ચશ્માં – હરિશ્ચંદ્ર

[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો.’ રમા કંઈ ન બોલી. મોઢું ફુલાવી કામે લાગી ગઈ.

ચીમનકાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની વાત તરફ કાંઈ ધ્યાન ન આપ્યું ! ઊલટાની મોઢું ચઢાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાનો થઈ ગયો છે ? આ આઘાતમાં બે-ચાર દિવસ તો ફરી ચશ્માંની વાત ન કાઢી શક્યા. પણ ખૂબ અગવડ પડતી હોવાથી પછી એક દિવસ દીકરાને કહ્યું, ‘બેટા, મારી આંખો ફરી તપાસાવવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે.’
પણ મનુ કાંઈ બોલે તે પહેલાં જ રમા બોલી, ‘આમ તો ઘરમાં જ રહેવાનું હોય છે ને તમારે ! થોડોક વખત કથા સાંભળવા નહીં જવાય, તોયે શું બગડી જવાનું ?’

ચીમનકાકા સડક થઈ ગયા. મનુ વાત વાળી લેતાં બોલ્યો :
‘આ રવિવારે કૉલેજમાંથી અજંતા, ઈલોરા, દોલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે….’
‘હા, હા….. તું અને રમા પણ જરૂર જઈ આવો.’
‘પ….ણ….. થોડો ખર્ચ વધશે તેથી તમારાં ચશ્માં આવતે મહિને બદલીશું તો ચાલશે ને ?’ મનુ થોડોક અપરાધી ભાવે બોલ્યો. ચીમનકાકાએ હા, હા કહીને જાતને સંભાળી લીધી. પણ રમા ડબકું મૂકતી ગઈ, ‘તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવે તો મફતમાં કામ પતી જશે.’

દોલતાબાદનો કિલ્લો જોઈ બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. કિલ્લાના ભગ્નાવશેષ જોઈ મન ખિન્ન થઈ ગયેલું. એક વિદ્યાર્થી બોલ્યો : ‘આપણે વૃદ્ધ માબાપની પ્રેમથી સાર-સંભાળ રાખીએ છીએ ને ! તેવી જ રીતે પૌરાણિક ને ઐતિહાસિક દષ્ટિએ મહત્વનાં સ્થળોની સંભાળ ન લેવાવી જોઈએ ?’
ચર્ચા ચાલતી હતી. પણ મનુ શૂન્યમનસ્ક થઈ ગયો.
‘માબાપની પ્રેમથી સારસંભાળ’ વિદ્યાર્થીના ભાવનાભર્યા શબ્દો એને ચૂભી ગયા. પિતાએ પોતાને માટે શું શું નથી કર્યું ? હતા તો એક પ્રાથમિક શાળના શિક્ષક. માંડ પૂરું થતું. છતાં કેટકેટલી મહેનત કરી ભણાવ્યો ! એમને કેટલી કરકસર કરવી પડતી ! એક ધોતિયું સાંધી-સુંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો-પરણાવ્યો. રમાનો ઘરેણાંનો શોખ પૂરો કરવા પોતાની જિંદગી આખીની મામૂલી બચત ખુશીથી આપી દીધી હતી…. અને એમની આવી મામૂલી ચશ્માં જેવી આવશ્યકતા પૂરી કરતાં મેં ગલ્લાંતલ્લાં કર્યાં ?…. સામે કિલ્લાની જગ્યાએ તેને પિતા જ દેખાવા લાગ્યા – ચશ્માં વિના લથડતા, અથડાતા, કુટાતા. હરવા-ફરવામાંથી મનુનો રસ ઊડી ગયો. નાના નાના પ્રસંગોનો સંદર્ભ નાહકનો પિતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું.

પ્રવાસમાંથી ઘેર પહોંચતાં એણે અધીરા થઈ બૅલ વગાડ્યો. એને હતું કે ઝટ ઝટ પિતાને ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવાં ચશ્માં અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માગતો હતો. પણ બારણું ઊઘડતાંવેંત સામે પિતાની આંખો એક નવી સુંદર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી, ‘કેમ, મજાનો રહ્યોને પ્રવાસ ? કોઈ તકલીફ તો નથી પડીને ? ઠંડીમાં પૂરતાં ગરમ કપડાં લઈ ગયેલાં કે નહીં ?’ પિતાની પ્રેમભરી પૂછતાછ મનુના કાનથી ચિત્ત સુધી પહોંચી જ નહીં. એ નવાં ચશ્માં જ જોયા કરતો હતો. પિતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે ?….. પણ ના, આટલી કીમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે ?….. એ પૂછ્યા વિના ન રહી શક્યો,
‘તમે ધર્માદા દવાખાને ગયા હતા ?’
‘અરે, ના, એ તો આપણો પ્રકાશ જોશી ! ઓળખ્યો ને ? તારા કરતાં એક વરસ આગળ.’
મનુને યાદ આવ્યો પ્રકાશ. એક બહુ ગરીબ વિદ્યાર્થી. ખૂબ હોંશિયાર. પિતાનો ઘણો લાડકો. એને ભણવામાં ઘણી મદદ પણ કરતા.
‘હા, હા,…. પણ તેનું શું ?’
‘સવારે ઘેર આવેલો. એ આંખોનો મોટો ડૉક્ટર થયો છે. આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતાંવેંત પગે પડ્યો. મેં તુરંત ઓળખ્યો નહીં, તેમાંથી આ ચશ્માંની વાત નીકળી. અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવાં ચશ્માં અપાવી આવ્યો ! હું ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રકાશ શાનો ?’ કહેતાં ચીમનકાકાનું ગળું ભરાઈ આવ્યું.

પ્રકાશનાં અપાવેલ ચશ્માંથી પિતાને તો સાફ દેખાવા માંડ્યું જ હતું, પણ તેનાથી મનુની આંખો પણ સારી એવી ખૂલી ગઈ !

(શ્રી શૈલજા કાવઠેની મરાઠી વાર્તાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ
જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત Next »   

26 પ્રતિભાવો : ચશ્માં – હરિશ્ચંદ્ર

 1. NAVINBHAI RUPANI U.S.A. says:

  ખુબ જ સુન્દર્…..!!

 2. NAVINBHAI RUPANI U.S.A. says:

  GOOD &VERY NICE STORY FOR TODAY YOUNGSTAR…….

 3. v a joshi says:

  અભિનન્દન,
  સરસ ચોટદાર વાર્તા

 4. Jayshree Ved says:

  Congrats,Awesom,heart touching story

 5. Harsh says:

  ખુબ સરસ . . ..

 6. સુંદર વાર્તા

 7. ગુજરાતી માં એક કેહવત છે કે છોરૂ કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય

 8. Nirali Shah says:

  Very Very Very nice story…..

 9. પ્રકાશના ચશ્માએ પિતાને સાફ દેખતા કર્યા અને પુત્રની આખ ઉઘાડી !
  અહી એકલા સુન્દરથી ના ચાલે,… અતિ સુન્દર!!!!!
  ” કોન અપના કોન પરાયા”

 10. Rupal says:

  Very nice heart touching story.

 11. Divyesh says:

  બહુ સરસ….

 12. JyoTs says:

  i hope each and every child remembers the importance of parents till eternity…

 13. Nikhil Vadoliya says:

  Very Very Very Very Very Very nice ખુબ સુંદર ………

 14. kavita dave says:

  એક્દ્મ સાચિ વાત ચ્હે.સગા ક્ર્ર્તા પાદોશિ કાલમ આવે એવિ વાત ચ્હે.

 15. Vaishali Maheshwari says:

  Very simple incidence, but with a very big moral…Enjoyed reading this story…

  Just feel like reading this again and again:

  મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત

  ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
  અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

  પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
  એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

  કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
  અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

  લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
  એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

  લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
  એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

  સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
  જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

  ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
  એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

  પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
  એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
  પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

  We all should always remember:
  Parents are God on earth for each of us and we should treat them like we would treat our kids (with all love and care).

  Thank you Author for sharing this with us and hopefully this story would enlighten thinking of people who do not treat their Parents well.

 16. SANJAY UDESHI says:

  મા બાપ ને ભુલ્સો નહિ.

 17. Ekta Pal Singh says:

  Very nice story

 18. મા બાપને ભૂલશો નહિ

 19. lagdhir solanki says:

  really heart touching fadduuu story….

 20. “માતા પિતા પ્રભુ છે”

  કોના એ એક ગહન પ્રશ્ન છે.

  click on

  http://www.pravinash.wordpress.com

 21. Dinesh says:

  બાગબાનની યાદ કરાવિ દિધિ
  ખુબ સરસ

 22. Tejal says:

  ખુબ જ સરસ……..

 23. Shrikant s. mehta says:

  Youngster must read this story. Very fine story.

 24. Arvind Patel says:

  માં બાપ એ ફક્ત આપણી જવાબદારી જ નથી પણ આપણી ફરજ છે. જે માં બાપે આપણને ઘણું ઘણું વેઠી ને આપણને લાયક બનાવ્યા, અને જો આપણે તેમને દુખી કરીએ તો તે ભગવાનને દુખી કરવા બરાબર છે. માં બાપ જેમ ઘરડા થયા તેમ આપણે પણ એક દિવસ ઘરડા થવા ના જ છીએ. જેવું કરીશું તેવુજ પામીશું. આતો કુદરત નો ક્રમ છે.

 25. pradip ramavat says:

  sir very beautiful thenks

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.