- ReadGujarati.com - http://www.readgujarati.com -

સો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી

[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ]

જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા માણસો આંખ પહોળી કરીને આશ્ચર્ય પામે છે. આવા દીર્ઘાયુષીઓ પોતાના આવા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પોતે માની લીધેલાં કારણો આગળ ધરે છે. કોઈક વ્યાયામપ્રેમી દીર્ઘાયુષી પોતાના દીર્ઘાયુષ્ય માટે નિયમિત વ્યાયામને યશ આપે છે. તો કોઈક મિતાહારી પોતાની ખોરાકની ટેવોને આગળ ધરે છે. કોઈક વળી શિવામ્બુપાનને તો અન્ય કોઈ વળી યોગ કે ધ્યાનને કારણભૂત માને છે.

આવાં કારણોનો આંખ મીંચીને સ્વીકાર કરતાં પહેલાં કોઈ પણ બુદ્ધિશાળી માણસે નિયમિત વ્યાયામ કરવા છતાં, મિતાહાર, શિવામ્બુપાન, યોગ કે ધ્યાનમાં રચ્યાપચ્યા રહ્યા હોવા છતાં અકાળે મૃત્યુને વશ થઈ જનારા કિસ્સાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ. દીર્ઘાયુષી માણસ પોતા પૂરતું જે કંઈ કારણ આગળ ધરતો હોય એ એની તર્કપૂર્ણ ન કહી શકાય એવી અંગત માન્યતા છે. એ માન્યતા સાચી હોય તોપણ એની મર્યાદા એ વ્યક્તિ પૂરતી જ રહે છે. હકીકતે આવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ એક ચોક્કસ કારણ આગળ ધરી શકાય નહિ.

આ પરિણામ ઘણાંબધાં કારણોના સંયોજનથી નિપજાવી શકાય. આમ છતાં આ બધાં કારણોના સંયોજનથી દરેક કિસ્સામાં આવું જ પરિણામ આવશે એની પણ કોઈ ખાતરી આપી શકાય નહિ. જેને પ્રારબ્ધ કહીએ એવું આ અગમ્ય અને અકળ તત્વ છે. મહાભારતના અનુશાસનપર્વમાં રાજા યુધિષ્ઠિરે શરશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મને જ્ઞાનપ્રાપ્તિ માટે જે પ્રશ્નો પૂછ્યા છે એમાં એક પ્રશ્ન આવો પણ છે : ‘માણસની આયુમર્યાદા સો વર્ષની છે. આમ છતાં કેટલાક માણસો બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં કે મધ્યમાવસ્થામાં જ મૃત્યુ પામે છે. દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે માણસે શું કરવું જોઈએ ?’ એના જવાબમાં પિતામહ દીર્ઘાયુષ્ય કયાં વહેવારિક આચરણોથી મેળવી શકાય અને કયાં આચરણોના નિષેધથી દીર્ઘાયુ થઈ શકાય એની લાંબી યાદી આપે છે. આ યાદીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમથી પણ રસપૂર્વક તપાસવા જેવી છે. આ યાદીનાં કેટલાંક લક્ષણો આપણે તપાસીએ.

[1] જેઓ ઊભાં-ઊભાં ભોજન કરે છે કે લઘુશંકા કરે છે અથવા એઠા મોઢે ચારેય બાજુ ફરે છે એમનું આયુ યમરાજ ક્ષીણ કરે છે. – આ મુદ્દો ભારે રોચક છે. ભોજનાર્થે એક સ્થાને સ્થિર બેસીને બધું જ ધ્યાન ભોજનમાં કેન્દ્રિત કરવાથી પાચક-રસો વધુ ક્રિયાશીલ બને છે. આ કારણે ખાદ્યપ્રદાર્થો એમના રસકસથી દેહને અને બુદ્ધિને યોગ્ય રીતે વિકસિત કરે તથા રસહીન થયેલા આવા પદાર્થો સુયોગ્ય રીતે વિસર્જિત થાય. આયુર્વેદે પણ આ જ વાત કરી છે. આજે ડાઈનિંગ ટેબલ પર બેસીને ટીવી જોતાં-જોતાં ભોજન લેવાય છે. એનાથી ધ્યાન ટીવીના પડદા ઉપર કેન્દ્રિત થવાને કારણે ખાદ્યપદાર્થ સાથે જીભમાંથી ઝરતાં પાચક તત્વો સમરસ થતાં નથી. આજે તબીબીશાસ્ત્ર આ ભયસ્થાન દર્શાવે છે. લઘુશંકામાં અહીં પુરુષ જ અભિપ્રેત લાગે છે. આ વિશે પણ વૈદકશાસ્ત્ર એવું સૂચવે છે કે જો પુરુષ જૂની પદ્ધતિ પ્રમાણે ઉભડક બેસીને મૂત્રત્યાગ કરે તો પેડુના નીચેના ભાગમાં જ્યાં બ્લેડર આવેલું છે ત્યાં દબાણ આવવાથી મૂત્રવિસર્જન છેલ્લા ટીપા સુધી સરળતાથી થાય છે.

[2] ભોજન દરમિયાન મૌન જાળવવું જોઈએ એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ મૌન સમજી શકાય એવી વાત છે. ભોજન દરમિયાન જો વાતચીત કે ચર્ચાવિચારણા થાય તો એ બે રીતે હાનિકર્તા બને છે. પ્રથમ તો માણસનું ચિત્ત સો ટકા ભોજનમાં રહેવાને બદલે અન્ય વિચારો તરફ દોરાય છે. આ કારણે લાળગ્રંથિનો સો ટકા સહકાર એને સાંપડતો નથી. બીજું, અન્નનળી અને શ્વાસનળી તદ્દન નિકટ હોવાને કારણે બોલવું અને જમવું એકીસાથે કરવામાં અંતરસ જવાનું જોખમ છે જ. આવા અંતરસ જવાને કારણે શ્વાસ રૂંધાઈ જાય અને મૃત્યુ થયું હોય એવા દાખલા આજેય આપણી નજર સામે છે.

[3] પિતામહ કહે છે કે જેઓ શય્યા તરીકે કડક પથારી પસંદ કરે છે એમને નિરામય દીર્ઘાયુષ પ્રાપ્ત થાય છે. જેમાં દેહ ફંગોળતાં વેંત એક ઊંડા ઊતરી જવાય એવી વિવિધ બ્રાન્ડોની વૈભવી પથારીઓ ત્યાજ્ય ગણવી જોઈએ એવું હવે આધુનિક તબીબીશાસ્ત્ર પણ કહે છે. કરોડરજ્જુને કારણે પેદા થતી અનેક આનુષંગિક બીમારીઓનું મૂળ આવી પથારીઓ છે અને એનો ઉપચાર સખત સપાટીની પથારી છે. આ વાત હવે સૌ કોઈ સ્વીકારે છે.

[4] અર્ધી રાત સુધી જેઓ ‘ચતુષ્પથ’ સેવે છે એમને માટે દીર્ઘાયુષ શક્ય નથી. આ ‘ચતુષ્પથ’ શબ્દ સમજવા જેવો છે. ચતુષ્પથ એટલે જ્યાં ચાર રસ્તા એકત્રિત થાય છે એ ચોક. ટૂંકમાં ચોક ઉપર, ચોરા ઉપર, આજના સંદર્ભમાં કહીએ તો ગલીના નાકા ઉપર કે પાનબીડીના ગલ્લા ઉપર જેઓ મોડી રાત સુધી ઝૂમતા રહે છે એમને માટે દીર્ઘાયુષ સંભવિત નથી. મોડી રાત સુધી બહાર મિત્રો સાથે ટોળાટપ્પાં કરીને ઘૂમતા રહેતા તરુણોને જાણે અહીં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નિદ્રા માટે બીજો પ્રહર સહુથી ઉત્તમ ગણાયો છે. આ પ્રહર ટોળાટપ્પાંમાં વિતાવી દીધા પછી જે નિદ્રા પ્રાપ્ત થાય છે એ સ્વપ્નાવસ્થા જેવી હોય છે અને ગાઢ હોતી નથી. સ્વાસ્થ્ય ઉપર આની વિપરીત અસર થાય જ.

[5] સૂર્યોદય પછી સૂતા રહેવા ઉપર પિતામહ ભીષ્મે નિષેધ ફરમાવ્યો છે. એટલું જ નહિ, બપોરવેળાએ ઊંઘવા વિશે પણ એમણે અપ્રસન્નતા વ્યક્ત કરી છે. આજે ચરબી કે સ્થૂળતાના પ્રશ્નો વધતા રહ્યા છે. ચરબીને કારણે કલેસ્ટરૉલ જેવા વ્યાધિઓ પણ ઉદ્દભવે છે. ચરબીનું સર્જન દેહમાં વહેલી સવારની નિદ્રાવસ્થામાં જ થાય છે એવું આધુનિક વિજ્ઞાન પ્રતિપાદિત કરે છે. જેઓ મધ્યાહ્નના ગાળામાં ઊંઘે છે એમને પણ ભોજનને અંતે જે પાચનનાં પરિણામો મળવાં જોઈએ એમાં મુખ્યત્વે ચરબી જ મળે છે. બપોરના ભોજન પછી આરામ કરવો કે ઘડીક આડે પડખે થવું એ એક વાત છે અને ઊંઘી જવું એ બીજી વાત છે. પિતામહ ભીષ્મ અહીં ઊંઘવા સામે લાલબત્તી ધરે છે, આડે પડખે થવા સામે નહિ.

[6] રાત્રે ઠાંસીઠાંસીને ભોજન કરવું નહિ, એટલું જ નહિ, ભોજન કર્યા પછી તરત જ ક્યારેય દોડવું નહિ. રાત્રે મોડેથી ભોજન કરવાથી ગૅસ વગેરે વ્યાધિ ઉત્પન્ન થાય છે અને ભોજન કરીને તરત જ જો દોડધામ કરવામાં આવે તો એનાથી પેટના જુદાજુદા રોગો પેદા થાય છે. આ વાત તબીબીવિજ્ઞાન તો સ્વીકારે જ છે, પણ આપણા સહુના પ્રત્યક્ષ અનુભવની પણ છે.

[7] ઉત્તરદિશામાં ઓશીકું રાખીને નિદ્રાધીન થનારનું આયુષ્ય ક્ષીણ થાય છે. દેહમાં અમુક ચોક્કસ પ્રકારની ગુરુત્વાકર્ષણશક્તિ રહેલી હોય છે અને માણસ જ્યારે નિદ્રાવશ થાય છે ત્યારે આ શક્તિપ્રવાહ શાંત થઈ જાય છે. શક્તિનો પ્રવાહ હંમેશા જે ભાગમાં અણીવાળો વિસ્તાર હોય એ ભાગમાં એકત્રિત થાય છે એ પદાર્થવિજ્ઞાનનો સિદ્ધાંત આપણે સહુ જાણીએ છીએ. પ્રાચીન આર્ય સ્ત્રીપુરુષો લાંબા વાળ રાખતા, એટલું જ નહિ, પુરુષો માટે શિખાનું પણ એક ખાસ મહત્વ હતું. રાત્રિ દરમિયાન દેહમાં શાંત થયેલી ગુરુત્વાકર્ષણ શક્તિ મસ્તકના સહુથી વધુ અણિયાળા વિસ્તાર એટલે કે વાળમાં આવીને એકત્રિત થતી હોય છે. ઉત્તરધ્રુવના બિંદુમાં જે ગુરુત્વાકર્ષણ વસેલું છે એવું જ આકર્ષણ દેહમાં છે. આકર્ષણનો આ ઊર્જાપ્રવાહ નિદ્રાવસ્થા દરમિયાન મસ્તકમાં અને ખાસ કરીને વાળમાં સ્થિર થતો હોવાથી ઉત્તરમાં દિશા અને મસ્તકના આ પ્રવાહો વચ્ચે અપાકર્ષણ થાય છે. ઉત્તરનું ચુંબકીય તત્વ વધુ સમર્થ હોવાને કારણે દેહની ચુંબકીય ઊર્જા એનાથી અપાકર્ષિત થઈને શરીરમાં પાછી ધકેલાય છે. પરિણામે એ ગાઢ નિદ્રામાં વિઘ્નકર્તા થાય છે. આવી અધૂરી નિદ્રાને કારણે લાંબા વખતે તન અને મન બંનેમાં અજંપો પેદા થાય છે.

[8] મૈથુન (sex) દિવસ દરમિયાન વર્જ્ય ગણાયું છે, એટલું જ નહિ, સ્ત્રી એના માસિકધર્મ પછી અમુક ચોક્કસ દિવસોમાં હોય ત્યારે જ મૈથુન ઈષ્ટ છે, અન્યથા એ મનુષ્યને ક્ષીણ કરે છે. – આધુનિક વિજ્ઞાનમાં આ વિશે ઠીકઠીક મતભેદ છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે વહેલી સવારે જ્યારે મન અન્ય ઉત્તાપોથી મુક્ત થયાં હોય અને તન ઓછામાં ઓછાં શ્રમિત હોય એવા વખતે જો સંબંધ થાય તો મૈથુનનો પૂર્ણ સંતોષ અને સંભવિત બાળકનો પૂર્ણ વિકાસ થાય એવું આજે અમુક પશ્ચિમના નિષ્ણાતો કહે છે. આથી ઊલટું મોટા ભાગે એવું સ્વીકારાયું છે કે મૈથુન પછી તરત જ બંને પક્ષે એક જાતનો થાક અને નિર્વેદ એમ બંને લાગણી પેદા થતી હોય છે. આમાંથી મુક્ત થવા માટે મૈથુનનો ઉત્તમ સમય રાત્રિનો બીજો પ્રહર ગણાયો છે. એ પછી થોડા કલાકોની સ્વસ્થ નિદ્રાથી વળતે દિવસે તાજગીનો અનુભવ થાય છે. આ લક્ષમાં લેતાં પિતામહ ભીષ્મનું મૈથુનવિષયક નિરીક્ષણ વિચારવા જેવું છે.

[9] દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, રોષ, અણગમો – આ બધા અમંગળ ભાવો ગણાયા છે. શત્રુતા, હત્યા વગેરે ક્રૂર વિચારો છે. આવા અમંગળ ભાવો તથા ક્રૂર વિચારોથી જે સતત ઘેરાયેલો રહે છે એ પોતાનું આયુષ્ય ક્ષીણ કરે છે. – આજે વિજ્ઞાને એક વાત સિદ્ધ કરી છે કે ડાયાબિટીસ, હૃદયરોગ, લોહીનું દબાણ, અલ્સર જેવા ઘણાખરા જીવલેણ રોગ કંઈ રાતોરાત થતા નથી. આ દરેક પ્રકારના રોગીની માનસિક અવસ્થા કેવીકેવી હોઈ શકે એનોય અંદાજ હવે કાઢવામાં આવ્યો છે. વરસો સુધી જેણે મનમાં સતત પીડા સહન કરી છે, ક્યારેય કોઈની સમક્ષ દિલ ખોલીને જેણે વાત કરી નથી, પારિવારિક જીવનમાં જેણે સદાય ચિંતા અને ક્રોધ વચ્ચે જ જીવન વિતાવ્યું છે એ બધા લોહીનું ઊંચું દબાણ કે હૃદયરોગનો ભોગ બને છે. આ બધા નિષેધાત્મક ભાવો જેઓ સતત સેવે છે એ વખત જતાં જુદાજુદા રોગનો ભોગ બને અને એમનો દેહ સહેલાઈથી મૃત્યુની દિશામાં આગળ વધે એવો જ સંકેત એમાં છે. ખાસ કરીને ક્રોધ, ઈર્ષ્યા અને ચિંતા – આ ત્રણ લાગણીઓ માટે પિતામહ ભીષ્મનું આ નિરીક્ષણ કોઈ પણ માણસને સ્વીકાર્યા વિના ચાલે નહિ.

[10] ઉપવાસ, મૌન અને પ્રાણાયામને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેઓ અવારનવાર ઉપવાસ કરે છે કે નિયમાનુસાર મૌન પાળે છે એમને થતા પરોક્ષ લાભોની ગણના આજે આપણે કરી શકીએ એમ છીએ. એકાદશીનો ઉપવાસ આપણે ત્યાં એક પ્રથા તરીકે સ્વીકારાયો છે. ઉપવાસના બીજા દિવસે પારણા તરીકે હળવા ભોજનનો આદેશ છે. આ પછી તેરસ, ચૌદસ અને પૂનમ કે અમાવાસ્યા આ ત્રણ દિવસો સમુદ્રમાં મહત્તમ ભરતીના દિવસો છે. એને કારણે પૃથ્વીનું વાતાવરણ વધુ ભેજવાળું બને. આ ભેજવાળી હવા રોગિષ્ઠ હોય એટલે બીમાર કે વૃદ્ધ માણસ માટે આ હવા કષ્ટદાયક થાય અને સામાન્ય તંદુરસ્ત માણસને પણ જો એણે પ્રતિકારશક્તિ એકત્રિત કરી ન હોય તો એનેય રોગિષ્ઠ બનાવે એવો ભય રહે છે. આ બધું લક્ષમાં લેતાં એકાદશીનો ઉપવાસ ઘણીબધી રીતે હિતાવહ લેખાવો જોઈએ. મૌન પણ માણસની આંતરિક શક્તિને વધુ સ્વસ્થ અને સમર્થ બનાવવામાં સહાયરૂપ થાય છે. વળી માણસના આયુષ્યની મર્યાદા, વરસો ઉપરાંત, ચોક્કસ શ્વાસોચ્છવાસની સંખ્યામાં પણ માંડવામાં આવે છે. ઋષિઓ અથવા પ્રાણાયામ કરનારાઓ દિવસનો ચોક્કસ સમય પ્રાણ રોકી નાખે છે. ફલતઃ એમના આ બચેલા શ્વાસો રોજેરોજ વધતા જઈને એમને દીર્ઘાયુષ આપે છે.

આ ઉપરાંત બીજાં પણ કેટલાંક કરવા જેવાં અને નહિ કરવા જેવાં કેટલાંક આચરણોની પૂરી સંહિતા મહર્ષિ વ્યાસે પિતામહ ભીષ્મ દ્વારા આપણને કહી છે.

[કુલ પાન : 80. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460. ઈ-મેઈલ : pravinprakashan@yahoo.com ]