સર પ્રભાશંકર પટ્ટણી વિશે – મહેશ અનંતરાય પટ્ટણી

[ સર પ્રભાશંકર પટ્ટણીના પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર છે. ભાવનગરના દીવાનપદે રહી ચુકેલા સર પ્રભાશંકર પટ્ટણીના અનેક જીવનપ્રસંગો ખૂબ જાણીતા છે. તેમણે અનેક સુંદર અને પ્રેરક કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોનું પુસ્તક ‘મિત્ર’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયું છે, જેમાંથી આ જીવનચરિત્ર સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખને અંતે આપવામાં આવી છે.]

જે દેશપરદેશમાં પ્રતિષ્ઠા પામ્યા; જેણે રાજ્યનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવ્યાં; બ્રિટિશ સલ્તનથનાં વિશ્વાસ અને માન જેણે મેળવ્યાં; જે નાનપણથી જ ગાંધીજીના વિશ્વાસુ મિત્ર અને અંતે ભક્ત હતા – તે પટ્ટણીજીએ ભાવનગર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું અને તેમની લગભગ 50 વર્ષની કારકિર્દી દરમિયાન ભાવનગરને એક નાના રાજ્યમાંથી પ્રખ્યાત અને મોટા રાજ્યોની હરોળમાં ગૌરવભર્યા સ્થાન ઉપર પહોંચાડ્યું હતું.

પટ્ટણીજીનો જન્મ ઈ.સ. 1862માં એક ગરીબ કુટુંબમાં થયેલો. અમારા વડવાઓ કથાવાચન કરી કુટુંબનિર્વાહ કરતા. પટ્ટણીજી સગાંસંબંધીઓને ત્યાં રહી રાજકોટની નિશાળમાં ભણેલા. ત્યાં તેમને ગાંધીજી સાથે મૈત્રી થઈ. આ બન્નેની મૈત્રી જીવન પર્યંત ટકી રહી. એક હિન્દની સરકાર સામે ઝઝૂમતા નેતા – બીજા દેશી રાજ્યના અને અંગ્રેજ સરકારના નોકર. એ બન્નેની મૈત્રી આખા હિન્દના ક્રાન્તિકાળમાં અડગ જળવાઈ રહી એટલું જ નહીં પણ વધારે ગાઢ બની, તે એક અદ્વિતિય વસ્તુ છે.

પટ્ટણીજી મૅટ્રિક સુધી ભણ્યા હતા. મૅટ્રિક પછી મુંબઈમાં મેડિકલ અભ્યાસ માટે પ્રયાસ કરેલ પણ લથડતી તબિયતને અંગે મુંબઈ છોડવું પડ્યું. તબિયત બગડતાં અને ક્ષયનો વહેમ જતાં દેશમાં ચાલ્યા આવ્યા, પછી જુદે જુદે સ્થળે નોકરીની શોધ કરી. દરમિયાન સૌરાષ્ટ્રના પ્રખર વૈદ્યરાજ ઝંડુ ભટ્ટજીના ભાઈ મણિભાઈની પુત્રી સાથે લગ્ન થયાં. કમનસીબે લગ્ન પછી થોડા વખતમાં જ તેમનાં પત્ની ગુજરી ગયાં અને ઝંડુ ભટ્ટજીના બીજા ભાઈ મોરબીના રાજ્યવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીનાં પુત્રી રમાબહેન સાથે લગ્ન થયાં. રમાબાએ લગભગ 50 વર્ષ સુધી પટ્ટણીજીનું ઘર ચલાવ્યું. બીજા લગ્ન પછીની એક વાત છે. પોતે ભણવાનું છોડી સગાંસંબંધીઓને ત્યાં જ રહેતા, નોકરી હજી મળી ન હતી. તેમાં એક દિવસ જે ઘેર રહેતા હતા ત્યાં તેમણે પટ્ટણીકુટુંબને મહેણું લાગે એવું વાક્ય સાંભળ્યું અને તરત બધું છોડી પોતે પોતાનું બધું કરી લેવાનો નિશ્ચય કરી રમાબા પાસે ગયા અને કહ્યું કે હું ઘર છોડું છું. મારું શું થશે તે ખબર નથી. હું તને કાંઈ આપી શકું તેમ નથી. પણ તારું પોષણ કરવું એ મારો ધર્મ છે અને ફરજ છે, માટે તને પૂછું છું. મારી સાથે આવવું છે ? કે તારા બાપને ઘેર મૂકતો જાઉં ? રમાબાએ તેવી જ મક્કમતાથી કહ્યું કે મારું સ્થાન તમારી સાથે જ છે – જે તમારું થશે તે મારું થશે. અને બન્ને નીકળી પડ્યાં. તેમણે મોરબીમાં, દેવગઢબારિયામાં, ધારવાડમાં એમ નોકરીઓ કરેલી.

ભાવનગર સાથે એમનો સંબંધ થયેલો ના. તખ્તસિંહજી મહારાજના વખતમાં. ભાવસિંહજી મહારાજ રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણતા ત્યારે તેમની પાસે તેમને શિક્ષક-સાથી (tutor-companion) તરીકે રાખવામાં આવેલા. એ વખતે બન્ને વચ્ચે બહુ ગાઢ મૈત્રી બંધાઈ. પણ સંજોગવશાત પટ્ટણીસાહેબે ભાવનગર છોડ્યું – પછી ? તખ્તસિંહજી મહારાજ દેવ થયા (ઈ.સ. 1896) ત્યારે પટ્ટણીજી એક બપોરે ભાવનગર સ્ટેશન ઊતરી ભાવસિંહજી મહારાજ પાસે આવ્યા અને ખેદ કર્યો. ભવિષ્ય માટે શુભેચ્છાઓ દેખાડી અને રજા લીધી – ત્યાં તો ભાવિએ સુકાન ફેરવ્યું. પગથિયા ઉપર રજા લેતા હતા ત્યાં એક તારવાળો તાર લાવ્યો, ભાવસિંહજી મહારાજે એ વાંચ્યો – અને લાલ થઈ ગયા. પટ્ટણીજીના હાથમાં તાર મૂક્યો – સલાહ માગી. બ્રિટિશ સરકારનો તાર હતો. જ્યાં સુધી સરકાર તરફથી વિધિસરની સંમતિ (Official confirmation) ન આવે ત્યાં સુધી ભાવસિંહજી મહારાજે રાજકાજમાં ભાગ લેવો નહીં એ ભાવાર્થ હતો. રાજ્યવંશ-રજપૂત લોહી-યુવાનીની ઝમક-પછી ગુસ્સો કેમ અટકે ? એ વખતે તેમને શાંત પાડ્યા, કહ્યું : રાજ્યના બાહોશ તથા અનુભવી એવા દીવાનસાહેબને અને બીજા કાર્યવાહકોને બોલાવી તેમને એ તાર સુપરત કરવો અને જૂની પ્રણાલિકા પ્રમાણે રાજ્યનું કામકાજ, વહીવટ ચાલુ રાખવા કહેવું. વળી સલાહ આપી કે મામલો પાટા પર લાવવાનો ભાર જે અત્યાર સુધી રાજ્યધુરા વહેતા આવ્યા તેમની ઉપર નાખવો, આમ પટ્ટણીસાહેબે કહ્યું. મહારાજે તે પ્રમાણે કર્યું – પણ પટ્ટણીજીને કહ્યું કે, ‘તમારે મારી પાસે રહેવાનું છે. તમે હવે ભાવનગર છોડશો નહીં.’ ત્યારથી પટ્ટણીજી ભાવનગરમાં કાયમ થયા. કારકુન-સેક્રેટરી-પછી દીવાન. તાર જો પાંચ મિનિટ મોડો આવ્યો હોત તો પટ્ટણીજી આ રીતે આ રાજ્યમાં ન હોત.

ભાવનગરમાં દીવાનગીરી દરમિયાન બંદરની ખિલવણી થઈ. નાનું બંદર મોટું થયું. ડ્રેજરો ચાલી ચાલી ખાડી ઊંડી થઈ. વેપાર વધ્યો સાથે સાથે રેલવે લાઈનો વધી; રસ્તા વધ્યા; દારૂબંધી થઈ, ભાવનગરમાં ધારાસભાનાં પણ મંડાણ થયાં. બંદરનો વેપાર વધતો જોઈ સરકારે વિરમગામ ઉપર લાઈનદોરી નાખી. ભાવનગરના બંદરી હકો વિષે સરકાર સાથે કરારો હતા કે ભાવનગરે સરકારી હિસાબે બંદર ઉપર આયાત વેરો (Customs duty) લેવો અને સરકારે ભાવનગરથી આવતા માલને બ્રિટિશ હદમાં છૂટથી દાખલ થવા દેવો. આ કરાર છતાં વિરમગામ ઉપર લાઈનદોરી નાખી. તે લડતના કાગળો છેક લંડન પહોંચ્યા ત્યારે જ તેનો છેડો આવ્યો અને પટ્ટણીજીએ તૈયાર કરેલ ભાવનગરનો ‘કેસ’ સફળતા પામ્યો. પટ્ટણીજીની દીવાનગીરી દરમિયાન સખત દુષ્કાળ આવેલ ત્યારે ઘોડા ઉપર અને ચાલતાં, એમ કરીને રોજ 40 થી 50 માઈલ રાહતકાર્યમાં ફરતા. સમય જતાં વળી પાછો ભાવનગર છોડવાનો પ્રસંગ ઊભો થયો. તે વખતે ભાવનગર મુંબઈ નીચે હતું. ત્યાં ગવર્નરની કાઉન્સિલમાં તેમની નિમણૂક થઈ. ભાવનગર છોડવું તેમાં જ લાભ છે તેમ ભાવસિંહજી મહારાજનું અનુમોદન મળતાં તે મુંબઈ ગયા. ત્યાંથી વાઈસરૉયની કાઉન્સિલમાં દિલ્હી નિમણૂક થઈ અને ત્યાંથી વિલાયત સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઈન્ડિયા – એમની કાઉન્સિલમાં ગયા. પોતે ત્યાં હતા એ સમયની વાત છે. પહેલું મહાયુદ્ધ પૂરું થયું અને સંધિ થઈ. પહેલી વાર બિસ્માર્કના વખતમાં જ્યારે જર્મનીએ ફ્રાન્સને હરાવ્યું ત્યારે જે સંધિ થયેલ તે વરસાઈની સંધિ (treaty of Verssailes) તરીકે ઈતિહાસમાં પ્રખ્યાત છે. 1914-18ના યુદ્ધમાં જર્મનીની હાર પછી જે સંધિ થઈ તેના કાગળ સહી કરવા હારેલા જર્મનોના પ્રતિનિધિઓ પાસે મૂકતાં ફ્રાન્સના વડા પ્રધાન ક્લેમેન્સો મહેણું મારતા હોય તેમ બોલ્યા : ‘Gentlemen. I give you the second treaty of Verssailes.’ (પહેલી 1871ની). ભારતમંત્રી મોંટેગ્યુ જ્યારે ફ્રાન્સથી પાછા આવ્યા ત્યારે તેમણે આ વાત પોતાના કાઉન્સિલના સભ્યોને કહી અને પૂછ્યું : ‘જર્મનોના મનમાં આ સાંભળી શું શું થતું હશે ?’ કોઈ કંઈ બોલ્યું નહીં પણ પટ્ટણીજીએ કહ્યું, ‘Wait for the third.’ અને મોંટેગ્યુ બોલી ઊઠ્યા : ‘Exactly Pattani ! that is exactly what I thought.’ વેરભાવથી વેર જ ઊપજે છે એમ પોતે માનતા માટે એ સંધિની દુર્ઘટનાની વાતથી એમને દુઃખ થયેલું. પોતે કોઈ દિવસ વેરદષ્ટિ રાખી શક્યા જ ન હતા અને તે એમની કવિતામાં છે :

મારી આખી અવની પરની જિંદગીની વિષે મેં
રાખી હોયે મુજ અરિ પરે દષ્ટિ જે રીતની મેં,
એવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારિ
તો એ તારો અનૃણી થઈને પાડ માનીશ ભારી.

ઈશ્વર પાસે આમ જે માગી શકે તેનું હૃદય કેવું હોય ?

તેમને હિન્દુસ્તાનના એક પ્રાંતનું રાજ્યપાલત્વ (Governorship) આપવાની વાત ઈંગ્લેન્ડમાં થઈ અને ભાવિએ ફરી સુકાન ફેરવ્યું : ભાવસિંહજી મહારાજ દેવ થયા (ઈ.સ. 1919) અને તેમનાં નાનાં બાળકો અંગ્રેજોના હાથમાં ગયાં. ભાવનગરની પ્રજાના તારો વિલાયત ગયા અને ભાવનગરનું અને બાળમહારાજનું ધ્યાન રાખવા પ્રજાએ પટ્ટણીજીની માગણી કરી. પટ્ટણીજીને પૂછવામાં આવ્યું પોતે શું પસંદ કરશે. ભાવનગર તરફ અને ભવસિંહજીનાં બાળકો તરફ પોતાની ઊભી થતી ફરજો તો તે સમજતા જ હતા. એમણે ભાવનગરની પ્રજાની માગણી તરફ અને ભાવસિંહજી મહારાજનાં બાળકો તરફ નજર કરી અને રાજ્યપાલત્વ નહિ પણ ભાવનગર સ્વીકાર્યું ત્યારથી એમની સ્થિતિ ભાવનગરમાં સરકારી નોકર તરીકેની થઈ. આ વહીવટ દરમિયાન પોતે સરકાર સામે બાળમહારાજા માટે લડ્યા; કૉંગ્રેસ સાથે મૈત્રી ધરાવતા હતા માટે લડ્યા. ગાંધીજીની મૈત્રી ખાતર લડ્યા. મહારાજાને વહેલી ગાદી અપાવવા લડ્યા. પરન્તુ આ તરફ રાજ્યમાં બંદર વધારે ખીલ્યું, રેલવે વધી, રાજ્યની આવક વધી. અહીં બાળમહારાજા માટે લડ્યા ત્યારનો એક પ્રસંગ ટાંકું : વાત વાતમાં પટ્ટણીજીએ મુંબઈ સરકારને કહેલું કે ‘ભાવનગરની પ્રજાની મરજી વિરુદ્ધ બાળમહારાજાને પરાણે વિલાયત લઈ જશો તો તેમની ટ્રેઈનના પાટા ઉપર છેક વઢવાણ સુધી આખું ભાવનગર આડું સૂતું હશે; અને તે દિ’ એન્જિનના પૈડા પાસે પહેલું મારું માથું હશે અને – હું આમ કરું એવો માણસ છું.’ છેવટે, મહારાજાને Harrow પબ્લિક સ્કૂલમાં જવા જેવડા થાય ત્યારે મોકલવા અને તે પણ ત્રણ વર્ષ માટે જ એટલું સ્વીકારી, કાંઈક ઢીલું મૂક્યું.

સગીર વહીવટ દરમિયાન પટ્ટણીજીને ગાંધીજી અને કૉંગ્રેસ સાથે ગાઢ સંબંધ હતો તે માટે સરકારમાંથી બે ત્રણ વખત સખ્તાઈભર્યાં કાગળો આવેલા અને પોતે બાળમહારાજને અને આખા રાજ્યને આ સંબંધથી નુકશાન કરે છે વગેરે કહેવામાં આવેલું. આ સામે પણ પોતે લડેલા અને વાત રાજીનામા ઉપર આવી ગયેલી. આ વાત તેમણે ગાંધીજીને કોઈ દિવસ કરી ન હતી – પોતે જ લડી લીધું હતું. બ્રિટનના રાજા ઘવાયેલા જર્મનોને જોવા રુગ્ણાલયમાં (ઈસ્પિતાલમાં) જાય છે – એ તો દુશ્મનો રહ્યા – તો પછી પોતે ઘાયલ સત્યાગ્રહીઓને, પોતાના જ માણસોને જોવા ઈસ્પિતાલમાં જાય તે કેમ ખોટું ? લાઠીમારથી પીડાતાઓને પોતે જોવા ગયેલા તેમાંથી ઊભી થતી મુશ્કેલી વખતે આ રીતે લડેલા, અંતે જીત્યા હતા. ગાંધીજી સાથેની મૈત્રી અને તેમને હોંશથી ભાવનગરમાં આપેલા સન્માન (સામે તેડવા ગયેલા, ગાંધીજીના પ્રમુખપણા નીચે ભરાયેલી પરિષદમાં ભાગ લીધો વગેરે) માટે તો જબ્બર લડાઈ થયેલી – રાજીનામા ઉપર વાત આવી અને છેવટે સરકારે તેમનામાં પૂર્ણ વિશ્વાસ છે એમ ખાતરી આપી ત્યારે જ જંપ્યા. ગાંધીજી Round Table Conference માં જઈ શકે તેવી સ્થિતિ વાઈસરૉયની પાસે કરાવી તે પટ્ટણીજીનો પ્રતાપ. ના. કૃષ્ણકુમારસિંહજી મહારાજાના વખતમાં ખેડુકરજ નિવારણનું કામ જે પાર પાડ્યું તે આખા હિન્દુસ્તાનમાં પ્રથમ ભાવનગર રાજ્યમાં થયું. ગ્રામપંચાયતો અને સરકારી મંડળો સ્થાપવાની ઝુંબેશ પણ ભાવનગર રાજ્યમાં શરૂ કરી. આમ મેં એમના કાર્યની થોડી રૂપરેખા દોરી. હવે થોડાક પ્રસંગો :

[1] અમે બાળકો જમવા બેસતા ત્યારે ઘણી વાર દાદા અમારી સાથે બેસતા અને જુદી જુદી વાતો કરતા. એક દિવસ તેમણે કહ્યું, ‘બોલો છોકરાઓ, માણસમાં અને જાનવરમાં ફેર શું ?’ કોઈએ આ કહ્યું અને કોઈએ તે કહ્યું – તેટલામાં રસોઈયો રોટલી લાવ્યો. અમે નિશાળિયા એટલે અમે નિયમ કરેલ કે સૌએ વારા પ્રમાણે રોટલી લેવી, જેથી સમયસર સૌને સરખી મળે. તે પ્રમાણે જેનો વારો ન હતો તે સૌએ ના પાડી અને વારાવાળાને અપાવી. દાદા આ જોતા હતા. પછી પોતાની થાળીમાં પડેલ રોટલી ફળિયામાં ઊભેલ બે ત્રણ કૂતરાં વચ્ચે ફેંકી. ત્યાં તો થઈ મારામારી અને દાદા બોલ્યા, ‘જોયો માણસ અને જાનવર વચ્ચેનો ફેર ?’ આ અમને હજી સાંભરે છે.

[2] એક વખત એક માણસ દાદાને ઘણું કહી ગયો. ગુસ્સો ચડે એમ વર્તી ગયો. જોનાર સાંભળનાર ગુસ્સે થાય એવું વર્તન હતું – પણ તે બધું ટાઢે કોઠે સાંભળી લીધું. એ ગયા પછી મેં પૂછ્યું, ‘આપને એવાની પર ગુસ્સો કેમ નથી આવતો ?’
દાદા બોલ્યા : ‘રસ્તા ઉપર કોઈ માણસ લંગડાતો ચાલતો હોય તો તને ગુસ્સો આવે છે ખરો કે ઈ, આમ લંગડો કેમ ચાલે છે ?’
હું : ‘પણ એ તો પગે લંગડો હોય તેનું શું થાય ?’
દાદા : ‘આ મગજનો લંગડો છે એનું શું કરવું ?’

[3] મર્હૂમ ના. ભાવસિંહજીને ઘોડેસવારીનો અને ઘોડાગાડી ચલાવવાનો બહુ શોખ હતો. સવારે લગભગ પાંચ વાગ્યે ઘણી વાર ગાડીમાં ફરવા જતા અને ગાડી પોતે જ ચલાવતા. મોટે ભાગે પટ્ટણીસાહેબને સાથે લઈ જતા. એક વખત બન્ને જણા ગાડીમાં જતા હતા ત્યાં ઘોડા ચમક્યા અને ભાગ્યા. મહારાજે ઘણા પ્રયાસ કર્યા પણ એ કાબૂમાં ન આવ્યા. મહારાજે જોરથી લગામ ખેંચી અને ઘોડા તોફાનમાં આડાઅવળું જોર કરવા લાગ્યા. ગાડી ઊંધી પડત, પણ પટ્ટણીસાહેબે તરત લગામ પોતાના હાથમાં લઈ લીધી અને સાવ ઢીલી મૂકી દીધી. દોડવા દીધા. સ્વેચ્છાએ દોડવાની સગવડ મળતાં ઘોડા રસ્તાની વચ્ચે જ દોડતા રહ્યા અને થાક્યા ત્યારે આપોઆપ ઊભા રહ્યા. પછી પટ્ટણીસાહેબે ભાવસિંહજી મહારાજને કહ્યું કે હવે આપ નીચે ઊતરી ઘોડાઓને ગળે હાથ ફેરવો અને થાબડો. તેમણે એ પ્રમાણે કર્યું. પછી તો મહારાજ ગાડી પાછી નીલમબાગ આસાનીથી લઈ આવ્યા. ભયંકર અકસ્માત થતો આમ અટકી ગયો.

[4] કૃષ્ણકુમારસિંહ મહારાજ નાના હતા ત્યારે એમના અંગ્રેજ શિક્ષકે શિખામણ આપી કે હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા છે તે ખોટું છે. મૂર્તિમાં દેવ કેમ હોય ? આ વાત તેમણે દાદાને કરી એટલે દાદા બોલ્યા, ‘હું કાલે આપના ભણવાના સમયે વર્ગમાં આવીશ.’ એ પ્રમાણે બીજે દિવસે ત્યાં ગયા અને મૂર્તિપૂજાની વાત કાઢી. ભાવસિંહજી મહારાજનો ફોટો દેખાડી કહ્યું, આ ફોટો ઉતારી તેને જોડો મારો. બાળમહારાજ જોઈ રહ્યા એટલે પૂછ્યું,
‘કેમ કરતા નથી ?’
મહારાજ : ‘એ તો બાપુજી છે. એમ કેમ કરાય ?’
પટ્ટણીજી : ‘ત્યારે આ સ્લેટમાં મારું નામ લખો.’ મહારાજે લખ્યું એટલે પટ્ટણીજીએ કહ્યું : ‘હવે તેની ઉપર થૂંકો.’
મહારાજ : ‘તમારા નામ પર કેમ થૂંકાય ?’
પટ્ટણીજી : ‘આપ આ માણસોની મૂર્તિનું અપમાન કરતાં જે કારણે અચકાઓ છો, તે કારણે આપણે ઈશ્વરની મૂર્તિને પૂજીએ છીએ. બાકી ખ્રિસ્તી લોકો પણ તેમના દેવની છબી ટાંગે છે અને ક્રોસ દોરે છે !’ એ પાઠ બાળમહારાજ કદી ભૂલ્યા નહીં, અને જે સાહેબ આ સાંભળતા હતા તેમણે ફરી એકે વાર મૂર્તિપૂજા વિષે ચર્ચા કરી નહીં.

[5] પોતે મસુરીમાં અતિશય બીમાર હતા. ખાટલામાં અર્ધનિદ્રામાં સૂતા હતા, રસોડામાં પત્ની રમાબા તેમને માટે ગરમ પાણી કરતાં હતાં. નિદ્રામાં તેમણે પોતાના ખાટલા પાસે કોઈ એક કાળા કપડાથી આખો ઢંકાયેલ એવો માણસ જોયો; અને બોલી ઊઠ્યા :
‘What do you want ?’
માણસ : ‘My master wants you.’
દાદા : ‘Who are you ?’
માણસ : ‘Death.’
દાદાએ રાડ પાડીને કહ્યું : ‘Go and tell your master he refuses to come.’ અને બેઠા થઈ ગયા. ‘રમા રમા’ કરીને બાને બોલાવ્યાં. માણસ ગૂમ થઈ ગયો. પોતે બધી વાત બાને કરી. તે દિવસથી તેમની તબિયત સારી થવા લાગી. દાદાના જીવનમાં ઘણા નાનામોટા ચમત્કારો બન્યા હતા. ઘણી માણસાઈની અને મોટાઈની જાણવા જેવી વાતો છે. તે તો હવે ક્યારેક બીજી વાર.

કૃષ્ણમહારાજને ગાદી સોંપી પોતે નિવૃત્ત થયા, પણ મહારાજે તેમને ફરી વાર રાજ્યમાં નીમ્યા. છેવટે સરકારે ફરી ભાવનગરના બંદર ઉપર તરાપ મારી તેનો આઘાત એમને બહુ થયો. 1937માં રમાબા ગુજરી ગયાં. તેની એકલતા પણ બહુ લાગી. એ અમને કહેતા કે ‘તારી બા સ્વર્ગમાં અમારે માટે જગ્યા ગોતે છે. એ મળી રહેશે એટલે મને બોલાવી લેશે.’ અને ખરેખર બરાબર બાની વર્ષીનું ભાગવત પૂરું સાંભળી બીજે દિવસે તેમણે શિહોરમાં દેહત્યાગ કર્યો. તે તો ગયા પણ ભાવનગર છે. તેને કેવું કરવું તે પ્રજાના હાથમાં છે. એ પ્રજા ઉપરનો તેમનો વહાલ તેમની ‘પારેવડાં’ કવિતામાં છે.

(ચિત્ર સૌજન્ય : sandesh.com)

[ કુલ પાન : 146 (પાકું પૂઠું). કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા
કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા Next »   

4 પ્રતિભાવો : સર પ્રભાશંકર પટ્ટણી વિશે – મહેશ અનંતરાય પટ્ટણી

 1. Kaumudi says:

  પટ્ટણી સાહેબની લખેલી કવિતા “ઉઘાડી રાખજો બારી” મારા પપ્પાની પ્રિય કવિતા હતી
  આ કવિતાઓ ને કોઇ એ સ્વરબધ્ધ કરી છે?

 2. NAVINBHAI RUPANI U.S.A. says:

  હાર્દીક આભાર! ખુબ્બ જ સરસ, માહિતીસભર લેખ…

 3. manish.shukla says:

  today their third or fourth generation is staying at wadhwan city in my home town so i knowing it near by wadhwan railway station they have dental clinic but i did not know such agood history memories …very good thank you for superb article…

 4. dinesh bhai bhatt. vapi says:

  શ્રી મહેશ અનંતરાય પટ્ટણી & રીડગુજરાતીને
  ખુબ ખુબ ધન્યવાદ આવા લેખો અને ચરિત્રો જો જન માનસ સુધિ જાય તો બધા ને આવા દાદા જેવા દેશ ભકત મહા પુરોશો ના
  જિવન અને દેશ ભકતિ નુ માર્ગદર્શન મલે.. સર પ્રભાશંકર પટ્ટણી ગયા પણ ભાવનગર છે. તેને કેવું કરવું તે પ્રજાના હાથમાં છે. ખુબ્બ જ સરસ,

  દિનેશ ભટ્ટ ના વન્દન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.