળશે.’ સુભાષ ભટ્ટ મિસ્ટિક છે, પણ તેની આ વાત પછી મને એવું લાગ્યું કે અશ્વિન મહેતા સુભાષનાય ગુરુ લાગે છે ! નિર્ધાર પાકો થયો કે તીથલના ‘તુલસી’ દ્વારે અશ્વિન મહેતા સાથે સત્સંગ કરીને આવવું.

સાંઈબાબા રોડ, તીથલ પર ‘તુલસી’ નામધારી પ્રાકૃતિક પરિસરના દરવાજે ગાડી ઊભી રાખી, મારાં પત્નીને ગાડીમાં જ બેસાડી રાખી હું ઊતર્યો, કારણ કહી શકું તેમ ન હતો. જેને મળવું છે તે મળવાનું પસંદ ન કરે તો ? ગાડીમાં પાછા ફરીને શો જવાબ દેવો ? અમે બંને પરમશાંતિની શોધમાં તીથલના દરિયાકિનારે નિરાંત જીવે રહેવા આવેલાં. મારાં જીવનસંગિની થોડા જ મહિનાઓ પહેલાં ભયાનક વ્યાધિમાંથી પસાર થયેલાં, માથા પર રંગીન સ્કાર્ફ બાંધતાં હતાં. કોઈને ન મળવું એવો નિર્ધાર કરેલો, પણ એ નિર્ધારને અશ્વિન મહેતાના ભીતરે પિગાળી દીધો. ‘તુલસી’ના વૃક્ષ આચ્છાદિત મેદાનમાંથી પસાર થઈ હું જાળીવાળા દ્વાર પાસે જઈ ઊભો રહ્યો. અંદરનું મુખ્ય બારણું ખુલ્લું હતું અને દીવાનખંડમાં જ કોઈ આર્દ્રસ્વરને ફોન પર વાત કરતો મેં સાંભળ્યો. વાતો ચિંતાભરી હતી, અવાજમાં દુઃખ હતું, પ્રત્યાયનમાં ઉદ્વેગ હતો. કોઈના બીમાર હોવાથી અશ્વિન મહેતાની વાતચીતમાં ગ્લાનિ ભારોભાર હતી. મેં બંધ જાળી બહાર ઊભા રહીને શાંતિથી આ માહોલ અનુભવ્યો. મને થયું કે આ સમય અનુકૂળ ન ગણાય, હું પાછો ચાલ્યો જાઉં ! પણ ફરી મન લલચાયું કે એમનો ચહેરો તો જોતો જાઉં ! જેણે પોતાની જિંદગીને પોતાની લાજવાબ ફોટોગ્રાફીથી તરબતર કરી છે તેનો એકાદો સ્નેપ હું મારા મન-કેમેરામાં છાનોમાનો ક્લિક તો કરતો જાઉં !

અંદર શાંતિ છવાયેલી હતી. મેં હળવેકથી જાળીનો દરવાજો ખોલી બિલ્લી પગે નાનો પ્રવેશ કર્યો અને હળવેકથી બોલ્યો, ‘અશ્વિનભાઈ, હું રાજકોટથી આવું છું, આપને નિરાંતે મળવું હતું, પણ આપ અત્યારે કોઈ દુઃખદ સ્થિતિમાં ઘેરાયેલા છો એટલે અંદર નથી આવતો. માત્ર દૂરથી પ્રણામ કહી નીકળું છું.’ હું આટલું બોલી રહું ત્યાં તો તેઓ ઊભા થઈ મારી સામે આવી બોલ્યા, ‘જુઓ ભાઈ, અત્યારે મારો જરાય મૂડ નથી કોઈને મળવાનો, પણ તમે જે બોલ્યા તેના પરથી લાગે છે કે તમે સમજુ છો અને અહીં આવ્યા છતાં મળ્યા વગર જતા રહેવા ઈચ્છો છો, એટલે મને એમ લાગે છે કે તમે પાંચેક મિનિટ બેસો.’ અને મારો લાગણી પ્રવેશ થયો. બેત્રણ મિનિટમાં જ મેં કહી દીધું કે મને સુભાષ ભટ્ટે આપને ‘મળાય તો મળવા’ કહ્યું છે. સુભાષે જે કહેલું તે પણ શબ્દશઃ કહી દીધું. અશ્વિન મહેતાએ પોતાના હાલના ઉદ્વેગની વાત ટૂંકમાં કરી. મને જાણવા મળ્યું કે તેમના દીકરીને બ્રેસ્ટ કેન્સર થયું છે અને અત્યારે તેઓ કિમોથેરાપી માટે હોસ્પિટલમાં ગયાં છે. અશ્વિનભાઈ ઘરે રહીને દીકરીનું દર્દ અનુભવી રહ્યા હતા અને હવે શું થશે તેની ચિંતમાં ડૂબી ગયા હતા. મેં તરત જ કહ્યું, ‘અશ્વિનભાઈ, આપની વાતો જાણીને મને લાગે છે કે મારા કરતાં મારી સાથે જે વ્યક્તિ છે એને આપ મળો તે જરૂરી છે. તેઓ બહાર ગાડીમાં છે, હું તેમને લઈને આવું.’ હું ઊભો થઈ બહાર દોડ્યો, ગાડી લોક કરી મારાં પત્નીને અંદર લઈ આવ્યો. તેમને મેં કહ્યું, ‘આપણે કોને મળવા જઈ રહ્યાં છીએ તે વિગતે પછી કહીશ, અત્યારે ઝડપથી મળી લઈએ.’ અશ્વિન મહેતા કંઈ વિચારે તે પહેલાં અમે બંને તેમનાં ઘરમાં અને કહોને તેમના કૂણા કૂણા હૃદયમાં પ્રવેશી ચૂક્યાં હતાં. મારાં પત્નીના માથા પર બાંધેલા સ્કાર્ફ પરથી અશ્વિનભાઈ ઘણું સમજી ગયા એવું લાગ્યું. મેં તરત પરિચય કરાવ્યો, ‘આ અશ્વિનભાઈ મહેતા. સુભાષે કહેલું તે અને આ મારાં પત્ની ડૉ. ઈલા. આચાર્યા હતાં. આપનાં દીકરી અત્યારે જે વેદના વેઠી રહ્યાં છે તે તેઓ આનંદપૂર્વક વેઠી ચૂક્યાં છે. અશ્વિનભાઈ, આપના ફોન પરના બધા જ પ્રશ્નો મેં સાંભળ્યા છે, તેના જવાબો આપને એક અનુભવી દર્દી આપી શકશે.’ અશ્વિન મહેતાના ચહેરા પરનો ઉદ્વેગ દૂર થયો અને એક બાળસહજ જિજ્ઞાસા પ્રગટી. પાંચ મિનિટ માટે મળવાની મંજૂરી આપનાર અશ્વિન મહેતાના ઘરેથી અમે અઢી કલાક સુધી નીકળી ન શક્યાં !

‘તિલુ, સાંભળ, સુભાષના મિત્ર આવ્યા છે અને તેમનાં પત્ની ડૉ. ઈલા તો જાણે આપણી દીકરી થઈને આવ્યાં છે.’, અશ્વિનભાઈએ સાદ પાડ્યો ત્યાં તો વ્હીલચેરમાં બેસી તિલુબહેને પ્રવેશ કર્યો અને હસતાં હસતાં બોલ્યાં : ‘સુભાષ પરણ્યો કે નહીં ? છ-આઠ વર્ષ પહેલાં આવેલો.’ પછી તો ગોષ્ઠિ જામી. અશ્વિનભાઈ અને તિલુબહેને પ્રશ્નોનો મારો ચલાવ્યો ડો. ઈલા પર. વચ્ચે વચ્ચે બંને પતિપત્ની હળવી વડચડ કરતાં જાય, ભાવાવેશમાં આવી રડતાં જાય અને સ્વજનો પાસે ઠલવાતાં જાય. ડો. ઈલાએ કહ્યું : ‘છ-છ કિમોથેરાપી પછી તમને આટલાં સ્વસ્થ હસતાંરમતાં જોઈ અમને આજે ટાઢક વળી. અમારી દીકરી પણ આવી જ થઈ રહેશે તેનો સધિયારો બંધાયો. તમને અમે ફોન કર્યા કરીશું હો…..’ અઢી કલાક પહેલાં હું જે જાળીદ્વારેથી પરાણે ઘૂસેલો તે દ્વાર સુધી ભાવપૂર્વક વળાવવા અશ્વિનભાઈ આવ્યા ! અમને લાગ્યું કે સુભાષ સાચો હતો. અશ્વિન મહેતા ભીતરના માણસ છે.
****

સ્વામી આનંદને ગુરુતુલ્ય ગણનાર અશ્વિન મહેતા પણ સ્વામીદાદાની જેમ જ વત્સલ અને તીખા વડીલ છે, સાધક છે, ઝીણા અનુભવી છે અને આનંદ-ઉત્સાહના નાયગ્રા છે. 1931ના ચોમાસાની સાંજે સુરતમાં જન્મેલા અશ્વિન મહેતા સાત વરસ સુધી અલિગઢ પાસેના હાથરસમાં ઊછરેલા. માત્ર હિંદી આવડે. કાળક્રમે, ખબર નહીં પડે એમ માતૃભાષા ગુજરાતી પ્રગટ થઈ. પોતાના વિશે વાત કરવાનું ટાળતાં પહેલાં અશ્વિન મહેતા પોતાની ઓળખાણને બાંધી દેવા ટેવાયેલા છે. ‘અશ્વિન મહેતા’ એની દુન્યવી ઓળખ આપતું નામ. પોતે તેને ટૂંકાવીને ‘અ.મ.’ કહે છે ! સોય ઝાટકીને કહેવાનું નહીં, પણ તલવાર વીંઝીને ‘કહેવાનું કહેવા’ ટેવાયેલા ‘અ.મ.’ના ફોટોગ્રાફીના આઠ છબીગ્રંથો પ્રકાશિત થયા છે. બીજા ત્રણ તૈયાર છે પણ તે પ્રકાશિત થવાની શક્યતા પોતાને જ નહિવત લાગે છે. ‘અ.મ.’ની સાચુકલી ઓળખ આપતું પહેલું અને છેલ્લું પુસ્તક તે ‘છબી ભીતરની.’ અ.મ. આ પુસ્તકમાં અવ્યક્તપણે વ્યક્ત થયા છે. બચપણનાં દસ-બાર વર્ષ સાવ જ ભૂંસાઈ ગયાં છે અને સારુંનરસું કંઈ યાદ આવતું નથી તેવા અ.મ.ને મહામુશ્કેલીએ 1935ના ધરતીકંપનું એક દશ્ય દેખાયા કરે છે, પણ તે સમયે ઘરમાંથી આંગળી પકડીને ઘરડી કામવાળી બાઈ તેને બહાર ખેંચી જાય છે, અમ્મી નહીં ! પોતાની માતા ‘અમ્મી’ સાથેની યાદો સારી નથી. એણે ખોળામાં લઈ ખવડાવ્યું હોય, વાર્તા કહી સુવડાવ્યો હોય, ફૂલપંખી કે ચાંદામામા દેખાડ્યાં હોય, ટપલી મારી મીઠો ઠપકો આપ્યો હોય કે વાંસો થાબડી શાબાશી આપી હોય તેવું કશું જ સાંભરતું નથી. પણ હા, દસ વર્ષથી તે ઠેઠ અઢારમા વર્ષે ઈન્ટરની પરીક્ષા આપી ત્યાં સુધી, વેલણનો માર ખાધાનું યાદ છે. પછી અમ્મી તેને ઉંમરલાયક ગણતી થઈ અને તેના ઊપડેલા હાથ હેઠા પડતા ગયા. પરણ્યા પછી તો કડવાશ વધી. છતાં આ જ અમ્મીને સિત્તેરમા વર્ષે મુંબઈ બહાર કોઈ શાંત જગ્યાએ લઈ જઈ ટીકા-ટિપ્પણી સહિત ‘જ્ઞાનેશ્વરી’ વાંચી સંભળાવે અને પાછલાં વર્ષોમાં વિષ્ણુસહસ્ત્રનામ બોલતાં બોલતાં ખુરશીમાં બેઠાં બેઠાં સૂઈ જતી અમ્મીને ‘સો જા રાજકુમારી સો જા’ એમ મોટેથી ગાઈને ઘણીવાર ખાટલે સૂવા જગાડે તે અશ્વિન મહેતા !

સ્વામી આનંદના આત્મીયજન, કવિ ઉમાશંકર જોશીના પ્રિયજન, સંગીતજ્ઞ બટુક દીવાનજીના સ્વજન, ઈન્દિરા ગાંધીના સ્નેહીજન એવા અશ્વિન મહેતાના કોઈ કુટુંબીજનને, સાહિત્ય, સંગીતકળામાં વિશેષ રસ કે સમજ નહોતાં. સ્ત્રીઓ ઘર સંભાળતી અને પુરુષો નિરપવાદ નાનીમોટી નોકરી કરતા. સુરતી લાલા હોવાને નાતે, બધા ખાઈપીને મોજ કરતા ને સમય આવે ગુજરી જતા. રંગ અને રંગની અનુભૂતિ થઈ બારતેર વર્ષની ઉંમરે. નાનાની હવેલીની પાછલી સાંકડી, ધૂળિયા શેરીમાં, એક કાબરચીતરો બકરો, ભડક નડિયાદી લીલા રંગના બારણા પાસે ઊભો હતો. અ.મ.ને તે પહેલા માળની બારીમાંથી અમુક ખૂણે દેખાઈ ગયો ને કોણ કેમ આ અદ્દભુત રંગસંયોજના જોઈ નાનો અશ્વિન હરખાઈ ગયો ! બાવીસ વર્ષે હિમાલયના પહેલા પગપાળા પ્રવાસમાં સૌપ્રથમ ફોટા પાડ્યા. આ ફોટા મુંબઈમાં બે પ્રતિષ્ઠિત સામાયિકમાં છપાયા; પછીનાં થોડાં વર્ષ, ટાંચીટૂંકી બચતમાંથી મહામુશ્કેલીએ સવા બે બાય સવા બે ઈંચની નેગેટિવવાળો મામિયા ફલેક્સ કેમેરો ખરીદી શકાયો. પહેલા ફોટા પાડ્યા 1952માં હિમાલયના, તો છેલ્લા પાડ્યા 1999ના ડિસેમ્બરના દક્ષિણ ભારતના સુદીર્ઘ પ્રવાસમાં ! આમ 47 વરસમાંથી, અનુસ્નાતક અભ્યાસ, બેકારી ને નોકરીનાં મળીને એકવીસ વર્ષો બાદ કરીએ તો છવ્વીસ વરસ માત્ર ને માત્ર ફોટોગ્રાફી કરીને અ.મ. એ પોતાના અજીબોગરીબ સંસારનું ગાડું ગબડાવ્યું, કારણ સિદ્ધાંતોનું દુરાગ્રહી વળગણ. આજીવિકાના એકમાત્ર સાધન તરીકે ફોટોગ્રાફીનો સ્વીકાર કરતી વખતે કેટલાક નિર્ણયો લીધા :
[1] ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેરખબર માટે ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી કશું વેચવું નહીં.
[2] જાહેરખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહીં કે પાડેલા ફોટામાંથી જાહેરખબર માટે આપવા નહીં.
[3] કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું, પણ સ્ટુડિયો, મલ્ટિ-ફલેશ વગેરેની ઝંઝટમાં પડી બજારુ ફોટોગ્રાફી કરવી નહીં.
[4] ‘રિયોર્તાજ’ના ફોટા પણ સામાયિકનો વાચક પ્રકૃતિસૌંદર્ય તરફ આકર્ષાય અને આપણા ભવ્ય વારસાથી અવગત થાય એવા હેતુથી પાડવા.
[5] રેલ, વિમાન, બસઅકસ્માત, ગેસગળતર, પૂર, ધરતીકંપ, સુનામી, યુદ્ધ જેવી માનવીય કે પ્રાકૃતિક દુર્ઘટનાનો ઉપયોગ આપણે પોતાના રોટલા શેકવા કરવો નહીં.

આવા કડક સિદ્ધાંતોનું પાલન કરવા છતાં અ.મ.ની કીડીને એનો કણ મળી જ ગયો. સિંગાપોર એરલાઈન્સે વિમાનમાં અપાતા દળદાર માસિકમાં, અશ્વિન મહેતાના એકવીસ ‘ફોટો ફીચર’ આઠેક વર્ષ સુધી છાપ્યાં. ક્યારેક તો છ-આઠ રંગીન પાનાં અંદર હોય અને મુખપૃષ્ઠની છબી પણ એમની જ ! આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફરોની મેલી રમતોની ઉપરવટ સિંગાપોર એરલાઈન્સે ચાર મોટા ‘પ્રોજેક્ટ’ પણ તેમને જ સોંપ્યા, પરિણામે ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા, કેનેડા ને દક્ષિણ આફ્રિકાના અભરેભરી પ્રકૃતિ સંપદાવાળા પ્રદેશો ઘૂમવાની તક મળી. યુનિસેફના નવા વર્ષનાં કાર્ડમાં તો લંડનની એક મોટી કંપનીના ઓરિસ્સા અને દાર્જીલિંગના કામમાં અ.મ. મેદાન મારી ગયા. 1966 થી 1980 સુધીમાં શ્યામ-શ્વેત ફોટાના નવેક વ્યક્તિગત પ્રદર્શનો (વન-મેન શો) થયાં. દરેક પ્રદર્શન એક વિષય પર જ રહેતું. અ.મ. કહે છે, ‘દર્શકને હું ભજિયાંની ‘મિકસ્ડ પ્લેટ’ કદી આપતો નહીં.’ જે જમાનામાં ફોટોપ્રદર્શનો ભાગ્યે જ ભરાતાં તે દિવસોમાં અ.મ. એકપણ પ્રદર્શનનું ઉદ્દઘાટન ન કરાવતા, ઘીના કે મીણના દીવા ન પ્રગટાવતા ! આજે બ્યાશી વર્ષે અશ્વિનભાઈને એક જ વાતનો રંજ છે, ‘ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયા ક્રિકેટના ને બીજા અનેક જાતના સટ્ટામાં વાપરતા હોવા છતાં, આપણું પોતાનું કહેવાય એવું ફોટો સામાયિક નથી. હું ‘કેમેરા’ ઉપરાંત ‘ટ્વેન’ (Twen), ‘દુ’ (Du), ‘ડબલ પેઈજ’, ‘જીયો’ (Geo), ‘લાઈફ’, ‘ઓરિએન્ટેશન’ ને ‘એપર્ચર’નાં ધાવણ ધાવીને ઊછરેલું બાળક છું. ઘણાં સામાયિક બંધ થઈ ગયાં છે. કેટલાયમાં મારું કામ છપાયું છે છતાં આપણા પોતાના ભારતીય ફોટો સામાયિકમાં આપણું કામ છપાય તેની મજા તો કંઈ ઓર જ છે.’ આ એ જ અશ્વિન મહેતા છે કે જેમણે પોતાના નામને અને પોતાના કામને પ્રેમ કર્યો છે તેથી નામ અને કામ સાટે કોઈ બાંધછોડ કરી નથી. નાનપણથી એમની મહત્વકાંક્ષા હતી કે ‘શોગાકુકાન’ મારું પુસ્તક પ્રકાશિત કરે તો દાદુ, આપણે ફોટોગ્રાફી કરી કહેવાય ! 1996માં આ અવસર મળ્યો. ‘શોગાકુકાન’ની ન્યૂ યોર્ક ઓફિસના જાપાની મેનેજર કામ જોઈ આફરીન થયા. તેમણે ટોકિયોને પુછાવ્યું. ટોકિયોને પણ કામ ગમી ગયું, પણ એક શરતે. નામમાંથી એક અક્ષરની ને અટકમાંથી બે અક્ષરની બાદબાકી કરી અશ્વિન મહેતામાંથી ‘અસીન માયાટા’ કરવાની શરતે ! તરત જ અ.મ.એ જવાબ આપ્યો : ‘થેન્ક્સ ! સામે વહેતી હડસન નદીમાં બધું પધરાવવાનું હું વધુ પસંદ કરીશ !’

જાન્યુઆરી 2000થી પ્રવાસ બંધ કર્યા, કેમેરા વેચી કાઢ્યા ને અ.મ. એ ફોટોલીલા આંશિક સંકેલી લીધી. પાંચ પૈસાભાર લકવાનો હુમલો અને ‘પ્રોસ્ટેટ’ની તકલીફ શરૂ થઈ, પણ 2000થી 2007ના ગાળામાં ફોટોગ્રાફીને લગતાં બે ભગીરથ કામ પૂરાં કર્યાં. એક મોટી કંપનીના ભીમકાય અનુદાનથી અ.મ.ના ફોટોસંગ્રહમાંથી તેર શ્રેણીમાં વહેંચાયેલા 915 ફોટા પસંદ કરી ‘સ્કેન’ કરાવી ચૌદ ડીવીડીમાં સંગ્રહિત કર્યા. કોઈ પણ ફોટાની 40” X 60” સાઈઝની ‘પ્રિન્ટ’ કાઢી શકાય એવું ‘હાઈ-રેઝોલ્યુશન સ્કેનિંગ’ હતું. તેનો એક સેટ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલય, દિલ્હીને, એક સેટ પોતાના ફોટોએજન્ટને અને બે સેટ જુદી જુદી ફોટોગેલરીને આપી, પોતાના જીવતાં જ પોતાનું ‘ફોટોશ્રાદ્ધ’ અ.મ. એ કરી લીધું છે ! બે ઋષિતુલ્ય મહાનુભાવો જે. કૃષ્ણમૂર્તિ અને પીટર ડ્રકરને તથા ભારતનાં જાજરમાન મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની બાજુમાં બેસી પોતાના ફોટોગ્રાફસ બતાડવાનો અને તે અંગે કલાકો સુધી વિગતો વર્ણવવાનો જીવનલહાવો અ.મ.ને મળ્યો છે. સિક્યોરિટીથી ઘેરાયેલાં ઈન્દિરાજીને ખુમારીથી કહેલું છે, ‘આપ આટલાં દૂર બેસીને ફોટોગ્રાફ્સ જોશો તો જામશે નહીં. અહીં મારી પાસે બેસો તો બરાબર દેખાશે અને તમે શું જોઈ રહ્યા છો તે હું કહી શકીશ.’ અંગરક્ષક વડો આ સાંભળી દોડી આવ્યો, પણ નહેરુ કુટુંબનું ગૌરવ દર્શાવી ઈન્દિરાજી અ.મ.ની પડખે બેઠાં અને ખૂબ જ રસપૂર્વક ચર્ચા કરતાં કરતાં ચારસો પારદર્શીઓ નિરાંત જીવે માણી. અશ્વિન મહેતા પોરસાયા, ‘મારાં રતનની પોટલી કોઈ અજાણ આગળ મેં નહોતી ખોલી ! ભારત દેશના નાગરિક હોવાનો મને ત્યારે ગર્વ થયો !’ અ.મ.એ કેમેરામાં મઢેલાં હિમાલયનાં ફૂલોની ચાર ટપાલ ટિકિટો પણ ફલશ્રુતિ રૂપે બહાર પડી. ડૉ. નાર્લિકરની એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની સંસ્થા ‘આયુકા’ એ અ.મ.ના ‘કોસ્મિક ઈમેજિસ’ના ફોટા ખરીદ્યા અને અ.મ.એ જાતે પુણે જઈ તે ગોઠવ્યા ! બે વરસમાં જુદા જુદા ત્રીસ દિવસોમાં ફક્ત પાંચ નિહારિકા અને બ્રહ્માંડીય અવકાશની રિકતતાના આધારે તેઓએ ત્રીસ ફોટા સાચવ્યા. અશ્વિન મહેતા આ ઉત્તમ અનુભવ વિશે કહે છે, ‘છબીકળા ઉપરાંત છબીકસબનો ઉપયોગ કરી બ્રહ્માના સહોદર બનવાનો મને લહાવો મળ્યો. આ ત્રીસ દિવસનું મારી જીવન-અલમારીમાં અલાયદું ખાનું છે, નિરતિશય આનંદનું, ‘એકસ્ટસી’નું.

માતૃભાષા ગુજરાતી અશ્વિન મહેતાને હિન્દી માહોલ વચ્ચે જ્યોર્તિલિંગની જેમ પ્રગટી છે. તેમની ભાષાપ્રેમ માટેની ધગધગતી દાઝ આ શબ્દોમાં તેઓ વ્યક્ત કરે છે, ‘સંસ્કૃત ગઈ એટલે એક કાંકરે બધાં જ કબૂતર મરી ગયાં. ભાષા ગઈ એટલે વિચાર ગયો, સંસ્કાર ગયા, સંસ્કૃતિ ગઈ, સાહિત્ય, સંગીત, કળાના ભાવદેહને કેન્સર થયું. નાભિનું સ્થાન મગજે લીધું. એક મહાન પ્રજા રાઈના દાણા જેમ વેરાઈ ગઈ. આજનાં નંદ-જશોદા પોતાનો કૃષ્ણ પૂતનાને જ ધાવે એવો આગ્રહ રાખે છે ! અંગ્રેજી અજગરના ભરડામાં ભલભલાનાં હાડકાં તૂટી ગયા છે !’ અ.મ. પોતાના મિત્ર અકબર પદમશીની સલાહને માથે ચડાવી જીવ્યા, ‘કળાકારે મૂંગા મરવું ને કળાકૃતિને બોલવા દેવી.’ તેઓ સહજ સમાધિભાવથી સ્વીકારે છે, ‘મારી એક મુશ્કેલી છે. જીવનની બારાખડીમાં અધ્યાત્મનો ‘અ’ પહેલો આવે છે ને કળાનો ‘ક’ પછી…. હા, આ અશ્વિન મહેતા છે, જે ‘તુલસી’ દળમાં સમાયા છે, ઘૂઘવતો દરિયો જાણે સમેટાઈને તુલસીક્યારે સમાધિ લગાવી બેઠો છે. નિજ અંતઃચક્ષુઓને કેમેરાની આંખે એન્લાર્જ કરી વિરાટ વિશ્વદર્શન કરનાર અશ્વિન મહેતા ‘પામી ગયેલું માનવ વ્યક્તિત્વ’ છે. તેના જ શબ્દો આ વાતની સાક્ષી પૂરે છે : ‘….હોવું, માત્ર હોવું. તેમાં જ બિન્દુનું નિઃશેષ નિર્ગલન, સિન્ધુનું અચિંત્ય પ્રાગટ્ય, માયાનું સંપૂર્ણ ઉન્મૂલન, માયાપતિનું નિત્ય સાંનિધ્ય, હોવું, માત્ર હોવું…..’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ભીતરની આંખે કેમેરા માંડનાર : અશ્વિન મહેતા – ભદ્રાયુ વછરાજાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.