પ્રયાગ – અશ્વિન મ. વસાવડા

[‘અખંડ આનંદ’ જાન્યુઆરી-2012માંથી સાભાર.]

બહારથી આવી ત્યારે જ આરાધનાને લાગ્યું હતું કે ‘મૉમ’ કંઈ ધૂંધવાયેલી છે. થોડા સમય પછી તેણે મજાક કરી : ‘મૉમ, મનમાં મનમાં શું બબડે છે ? કોઈ મંત્ર જાપ કરે છે ?’ – અને ભદ્રા આરાધના ઉપર ગુસ્સે થઈ. વળી આરાધનાએ હસતાં કહ્યું : ‘પણ કારણ વગર આટલી બૂમો શું પાડે છે ?’

ભદ્રા વધુ ગુસ્સે થઈ.
‘હું કારણ વગર બૂમો પાડું છું એમ ? આરાધના હું તો હવે બધાંને જવાબ આપીને થાકી છું.’
‘તો જવાબ ન દેવો, કહેનાર જે કહે તે એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખવું.’ ભદ્રાનો ગુસ્સો જેમ જેમ વધતો ગયો તેમ તેમ આરાધના વધુ ને વધુ હળવાશથી મજાક કરતી રહી.
‘એમ મજાકમાં ન લે. આ ગંભીર વાત છે. મારે તારો કેટલો બચાવ કરવો ? આજે પેલી મંગળા કહે, તેં દીકરીને બહુ મોઢે ચઢાવી હતી ને તે શું પરિણામ આવ્યું ? આબરૂના કાંકરા કર્યા. ભણવાને બહાને બહાર મોકલી દીધી અને પછી અનાથાશ્રમમાંથી છોકરો દત્તક લીધો, દત્તક લીધો તેવો ઢોલ પીટ્યો છે, પણ અમે કંઈ બોઘાં નથી કે સમજીએ નહીં.’
આરાધનાએ હસીને કહ્યું : ‘તો એમ કહેને કે મંગળામાસીનો ગુસ્સો મારી ઉપર ઠાલવે છે.’
‘તારે કહેવું હતું ને કે મંગળાબહેન, તમે જે કહો છો તે સાચું કહો છો.’
ભદ્રાએ કહ્યું : ‘ના, પણ ગામને મોઢે ગળણું ન બંધાય, સમજીને ? ગામ આખું જાણે છે કે તું અનાથાશ્રમમાં નોકરી કરે છે. ત્યાંથી છોકરો લાવી છે. લોકોને શંકા તો થાય ને ? કોઈ કુંવારી છોકરીએ દત્તક-બાળક લીધું એવું જાણ્યું છે ? તારો આ આદર્શવાદ તને મોટું નુકશાન કરે છે. એ કેમ સમજતી નથી ?’

‘મૉમ, મંગળામાસી અને તેની ઉંમરની માસીઓ, કાકીઓ, ફોઈઓ ચાડીચૂગલી, શંકાકુશંકા સિવાય બીજું કરે છે શું ? હું દત્તક બાળક લઉં તેમાં આ બધાંના પેટમાં શું દુઃખે છે ? આ વિચાર સમજવાની પચાવવાની તેમની માનસિક ક્ષમતા કે કક્ષા જ નથી. તેઓને આવા ગંદા વિચાર જ આવવાના, પણ મને આવી ટીકાની કોઈ અસર નથી.’
‘ના, બેટા, પણ આ તારી હરવાફરવાની, મોજમજા કરવાની ઉંમર છે. આ બાળક ઘરમાં આવ્યા પછી તું તારી બહેનપણી સાથે હરીફરી શકતી નથી, પહેલાંની જેમ ફિલ્મ જોવા જઈ શકતી નથી. એક માની જેમ તેને સાચવવામાં તારો દિવસ પસાર થઈ જાય છે, તેમાં તું બંધાઈ ગઈ છે.’
‘માની જેમ નહીં, હવે તેની મા જ છું, એ મારો દીકરો છે.’
‘પરણવું નથી ? સારા કુટુંબનો ભણેલો છોકરો તને આ છોકરા સાથે સ્વીકારશે ?’
‘નહીં સ્વીકારે તો એવા શંકાશીલ પતિ કરતાં હું કુંવારી રહી મારા મુન્નાને મોટો કરીશ.’

પિતાના અકાળે અવસાન પછી ઘરનો આર્થિક બોજો ઉપાડવા માટે એમ.એ. પૂરું થતાં પી.એચ.ડી. કરવાની ઈચ્છા પડતી મૂકી આરાધનાએ નોકરી કરવાનું નક્કી કર્યું. પિતા જે અનાથ-આશ્રમના ટ્રસ્ટી સભ્ય હતા તેમાં જ તેને નોકરીની ‘ઑફર’ થઈ અને તેણે અનાથ-આશ્રમમાં નોકરી શરૂ કરી. ‘મૉમ’ની ઘણી સલાહસૂચના મળી : ‘વધારે પડતું બોલવું નહીં, કોઈ સાથે બહુ છૂટ ન લેવી, તારા પપ્પાની જેમ જ બાળકોને પ્રેમથી સાચવજે’ વગેરે…. આરાધનાએ જવાબ આપતાં કહેલું : ‘તું પણ શું મૉમ, હું થોડી નાની છું ? અને હા પપ્પા સાથે વારંવાર ત્યાં ગઈ છું ત્યારથી એ નિર્દોષ બાળકો તરફ મને લાગણી છે.’ થોડા દિવસોમાં જ ત્યાંના ભૂલકાંઓ સાથે તે હળીમળી ગઈ. બાળકો પણ તેની સાથે હળીમળી ગયાં. બાળકોને ભણાવવાં, રમાડવામાં તે ગળાબૂડ થઈ ગઈ. બાળકોને નવી નવી વાર્તા કહે, નવી નવી રમતો શીખવે, તેની સાથે રમે, પર્યટન-પ્રવાસનું આયોજન કરે.

એક અઢી-ત્રણ વર્ષનો છોકરો આરાધનાને ખૂબ ગમી ગયેલો. તેની તે વિશેષ સંભાળ લેતી. તે છોકરો પણ આરાધનાને હળી ગયેલો. એક દિવસ રમતાં રમતાં તે પડી ગયો. આરાધનાને વળગીને તે રડવા લાગ્યો. તેને છાતીએ ચાંપી, માથામાં હાથ ફેરવતાં તેનાથી બોલી જવાયું : ‘જો કીડીની મા મરી ગઈ, મારો ડાહ્યો દીકરો રડે નહીં.’ જાણે કે તેને વીજળીનો આંચકો લાગ્યો, ‘અરે આ બિચારાને મા શું એ ખબર જ ક્યાં છે ?’…. અને તે ક્ષણે જ તેના મનમાં ઝબકારો થયો. ‘આ બાળકને હું દત્તક લઉં તો ?’ આશ્રમના ટ્રસ્ટી મંડળ પાસે રજૂઆત કરી. નિયમાનુસારની શરતોને આધીન આરાધનાની માંગણી માન્ય રાખવામાં આવી. આરાધના દત્તક બાળકને પોતાને ઘેર લાવી કુંવારી મા બની. ભદ્રાને આરાધનાનો આ નિર્ણય ગમ્યો તો ન હતો. ‘લગ્ન કરવાની ઉંમરની કુંવારી છોકરી આ રીતે બાળક દત્તક લે તે યોગ્ય ન કહેવાય, તારાં લગ્ન થવામાં મુશ્કેલી પડશે, લોકો ગમે તેવી શંકા કરશે, વાતો કરશે.’ વગેરે ત્યારે જ આરાધનાને સમજાવેલું. – પણ આરાધના મક્કમ રહી હતી, ‘તું મારી ચિંતા ન કર. કદાચ કુંવારા રહેવું પડશે તો પણ રહીશ. આ મારો દીકરો મોટો થઈને મારો આધાર બનશે જ ને ? સમાજે ફેંકી દીધેલા એક નિર્દોષ અનાથ બાળકને માનો પ્રેમ મળશે, તેનું ભવિષ્ય હું ઊજળું બનાવીશ તે તું કેમ વિચારતી નથી. હું તો કહું છું બાળકવિહોણા દંપતીએ અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઈ લેવું જોઈએ. અનાથ બાળક માતા-પિતાના પ્રેમમાં ઊછરે, ભણે અને તેનું ભવિષ્ય ઊજળું બને, તે મોટો કે મોટી બનીને માતા-પિતાના ઘડપણમાં સહારો બને અને એ દીકરો મા-બાપને ઘરડાં-ઘરમાં નહીં મોકલે પણ ઘરમાં તેની પૂજા કરશે, સમજીને ?’

આમ તો ભદ્રા પણ પોતાના પતિની વિચારધારાએ સમાજસેવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હતી. સામાન્ય સ્ત્રીમાં હોય તેવા જૂના વિચારો, રૂઢિઓ અને પરંપરાઓથી અલાયદો જ વ્યવહાર અને વર્તન કરતી હતી. અનાથઆશ્રમ માટેની ઘણી ખરી પ્રવૃત્તિઓમાં તેણે પતિને સાથસહકાર આપ્યો હતો. તેને પણ અનાથ બાળકો તરફ અનુકંપા હતી. વારંવાર તે આશ્રમની મુલાકાત પણ લેતી…. પણ છતાં તે સ્ત્રી હતી, મા હતી. જ્ઞાતિ સમાજથી તે ડરતી તો ખરી જ. થોડા સમયમાં જ જ્ઞાતિ, સમાજમાં વાત ચર્ચાતી થઈ : ‘કુંવારી મા બની છે અને છુપાવે છે કે બાળક દત્તક લીધું છે. ભણવાને બહાને દીકરીને બહાર મોકલી દીધી. અનાથઆશ્રમમાં નોકરી મેળવી અને પોતાનું બાળક દત્તક લીધું. બાપ ત્યાં નોકરી કરતા એટલે બધું ઢાંકી દીધું.’
પેધેલી સ્ત્રીઓ ભદ્રાને પૂછતી : ‘ભલા કુંવારી છે ત્યાં છોકરું દત્તક લેવાની શું જરૂર પડી ?’ કોઈ વળી મશ્કરી કરતું : ‘નાનીમા શહેરમાં જઈ બની ગયાં ?’ વળી કોઈ કહેતું : ‘શહેરમાં જઈ ડબલ એમ.એ. થઈ આવી.’ ભદ્રા સાંભળે તેમ અંદર અંદર વાત કરતી : ‘છોકરા સાથે એને પરણશે કોણ ?….. કોઈ બીજવર છોકરાંવાળો મળી જશે…… ના, બીજવરો પણ ચારિત્ર તો જુવે હો….!’ આવું આવું સાંભળીને ભદ્રા ત્રાસી ગઈ હતી અને તેથી જ આજે મંગળાએ કહ્યું તેનો ગુસ્સો ઘરમાં આવી આરાધના ઉપર ઉતાર્યો.

આજે આરાધનાનું માગું આવ્યું. ચાલીસેક વર્ષના પુરુષને લઈને તેની મા આવેલી. મા-દીકરાને જોતાં જ આરાધનાથી હસી પડાયું. ભદ્રાએ ઔપચારિક આવકાર આપ્યો. પુરુષ તોતડું અને આવતાં સાથે વધારે પડતું બોલતો હતો તેથી આરાધનાએ તેની મશ્કરી શરૂ કરી.
‘તમે શું ભણેલા છો ?’
‘જૂનું મેટ્રિક પાસ છું !’
‘એમ ? જૂનું મૅટ્રિક તો બહુ અઘરું હતું નહીં ?’ આરાધનાએ પૂછ્યું.
‘અરે હા, બહુ અઘરું. હું ચોથી ટ્રાયલે પાસ થઈ ગયેલો.’
‘ઘણું સારું કહેવાય. ચોથી ટ્રાયલે પણ પાસ તો થઈ ગયા ને !’ પછી આરાધનાને આગળ ચલાવ્યું, ‘નોકરી ક્યાં કરો છો ?’
પુરુષે પોરસાતાં જવાબ આપ્યો : ‘એક દવા કંપનીમાં વર્કર છું. પાંચ હજાર રૂપિયા પગાર મળે છે. બીજા સાત-સો-આઠસો ઓવરટાઈમ કરી લઉં છું. દિવાળીમાં ‘બોનસ’ પણ મળે….. આપણા રામ શોખીન એટલે પૈસા બચે નહીં.’
‘ના, ના પૈસા બચાવીને શું કામ છે ? જલસા જ કરી લેવા.’ આરાધનાએ હસીને કહ્યું.
પુરુષની માએ વાત શરૂ કરી, ‘બહેન, બે મહિના પહેલાં બિચારાની વહુ કૅન્સરની બીમારીમાં ગુજરી ગઈ. સાત વર્ષની દીકરી છે. હું તો હવે ખર્યું પાન કહેવાઉં. દીકરીની જાત, મોટી થતી જાય તેમ માની જરૂર પડે, વળી બહેન જમાનો કેવો ખરાબ છે ? મા ઘરમાં હોય તો બધા પ્રકારનું ધ્યાન રાખે. તમારા છોકરાને બાપ મળી જાય. અમારી છોકરીને મા મળી જાય.’
ભદ્રાએ અકળાતાં કહ્યું : ‘પણ બહેન, મારી દીકરી તો હજી ત્રેવીશ વર્ષની જ છે. એમ.એ. પાસ છે, અમારે ઉતાવળ નથી કરવી.’
‘પણ બહેન, એ ભૂલ કરી બેસી છે તે છોકરા સાથે ક્યાં સુધી ઘરમાં સાચવશો ?’
હવે આરાધના ગુસ્સે થઈ : ‘માજી, તમે વડીલ છો, મારા ઘરમાં બેઠાં છો તેથી તમારું અપમાન નથી કરતી, પણ મહેરબાની કરી તમે જાવ. મારે તમારા કુંવર સાથે નથી પરણવું.’

તે પછી થોડા દિવસોમાં એક ડાયવોર્સીનું માગું આવ્યું. એક અપંગનું પણ આવ્યું. ભદ્રા વધુ ને વધુ હતાશામાં આવી ગઈ. ‘બેટા, મારી જ ભૂલ થઈ કે મેં તને ત્યાં નોકરી કરવા મોકલી. અનાથઆશ્રમમાં ગઈ તો છોકરો લાવીને ? હવે થોડી બાંધછોડ કરી તારે સગાઈ કરી લેવી જોઈએ.’
‘મૉમ, તું ક્યાં સુધી આમ જીવ બાળ્યા કરીશ ? મેં તને કેટલી વાર કહ્યું કે દત્તકબાળકને કારણે હું લગ્ન કરવામાં કોઈ ‘કૉમ્પ્રોમાઈઝ’ કરવા નથી માગતી, મને ગમતો અને મારા લેવલનો છોકરો મળશે તો જ લગ્ન કરીશ.’

અનાથાશ્રમમાં દર અઠવાડિયે એક યુવાન ડૉક્ટર ‘વિઝિટ’માં આવતા; અવેતન માત્ર સેવાના ઈરાદાથી જ આવતા. આવે ત્યારે આશ્રમનાં બાળકો માટે બિસ્કિટ, ચૉકલેટ, ફળો, મીઠાઈ, રમકડાં, કપડાં એમ જુદું જુદું લાવે, બાળકોની શારીરિક તપાસ કરી જરૂર પ્રમાણે દવા પણ મોકલે. બાળકો સાથે વાતો કરે, માથે હાથ ફેરવી પ્રેમ આપે. આરાધનાને ડૉકટરનું આવું વર્તન ઘણું ગમતું. તે ડૉક્ટર સાથે તેની મદદમાં રહેલી. ડૉક્ટર પણ આરાધના સાથે હળીમળી ગયેલા. મજાકિયા સ્વભાવના; આરાધનાને કહેતા : ‘મૅડમ, તમે તો ‘સોશ્યોલૉજી’નાં સ્ટુડન્ટ છો, તમારા સમાજને સમજાવો કે અનાથઆશ્રમોમાં બાળકો અને વૃદ્ધાશ્રમોમાં મા-બાપને ન મોકલે.’ આરાધના હસતી. આરાધનાને આ ડૉક્ટર ગમી ગયેલો; પણ તેના દત્તક બાળકને કારણે એક છોકરીના અલ્લડ બાપ, ડાયવોર્સી અને અપંગનું માગું આવ્યા પછી આ ફાંકડા એમ.ડી. ડિગ્રીધારી ડૉક્ટરને મનમાં પણ ચાહવો તે તેનું અપમાન ગણાય તેમ મનોમન વિચારતી.

તે દિવસે તેના પુત્રને સખત તાવ આવ્યો.
ચિંતાતુર આરાધનાએ ડૉક્ટરને ફોન કર્યો : ‘સોરી સર, તમને આ ‘ઑડ ટાઈમ’માં ડીસ્ટર્બ કરું છું, પણ મારા બાબાને ‘હાઈટેમ્પરેચર’ છે. તમારી ક્લિનિકે પહોંચું ? તમે અત્યારે આવી શકશો ?’
‘અરે મૅડમ, અમારે ડૉકટરોને ‘ઑડટાઈમ’ હોતો જ નથી. એનીથીંગ કેન હેપન ઈન એની બૉડી એની ટાઈમ, અન્ડરસ્ટેન્ડ ? યુ આર વેરી વેલ વૅલકમ.’ આરાધના તેના પુત્રને લઈને પહોંચી એ પહેલાં ડૉક્ટર આવી ગયેલા. ડૉક્ટરે બાળકને તપાસી કહ્યું : ‘આને ‘ઑબ્ઝર્વેશન’માં રાખવો પડશે. ‘એડમીટ’ કરી દઉં છું. કાલે સવારે ‘બ્લડ-યુરિન’ ની તપાસ કરાવી લેશું. ડોન્ટવરી, આમ તો હમણાં વાયરલ ઈન્ફેકશન બહુ કોમન છે.’ કેસ પેપર તૈયાર કરતાં ડોક્ટરે પૂછ્યું :
‘શું નામ છે બાબાનું ?’
‘પ્રયાગ.’ આરાધનાએ જવાબ આપ્યો.
‘પપ્પાનું નામ ?’
આરાધનાએ અચકાઈને કહ્યું : ‘પ્રયાગ આરાધના જોષી.’
ડૉક્ટરે આરાધનાની સામે જોયું. આરાધના નીચું જોઈ ગઈ.
‘ઓ.કે.’
એ રાતે મોડે સુધી ડૉક્ટર દર્દી બાળકના પલંગ પાસે આરાધના અને ભદ્રા સાથે વાતો કરતા બેસી રહ્યા. થોડા થોડા સમયે ‘ટેમ્પરેચર’ માપે, દવા, ઈંજેકશન આપ્યાં અને કુટુંબની વ્યક્તિની જેમ વાતો કરતાં બંનેનું ટેન્શન હળવું કરતા રહ્યા.
‘તમે રાતે જમ્યા વિના આવ્યા હશો.’ કહી આરાધના, ભદ્રાની ના છતાં ચા-નાસ્તો પણ મગાવ્યા. ચોવીસ કલાકની સારવારને અંતે ‘ટેમ્પરેચર’ ઊતર્યું. એક વધુ દિવસ ‘ક્લિનિક’માં રાખી ત્રીજે દિવસે ‘ડીસ્ચાર્જ’ આપ્યો. આરાધનાએ પર્સ ખોલી રૂપિયા કાઢતાં કહ્યું :
‘સર, કેટલી ફી આપવાની ?’
ડૉક્ટરે સાહજિક રીતે કહ્યું : ‘એમ કરો મૅડમ, ચેકબૂક સાથે હોય તો તમારી સહી કરીને કોરો ચેક આપો, મારે જ્યારે જેટલી જરૂર પડશે ત્યારે તેટલા રૂપિયા લઈ લઈશ.’ આરાધના અને ભદ્રાએ ખૂબ કહ્યું પણ ડૉક્ટરે ફી ન લીધી.

તે પછીના ત્રીજે દિવસે ફોન આવ્યો.
ભદ્રાએ ફોન ઉપાડ્યો.
‘હેલ્લો, ભદ્રાબહેન બોલે છે ?’
‘હા,જી.’
‘બહેન હું ડૉકટર નીલ મહેતાની મધર બોલું છું. મારે વ્યવહારિક વાતે તમને મળવા આવવું છે. રવિવારે સવારે અનુકૂળ બનશે ?’
ભદ્રાએ કહ્યું : ‘નમસ્તે, હા, જી.’
ભદ્રાને અને આરાધનાને આશ્ચર્ય થયું. ભદ્રા ધીમેથી બોલી, ‘વ્યવહારિક વાતે ?!…. ડૉક્ટર જાણે છે કે આરાધનાએ કેસપેપરમાં પપ્પાનું નામ પૂછ્યું ત્યારે પ્રયાગ આરાધના જોષી લખાવેલું – આરાધનાને બાળક છે, પપ્પાનું નામ નથી છતાં….?’ થોડી ક્ષણોની શાંતિ પછી ભદ્રાએ આરાધનાને પૂછ્યું :
‘આ ડૉક્ટર ડાયવોર્સી તો નથી ને ?’
આરાધનાએ હસીને કહ્યું : ‘થોભો અને રાહ જુઓ. રૂબરૂ મળશે ત્યારે ખબર પડશે જ ને ?!….’ પછી મનમાં જ બોલી, ‘કદાચ ડાયવોર્સી હશે તો પણ મારા મનમાં તો તે વસી જ ગયો છે.’

બીજે દિવસે ક્રમ અનુસાર ડૉક્ટર અનાથઆશ્રમની વિઝિટમાં આવ્યા. આજે આરાધના શરમાતાં તેનાથી થોડી અળગી રહી. ફ્રી થયા પછી દર વખતની જેમ આરાધના ને ડૉક્ટર ચા પીવા આવ્યાં. આરાધના આજે મૂંગી જ રહી. ડૉ. નીલે મજાક કરતાં કહ્યું : ‘કેમ આરાધના, આજે મારે તમને પણ તપાસવાનાં છે ?’ હંમેશ તે ‘મૅડમ’થી સંબોધન કરતા હતા આજે ‘આરાધના’ સંબોધન કર્યું. સંબોધન સાંભળતાં રોમાંચ અનુભવતાં આરાધનાએ ડૉક્ટર સામું જોયું, પછી હસીને નીચું જોઈ કહ્યું, ‘નો, સર.’
‘બાય ધ વે આરાધના, ગઈ કાલે મારી મમ્મીએ તમારી મમ્મીને ફોન કરેલો, પણ એ બે વડીલો મળે તે પહેલાં હું તમારી ઈચ્છા જાણી લેવા માગું છું. આઈ મીન…. યુ અન્ડર સ્ટેન્ડ મી.’
‘….પણ સર…..’
‘પ્લીઝ, આરાધના, નીલ નહીં કહી શકો ?’
વળી આરાધનાએ ડૉક્ટરની હસતી આંખોમાં આંખ પરોવી.
‘હા, તો મેં મારી મમ્મીને મારી ઈચ્છા જણાવી અને મમ્મીને પણ મારી પસંદગી ગમી અને તમારી મમ્મીને મળવા આવવાનું નક્કી કર્યું છે.’
‘સર, તમે તો જાણો છો ને મારે પુત્ર છે.’
‘જુઓ, આરાધના, અમે ડૉક્ટર રોગનું નિદાન કરતાં પહેલાં પગથી માથા સુધી દર્દીને શાંતિથી તપાસીએ છીએ. જરૂર પ્રમાણે બ્લ્ડ, યુરિનની તપાસ કરાવીએ છીએ. સ્ક્રીનીંગ, એક્સ-રે, સોનોગ્રાફી વગેરે પણ કરીએ છીએ અને પછી જ રોગના નિદાનનો નિર્ણય કરીએ છીએ. સમજ્યાં ?’ પછી થોડું અટકીને ઉમેર્યું, ‘હા આરાધના, હું જાણું છંં કે તમે અનાથઆશ્રમમાંથી પુત્ર દત્તક લીધો છે, એ પણ જાણ્યું કે તમારું કુટુંબ અને સમાજ તમે જ એ પુત્રને જન્મ આપ્યો છે તેવો કાદવ ઉછાળે છે. તમારા ચારિત્ર ઉપર શંકા કરે છે અને તમારાં અપમાનજનક માગાં આવે છે. તમારી મમ્મી તમને એ બાળક પાછું અનાથઆશ્રમને સોંપી દેવા સમજાવે છે; પણ તમે તમારા નિર્ણયમાં મક્કમ છો. આથી વિશેષ કંઈ કહેવું છે ? આ બે-ત્રણ દિવસમાં તમારી પૂરતી માહિતી મેળવી લીધી છે ને ?’
આરાધનાએ કહ્યું : ‘એ જાણવા છતાં તમે અને તમારી મમ્મી મને પસંદ કરો છો ?’
ડૉ. નીલે ગંભીર બનતાં કહ્યું : ‘હા, એમ કહું તો એ વધુ યોગ્ય છે કે એ જાણ્યા પછી જ મેં અને મમ્મીએ તમારી પસંદગી કરી છે.’
આરાધના ફાટી આંખે ડૉક્ટર સામે જોઈ રહી. તેનાથી મોટેથી બોલાઈ જવાયું : ‘પણ કેમ, સર ?’
‘રીલેક્સ આરાધના, મેં મારો અને મમ્મીનો નિર્ણય તમને જણાવી દીધો, હવે તમારે અને તમારી મમ્મીએ જે નિર્ણય કરવો હોય તે કરજો.’

થોડા દિવસો પછી સૌના આશ્ચર્ય વચ્ચે શહેરના એક નામાંકિત ડોક્ટર નીલ અને આરાધનાનાં લગ્ન ઊજવાયાં. અનાથ-આશ્રમના પ્લોટમાં જ પ્રસંગ ઊજવાયો. વરઘોડિયું ઘરે આવ્યું. ડૉ. નીલની મમ્મીએ ઉત્સાહ અને ઉમંગભર્યા હેતથી વરઘોડિયું પોંખ્યું, આશીર્વાદ આપ્યા. આરાધનાની આંગળી પકડી ઊભેલા પ્રયાગને ડોક્ટરની મમ્મીએ તેડી લઈ બચીઓ ભરતાં કહ્યું : ‘દાદીનો દીકરો આવી ગયો…?’ મમ્મી પ્રયાગને તેડીને અંદર ગઈ. નીલે દરવાજા ઉપરની ‘નેમ પ્લેટ’ આરાધનાને બતાવી અને પોતે જ વાંચી :
‘ડૉ. નીલ મમતા મહેતા, એમ.ડી.’
આરાધનાએ આશ્ચર્યથી નીલ સામે જોયું.
‘હા આરાધના, યુવાનવયે વિધવા થયા પછી બાળકવિહોણી મમ્મીએ મને હું એક-દોઢ વર્ષનો હતો ત્યારે જ અનાથઆશ્રમમાંથી મને દત્તક લીધો હતો.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “પ્રયાગ – અશ્વિન મ. વસાવડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.