કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા

[રીડગુજરાતીને આ લઘુકથાઓ મોકલવા માટે દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

[1] અભિનય

‘નહિ…….દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે….સાહેબ, મારી ભૂલ થઈ ગઈ….’
‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિ…” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેમનો ગુસ્સો અકારણ તો નહોતો જ. અસરરહિત ઉચ્ચારણ….. અને ભાવશૂન્ય ચહેરો…..!

શર્માસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી. જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતાં કહેલું કે ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોંશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઈ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો વટ પણ પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો.

‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કરાવ્યું બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા. શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી અને પોતાનો નિર્ણય જાહેર કર્યો :
‘સોરી યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો. વચ્ચે બોલવાની કોશિશ ન કરો. પહેલાં મારી વાત પૂરી સાંભળી લો. એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે…. અને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા…એ પાછા લઈ લેજો….’
‘નહિ……. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે…..સાહેબ, મારી ભૂલ થઈ ગઈ…. !’ પેલા કલાકારે દર્દભરી ચીસ નાખતા અપીલ કરી અને દિગ્દર્શક સાહેબ ટહુકી ઊઠ્યા, ‘ઓ.કે. કટ… વેલડન યંગમેન વેલડન.’
.

[2] જીદ

નાનકડા પણ સમજણા પપ્પુને લઈને તેના મા-બાપ મેળાના એક-એક સ્ટોલ પર ફરી વળ્યાં. પપ્પુ વારંવાર ચાવીવાળા સ્કુટરની માંગણી કરી રહ્યો, પરંતુ દરવખતે નકાર સાથે એક જ જવાબ તેને મળતો રહ્યો.
‘બેટા, લઈ દઈશ. ધીરજ રાખ. હમણાંનો તું બહુ જીદ્દી થઈ ગયો છે.’ મેળો પૂરો થવાની તૈયારીમાં હતો પણ હજુ પપ્પુની ઈચ્છા પૂરી નહોતી થઈ. અંતે મેળામાંથી ઘર તરફ પાછાં ફરતાં એક ગરીબ લારીવાળો નજરે પડતાં જ પપ્પુ કરગરી ઊઠ્યો :
‘પપ્પા, આ સાદું સ્કુટર તો મને લઈ દયો.’
‘બેટા, એ તો સાવ હલકું છે. એવું ન લેવાય….!’
‘તો પછી પપ્પા, હવે આ નાનકડી સરસ મઝાની મોટરકાર તો મને અપાવો !’
‘બેટા, પછી તને સરસ મઝાની, આનાથીય વધુ સારી મોટર લઈ દઈશ. અત્યારે લપ ન કર. તારી મમ્મી સાવ સાચું કહે છે. હમણાંનો તું બહુ જીદ્દી……..’

અને હવે પપ્પુથી ન રહેવાયું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને ત્રુટક અવાજે કહી રહ્યો :
‘જી……જીદ હું કરું છું……..કે તમે ??……’ ને પતિ-પત્ની એકબીજા સામે અવાકપણે જોઈ જ રહ્યાં.
.
[3] નવજીવન

મેં મુકેલી વસ્તુ શોધતાં મને જ દસ મિનિટ લાગી એટલે મોડું થયું. એ વસ્તુ મળી અને હું મારી તૈયારીને હજી તો આખરી ઓપ આપું એ પહેલાં તો પત્નીની બૂમાબૂમ સાથે બંધ બારીબારણાં ધણધણી ઊઠ્યાં ને હું પરસેવે રેબઝેબ.
‘જલદી બહાર આવો. ત્યાં ક્યારના અંદર શું કરો છો ? અરે, અમજદે ઝેર પી લીધું. જલદી ડો.સિંઘને બોલાવી આવો. ઝટ કરો હવે…’

સમયસરની સારવારથી અમજદ બચી ગયો. એ ભાનમાં આવતા જ એને સગો ભાઈ સમજતી મારી પત્ની નિશા આનંદ અને ગુસ્સાનાં સંમિશ્રિત ભાવ સાથે બોલી ઊઠી :
‘આવું કરાય !! બે દીકરાના બાપ છો. સકીના જેવી વહાલી પત્ની. બધાનું શું થશે એનો વિચારેય ન આવ્યો ? નોકરી છૂટી ગઈ એમાં આમ હિંમત હારી જવાય ભઈલા !! આપણા બધાની સ્થિતિ સરખી જ છે. મારા આ ‘ભોળા’ પણ મોળા પડી ગયા છે, પણ એમણે તમારી જેવું અવિચારી પગલું ભર્યું ? ના….ને… તે ન જ ભરાય…… ને તમે શું આમ મૂંગામંતર ઊભા છો ? જરાક સમજાવો તમારા આ સમદુઃખિયા મિત્રને.’ પણ હું હમણાં જ સમજનાર એને શું ને કેવી રીતે સમજાવું ? બંને મિત્રોની નજર એક થઈ ને પછી નીચી થઇ ગઈ.

નિશા બીજા દિવસે કોઈને કહેતી હતી :
‘આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ. જો જરાક મોડું થયું હોત તો……!!’
‘હા, જો જરાક મોડું થયું હોત તો….તો……!’ વિચારી મેં મારી ગઈકાલની તૈયારીને આખરી ઓપ આપી દીધો; પણ જરા જુદી રીતે. બંધ ઓરડામાં કાલની પડેલી એ શીશીને મેં ખાળમાં ઊંધી વાળી અને પછી મેં એને બારી બહાર ફંગોળી દીધી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.