- ReadGujarati.com - http://www.readgujarati.com -

તારી પૂર્ણતા ગઈ અડી મને….. – જયદેવ માંકડ

[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 સંપર્ક કરી શકો છો.]

‘હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે, રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે….’ પંક્તિઓ ગમી જાય તેવી છે. સ્વીકારી શકાય તેવી છે. પરંતુ જો મનની નિર્દોષ દશા માટે ગવાતી હોય તો… બાકી આપણા સામાન્ય અનુભવમાં માણસ અને તેનું મન એટલે તોબા ! ભાઈસા’બ… બે હાથ અને ત્રીજું માથું. છળ-કપટ, રાગ-દ્વેષ, ઈર્ષા-મદ-મોહ-ક્રોધ… આ બધામાં રમમાણ એટલે સામાન્ય સ્તરે જીવતો માણસ. તેનું મન ભાગ્યે જ નિર્દોષ સ્થિતિમાં રહેતું હશે.

મનુષ્ય સિવાયની અન્ય પ્રજાતિઓના એટલે કે પ્રાણીઓના જીવનને જોઈને આપણે જાણીએ છીએ કે ગાયનું વાછરડું, ગધેડાનું ખોલકું કે બકરીનું લવારું જન્મતાવેંત થોડા કલાકોમાં ચાલવા લાગે છે. પક્ષીનું બચ્ચું થોડા જ દિવસોમાં ઉડાન ભરે છે. વજનમાં ભારે હોવા છતાં પ્રાણીઓ પાણીમાં તરે છે. આવું નિરીક્ષણ આપણા સૌનું છે. એના માટે વૈજ્ઞાનિક કારણો તો જે હશે તે ખરા જ પરંતુ મારા મતે તેમાં સહજતાનો ક્રમ પણ દેખાય છે. પ્રકૃતિએ જે આપ્યું છે તેને અનુકૂળ થઈને સહજ જીવવું. સામે પક્ષે માણસનો વિચાર કરીએ તો ? પરસ્પર ક્રોધયુક્ત, દ્વેષયુક્ત વર્તન કરવું તેવું પ્રકૃતિ તો નથી શીખવતી ! એ તો આપણા ‘ફળદ્રુપ’ ભેજાની પેદાશ છે. ‘Nature never did betray, the heart that loved her.’ વર્ડ્સ વર્થ નામના કવિ આમ લખી ગયાનું યાદ છે. પ્રકૃતિએ નિર્દોષતા આપી છે. આપણી અંદર તો સારાસારની સમજ આપી જ છે પણ માણસ જેનું નામ… સહજતાથી જીવવાને બદલે કલ્પિત મનોવિશ્વ રચે. આમ જોઈએ તો કિલ્લો સુરક્ષાનું પ્રતિક છે પરંતુ જ્યારે દ્વેષ-અપમાન, અવમાન, નિંદા, ક્રોધ, ઈર્ષા, સખ્ત અને જામેલા દુર્ગંધયુક્ત અહંકારના કોચલાને કિલ્લો ગણી-બનાવી જીવતો માણસ કેવી મૂર્ખતામાં રાચતો દેખાય છે ? નવું નવું, હજુ હમણાં જેનું આ વિશ્વમાં આગમન થયું છે તેવા શિશુના હાસ્ય ને જોવાની ક્ષણ એટલે સાક્ષાત્કારની ક્ષણ. એ તો પ્રસાદ છે ભાઈ ! એ હાસ્ય એવું તો નિર્ભેળ અને નિર્દંભ હોય કે તેને અનુભવતા આંખ ભીની થઈ ઊઠે. અહીં નિર્ભેળ શબ્દ પ્રયોજ્યો છે. ઈર્ષામુક્ત, સ્પર્ધામુક્ત, દ્વેષમુક્ત અને શ્રદ્ધાયુક્ત જીવનની છૂપી સમજ તો સૌને આપી છે પરંતુ અહંકાર અને ખોખલું હોવાપણું આપણા વર્તન વ્યવહારને સંભાળે છે તેથી સમસ્યાઓ ચાલતી રહે છે.

નિર્દોષ અને નિર્વ્યાજ પ્રેમની ઝાંખી આપણને ક્યારેક તો થઈ જ હશે. હૃદયના ઉત્તમ પવિત્ર ભાવની અનુભૂતિ થઈ હશે. ઈર્ષા ને સ્થાને ત્યાગ ને માણ્યો હશે. વૈયક્તિક કે કૌટુંબિક સ્તરે આવું અનુભવતા આપણે જ્યારે સામાજિક જીવન કે જાહેર જીવનના ભાગ બનીએ છીએ ત્યારે આપણા સ્વભાવદોષ આપણા વર્તનનો કબજો લઈ લે છે. પરિણામે સંબંધોથી લઈને આખીયે વ્યવસ્થા દૂષિત બને છે. દેખાય છે તેવું પર્યાવરણ તો છે પણ ભાવજગતનું, વૈચારિક જગતનું, વ્યવસ્થાનું અને સ્પંદનનું પણ એક અનોખું પર્યાવરણ છે જે આવા સ્વભાવદોષોને લઈ કલુષિત થાય છે. – આ ભૂમિકા સહેતુક છે. આપણે અવઢવમાં જીવતા દેખાઈએ છીએ. એક તરફ ઉત્તમની ઈચ્છા અને આચરણની નબળાઈ. સમારીએ ડુંગળી ને સુગંધ સુખડની જોઈએ. પરસ્પરના વ્યવહારોના મૂળમાં દ્વેષ, ઈર્ષા, ક્રોધ ને ધિક્કાર…. અને જોઈએ છે શાંતિ, પ્રસન્નતા અને પ્રેમ. મન બેકાબુ છે અને ચિત્તની નિર્વિકારતા જોઈએ છે. યુટોપિયા માટે સ્વથી શરૂઆત કરવી રહી.

આ સંદર્ભમાં મોરારિબાપુ પાસે રહેતાં-રહેતાં થયેલો મારો એક વખતનો અનુભવ અહીં મૂકું છું. રોગ પ્રમાણે ઉપચાર થાય, દુરસ્તી તંદુરસ્તી લાવે… કેવો પાઠ શીખવા મળ્યો તેની વાત નોંધવી છે. ગુરુકૂળમાં કોઈ પ્રસંગ હતો. કદાચ ગુરુપૂર્ણિમા કે હનુમાનજયંતી હશે. દેશવિદેશના મહેમાનો હર્ષભેર, શ્રદ્ધાભેર અને ભાવભેર સહભાગી બન્યા હતા. એક અર્થમાં ખોજીઓની ભીડ જામી હતી… હાસ્તો ! તરસ લાગે તે પરબ શોધે ! ગ્રીષ્મનો તાપ જેને દઝાડે તે છાંયો શોધે – એવી આ વાત હતી. બાપુને મળવા માટે ભારે ભીડ રહે. કોઈને કોઈક પ્રશ્ન તો કોઈને કોઈક સ્વાર્થ. ક્યાંક ફક્ત પરમાર્થ. ક્યાંક લાગણી તો ક્યાંક માગણી…. આવી મિશ્ર માનસિકતાવાળી મેદનીને પ્રસન્નતા સાથે પ્રશાંતભાવથી બાપુ સતત સાંભળતા રહે છે. લોકોની માનસિકતાના પ્રકારોને સુપેરે સમજતા અને સ્વીકારતા બાપુ માટે માણસ હંમેશને માટે આદરનું પાત્ર રહ્યો છે તેવું સમજ્યો છું. માણસ કેવું બંડલ છે ! જાણે સંભાવનાઓનું પડીકું છે ! ખોલો તો કંઈ પણ નીકળે ! પરંતુ બાપુને મન વ્યક્તિમાત્રમાં સારપ છે, તેથી આદર છે… સ્વીકાર છે. ગંગાજીની પવિત્રતા બેમત છે. પાક્કા મુસ્લિમભાઈઓ માટે ઝમઝમ નદીના દર્શન વિનાની હજયાત્રા અધૂરી છે. સૂર્ય પ્રકાશે છે – ઘૂવડના મતની વાત જુદી જ છે. એ જ રીતે સમાજમાં પણ એવા વ્યક્તિત્વો હોય કે જેના વિષે બેમત કહી શકાય. બીજા શબ્દોમાં તીર્થ સમાન વ્યક્તિત્વ. જેને ‘અંદરની’ અપવિત્રતા ખટકે કે ક્યાંક અટકે. તીર્થસમાન પ્રવાહમાં ડૂબકી લગાવવાનો મોકો શોધે. આવા ભાવથી એકત્ર થયેલી મેદનીને અમે બે-ત્રણ જણ સંભાળતા હતા. અમારી કોશિશ પણ એ જ કે સૌ આરામથી મળી શકે અને બાપુને પણ વિશ્રામ રહે. શ્રી દેવાભાઈ (બાપુના નાનાભાઈ)નાં ઘર બહાર એટલી બધી જગ્યા નહીં કે ઝાઝા લોકો સમાઈ શકે. જેમ જેમ બધા મળતા જાય તેમ તેમ સૌને પોતાના નિવાસ પર આરામ માટે જવાનું અમે સૂચન આપતાં હતાં.

‘ચાલો ભાઈ, હવે તમારા રૂમ પર પહોંચો તો…..’ મારા પોલીસવેડા શરૂ થયા. અવાજ ઊંચો થયો. સૂચના થોડી ભારે બનવા લાગી. ગુરુકૂળની વ્યવસ્થાનો ભાગ હોવાનો ગર્ભિત અહંકાર અમારી સૂચનાઓને વધુ વજનદાર બનાવતો હતો. અચાનક પાછળથી કોઈએ મારો ખભો થપથપાવ્યો. શ્રી દેવાકાકાનાં ફળિયામાંથી કોઈ આવીને મને કહે…. : ‘બાપુ કહે છે કે એને (જયદેવને) કહો કે ધીમેથી સૂચનાઓ આપે….’ હું તો ઠરી જ ગયો ! સાવ સ્તબ્ધ. અમે તો અમારા તોરમાં-ગર્વમાં-વહીવટના નશામાં. ઊલટું આટલું બધું ધ્યાન રાખવાનું ? આવી કાળજી લેવાની ? વ્યક્તિ સાથેનાં સામાન્ય વર્તનમાં પણ આટલી સાવધાની રાખવાની ? પણ આજે જ્યારે આ બનાવને યાદ કરું છું ત્યારે ઘણા પાસાઓ ઉપસી આવે છે. અતિથિ-સત્કાર, અતિથિ દેવો ભવઃ નું સુત્ર તો ખરું જ સાથે સાથે શીલયુક્ત વ્યવહારના પાઠ શીખવા મળ્યા. અમારું ગર્વમંડન નહીં, તેમજ ગર્વખંડન પણ નહીં – વ્હાલસભર યોગ્ય દિશાસૂચન થયું. સમાન હેતુથી ભેગા થયેલાની સાથે સમાન વ્યવહારની સમજ મળી. વાણીનો વિનિયોગ કેમ થાય તે પણ સમજાયું. સામેની વ્યક્તિના મનોભાવો, તેનું પણ હોવાપણું, તેની ઉત્સુકતા અને તેના પરિશ્રમને આદર પ્રદાન કરવા અંગે નવું દષ્ટિબિંદુ પ્રાપ્ત થયું. આ પછી એવા અનેક પ્રસંગોનાં સાક્ષી બનવાનું થયું છે જેમાં વૈયક્તિક વ્યવહારોમાં કેવી સાવધાની રાખવી જોઈએ તેના પાઠ શીખવા મળ્યા છે. હજુ આજેય બાપુ અકારણ નિંદા, ટીકા, અપમાન અને અવહેલના ઝેલતા રહે છે પણ તેથી તેનો બદલો થોડો લેવાય ? સહન કરે, જીવતો જાય ને વળી તોય શીખવતો જાય તે સંત, બીજું શું ? સૌ માટેનો પ્રેમ દિને દિને નવમ નવમ…..

ક્યારેક કોઈ કથામાં સમાજને અને વ્યક્તિને સ્પર્શતા સ્વભાવદોષની ચર્ચા નીકળે ત્યારે મારી સ્મૃતિમાં છે તેમ બાપુનો હાથ આપોઆપ માળા પર જતો રહે. માળા કે નામસ્મરણના વિજ્ઞાન અંગે કશુંય કહેવા હું જરાય પાત્ર નથી. પણ દોષદર્શનથી સર્વથામુક્ત રાખે તે માળા. સતત ‘તેનું’ સ્મરણ, ‘તેના’ હોવાનો અહેસાસ કરાવે તે માળા. સતત કોઈ સાથે જોડે તે માળા. આવું માળા વિષે વિચારી શકું છું. ‘ટીકા કે નિંદા મારાથી ન થાય, એમ કરીએ તો આ અસ્તિત્વનું પર્યાવરણ બગડે…’ આવું એક પ્રસંગે બાપુને કહેતા મેં સાંભળ્યા હતા. આપણા વ્યવહારો અસ્તિત્વના પર્યાવરણને કેવી અસર કરે છે તે અંગે વિચારતો રહ્યો.

એક વખત કોઈ એક રામકથામાં બાપુના નિવાસ્થાને, સાંજના સમયે મુલાકાતીઓની ભારે ભીડ. લાંબી લાઈન. હું નજીક ઊભો હતો. બાપુએ એક નાનો છોડ રોપેલું કૂંડું દૂર મૂકવા કહ્યું. શિશુસમાન છોડને માનવીય ધક્કો ન લાગે તેની કેવી કાળજી ! લોકોની ભીડ વચ્ચે આસપાસની વનસ્પતિ અને ફૂલછોડને જોતા રહેતા હોય. વનસ્પતિ કે માણસ – બધુંય નારાયણ સ્વરૂપ ! સાવધાની એ જ સાધના. બાપુનાં શબ્દો યાદ છે તેમ ‘બાધક ન બને તે સાધક.’ આપણે તો જોઈએ સારપ અને વાવીએ છીએ દ્વેષ – એવો જ્યાં ઘાટ છે ત્યાં ઉપરનો અનુભવ મૂડીરૂપ સાબિત થયો. સજાગતામાં અને જાગૃતિમાં જીવવાનો સંનિષ્ઠ પ્રયાસ એટલે સાધના. આમ કહી શકાય. આવું જોઉં છું ત્યારે કવિની પંક્તિ કહેવાનું મન થઈ ઊઠે છે : ‘મારી ન્યૂનતા ના નડી તને…. તારી પૂર્ણતા ગઈ અડી મને…..’