સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, એટલા બધા તેનાથી આપણે પરિચિત થઈ ગયા છીએ. તે કઈ રીતે બને છે, કેવી રીતે તૈયાર થાય છે તેનું આશ્ચર્ય થતું નથી. પણ સિનેમાની શરૂઆત કેવી રીતે થઈ ? સિનેમાની શરૂઆત કોણે કરી ? લગ્નમાં વીડિયો શૂટિંગ સામાન્ય થવા લાગ્યું છે ત્યારે સિનેમા કેવા સંજોગોમાં શરૂ થઈ ? આ સવાલોના જવાબ ઘણા જ રસપ્રદ છે.

સિનેમાની શોધ કરનાર વિલિયમ ફ્રીઝ ગ્રીન હતો. આ વિલિયમના જીવનની વાત પણ કોઈ સિનેમાની વાર્તા કરતાં પણ ચડિયાતી લાગે એવી છે. આજે સિનેમાના પડદા પર અનેક પ્રકારની કાલ્પનિક વાર્તાઓ દેખાડવામાં આવે છે. જીવનના રંગબેરંગી અંશો અને નાટ્યાત્મક વળાંકો પડદા પર જોવા મળે છે. વિલિયમ ફ્રીઝ ગ્રીનનું જીવન તો કોઈ ફિલ્મ કરતાં પણ વધારે નાટ્યાત્મક અને અસાધારણ હતું. વિલિયમ ગ્રીનનો જન્મ 1855ની સાલમાં થયો હતો. તેના પિતા કારીગર હતા. વિલિયમ ચૌદ વર્ષનો થયો ત્યારે તેને બ્રિસ્ટલના ગટનબર્ગ નામના ફોટોગ્રાફરને ત્યાં કામ શીખવા મૂકવામાં આવ્યો. ગટનબર્ગનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર હતો. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. જ્યારે આપણા વિલિયમભાઈ તો તેના કરતાં આનંદી. ફોટો પડાવવા આવે તે ગ્રાહકો સાથે પણ વિનયથી વાત કરે. મિજાજી માણસો કોઈની સારી રીતભાત પણ સહન કરી શકતા નથી. વિલિયમ સારો ફોટોગ્રાફર તો હતો પણ સાથોસાથ પોતાની આકર્ષક વર્તણૂકથી ગ્રાહકોને પણ સ્ટુડિયોમાં આકર્ષવા લાગ્યો. એટલે ગટનબર્ગને ઈર્ષા થવા લાગી.

શરૂઆતમાં તો ઠીક ચાલ્યું. પણ ધીરે ધીરે વિલિયમ પોતાના ગુરુ ગટનબર્ગ કરતાં પણ સારા ફોટા પાડવા લાગ્યો. વિલિયમને તો હંમેશાં નવું નવું શીખવાની હોંશ હતી. નેગેટિવ પરથી ફોટા તૈયાર કરવાની રીત ફોક્સ ટેલ્બોટે શોધી હતી. આ ફોક્સ ટેલ્બોટ એક વખત તેમની દુકાન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે વિલિયમે તેના શેઠને કહ્યું :
‘જુઓ ફોક્સ ટેલ્બોટ અહીંથી જઈ રહ્યો છે.’
ગટનબર્ગ ઈર્ષાળુ અને ઘમંડી. તેને વિલિયમે કહ્યું તેથી ગુસ્સો ચડ્યો. ‘કોણે શું નવી શોધ કરી એમાં મારે શું ? છાનોમાનો તું તારું કામ કરવા લાગ.’ વિલિયમ શું કરે ? એ તો ચૂપચાપ પોતાના કામે લાગી ગયો. પાંચ વર્ષ સુધી વિલિયમ ગ્રીન આ રીતે પોતાના ગુરુનાં મહેણાંટોણાં સહન કરતો રહ્યો. કંઈક શીખવું હોય તો સહન કરવું જ પડે છે. ધાતુ ટિપાઈને જ મજબૂત બને છે ને ? સોના-ચાંદીના દાગીના તૈયાર થાય ત્યારે કંઈ એમ ને એમ થોડા તૈયાર થાય છે ? સારા બનવું હોય તો સહનશક્તિ પણ કેળવવી પડે. માનવીની સહનશક્તિની પણ મર્યાદા હોય છે. વિલિયમ ગ્રીનનો કામ કરવાનો સમય પૂરો થયો હતો. એવામાં ગટનબર્ગે કંઈ કહ્યું. અને બસ, પછી તો વિલિયમ પણ ગુસ્સે થઈ ગયો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિલિયમ ત્યાંથી નીકળી ગયો. એ જમાનામાં ફોટોગ્રાફી વિશે જે કંઈ જાણવા જેવું હતું તે તેણે શીખી લીધું હતું. વિલિયમ ત્યાંથી બાથ નામના ગામમાં ગયો. ફોટોગ્રાફર તરીકે એક સ્ટુડિયોમાં તેને નોકરી મળી ગઈ.

આ સમયગાળામાં તેણે હેલેના સાથે લગ્ન કર્યું અને બાથ આવ્યા બાદ તેને ત્યાં બાળક જન્મ્યું. તેની પત્નીને દમનો રોગ હતો. બાથમાં દસ વર્ષ રહ્યો તે દરમિયાન ગ્રીન ફ્રીઝે બે દોસ્તી બાંધી. એમાં એક ફોક્સ ટેલ્બોટ અને બીજો જોન આર્થર રીબક રજ. પોતાના કરતાં વધારે જાણકાર માણસની દોસ્તી બાંધવાથી હંમેશાં ફાયદો થતો હોય છે. ટેલ્બોટે ગ્રીનને સમજાવ્યું કે ફોટામાં જે સ્થિર ચિત્રો હોય છે એ હલનચલન કરતાં દેખાય એવું કંઈક શોધી કાઢવું જોઈએ. રજ પણ કંઈ જેવો તેવો ન હતો. તેણે પોતાના ‘બાયોફેન્ટિક લેન્ટર્ન’ની મદદથી સફેદ પડદા પર હલનચલન કરતાં ચિત્રો બતાવીને ગ્રીનને આશ્ચર્યચકિત કરી દીધો. રજ જે સ્લાઈડોનો ઉપયોગ કરતો હતો તે બધી રંગીન ચિત્રોમાંથી બનાવેલી હતી.
ગ્રીને કહ્યું હતું : ‘મેં જોયેલી આ સૌથી મહાન શોધ છે.’ વિલિયમ ગ્રીન આથી પણ વિશેષ કરી બતાવવા માંગતો હતો. રજ પાસેથી તેણે તેના જીવંત લાગતાં ચિત્રોનું રહસ્ય જાણવાની ઈચ્છા દર્શાવી. બંને ભાઈબંધો જ હતા. રજે તેને સમજાવ્યું કે આ આખી વસ્તુ માનવીની આંખ સાથે રમવામાં આવતી રમત છે. માનવીની આંખની રચના જ એવા પ્રકારની છે કે તેણે ઝીલેલી છબીની અસર સેકન્ડના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ સુધી જળવાઈ રહે છે. આકાશમાંથી ખરતો તારો જોયો છે ને ? ખરતો તારો વાતાવરણમાં પ્રવેશતો જોઈએ છીએ ત્યારે તે એક લાંબા લિસોટાના સ્વરૂપે દેખાય છે એ ખરેખર તો આપણો દષ્ટિભ્રમ છે. ખરતો તારો અદશ્ય થઈ ગયા પછી પણ આપણને દેખાય છે. બાયોફેન્ટિક લેન્ટર્નમાં આંખની સામે બે ચિત્રોને વારાફરતી ઝડપથી ફેરવવામાં આવે છે. બંને ચિત્રો એકબીજામાં ભળી જતાં હોઈ ચિત્ર હાલતુંચાલતું દેખાય છે.

ગ્રીનની બુદ્ધિ ઝડપથી દોડતી હતી.
તેણે સૂચવ્યું કે આ પદ્ધતિ ઘણી સરસ છે. પણ તેમાં થોડો સુધારો કરી શકાય. દોરવામાં આવેલાં રંગીન ચિત્રોને બદલે ફોટોગ્રાફનો ઉપયોગ થઈ શકે. રજે જણાવ્યું કે આવો પ્રયોગ પણ થઈ ગયો હતો. પ્રોફેસર મેરી અને એડવર્ડ માયબ્રીજે આવો પ્રયોગ કર્યો હતો. એમણે જે કંઈ પ્રયોગો કર્યા હતા એ સ્ટુડિયોમાં જ કરવામાં આવ્યા હતા. માણસ હાલતોચાલતો દેખાય એવું ચલચિત્ર બનાવવાનું કામ હજી બાકી હતું. ગ્રીન ઉત્સાહી હતો. તેણે દઢ નિશ્ચય કર્યો કે આ કામ હું કરી બતાવીશ. રજ અને ગ્રીન બંને આ કામ સાથે મળીને કરતા હતા. ગ્રીનના મનમાં અનેક વિચારો ઊભરાતા હતા. તેનું મગજ એટલી ઝડપથી દોડતું હતું કે હજી તો એક વિચાર પૂરો થાય એ પહેલાં તે બીજી શક્યતા અંગે વિચાર કરવા લાગતો હતો. ગ્રીનના વિચારને રજ મૂર્તિમંત સ્વરૂપ આપતો. તે બંનેએ મળીને એક એવું ફરતું બારણું બનાવ્યું કે તેમના જાદુઈ દીવામાં ચિત્ર ગોઠવાતું હોય ત્યારે તેમાં પ્રકાશને દાખલ થવા ન દે અને તેને સેકન્ડના અમુક ભાગ પૂરતું સ્થિર રાખવાનું કામ કરે. અગાઉના પ્રયોગો કરતાં આમાં થોડી પ્રગતિ થઈ હતી. જોનારાની આંખને સ્પષ્ટ અને સ્થિર ચિત્રો દેખાતાં હતાં. બંને જણા પોતાનો જાદુઈ દીવો લઈ નીકળી પડે અને લોકોને ચિત્રો બતાવે. આજે આપણે જેને સિનેમા તરીકે ઓળખીએ છીએ તેની આ શરૂઆત હતી.

ગ્રીનને હજી પૂરો સંતોષ થયો ન હતો. તેમનો કાર્યક્રમ તો ગણતરીની મિનિટોમાં પૂરો થઈ જતો હતો. ગ્રીન લંડન ગયો. ત્યાં બોન્ડ સ્ટ્રીટમાં સ્ટુડિયો હતો. તેના બે ભાગીદારો સાથે ગ્રીન પણ જોડાયો. પણ પોતાના પ્રયોગો તેણે ચાલુ જ રાખ્યા હતા. પ્રયોગો કરવા માટે તેણે એક વર્કશૉપ ઊભું કર્યું. ગ્રીનનો ખરચ વધતો જતો હતો. સ્ટુડિયો માટે જરૂરી સામગ્રી ઉપરાંત નવા નવા કૅમેરા અને પ્રોજેક્ટરો બનાવવા માટે રોકેલા કારીગરોને પણ પૈસા ચૂકવવા પડતા હતા. તે પોતાના પ્રયોગોમાં એવો તો મશગૂલ થઈ જતો કે ફોટોગ્રાફીના ધંધામાં તેની કમાણી ઓછી થવા લાગી. તે સતત પોતાના કામમાં ડૂબેલો રહેતો, તે કોઈ એવી વસ્તુની શોધમાં હતો કે જેની મદદથી તે ઓછા સમયમાં વધારે તસવીરો ખેંચી શકે. જો આમ થાય તો તેની સિનેમાના શો લાંબા ચાલે. આજે આપણને થાય કે એમાં વળી શું ? પણ કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય ત્યારે તે કેવો અઘરો લાગે છે ? અને જવાબ જાણીએ એટલે….. સાવ સહેલોસટ…. તે સમયે ફોટા પાડવા માટે કાચની તકતીનો ઉપયોગ થતો હતો. ગ્રીનભાઈ જે કાચની તકતી વાપરતા હતા તે જરા અટપટી અને જલદી ભાંગી જાય તેવી હતી. ગ્રીનને પોતાની યોજના માટે એક સેકન્ડમાં 15 થી 20 ફોટાઓ પાડી શકાય એવી વસ્તુની જરૂર હતી. વળી એ વસ્તુ ભાંગી જાય તેવી ન હોવી જોઈએ. વધારે સમય ચાલે અને વધારે સારા ફોટા પાડી શકાય એવી વસ્તુની તેને જરૂર હતી.

રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી તરફથી ગ્રીનને 1885ની સાલમાં નવેમ્બર મહિનામાં નિમંત્રણ મળ્યું. તેણે પોતાની તૈયાર કરેલી સિનેમા બતાવવાની હતી. ગ્રીને સોસાયટીના સભ્યોને રમૂજી ચિત્રો પોતાની રીતે બતાવ્યાં. તેણે વર્તુળાકારે ગોઠવેલાં બાર નાનાં નાનાં પારદર્શક ચિત્રો પડદા પર બતાવ્યાં. આ ચિત્રોને જ્યારે પ્રકાશની ફરતે ફેરવવામાં આવતાં હતાં અને તે સામેના વિશાળ પડદા પર પડતાં હતાં ત્યારે તેમાંની આકૃતિઓ હલનચલન કરતી દેખાતી હતી. ત્યાર બાદ ગ્રીને કાચની તકતીને બદલે ઓપ ચડાવેલા જિલેટીનનો ફોટો પાડવા માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જિલેટીન કાગળ ઉપરનાં ચિત્રોને પડદા ઉપર પાડવા માટે તેને દિવેલમાં બોળવામાં આવતો હતો. અત્યારે આપણને હસવું આવે. પણ ત્યારે આવી અણઘડ રીત જ કામ આવતી હતી. વિલિયમ ફ્રીઝ ગ્રીનને રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યો. પણ ગણ્યાગાંઠ્યા વિદ્વાન લોકો કરતાં વધારે જન-સમુદાયને પોતાની પ્રવૃત્તિમાં રસ લેતા કરવાની તેની ઈચ્છા હતી. પોતાની કામગીરીથી જાહેર જનતા વાકેફ થાય એવી તેની મહેચ્છા હતી. તેની પાસે અનેક નવ નવા વિચારો હતા. જાહેર રસ્તા ઉપર પડતી એક બારીમાં તેણે સફેદ પડદો ગોઠવ્યો, અને રોજ સાંજે તેના ઉપર હાડપિંજર નૃત્ય કરતું હોય તે દશ્ય બતાવવા લાગ્યો. આ વાતની ચર્ચા આખા ગામમાં થવા લાગી. રોજ રાત્રે વધારે ને વધારે લોકો આ ચિત્ર જોવા માટે એકઠા થવા લાગ્યા. બસ પછી તો ટ્રાફિક જામ. લોકોનું મોટું ટોળું અને રસ્તો અવરજવર માટે બંધ થવા લાગ્યો. વાહન-વ્યવહાર અટકી ગયો. એટલે પોલીસે ફ્રીઝ ગ્રીનને સજા કરવાની ધમકી આપી. આથી તેના આ ખેલનો અંત આવ્યો. સતત પ્રયોગો કરતા રહેવાનું તેણે ચાલુ રાખ્યું અને દિવેલમાં ભીંજવેલા કાગળની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો તેને વિચાર આવ્યો. પ્લાસ્ટિક એ સમયે કપૂર અને ગનકોટનમાંથી તૈયાર કરવામાં આવતું હતું. તે હલકું અને મજબૂત હોવાથી તેના રોલ ફિલ્મમાં વાપરી શકાય. વિચાર આવે અને અમલમાં ન મૂકે તો એ ગ્રીન શાનો ? તેણે જથ્થાબંધ પ્લાસ્ટિક સેલ્યુલોઝ ખરીદી લીધું. સહાયકોની મદદ લીધી અને કેટલીય પ્રક્રિયાઓને અંતે લગભગ પચાસ ફૂટ લાંબી પારદર્શક ફિલ્મની પહેલી પટ્ટી તૈયાર કરી.

1889, જાન્યુઆરી મહિનો. રવિવાર. રજાનો દિવસ. ગ્રીને પોતાનો છેલ્લી ઢબનો કૅમેરા એક બગીચામાં ગોઠવ્યો. દૂરથી જોનારને તો એ લાકડાની નાની પેટી જેવો જ લાગતો હતો. પોતાના કાકાના દીકરા ભાઈને તેણે બગીચામાં મળવાનું કહ્યું હતું. તે જ્યારે પોતાના નાનકડા પુત્ર સાથે બગીચામાં આવી રહ્યો હતો ત્યારે ગ્રીને પોતાના કૅમેરાનો હાથો ફેરવીને વીસ ફૂટ લાંબી ફિલ્મ ઉતારી લીધી. બાકીની ફિલ્મમાં તેણે રસ્તા ઉપર લોકો પસાર થતા હતા તે દશ્યો ઝડપી લીધાં. ગ્રીનનો ઉત્સાહ અનેરો હતો. પોતે કરેલા પ્રયોગનું પરિણામ તે જોવા માંગતો હતો. એટલે સાંજ થાય એ પહેલાં તો તેણે ફિલ્મને ડેવલપ પણ કરી લીધી. ફિલ્મ તૈયાર થઈ ગઈ એટલે તરત જ પ્રોજેક્ટરમાં વીંટાળી લીધી. અને ક્યારે અંધારું થાય એની રાહ જોવા લાગ્યો. સાંજ થઈ. પ્રોજેક્ટરનો લૅમ્પ સળગાવ્યો ત્યારે સ્ટુડિયોમાં તે એકલો જ હતો. તેણે પ્રોજેક્ટરનો હાથો ફેરવ્યો અને જાણે કે ચમત્કાર થયો. સફેદ ચૂનો કરેલી દીવાલ જીવંત બની ગઈ. તેને પોતાનો કાકાનો દીકરો ભાઈ પોતાના પુત્રનો હાથ પકડીને આવતો દેખાયો. સાથોસાથ સરસ કપડાં પહેરેલાં સ્ત્રીઓ અને પુરુષોની તેમની ચમકતી વિક્ટોરિયા ગાડીઓમાં બેઠેલાં, ગણવેશમાં સજ્જ તેમના નોકર-ચાકર સાથે રવિવારની રજાના દિવસે હવા ખાતાં દેખાયાં.
બગીચાનું પચાસ ફૂટનું જીવન !
પોતે મેળવેલી સફળતામાં તેને પોતાને જ વિશ્વાસ ન બેઠો. આખી ફિલ્મ ફરી વીંટી લીધી.
ફરીથી તેને જોઈ.
હવે ? પોતાની આ વાત કોઈને કહેવી તો જોઈએ જ ને ? પોતાની કામયાબીનો આનંદ કોઈની સાથે મળીને માણવા માંગતો હતો. તરત જ તે નીકળ્યો સ્ટુડિયોની બહાર. રાત પડી ગઈ હતી. રાતના તે વળી રસ્તા પર કોણ મળે ? ત્યાં પહેરો ભરતા પોલીસને જોયો. તેનો હાથ પકડીને પોતાની સાથે સ્ટુડિયોમાં લઈ ગયો.
હાંફતાં હાંફતાં તેણે કહ્યું : ‘આવો, અહીં બેસો. આ દીવાલ સામું જુઓ. તમને જીવનની સૌથી અદ્દભુત ચીજ જોવા મળશે.’ પોલીસને થયું કે પોતે જરૂર કોઈ ગાંડા માણસની સાથે તેના ઘરમાં ફસાઈ ગયો છે. જરૂર પડે ઝડપથી બહાર નીકળી શકાય એ માટે તે બારણા પાસે જ ઊભો રહ્યો. ઉપરાંત તેણે હાથમાં દંડો અને મોંમાં સિસોટી પણ તૈયાર રાખી હતી. અંધારું ઓરડાને પોતાના પંજામાં લઈને બેઠું હતું. થોડી વારમાં દીવાલ જીવંત બની ગઈ. પોલીસે જોયું કે ત્યાં રસ્તા પરના કેટલાક પોલીસો પણ દેખાતા હતા. ગ્રીનના જીવનની આ નાટ્યાત્મક ક્ષણ હતી.

પણ તેના વિજયનો નશો તરત જ ઊતરી ગયો. થોડા દિવસોમાં જ તેણે દેવાળું ફૂંક્યું. બીમાર પત્ની, નાની પુત્રી અને પૈસા વગરનો માણસ. જે પેઢીએ તેનો છેલ્લો કૅમેરા ‘મૅજિક બૉક્સ’ બનાવેલો તેની ઉપર ચેક મોકલ્યો. પણ તેના ખાતામાં પૈસા જ નહોતા. ચેક પાછો ફર્યો. કોર્ટમાં કેસ થયો. નાણાકીય સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે તેને જેલમાં જવું પડ્યું. તેની પત્નીએ જેમતેમ કરીને દેવું ભરી શકાય એટલા પૈસા ભેગા કર્યા. પછી અઠવાડિયા બાદ તેને જેલમાંથી છૂટો કર્યો. સ્ટુડિયો વેચાઈ ગયો. એમાંની દરેક સાધનસામગ્રી પણ. લંડનમાં તેનું ઘર હતું. ઘરનું લિલામ કરવામાં આવ્યું. હવે તે રસ્તા પર આવી ગયો હતો. તેની પાસે માત્ર એક જ વસ્તુ હતી. એ હતો કૅમેરો. તેની લાકડાની જાદુઈ પેટી. પણ વિલિયમ ગ્રીન એટલે વિલિયમ ગ્રીન. ખોટી ચિંતા કરે એ બીજા. નવી નવી તરકીબો તે વિચારતો. એના જમાના કરતાં તેના વિચારો ઘણા આગળ હતા. તેણે મનથી નક્કી કરી લીધું. આબેહૂબ રંગ, હલનચલન, ઊંડાણ અને અવાજ સાથે જીવનની અસલ ફિલ્મ બનાવવી.

હલનચલન સુધીની ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી. હવે તેમાં સાથોસાથ અવાજ કેવી રીતે લાવવો ? એ સમયે ગ્રામોફોનની શોધ થઈ ગઈ હતી. ગ્રામોફોન સાથે ફિલ્મ ફરતી રહે એવી તરકીબ તેને સૂઝી હતી. તેણે ગ્રામોફોનના શોધક ટોમસ આલ્વા એડિસનને પત્રો લખ્યા. એડિસને તેની પાસેથી તેણે કરેલી શોધનાં ચિત્રો મંગાવ્યાં. તેણે ચિત્રો મોકલી આપ્યાં. પણ….. સારા કામમાં સો વિઘ્ન આવે તેમ એ ચિત્રો ખોવાઈ ગયાં. એટલે વાત ત્યાં જ ખોરવાઈ ગઈ.

ઈંગ્લૅન્ડ તેની શોધની કદર કરવામાં ઢીલું પડ્યું પણ અમેરિકાની તો વાત જ કંઈ ઓર હતી. ગ્રીને કરેલા પ્રયોગોના સરસ મજાના અહેવાલો વિજ્ઞાનનાં સામાયિકો દ્વારા ત્યાં પહોંચી ગયા હતા. 1889માં તેણે સનદી હક માટે અરજી કરી. તેને હક મળી પણ ગયા. પરંતુ ગ્રીનને એ સમયે પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે એ હકો તેણે માત્ર 500 પાઉન્ડમાં વેચી દીધા. એ પૈસા મળ્યા એટલે કે જાણે વાત પૂરી થઈ ગઈ હોય તેમ પોતાના એ હકનો તેણે ક્યારેય ઉપયોગ કર્યો જ નહિ. ઉપરાંત જ્યારે એ હકો તાજા કરાવાની તારીખ આવી ત્યારે તેને માટે જરૂરી ફી ભરવાનું જ તે ભૂલી ગયો.
સૌથી પહેલો જાહેર ફિલ્મ શો પેરિસમાં યોજાયો.
1895ની એ સાલ હતી.
ફ્રીઝ ગ્રીનના વતનને બદલે ફ્રાન્સમાં શૉ યોજાયો. જોકે આ માટે પોતાના કાર્ય અને આર્થિક જવાબદારીઓ અંગે તેણે દર્શાવેલી બેદરકારી પણ કારણરૂપ હતી. ગ્રીન હજી પણ કંઈક નવું કરી દેખાડવાના ઉત્સાહમાં હતો. અતિ ઝડપથી ચિત્રો છાપવાની રીત તેણે શોધી કાઢી હતી. આજે અખબારો અને સામાયિકો ઝડપથી છપાઈ શકે છે એ અંગેની મૂળભૂત શોધ ગ્રીને કરી હતી. આ શોધ દ્વારા તે પૈસાદાર થઈ શક્યો હોત. પણ હજી તો એક શોધના વિચારો ફળીભૂત થાય એટલામાં તો તે બીજી કોઈ નવી વસ્તુ તૈયાર કરવા લાગી જતો. 1895ની સાલમાં લાંબી બીમારી બાદ તેની પત્નીનું અવસાન થયું. તેના દુઃખી જીવનના તબક્કાની શરૂઆત થઈ. સતત કામમાં મશગૂલ રહીને તે પોતાનું દુઃખદર્દ ભૂલી જતો. તેનું મન સતત કામમાં પરોવાયેલું રહે એ પ્રકારનું નવું કામ પણ તેણે શોધી કાઢ્યું હતું.

પ્રોફેસર રૉન્ટજને એ દિવસોમાં એક્સ-રેની શોધ કરેલી. ગ્રીનના જાણવામાં આ વાત આવી. તેને થયું કે રોગના નિદાન અને વાઢકાપમાં આ એક્સ-રે ઉપયોગી થઈ શકે. આ માટે બને તેટલી ઝડપથી એક્સ-રે ફોટાઓ લઈ શકે એવા સાધનની જરૂર હતી. ગ્રીન એ માટે તૈયાર હતો. રાતદિવસ મહેનત કરીને ઝડપથી એક્સ-રે ફોટાઓ લઈ શકે એવું સાધન તેણે બનાવ્યું. પણ ડૉક્ટરોને આ સાધનને લીધે પોતાના ધંધામાં નુકશાન થાય એવું લાગ્યું એટલે ડૉક્ટરોએ ભેગા મળીને ગ્રીનના સાધનને વખોડી કાઢ્યું. એક વેપારીની સલાહ લઈને ફ્રીઝ ગ્રીને ઑક્સફોર્ડ મ્યૂઝિક હૉલમાં તેના મશીનની કામગીરી લોકોને દેખાડી. લોકોએ પણ ત્યાં પોતાના હાથ અને પગના એક્સ-રે લેવડાવ્યા. એ લોકોમાં ઘણાં વરસથી પીડા સહન કરતા લશ્કરના એક એડમિરલ પણ હતા. ફોટામાં દેખાયું કે એક બૉમ્બની કણી કાંડામાં રહી ગઈ હતી.
ગ્રીનના કામમાં વખાણ થયાં.
એક સર્જને ફ્રીઝ ગ્રીનને એક છોકરીના પગનો એક્સ-રે લેવા માટે બોલાવ્યો. આ છોકરી તેની ચરબીમાં સોય ઊંડી ઊતરી ગઈ હતી તેને લીધે ખૂબ પીડા ભોગવતી હતી. ગ્રીનના સાધનની મદદથી સોય શરીરમાં કઈ જગ્યાએ છે તે શોધી કાઢવામાં આવ્યું અને પછી તો તરત જ એ જગ્યાએ ઑપરેશન કરીને સર્જને સોય કાઢી લીધી. અત્યારે દરેક જગ્યાએ વપરાતા એક્સ-રેના આ અદ્દભુત સાધનમાંથી પણ ગ્રીને આર્થિક દષ્ટિએ કંઈ જ લાભ ઉઠાવ્યો નહીં. હજી પણ નવી નવી શોધ કરવા માટે તે થનગની રહ્યો હતો.

તેના દિવસો બદલાયા હતા.
તેના કરતાં વીસ વરસ નાની એડીથ હેરિસન નામની સ્ત્રીનો તેને પરિચય થયો. 1877ની સાલમાં તેમનાં લગ્ન થયાં. થોડા સમય માટે ગ્રીનનું ભાગ્ય ઊઘડ્યું હોય તેવું લાગતું હતું. હવે ગ્રીનનું ધ્યાન છાપકામ તરફ ગયું. શાહી વગરનું છાપકામ કરવા અંગે તે વિચારવા લાગ્યો. ક્રિયાશીલ કરેલા કાગળ ઉપર વીજળીની મદદથી જરૂરી ભાત ઉપસાવવાનો તેનો પ્રયત્ન હતો. મોટા મોટા વેપારીઓને તેનો આ વિચાર પસંદ આવ્યો. એટલે તેને જરૂરી પૈસા મળવા લાગ્યા. ગ્રીનની સફળતાનો આ લોકોએ પણ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. ગ્રીનને જે પૈસા મળ્યા તેમાંથી તેણે પોતાનું કુટુંબ વ્યવસ્થિત કર્યું અને ઈસેક્સમાં એક ઘર પણ બંધાવ્યું. ગ્રીનની શોધથી અન્ય લોકો પૈસાદાર થવા લાગ્યા હતા. પણ તે એવી ફિકર કરનારો ન હતો. તેને મળેલા પૈસા પૂરા થઈ ગયા એટલે ફરી તે નાણાં વગરનો થઈ ગયો. પછી નવી શોધ માટેના તેના ઉત્સાહમાં ઓટ આવી નહોતી. એ સમયે રંગીન તસ્વીરની કામગીરીમાં તે વ્યસ્ત હતો.

સિનેમાનો જાહેર મનોરંજન તરીકેનો ઉપયોગ સૌથી પહેલાં ક્યા દેશ દ્વારા થાય એની રાહ અનેક દેશ જોઈ રહ્યા હતા. લૂઈ અને ઑગસ્ટ લ્યુમિટરના પ્રયત્નોથી ફ્રાન્સને સફળતા મળી. સિનેમાની શોધ કરનાર સંશોધક જો તેના મૂળ વિચારને વળગી રહ્યો હોત અને પોતે મેળવેલી પેટન્ટ તાજી કરાવવાનું યાદ રાખી શક્યો હોત તો સિનેમાની જાહેર મનોરંજન તરીકેની શરૂઆત બ્રિટનથી થઈ હોત. પણ ફ્રેન્ચ લોકો જ્યારે ફિલ્મ ઉત્પાદનના સાહસમાં રોકાયેલા હતા ત્યારે વિલિયમ ગ્રીન દુઃખના દરિયામાં ઊંડો ને ઊંડો ઊતરી રહ્યો હતો.
ફરીથી તેણે દેવાળું કાઢ્યું હતું.
મોટી મોટી રકમો ઉછીની લીધી હતી. તે રકમ પાછી આપી શક્યો ન હતો. ફરી વાર તેને કેદની સજા થઈ. તેને બે માસની કારાવાસની સજા ફરમાવવામાં આવી. કેદમાંથી મુક્ત થઈને તેણે પોતાનો ફોટોગ્રાફીનો જૂનો ધંધો શરૂ કર્યો. નવા નવા વિચારો તેના દિમાગમાં ચકરાવો લેતા હતા. પ્રયોગો માટે સાધનોની તેને જરૂર હતી. ફરીથી તે દેવાળિયો બન્યો. 1910ની સાલમાં જ્યારે કોર્ટના અમલદારો તેના ઘરનું ફર્નિચર લઈ જવા આવ્યા ત્યારે તેની પત્ની છઠ્ઠા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. આ સમયે તેને અમેરિકા જવાનું આમંત્રણ મળ્યું. અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ નવો નવો વિકાસ પામ્યો હતો. એ સમયે મૂળ સનદી અધિકાર કોની પાસે હતા તેનો વાદવિવાદ પણ ચાલતો હતો. આ અંગે કાયદાની કોર્ટ સુધી વિવાદ પહોંચ્યો હતો.

ન્યૂયોર્કના ‘મુવિંગ પિકચર ન્યૂઝ’ નામના સામાયિકે અને ગ્રીને પુરાવો આપ્યો કે તેનો 1889નો સનદી અધિકાર ચલચિત્ર ઈતિહાસમાં સૌથી પહેલો હતો. ગ્રીને સામાયિકમાં એ વિગત પણ લખી કે તેના મૂળ કૅમેરાની આકૃતિઓ એડિસનને મોકલી આપેલી, જેમણે તેના છેલ્લા પત્રનો જવાબ આપ્યો નહોતો. કોર્ટે તેનો દાવો કબૂલ રાખ્યો. અમેરિકામાં લોકો આ મહાન માનવીનું બહુમાન કરવા માટે તૈયાર જ હતા. એ સમયે અમેરિકામાં પસાર કરેલો છ મહિનાનો સમય તેના જીવનનો સૌથી સુખી સમય હતો. તે ઈંગ્લૅન્ડ પાછો ફર્યો ત્યારે જાણે કે બધું જ બદલાઈ ગયું. ગ્રીનની વાત સાંભળવા માટે કોઈની પાસે સમય નહોતો. બજારમાં સસ્તા ફોટોગ્રાફ વેચીને તે પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો. 1914ની સાલમાં યુદ્ધની શરૂઆત થતાં ઈંગ્લૅન્ડમાં ફિલ્મ ઉત્પાદન લગભગ બંધ થઈ ગયું. ગ્રીનને સરકારી પ્રયોગશાળામાં નોકરી મળી. તેણે તે સ્વીકારી પણ ખરી; પરંતુ તે તેમાં નિયમિત રહી શક્યો નહિ. તેણે રાજીનામું આપી દીધું. રંગીન ફિલ્મ બનાવતા એક ફોટોગ્રાફર સાથે તે જોડાઈ ગયો. વ્યવસ્થિત રીતે જીવન શરૂ કરી શકવાની છેલ્લી તક તેણે ગુમાવી દીધી. તે માનતો હતો કે તેણે નવી દુનિયા સર કરવાની બાકી છે.

ગ્રીન હવે ઘરડો થયો હતો. ઉંમર થઈ હતી સાઠ વર્ષ ઉપર. પૈસા પાસે ન હતા. તેની વિચારશક્તિની ધાર પણ કુંઠિત થઈ ગઈ હતી. તેનામાં કડવાશ આવી ગઈ હતી. સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તેને એમ થતું હતું કે જાણે આખી દુનિયા તેનો વિરોધ કરી રહી છે. લોકો તેનો હેતુપૂર્વક તિરસ્કાર કરતા હતા. લોકોને તેની વર્તણૂકથી એવું લાગતું હતું કે તે ગાંડો થઈ ગયો છે. તેની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ, અને કુટુંબનું ગાડું ગબડાવવા માટે લંડનની એક હોટલમાં કામ કરવા લાગી. લડાઈના દિવસો પૂરા થતાં અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ ફરીથી પૂરા જોશમાં ધમધમવા લાગ્યો. ફિલ્મક્ષેત્રે ઈંગ્લૅન્ડ પાછળ રહી ગયું. બ્રિટનમાં ફિલ્મ ઉદ્યોગ ફરીથી શરૂ થાય એ માટે 1821ની સાલમાં બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભેગા થયા. મોટા ભાગના બોલનારા ફિલ્મ ઉદ્યોગના ભાવિ વિશે નિરાશ દેખાતા હતા. કેટલાક ગુસ્સે થઈ ગયા. સામસામે આક્ષેપો થવા લાગ્યા. આ પરિસ્થિતિ હતી ત્યારે ગ્રીન બોલવા માટે ઊભો થયો. હૉલમાં શાંતિ પથરાઈ એટલે તેણે પોતાના જ જીવન વિશે ત્યાં એકઠા થયેલા લોકોને વાત કરી. ચલચિત્રને શક્ય બનાવવા તેણે ત્રીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક મહેનત જે કરી હતી તેની વાત કરી. પ્રેક્ષકોને અંદરોઅંદરના ઝઘડા બંધ કરવા અને ફિલ્મ ઉત્પાદનના કાર્યમાં આગળ વધવા માટે તેણે વિનંતી કરી.
હતાશ સ્થિતિમાં તે એકાએક ભાંગી પડ્યો.
તેને એક સીટ પર બેસાડવામાં આવ્યો. સીટ પર જ તે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો.
તેનું અવસાન થયું.
એ સમયે તેના ખિસ્સામાં એક શિલિંગ અને દસ પેન્સ હતા. બસ એ હતી તેની સમગ્ર મૂડી. બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગે તેની ભવ્ય સ્મશાનયાત્રા કાઢી. તેની ભવ્ય કબર પર લખવામાં આવ્યું : ‘વિલિયમ ફ્રીઝ-ગ્રીન સિનેમેટોગ્રાફનો સંશોધક.’ ચલચિત્ર શરૂ કરનાર ગ્રીનનું જીવન એક ચલચિત્રની પટકથા કરતાં પણ વધારે રોમાંચક હતું.

[ કુલ પાન : 154. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.