અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ)

[આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ફકત આ એક જ વિશેષ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી]

[ગાંધીજી સાથે નિરંતર અઠ્ઠાવીસ વર્ષ રહેનાર અને મહાદેવભાઈના મૃત્યુ પછી ગાંધીજીના મંત્રી તરીકે કામ સંભાળનાર પ્યારેલાલજીએ ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોની અદ્દભુત કથા લખી છે. ગાંધીજીવન અને વિચારને સમજવા માટે પ્યારેલાલજીના આ ગ્રંથો અનિવાર્ય છે. ગુજરાતીમાં બે હજારથી પણ વધારે પૃષ્ઠોમાં ફેલાયેલા ‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ ભાગ 1 થી 4નો અનુવાદ મણિભાઈ દેસાઈ દ્વારા થયો છે. તેનું છેલ્લું પ્રકરણ પણ 50થી વધુ પાનનું છે, જેનો લઘુસંક્ષેપ અત્રે પ્રસ્તુત છે. આ લેખ ‘શાશ્વત ગાંધી’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[ગોળી છૂટે ત્યારે પણ રામનામ લેતો રહું : 20 જાન્યુઆરી, 1948]

ઉપવાસ છોડ્યા પછી બે દિવસ બાદ, 1948ના જાન્યુઆરીની 20મી તારીખે ગાંધીજી પ્રાર્થના પછી પ્રવચન કરી રહ્યા હતા ત્યારે, એક મોટો ભડકો થયો. એથી પ્રાર્થનાસભામાં થોડી ધમાલ થવા પામી. ગાંધીજીએ સભાજનોને ગભરાટમાં પડી જવા માટે ઠપકાર્યા. થોડા સમય બાદ ફરીથી વ્યવસ્થા સ્થપાઈ, ત્યારે માલૂમ પડ્યું કે ગાંધીજી બેઠા હતા ત્યાંથી 75 ફૂટ દૂર બૉમ્બ ફૂટ્યો હતો અને તેને પરિણામે ભીંતનો થોડો ભાગ નાશ પામ્યો હતો. હુમલો કરનાર, પશ્ચિમ પંજાબથી આવેલો પચીસ વરસનો મદનલાલ પહવા નામનો નિરાશ્રિત હતો. ગાંધી બચી જવા પામ્યા એ માટે ચોપાસથી તેમના પર અભિનંદનોનો વરસાદ વરસ્યો.

બીજે દિવસે પોતાની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ જણાવ્યું : ભડાકાનો અવાજ મેં પ્રથમ સાંભળ્યો ત્યારે મને લાગ્યું કે લશ્કરના લોકો લક્ષ્ય વેધવાની તેમની રોજિંદી પ્રેક્ટિસ કરતા હશે. પ્રાર્થના પૂરી થઈ ત્યાં સુધી મને ખબર ન પડી કે, એ બૉમ્બ ફૂટ્યાનો ભડકો છે અને એ બૉમ્બ મારા માટે હતો. એ બૉમ્બ મારા માટે તાકવામાં આવ્યો છે એની મને જાણ હોત અને મારી સામે જ તે ફૂટ્યો હોત તો હું કેવી રીતે વર્ત્યો હોત એ કોણ કહી શકે ? એથી કરીને હું કશી પ્રશંસાને પાત્ર નથી. એ રીતે બૉમ્બ ફૂટવાને પરિણામે હું ઢળી પડ્યો હોત અને છતાં હુમલો કરનાર સામે દ્વેષ સેવ્યા વિના હસતો હોત તો જ પ્રમાણપત્રને માટે લાયક બનત. ખોટે રસ્તે દોરવાયેલા બૉમ્બ ફેંકનાર જુવાનિયા પર કોઈએ ક્રોધ ન કરવો જોઈએ. અથવા તેના પ્રત્યે ઘૃણા ન દર્શાવવી જોઈએ. આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, તે એને સન્મતિ આપે. આપણે સૌ સમજી લઈએ કે, જેને આપણે દુષ્ટ માનતા હોઈએ તે ખરેખર દુષ્ટ હોય તોય તેની ખબર લેવાવાળો ઈશ્વર છે. ઈશ્વર એનું ભલું કરો એટલી જ મારી પ્રાર્થના છે. તમે બધાં અહીં ભગવાનનું નામ લેવાને એકઠાં થાઓ છો. આપણું નામરટણ ચાલતું હોય, પોલીસવાળા કે કોઈ આપણી મદદમાં ન આવે, ગોળીઓ છૂટતી હોય છતાં હું સ્વસ્થ રહું, રામનામ લેતો રહું ને તમારા સૌની પાસે લેવડાવતો રહું, એવી શક્તિ ઈશ્વર મને આપે તો હું ધન્યવાદને લાયક ઠરું ખરો.

[મારો રક્ષક કેવળ ઈશ્વર]

મુંબઈમાં મળેલી માહિતીને આધારે સરદાર પટેલ સલામતીનાં પગલાં વધારે કડક કરવા ચાહતા હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે, આપની પ્રાર્થનાસભામાં આવનાર દરેક વ્યક્તિની પોલીસ ઝડતી લે એમ હું ઈચ્છું છું પરંતુ ગાંધીજીએ સાફ ના પાડી. તેમણે કહ્યું કે, મેં જ્યારે મારી જાતને કેવળ ઈશ્વરના રક્ષણ નીચે મૂકી છે એવે સમે મારી જાતને માનવીના કોઈ પણ સ્વરૂપના રક્ષણ નીચે મૂકવાની મારી શ્રદ્ધા મને રજા આપતી નથી. ગાંધીજીની મક્ક્મતા જોઈને, સરદારે વાત નસીબ પર છોડીને મન વાળ્યું. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સત્તાવાળાઓને નિશ્ચિત અને નક્કર માહિતી મળી હોવા છતાં, કાવતરાંખોરોનો પત્તો મેળવીને તેમની ધરપકડ કરી તેમની યોજના ધૂળમાં મેળવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા.

[ગોળીએથી મરું તો જ મહાત્મા કહેજે]

28મી જાન્યુઆરીએ આખો દિવસ ભરચક કામકાજમાં પસાર થયો. દિવસના અંતે ગાંધીજી થાકીને લોથ થઈ ગયા. ‘મારું માથું ભમે છે છતાં મારે આ પૂરું કર્યે જ છૂટકો.’ કૉંગ્રેસની કારોબારી સમિતિ માટે તેમણે ઘડી કાઢેલા કૉંગ્રેસના બંધારણનો મુસદ્દો – એ ઘડી કાઢવાનું તેમણે માથે લીધું હતું – બતાવીને આભા ગાંધીને તેમણે એ પ્રમાણે કહ્યું. પછી એમણે ઉમેર્યું : ‘મને ભીતિ રહે છે કે આજે તો ક્યાંય મારે મોડી રાત સુધી જાગવું પડશે.’ તેમને મળવા આવેલી આશ્રમવાસી બહેનને તેમની ખરાબ તબિયત માટે ઠપકો આપ્યો. તેમણે કહ્યું, એ બતાવે છે કે, તમારા હૃદયમાં રામનામનો હજી પૂરેપૂરો પ્રવેશ નથી થયો. રાજકીય પરિસ્થિતિનું અવલોકન કરતાં તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે, સ્વતંત્રતાને અર્થે ઝૂઝનારા અને બલિદાનો આપનારા કૉંગ્રેસીઓ હવે જ્યારે સ્વતંત્રતાનો બોજો ઉઠાવવાનું તેમને માથે આવ્યું છે ત્યારે હોદ્દા અને સત્તાની મોહજાળમાં શાને વશ થતા હશે ? પછી તેમને ઉધરસનું સખત ખાંખણું આવ્યું. એ શમાવવાને પેનિસિલીનની ગોળી ચૂસવાનું તેમને કહેવામાં આવ્યું ત્યારે, એકમાત્ર રામનામની શક્તિથી સાજા થવાનો તેમનો નિર્ધાર છેલ્લી વાર તેમણે ફરીથી ઉચ્ચાર્યો. તેમના એક પરિવારકને તેમણે કહ્યું : ‘જો હું રોગથી મરું, અરે એક નાનકડી ફોડકીથીય મરું, તો તું દુનિયાને પોકારી પોકારીને કહેજે કે આ દંભી મહાત્મા હતો. તો જ હું જ્યાં હોઈશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારે ખાતર લોકો કદાચ તને ગાળો દે, મારી નાખે, પણ રોગથી મરું તો દંભી મહાત્મા જ ઠેરવજે. પણ અઠવાડિયા પહેલા જેમ ધડાકો થયો તેમ કદાચ કોઈ મને ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન નીકળતાં રામજીનું રટણ ચાલતું હોય તો જ કહેજે કે સાચો મહાત્મા હતો.’

[ગોઝારો શુક્રવાર]

1948ના જાન્યુઆરીની 30મીના એ ગોઝારા શુક્રવારે ગાંધીજી હંમેશની જેમ મળસકે સાડા ત્રણ વાગે જાગી ગયા. તેમની મંડળીના એક સભ્ય પ્રાર્થના માટે જાગ્યા નહોતા, એથી તેઓ દુઃખી થયા. પોતાના સાથીનો એ નજીવો દોષ તેમની જ કોઈક ક્ષતિને આભારી છે એમ તેમણે ગણ્યું. સવારની પ્રાર્થના પછી તેઓ કૉંગ્રેસની પુનર્ર્ચના વિશેની પોતાની નોંધનો મુસદ્દો પૂરો કરવાને તેઓ આસન પર બેઠા. આગલી રાતે તેઓ એ પૂરો કરી શક્યા નહોતા. તેમના ઉપવાસ બાદ હજુ તેમને નબળાઈ લાગતી હતી. પોણા પાંચ વાગે તેમણે હંમેશ મુજબ મધ, લીંબુ અને ગરમ પાણીનું પીણું પીધું. એક કલાક બાદ તેમણે 16 ઔંસ મોસંબીનો રસ લીધો. પછીથી જરા ઝોકું ખાવાને તેઓ આડા પડ્યા. થોડી વાર પછી તેઓ ઊઠ્યા અને પત્રવ્યવહારની ફાઈલ મગાવી.

સવારે ફરવા જવા જેટલું સારું તેમને ન લાગ્યું એટલે પોતાના ઓરડામાં જ તેમણે થોડી વાર આંટા માર્યા. પોતાની ઉધરસને શમાવવા માટે લવિંગના ભૂકાવાળી તાડપોપની ટીકડીઓ તેઓ લેતા હતા. લવિંગનો ભૂકો ખલાસ થઈ ગયો હતો. એથી મનુ (મનુબહેન ગાંધી) તેમની સાથે જોડાવાને બદલે થોડાં લવિંગ વાટવા બેઠી. કોઈ પણ પોતાની તત્કાળની ફરજ છોડીને અનિશ્ચિત ભવિષ્યને માટે જોગવાઈ કરે એ ગાંધીજીને પસંદ નહોતું. તેમણે મનુને કહ્યું : ‘રાત પહેલાં શું થશે અને હુંયે જીવતો હોઈશ કે કેમ, તેવી કોને ખબર ?’ રોજના સમયે પોતાના માલિશ માટે મારા ઓરડામાં થઈને જતાં તેમણે કૉંગ્રેસ માટેના નવા બંધારણનો મુસદ્દો મને આપ્યો અને એ કાળજીપૂર્વક વાંચી જવાને મને કહ્યું. રાષ્ટ્ર માટેનું તેમનું એ છેલ્લું વસિયતનામું હતું. તેમણે કહ્યું : ‘મારી વિચારણામાં તમને કાંઈ ગાબડાં નજરે પડે તો તમે તે ભરી કાઢજો. એ મુસદ્દો મેં ઘણી જ તાણ નીચે તૈયાર કર્યો છે.’

પછી તેમણે સ્નાન કર્યું. સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે તેઓ ઘણા જ પ્રફુલ્લ લાગતા હતા. આગલી રાતનો થાક અદશ્ય થયો હતો અને તેઓ હંમેશની પ્રસન્નતાથી ઊભરાતા હતા. આશ્રમની કન્યાઓનાં સુકલકડી શરીર માટે તેમણે તેમની મજાક ઉડાવી. કોઈકે તેમને કહ્યું કે, સેવાગ્રામ આશ્રમની એક બહેન આજે જવાનાં હતાં પણ વાહન ન હોવાને લીધે તે ગાડી ચૂકી ગયાં. એ સાંભળી તેમણે કહ્યું : ‘તે ચાલીને સ્ટેશને શાને ન ગયાં ?’ હરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની પાસે જે કંઈ સાધનસામગ્રી હોય તે વડે પ્રત્યેક વ્યક્તિ એક લશ્કરી સૈનિકની પેઠે પહોંચી વળવાને તૈયાર રહે એવી તેઓ સૌની પાસે અપેક્ષા રાખતા હતા. સગવડનો અભાવ અથવા મુશ્કેલીઓ વગેરે બહાનાં સ્વીકારવામાં આવતાં નહીં. પછીથી તેમનું વજન લેવામાં આવ્યું. તે 109 રતલ હતું. બંગાળી લખવાનો રોજનો પાઠ કર્યા પછી સાડા નવ વાગે તેમણે ભોજન લીધું. ભોજન કરતાં કરતાં કૉંગ્રેસના બંધારણનો મેં કરેલા ઉમેરા તથા ફેરફારો તેઓ એક પછી એક જોઈ ગયા. નોઆખલીમાં રચનાત્મક અહિંસાના હું જે કેટલાક પ્રયોગો કરી રહ્યો હતો અને તેમના આદેશથી તે પૈકીના કેટલાક ‘હરિજન’માં મેં વર્ણવ્યા હતા તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ વધુમાં જણાવ્યું : ‘આ બધી વસ્તુઓ જાતે કરવાને હું કેટલું બધું ઝંખતો હતો ! આપણને જરૂર છે મરણનો ભય તજવાની અને જેમની આપણે સેવા કરતા હોઈએ તેમનાં હૃદયોમાં પ્રવેશ કરવાની અને તેમનો પ્રેમ સંપાદન કરવાની.’ તેમણે પોતાની પાકિસ્તાનની સૂચિત મુલાકાતની યોજનાની રૂપરેખા મને જણાવી અને કહ્યું : ‘તમે નોઆખલી જાઓ. ત્યાંના કામમાંથી ફારેગ થાઓ અને પાકિસ્તાન જવા મારી સાથે થવાને વખતસર પાછા આવો.’ મેં તેમને કહ્યું, એ રીતે તો મારે આજે જ (30મી જાન્યુઆરી, 1948) નોઆખલી જવા માટે ઊપડવું જોઈએ. તેમણે કહ્યું, ‘ના, હું વર્ધા જવા નીકળું પછી જ તમે જઈ શકો. એનો અર્થ એ થયો કે, તમે 2જી ફેબ્રુઆરીએ કદાચ ઊપડી શકો.’ આ પણ મને કંઈક અસામાન્ય લાગ્યું. પોતાની ફરજના સ્થાને પહોંચી જવામાં વિલંબ કરવાને કોઈને પણ કહેવાની તેમની કદી પણ ટેવ નહોતી.

સાડા દશ વાગ્યે આરામ માટે તેઓ પોતાના ખાટલા પર પડ્યા અને ઝોકું ખાવા પહેલાં તેમનું રોજનું બંગાળી વાંચન પતાવ્યું. જાગીને તેઓ સુધીર ઘોષને મળ્યા. બપોર પછી એક અગત્યના કામ માટે શહેરમાં જવાને ઊપડવાની તૈયારીમાં હું હતો ત્યાં દિલ્હીના મૌલાનાઓ આવી ચડ્યા. પોતાની સેવાગ્રામની અને પાકિસ્તાનની સૂચિત મુલાકાત વિશે તેમની સાથે ચર્ચા કરતાં ગાંધીજીએ તેમને કહ્યું કે, હું મુકરર કરવામાં આવેલી તારીખે સેવાગ્રામ જવા માટે ન ઊપડું તો મારા બધા કાર્યક્રમો ખોરવાઈ જશે. મૌલાનાઓએ કહ્યું કે 14મી ફેબ્રુઆરી સુધીમાં આપ દિલ્હી પાછા આવી શકશો એવી અમને આશા છે. ગાંધીજીએ જવાબ આપ્યો કે, ‘14મી ફેબ્રુઆરી સુધીમાં અહીં પાછા ફરવાની હું ખસૂસ આશા રાખું છું. પરંતુ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હોય તો જુદી વાત. પણ પરમ દિવસેયે હું અહીંથી નીકળી શકીશ એની મને ખાતરી નથી. એ બધું ઈશ્વરના હાથમાં છે.’

બપોર પછી દોઢ વાગ્યે તેમણે પોતાના પેઢુ પર માટીની લેપડી મુકાવી. તાપ લાગતો હતો એટલે પોતાના મોં પર છાંયડો કરવાને તેમણે નોઆખલી ખેડૂતોની વાંસની હેટ પોતાના માથા પર મૂકી. એક છાપાવાળાએ તેમને પૂછ્યું, 1લી ફેબ્રુઆરીએ આપ સેવાગ્રામ જવાને ઊપડવાના છો એ સાચું છે ? ગાંધીજીએ પૂછ્યું, ‘એમ કોણ કહે છે ?’ છાપાવાળાએ જવાબ આપ્યો : ‘છાપાઓમાં એવી ખબર છે.’ ગાંધીજીએ કહ્યું : ‘હા, છાપાઓંએ જાહેર કર્યું છે ખરું કે, ગાંધી પહેલી તારીખે જશે પણ એ ગાંધી કોણ છે, એ હું નથી જાણતો.’ માટીની લેપડીનો કાર્યક્રમ પૂરો થયા બાદ મુલાકાતો ફરીથી શરૂ થઈ. બપોર પછી ચાર વાગ્યે મુલાકાતો પૂરી થઈ. પછીથી ગાંધીજી સરદાર પટેલ સાથે – સરદાર પોતાની દીકરી સાથે આવ્યા હતા – પોતાના ઓરડામાં ગયા અને કાંતતાં કાંતતાં એમની સાથે એક કલાક સુધી તેમણે વાતો કરી. તેમણે સરદારને કહ્યું, બેમાંથી – સરદાર અથવા પંડિત નહેરુ – એકે પ્રધાનમંડળમાંથી નીકળી જવું જોઈએ એવો વિચાર અગાઉ મેં દર્શાવ્યો હતો એ ખરું, પરંતુ પછીથી હું એવા મક્કમ નિર્ણય પર આવ્યો છું કે બંનેની હાજરી અનિવાર્ય છે. પ્રાર્થના પછી પંડિત નહેરુ મને મળવાના છે, તેમની સાથે પણ હું એ સવાલ ચર્ચીશ. જરૂર પડ્યે તો સેવાગ્રામ જવાનું હું મુલતવી રાખીશ અને તમારા બંને વચ્ચે વૈમનસ્યના પ્રેતને છેવટનું દફનાવવામાં આવે ત્યાં સુધી દિલ્હી છોડીશ નહીં. અને આ રીતે સરદાર સાથેની વાતો ચાલુ રહી. બપોર પછી સાડા ચાર વાગ્યે આભા ગાંધીજી આગળ તેમનું સાંજનું ભોજન લાવી. એ લગભગ સવારના ભોજન જેવું જ હતું.

[હું તેમને મળીશ – જીવતો હોઈશ તો]

પ્રાર્થનાનો સમય લગભગ થવા આવ્યો હતો. પરંતુ સરદારની વાત હજી પૂરી થઈ નહોતી. બિચારી આભા ઊંચીનીચી થતી હતી. ગાંધીજી સમયપાલનને, ખાસ કરીને પ્રાર્થનાના સંબંધમાં, ભારે મહત્વ આપતા હતા એ તે જાણતી હતી પણ વચ્ચે બોલવાની તેની હિંમત ન ચાલી. આખરે તેની ધીરજ ખૂટી, ગાંધીજીનું ઘડિયાળ ઉપાડીને તેમનું ધ્યાન ખેંચવાને તેણે તે તેમની સામે ધર્યું. પણ કશું વળ્યું નહીં. તેની મૂંઝવણ ભાળીને સરદારનાં દીકરી વચ્ચે પડ્યાં. પ્રાર્થનાભૂમિ પર જવા માટે તૈયાર થવાને ઊભા થયાં. ગાંધીજીએ સરદારને કહ્યું : ‘હવે તો મારે ગયે જ છૂટકો.’ જતાં રસ્તામાં તેમના એક પરિચારકે તેમને કહ્યું કે, કાઠિયાવાડથી આવેલા બે કાર્યકર્તાઓએ મુલાકાત માટે સમય માગ્યો છે. ગાંધીજીએ જવાબ આપ્યો, ‘પ્રાર્થના પછી તેમને આવવાને કહો. ત્યારે હું તેમને મળીશ – જીવતો હોઈશ તો.’

[તમે લોકો જ મારાં ઘડિયાળ]

પછી આભા અને મનુના ખભા પર પોતાના હાથ રાખીને તેમની સાથે મજાક ઉડાવતા અને હસતા તેઓ પ્રાર્થનાભૂમિ તરફ ચાલ્યા. બપોર પછીના ભોજનમાં આભાએ તેમને કાચા ગાજરની વાની પીરસી હતી. તેનો ઉલ્લેખ કરીને તેમણે મજાકમાં તેને કહ્યું : ‘ત્યારે તું મને ઢોરનો ખોરાક પીરસે છે એમ ને ?’
આભાએ જવાબ આપ્યો : ‘બા એને ઘોડાનો ખોરાક કહેતાં હતાં.’
ગાંધીજીએ જવાબ આપ્યો, ‘બીજું કોઈ જેને અડે નહીં એ વસ્તુ સ્વાદથી ખાવી એ ભવ્ય નથી ?’
આભાએ મજાક કરી : ‘બાપુ, આપના ઘડિયાળને પોતાની અવજ્ઞા થયેલી લાગી હશે. આપે તેના તરફ નજર સરખી પણ ન કરી.’
તેમણે જવાબ આપ્યો : ‘તમે લોકો જ મારાં ઘડિયાળ છો પછી હું એમ શાને કરું ?’
‘પણ આપ તો આપનાં એ ઘડિયાળો તરફ પણ જોતા નથી.’ આભાએ જવાબ આપ્યો અને ગાંધીજી હસ્યા. પ્રાર્થના થતી હતી તે ચોતરા તરફ લઈ જતાં, પગથિયાં પસાર કરતાં તેમણે કહ્યું : ‘હું દશ મિનિટ મોડો છું. મોડા થવાનું મને બિલકુલ પસંદ નથી. બરાબર પાંચને ટકોરે પ્રાર્થનામાં હું હોઉં એ મને ગમે.’

[ત્રણ ગોળીઓ અને રામ ! રામ !]

ત્યાં વાતચીત એકદમ અટકી ગઈ. ગાંધીજી અને તેમની ‘લાકડીઓ’ વચ્ચે એવો ગુપ્ત કરાર હતો કે, પ્રાર્થનાભૂમિમાં દાખલ થતાંની સાથે સઘળી મજાક અને વાતચીત બંધ થઈ જવી જોઈએ – મનમાં કેવળ પ્રાર્થનાના વિચારો ઊભરાવા જોઈએ.

વ્યાસપીઠ પર પહોંચવા માટે મેદનીએ ગાંધીજીને માર્ગ કરી આપ્યો. જનમેદનીના અભિવાદનનો જવાબ વાળવાને ગાંધીજીએ બે બાળાઓના ખભા પરથી પોતાના હાથ ઉઠાવ્યા ત્યાં જમણી બાજુએથી લોકોને હડસેલીને માર્ગ કરતું કોઈક આવ્યું. તેનો હાથ પકડીને મનુએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે જોરથી તેને હડસેલી મૂકી અને પ્રણામ કરતો હોય તેમ, પોતાના હાથ જોડીને વાંકા વળી સાત બારની ઑટોમેટિક પિસ્તોલમાંથી છેક નજીકમાંથી એક પછી એક ત્રણ બાર કર્યા. તેણે એટલા બધા નજીકથી ગોળી છોડી હતી કે એક ગોળીનું કોચલું તો પાછળથી ગાંધીજીનાં કપડાંની ગડીમાંથી મળી આવ્યું હતું. પહેલી ગોળી પેટમાં જમણી બાજુએ ડૂંટીની અઢી ઈંચ ઉપર વાગી હતી. બીજી ગોળી મધ્યરેખાથી એક ઈંચ જમણી બાજુએ સાતમી પાંસળીની નીચેની જગ્યાએ વાગી હતી અને ત્રીજી ગોળી છાતીની જમણી બાજુએ ઉરુ-સ્થળથી એક ઈંચ ઉપર અને મધ્યરેખાથી ચાર ઈંચને અંતરે વાગી હતી. પહેલી અને બીજી ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હતી. ત્રીજી ફેફસામાં પુરાઈ રહી હતી. પહેલી ગોળી ગાંધીજીને વાગી ત્યારે તેમનો જે પગ ગતિમાં હતો તે વાંકો વળી ગયો. બીજી અને ત્રીજી ગોળી છૂટી ત્યારે પણ તેઓ પોતાના પગ પર ઊભા હતા. પછી તેઓ ઢળી પડ્યા. તેમના બોલેલા છેલ્લા શબ્દો હતા : ‘રામ ! રામ !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ)”

Copy Protected by Chetan's WP-Copyprotect.