જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.]

ઘરની સામે જ ઉપાશ્રય છે. સાધુસંતોનું નિવાસસ્થાન. વર્ષાઋતુ દરમ્યાન સાધુ મહારાજ એકધારું રહે, શેષકાળમાં અલ્પ સમય રોકાય. ગૃહસ્થો ધર્મની આરાધના માટે નિયમિત ઉપાશ્રયે આવે. સવાર, બપોર, સાંજ એમનું આવનજાવન ચાલુ જ હોય. રોજેરોજ આવનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. સાધુ મહાત્મા ન હોય તો નિવૃત્ત, એકાકી ગૃહસ્થો સાથે બેસીને સત્સંગ કરતા હોય છે.

ઉપાશ્રયમાં હમણાં હમણાં અનિલભાઈ પણ આવે છે. વહેલી સવારે તેઓ આવી જાય, મહારાજ સાહેબનું વ્યાખ્યાન પતે પછી પણ તેમને ઘેર જવાની ઉતાવળ ન હોય. તેમનાં દીકરાદીકરી પરદેશ વસ્યાં છે, તેઓ પરદેશમાં સારું કમાય છે. અનિલભાઈને પણ અહીં પોતાનું અદ્યતન સગવડોવાળું ઘર છે, નિયમિત બેઠી આવક છે, તેથી તેમણે પોતાનો ધંધો સમેટી લીધો છે. અનિલભાઈનાં પત્ની દેવલબહેનનું એક વર્ષ પહેલાં અવસાન થયું છે. દેવલબહેનના અવસાન નિમિત્તે દીકરોદીકરી સહકુટુંબ આવ્યાં હતાં. દીકરી એકાદ મહિનો રોકાઈ હતી અને અનિલભાઈને આગ્રહપૂર્વક ખૂબ સ્નેહથી પોતાની સાથે પરદેશ લઈ ગઈ હતી. દેવલબહેને એમના જીવનના છેલ્લા દિવસોમાં અનિલભાઈને કહ્યું હતું : ‘હું ન હોઉં ત્યારે સંતાનો સાથે રહેવા જતા રહેજો.’ અને વરસો પહેલાં સંતાનોને પણ કહ્યું હતું, ‘અમે બેઉ હયાત હોઈશું ત્યાં સુધી અહીં રહીશું પણ બેમાંથી એક થઈએ ત્યારે તમારી સાથે આવીને વસીશું.’

ત્યારે સંતાનોએ કહ્યું હતું : ‘મમ્મી, બેમાંથી એક થાઓ ત્યારે શું કામ ? તમે બેઉ સાથે અમારી જોડે આવીને રહો ને ! તમારાં ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ દાદા-દાદીની હૂંફ અને કાળજીભર્યો પ્રેમ મળે.’ સંતાનોની વાત સાંભળી ઉમળકો આવ્યો. અનિલભાઈ તથા દેવલબહેન થોડા સમય માટે સંતાનો સાથે રહેવા જતાં પણ પછી તો તેઓ ભારતમાં પાછાં આવી જતાં. સંતાનો એમની ચિંતા કરે ત્યારે અનિલભાઈ કહેતા : ‘અમે તો નવેસરથી અમારું જીવન ગોઠવ્યું છે, અને એય મસ્તીથી જીવીએ છીએ. અમને જરાય એકલાપણું નથી લાગતું.’ પરંતુ દેવલબહેન મૃત્યુ પામ્યાં પછી દીકરી અનિલભાઈને પરદેશ પોતાના ઘરે લઈ ગઈ, પણ અત્યાર સુધી ભારતમાં સ્વતંત્રપણે રહેવા ટેવાયેલા અનિલભાઈ દીકરી કે દીકરા એકેની સાથે ગોઠવાઈ શક્યા નહિ. દીકરી-દીકરો એમની બધી સગવડો સાચવતાં પણ અનિલભાઈ પરદેશમાં ગોઠવાઈ શક્યા નહિ અને ભારત પોતાના ઘેર પાછા આવ્યા.

સ્વદેશમાં પોતાના ઘરમાં પોતાની રીતે અનિલભાઈ રહે છે. એમના દૈનિક ક્રમમાં વિક્ષેપ પાડનાર કોઈ નથી. કોઈ એમને ટોકનાર નથી. અહીં એમણે કોઈને ‘એડજસ્ટ’ થવાનું નથી. અહીં તો મનકી મરજી-દિલકા રાજ છે, છતાંય તેઓ બેચેન જ રહે છે. અનિલભાઈને સ્નેહાળમિત્રો છે, જેઓ અનિલભાઈને જાણે છે, સમજે છે. તેઓ અનિલભાઈને નિર્વેદ દશામાં જોઈને પ્રેમથી બે શબ્દો કહેવા જાય એ સમયે અનિલભાઈ ઉદાસ સૂરે બોલે છે : ‘આજ સુધી તો પ્રતિક્ષણ દેવલ મારી સાથે ને સાથે જ રહેતાં. રાત્રે મારી ઊંઘ ઊડી જાય અને હું પડખું ફેરવું તો તરત દેવલને ખબર પડી જતી અને પ્રેમથી પૂછતી, ઊંઘ નથી આવતી ? કેમ ઊંઘ નથી આવતી ? અને મારા જવાબની રાહ જોયા વગર મારી સાથે વાતો કરવા માંડતી. એના એ સંવાદમાં એવું કયું માધુર્ય હતું કે હું ઊંઘી જતો, ઘસઘસાટ ઊંઘી જતો. એ જિંદગી હેતપ્રેમ અને રંગરસથી છલકાતી હતી. દેવલના સંગે હું કાયમ પ્રસન્ન જ રહ્યો છું. ખૂબ પ્રસન્ન. અમારાં દીકરી દીકરો ઘર અને દેશ છોડીને પરદેશ જઈ વસ્યાં ત્યારેય દેવલનો સંગ હતો તેથી મને કદીય એકલાપણું નથી લાગ્યું, અમારી જિંદગી રળિયામણી જ રહી હતી. દેવલ સવારે ઊઠે ત્યારથી ગીતો ગાય, રસોડામાં કામ કરતી જાય અને ગાતી જાય, કુછ લેના ન દેના મગન રહના…. અને અમે અમારામાં મગ્ન રહેતાં.

દેવલમાં જીવવાનો જબરજસ્ત ઉત્સાહ હતો. એનું નાનામાં નાનું કામ પણ કલાત્મક રીતે થયેલું હોય. અમે નોકર રાખતા નહિ, દેવલને કામ કરતી હું જોઉં એટલે હુંય એની સાથે જોડાઈ જતો. ઘરનાં રોજિંદા કામો કરતાં એ સાહિત્યની અને ઉદાત્ત જીવન જીવનારાં નોખાં માનવીની એટલી વાતો કરતી કે કોઈ કામ અમને નીરસ ન લાગતું. કોઈ પણ પ્રકારની યાંત્રિકતા અમારા કામને સ્પર્શી પણ શકતી નહિ. પ્રત્યેક ક્ષણ નાવીન્ય અને તાજગીસભર લાગતી. રસોઈ કરતી વખતેય એ પૌષ્ટિકતાનો પૂરો ખ્યાલ રાખે. એ કહેતી આપણે સારી રીતે જીવવું હોય તો અડધા વૈદ્ય બની જવું જોઈએ. આપણા શરીરને પૂરેપૂરું સમજવાનું અને એને પોષણ મળે એવું જ આપવું જોઈએ. દરેક કામમાં એની નિયમિતતા, ચોકસાઈ, ચીવટ જોઈને હું આભો બની જતો. એની ઉંમર વધતી જતી હતી પણ એના ઉત્સાહ અને પ્રસન્નતામાં ક્યાંય જરાય ઓટ આવી ન હતી. એ સગાં, સ્નેહીજનોના વ્યવહાર સાચવે, કોઈને સહાયની આવશ્યકતા હોય તો પોતાનાથી બનતું બધું કરી છૂટતી. એની જાતને શ્રમ પડે તોય હું થાકી કે હું કંટાળી જેવા શબ્દો એના મોંથી કદી ના નીકળે. હું એને પૂછતો : ‘તું કેમ થાકતી નથી, કેમ કંટાળતી નથી ? તો એ કહેતી મને જીવવાનું બહુ ગમે છે, રંગરસભરી આ દુનિયા, આ દુનિયાના માણસો, આ કુદરત, આ સૂરજ, ચંદ્ર, તારા, આ વૃક્ષો બધું મને બહુ ગમે છે. સવારે મારી આંખ ખૂલે છે ત્યારે આપોઆપ પ્રભુનું સ્મરણ થઈ જાય છે, પ્રભુનો આભાર મનાઈ જાય છે કે એણે આપણને કેટલું સરસ જીવન આપ્યું છે.’

અનિલભાઈના મોંએ દેવલબહેનની વાતો સાંભળતાં વિનોદભાઈ તરત બોલતા, ‘દેવલબહેન સાથે તમે પિસ્તાળીસ-પચાસ વર્ષ રહ્યા તોય એમના સંગનો રંગ તમને ના લાગ્યો ? અનિલભાઈ, તમે કેમ આવા કોરાધાકોર રહી ગયા ? સંતાનો પરદેશ જઈ વસ્યાં, તમારું ઘર સૂનું પડી ગયું હતું તોય દેવલ બહેને ન હતો નિસાસો નાખ્યો, ન હતી ફરિયાદ કરી. જીવનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ તે એમણે સ્વીકારી લીધી. એમના મૃત્યુનો એમને અણસાર આવી ગયો હતો તોય એમણે કેટલી સાહજિકતાથી પોતાની વિદાયની તૈયારી કરી હતી. અને તમે ? અનિલભાઈ, તમે કેમ વલોવાયા કરો છો ? તમે દેવલબહેનની જેમ કેમ નથી વિચારતા ? આ ઉંમરે તો આપણે ફિલૉસૉફરની જેમ વિચારવાનું અને જીવવાનું હોય.’ અનિલભાઈ કહેતા, ‘દેવલને તો એની જાતમાં અને ઈશ્વરમાં અનહદ શ્રદ્ધા હતી. અમારા જીવનમાં ક્યારેક કશું અણધાર્યું, આઘાતજનક બનતું ત્યારેય દેવલ તો ગાતી, ‘ઘૂંઘરું કી તરહ બજતા હી રહા હૂં મૈં….’ એના ચિત્તમાંથી કદી બેસૂરો સૂર નીકળ્યો જ નથી, તેથી અમારા જીવનનો લય કદી ખોરવાયો નથી.’

ભાવવિભોર થઈ વિનોદભાઈ કહેતા, ‘અનિલભાઈ, દેવલબહેનને પામ્યા પછીય તમે એમના જેવા પ્રસન્ન ન રહો તો કોની હાર ? કોની આ નિષ્ફળતા ? દેવલબહેન તમને ઉદાસ ઉદાસ જોઈને કેવું દુઃખ પામતા હશે એનો વિચાર કરો. તમે દેવલબહેનને યાદ કરો છો, પણ એની સાથે એમની જીવનદષ્ટિને યાદ કરો અને ખુશ રહો. એમની સાથે એમની રીતે જીવ્યા છો, એ જીવનરીતિ કેમ વિસરી ગયા છો ?’
‘પણ એ મને એકલો મૂકીને શું કામ જતી રહી ? ઉપર જવાની એને એટલી બધી ઉતાવળ આવી ગઈ ?’ નાના બાળકની જેમ રડમસ અવાજે અનિલભાઈ બોલ્યા.

વિનોદભાઈ બોલ્યા, ‘તમે ક્યાં એકલા છો ? દેવલબહેન સાથેનાં હજારો લાખો સ્મરણો તમારી ભીતર પડ્યાં છે, વળી ભગવાન તો તમારી કાળજી રાખે જ છે. તમે સ્વદેશમાં આવવા ધાર્યું તો સ્વદેશ આવી શક્યા, તમારાં હૃદય, મન, મગજ બધું સાબૂત છે, શરીરમાં ભલે યુવાનીનું જોમ ન રહ્યું હોય તોય તમારા નિત્યક્રમમાં કોઈ ફરક નથી પડ્યો. તમને કોઈ રોગ નથી. કોઈ દવા લેવી નથી પડતી. વળી આપણા ઘરની નજીક લાઈબ્રેરી છે, તમારી રુચિ પ્રમાણેનું સારું સારું સાહિત્ય લાવીને વાંચો અને કેટલા બધા મિત્રો છે. મારી સાથે ઉપાશ્રયમાં આવવાનું રાખો. આપણે ભલે સફેદ કપડાં પહેરીને, માથું મુંડાવીને કે ઘર ત્યાગીને સાધુ ના બનીએ પણ ઉપાશ્રયમાં પ્રવેશતાં કોઈ અજબની આધ્યાત્મિકતાનો સ્પર્શ આપણને થાય છે. કોઈ એવા વિશ્વનો આપણને પરિચય થાય છે કે તમારી આ ગ્લાનિ, વિષાદ જતાં રહેશે.’

વિનોદભાઈના આગ્રહથી અનિલભાઈ ઉપાશ્રયે આવે છે, હવે તો એ કહે છે, ‘પ્રિયજન સાથે મિલન અને એનાથી કાયમ માટે છૂટા પડવું એ જીવનની અનિવાર્ય ઘટના છે. એને સ્વીકારી લેવાની. આપણને સ્વીકારવું ન ગમે એવું આ સત્ય છે. પરંતુ કોઈનોય સાથસંગાથ ચિરકાળનો નથી હોતો. કાળક્રમે દરેક જણ વિદાય થાય છે. સમતા રાખીને આપણે જીવવાનું. ઈશ્વરમાં કે જાતમાં શ્રદ્ધા નહિ ગુમાવવાની. જે મળ્યું એને સવાયું માનવાનંે અને સ્વસ્થ રહેવાનું, પ્રસન્ન રહેવાનું.’

કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે કહ્યું છે કે, ‘ચોતરફ છો ઝાંઝવાનાં જળ મળે, પણ સદા શ્રદ્ધાને ગંગાજળ મળે.’ આપણે શ્રદ્ધાથી જીવવાનું. દુઃખોને મહાત કરીને જગત આખાને રળિયાત કરવાનું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “જીવનનો લય ખોરવાવો ન જોઈએ – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.