સુવર્ણદીપ – ડૉ. રેણુકા પટેલ

[ આજની યુવાપેઢીના માનસનો પરિચય કરાવતી પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ જાન્યુઆરી, 2012માંથી સાભાર. લેવામાં આવી છે. આપ ડૉ. રેણુકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9974349595 સંપર્ક કરી શકો છો.]

‘સોનુ આવી ગઈ ?’ સુધીરનો શાંત ઘેરો સ્વર માલિનીના કાનમાં ગુંજી રહ્યો. સુધીરની કોફીમાં ચમચી હલાવતાં તેના હાથ થંભી ગયા. તેણે નજર ઉઠાવીને ઊંચે જોયું. તેની તદ્દન સામેની ખુરશી પર સુધીર બેઠો હતો. માલિનીની સામે નજર માંડીને…. બગલાની પાંખ જેવા સફેદ કપડાં પહેરીને…. કપડાં પર નાનો આછેરો ડાઘ પણ સુધીર ચલાવી ના લે…. ના કપડાં પર ના તો એના સફેદ હાથરૂમાલ પર કે ના તો એના સફેદ નેપકીન પર… તેને બધું જ ડાઘરહિત જોઈએ… એકદમ સફેદ… મહારાજ હજી હમણાં જ ટોસ્ટ મૂકીને રસોડામાં પાછા ગયાં હતાં. ગરમ ગરમ ટોસ્ટની આછી મહેંક ડાઈનિંગ ટેબલ ફરતે વીંટળાઈ વળી હતી. સુધીરની જમણી બાજુ ડાઈનિંગ ટેબલ પર ઘરમાં આવતા જુદા જુદા અખબારોની થપ્પી પડી હતી અને ડાબી બાજુ તેની સિગારેટનું પેકેટ….
‘ઓ મેડમ ! ક્યાં છો ? તમને પૂછું છું…. સોનું આવી ગઈ ?’

ઘરમાં હાજર દરેક સભ્યે રોજ સવારે નાસ્તો સાથે જ કરવો અને એય તે સમયસર…. એવો સુધીરે નિયમ રાખ્યો છે. એ પોતેય કદી મોડો નથી પડતો. રાત્રે ગમે તેટલી મોડી ફલાઈટમાં ઘેર આવ્યો હોય સવારે સાડા આઠે તો ટેબલ પર હાજર જ હોય. સોનુ આ જાણે છે એટલે તેય નીચે આવી જ જાય…. પણ આજે… માલિનીને શું બોલવું સમજાયું નહીં. તેણે કોફીનો કપ સુધીર તરફ ખસેડ્યો.
‘આવી ગઈ છે. રાત્રે ફલાઈટ મોડી હતી. સવારે છેક ત્રણ વાગે આવી. હું જોઉં છું આમ તો ઊઠી જ ગઈ હશે…’
‘વશરામ એરપોર્ટ લેવા ગયો હતો….?’
‘હા…’
‘ઠીક…. તો જો જરા…. તબિયત તો સારી છે ને ?’
‘ઓહ…!’ માલિની સહેજ ગભરાઈને ઊભી થઈ ગઈ. આવો તો વિચાર જ નહિ આવેલો કે સોનુનીય તબિયત બગડી શકે. એણે ખુરશી ખસેડી અને જરા ઝડપથી ઉપર સોનુના ઓરડા તરફ જવા પગથિયાં ચડી ગઈ. સુધીરે એક ઉપહાસભરી નજર માલતીની પીઠ પર નાખી. ચશ્માં પહેર્યા અને અખબારની થપ્પીમાં સૌથી ઉપર પડેલું ગુલાબી રંગનું છાપું ઉપાડ્યું.

સમતુલા જાળવવી ખરેખર અઘરી બાબત છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારી આજુબાજુ વસતા બધા જ વ્યક્તિ પ્રખર બુદ્ધિશાળી હોય અને તમારી બુદ્ધિની કક્ષા સાવ જ સામાન્ય હોય. માલિનીનું ઉદાહરણ આપીને આ વાત સુધીર વારંવાર સોનાલીને એટલે કે સોનુને સમજાવે છે. કારણ કે ઘરમાં આમેય બીજું કોઈ છે નહીં કે જેની આગળ એ આવી વાત કરી શકે. ઘરમાં તો માત્ર ત્રણ જ વ્યક્તિ છે : સુધીર, માલિની અને તેમની દીકરી સોનુ. હા, ચાર પાંચ નોકર ચાકર છે પણ તેમને તો સુધીર વ્યક્તિ ગણતો જ નથી. ભલા રેશનકાર્ડ ધરાવતી અને તેનો ઉપયોગ પણ કરતી વ્યક્તિ માણસની કક્ષામાં કઈ રીતે આવે ? સુધીરનો બહુ મોટો બિઝનેસ છે. વ્યાપારી જગતનું મોટું નામ…. સુધીર રમેશનાથ ઉપાધ્યાય. કયો બિઝનેસ છે એ વિશે બધાંય હંમેશા પઝલમાં જ રહે છે કારણ કે લગભગ દરેક ક્ષેત્રમાં સુધીરે પગપેસારો કર્યો છે. હા, જ્યાં સુધી ત્રણેક કંપની હતી ત્યાં સુધી માલિનીનેય નામ બરાબર યાદ હતાં પણ હવે તો સુધીર ઈન્ડસ્ટ્રીઝના નામ હેઠળ ક્યારે કઈ કંપની ખરીદાય છે અને કઈ વેચાય છે તેનો હિસાબ રાખવો જ મુશ્કેલ છે. સુધીર જે કંપની સાથે બિઝનેસ કરે અથવા તો જે કંપની સાથે છેડો ફાડે તેની ઉપર તો જે તે કંપનીના શેરના બજાર ભાવનો મદાર રહે છે. સુધીર ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક પરિણામો પર શેરબજારનો ઈન્ડેક્સ ઉપર-નીચે થઈ જાય છે. ખૂબ જ આંટીઘૂંટીવાળી વાતો છે આ બધી…. ઘણીવાર માલિનીને એમ થાય છે કે કોઈ અપરિચિત સ્થળે એ આવી ચડી છે અને આવી એવી જ ભૂલી પડી ગઈ છે.

જો કે માલિનીય કોઈ સામાન્ય પરિવારમાંથી નથી. તેના પિતા પણ એમના જમાનામાં બજારમાં સારું એવું નામ કમાયેલા. સુધીર પણ એમની જ પસંદગી હતો. સુધીર તો આમેય પહેલેથી જ ગણતરીબાજ માણસ. પોતાને ફાયદો ના થતો હોય એવું કોઈ કામ કરે જ નહીં. યુવાનીમાં જ્યારે તેણે નવો સવો નાનકડો ધંધો શરૂ કર્યો હતો ત્યારે શેરબજારમાં, મિટિંગોમાં કે સરકારી ઓફિસમાં એ બે ત્રણ વાર માલિનીના બાપુજીને ભટકાઈ ગયેલો. તરવરાટથી ભરેલો લબરમૂછીયો આ જુવાન માલિનીના બાપુજીને ગમી પણ ગયેલો. એમણે સામે ચાલીને સુધીરને માલિની સાથેના સંબંધ વિશે પૂછેલું. માલિની એમની એકની એક દીકરી…. પ્રગતિની લસપટ્ટી પર સડસડાટ ચડવા માટે આનાથી વધુ સારી તક નહીં મળે એ સુધીરને તરત જ સમજાઈ ગયેલું. તેણે ફટ દઈને હા પણ પાડી દીધેલી. અને તેની ગણતરી સાવ જ સવળી પડેલી. માલિનીના બાપુજીનો હાથ પકડીને એ તો પછી એટલો બધો આગળ વધી ગયો કે માલિનીના બાપુજી પાછળ ક્યાં ખોવાઈ ગયા કે ક્યારે છૂટી ગયા એનોય એને ખ્યાલ ન રહ્યો. હા, માલિની વિશે તેને હંમેશાં ફરિયાદ રહી છે. એક બિઝનેસમેનની એકની એક દીકરી એટલે ધંધાની આંટીઘૂંટી સમજતી હશે અને પોતાને ધંધો આગળ વધારવા મદદ કરશે તેવી ઊંડે ઊંડે એના મનમાં આશા હતી પણ એ ફળીભૂત નથી થઈ. શરૂ શરૂમાં તેણે માલિનીને પળોટવા પ્રયત્ન કરેલો પણ ‘સેનસેક્સ’, ‘નીફટી’, ‘સ્ટ્રેટજી પ્લાનિંગ’, ‘એફઆઈઆઈ’, ‘એફસીસીબી’ વગેરે શબ્દોની માયાજાળમાં માલિની અટવાઈ જતી. કાળા ધોળા નાણાંની ગણતરીઓ તેને સમજાતી નહીં. કોઈ ટેન્ડર અટવાઈ જાય તો કઈ રીતે તેને બહાર કાઢવું એ રસ્તો માલિનીને શોધ્યોય જડતો નહીં. પરિણામે પોતાનો સમય બગાડવાનું સુધીરે બંધ કરેલું. જોકે સોનુની બાબતમાં તેને કોઈ જોખમ લેવું નથી. ઈશ્વરે સોનુ આપીને પછી ફરીથી સામે જોયું નથી. એકની એક દીકરી છે. હમણાં જ વિદેશથી ભણીને પાછી આવી છે. તેને પોતાની તેમ જ પોતાના મિત્રોની જુદી જુદી કંપનીમાં અમુક સમય માટે કામ કરવા મોકલીને સુધીર તેને ઘડી રહ્યો છે. ભલા આટલી મોટી સુધીર ઈન્ડસ્ટ્રીઝ સાચવવા માટે તેને તૈયાર તો કરવી પડશે ને ?

માલિનીએ ઉપર જઈ સોનુના ઓરડાનું બારણું ખોલ્યું. ઓરડામાં કોઈ ન હતું. માલિનીને ફાળ પડી. તેણે આગળ વધીને બાથરૂમનું બારણું નોક કર્યું. બાથરૂમ પણ ખાલી જ હતો. તેના પગલાં બાલ્કની તરફ વળ્યા અને ત્યાં બાલ્કનીના બારણાં પાસે થંભી ગયાં. સોનુ ત્યાં જ ઊભી હતી. દૂર ક્ષિતિજમાં કંઈક નિહાળતી. પાતળી પટ્ટીનું ટીશર્ટ અને ગુલાબી રંગની શોર્ટ્સ…. પગમાં બાથરૂમ સ્લીપર્સ…. ખભા સુધીના વાળની ઊંચી પોનીટેલ વાળી હતી એટલે ગળામાં પહેરેલી પાતળી સોનાની ચેઈન સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી.
‘સોનુ…..’ માલિનીએ ધીમેથી કહ્યું.
સોનુએ પાછળ વળીને જોયું અને ફરીથી આકાશ તરફ મોં ફેરવી લીધું. માલિની તેની પાસે જઈને ઊભી રહી.
‘શું જોઈ રહી છે બેટા ક્યારની ?’
સોનુએ માલિનીની સામે જોયું અને ધીમેથી ક્ષિતિજ તરફ આંગળી કરી. સૂર્યના કુમળા તડકામાં તેનો નિર્દોષ ચહેરો વધુ સુંદર લાગી રહ્યો હતો.

‘મોમ, તને કદાચ સવારે સમય નથી હોતો પણ હું તો ઘરે હોઉં ત્યારે રોજ જોઉં છું લગભગ રોજ… સવારે સૂરજ ત્યાંથી ઊગે છે અને એ ઊગે ત્યારે આકાશમાં એટલા તો સરસ રંગો પથરાઈ જાય છે કે…. લાલ, નારંગી…. ક્યારેક પીળો રંગ પણ… અને એ બધાંની વચ્ચે જાત જાતના આકાર રચતું પક્ષીઓનું ટોળું… ક્યારેક જમણી બાજુ દોડી જતું તો ક્યારેક ડાબી બાજુ… એટલું તો સુંદર લાગે છે…. બસ જાણે નિરખ્યા જ કરો… પણ પછી ધીમે ધીમે જેમ જેમ સૂરજ ઉપર ચડે છે, વધુ ને વધુ પ્રકાશિત થાય છે એનો પ્રકાશ સઘળી સુંદરતાને ખાઈ જાય છે. પક્ષીઓ તો જાણે ખોવાઈ જ જાય છે, બધાંય રંગો વિલાઈ જાય છે. બધુંય સાવ ધોળું ધબ… રંગવિનાનું…. એવું તો નિસ્તેજ લાગે છે…’ તે ચૂપ થઈ ગઈ.
‘હા, તો ? અરે બેટા ! સૂર્ય આખો દિવસ સૌમ્ય તો ના જ રહી શકે ને ? આ જીવસૃષ્ટિને ચલાવવા માટે અને આખીય દુનિયાને દોડાવવા માટે તેનું પ્રકાશિત થવું જરૂરી છે.’
‘હા પણ પ્રકાશિત થવા માટે સુંદરતાનો ભોગ લેવો તો જરૂરી નથી.’ માલિની સ્તબ્ધ થઈ ગઈ. સોનુ આજે તેને કંઈક જુદી લાગી. તેણે પોતાના હાથમાં સોનુનો હાથ લઈને દબાવ્યો.
‘નીચે કેમ ના આવી બેટા ? તારા ડેડી તો ક્યારનાય આવી ગયા. તારી ચિંતા કરતા હતા કે તારી તબિયત તો સારી હશે ને ? તને ખબર છે ને એમને સવારે બધાંય ડાઈનિંગ ટેબલ પર હાજર જોઈએ. ચાલ હવે જલદી નીચે આવી જા નહીં તો એ ખિજાશે….’
‘એમના ગમા અને અણગમા સાચવવાની ટેવ તને છે અને એ તને જ મુબારક….. મારે અત્યારે ના તો નીચે આવવું છે કે ના તો નાસ્તો કરવો છે. એ ખિજાય તો ખિજાય આઈ ડોન્ટ કેર….’ સોનુએ મારેલા ઝાટકાથી માલિનીની આંગળીઓ સહેજ ચચરી ગઈ.

આવા ઝાટકા સહન કરવાની જોકે માલિનીને હવે ટેવ પડી ગઈ છે. સોનુના મૂડનું કોઈ ઠેકાણું નથી. આમેય આવા નાના મોટા ઝાટકા એ નાનપણથી માલિનીને આપતી જ રહી છે. જેમ સુધીરની દુનિયાથી માલિની અપરિચિત છે તેમ સોનાલીની દુનિયા વિશે પણ ખાસ કંઈ તેને પરિચય નથી. લાંબા ચોટલાવાળા, ફાટેલું જીન્સ પહેરતા છોકરાઓ અને બોયકટ વાળવાળી વિચિત્ર પ્રકારનાં કપડાં પહેરતી છોકરીઓની દુનિયા… મોટી મોટી ગાડીઓમાં મોડે સુધી ડિસ્કોમાં રખડવું, ધૂળ જેવી વાતોમાં પાર્ટી કરવી અને ઓરડો બંધ કરીને મોટે મોટેથી મ્યુઝિક વગાડી નાચવું. જોકે સોનુને મોટી કરવામાં માલિનીએ ખાસ્સું ધ્યાન આપ્યું છે. પિતાની શ્રીમંતાઈનો નશો તેના દિમાગ પર ચડે નહીં એય ખાસ જોયું છે. તેની નાની નાની ભૂલો પર પણ તેને ટોકી છે અને સાચા ખોટાની સમજણ પણ આપી છે, તે છતાંય આ બધું ક્યારે અને કઈ રીતે તેના જીવનમાં ઘૂસી ગયું ખબર જ ના પડી. કદાચ શ્રીમંતોના બગડેલા ફરજંદોની મિત્રતાનું જ પરિણામ…. જોકે હમણાં છેલ્લે વિદેશ ભણવા ગયા પછી સોનુમાં થોડું પરિવર્તન આવ્યું છે અને આ બધા ટોળાનો સહવાસ પણ છૂટ્યો છે પણ તોય… અમુક મિત્રો તો તેનો કેડો મૂકતાં જ નથી.

હમણાં ગયા અઠવાડિયાની જ વાત. એ દિવસે સાંજે સોનુ વહેલી ઘેર આવી ગયેલી અને આવતાં જ બોલી હતી.
‘મોમ, કંઈ ખાવાનું છે ? સખત ભૂખ લાગી છે.’
‘હા છે ને… તને ભાવતી તીખી પૂરી…. આજે બપોરે જ બનાવડાવી જા, કપડાં બદલીને આવ. હું લાવું. એની સાથે અથાણું ખાઈશને ?’
‘ઓ મોમ ! યુ આર લવલી…’ બોલીને એ ગઈ પણ પાછી આવી ત્યારે એને જોઈને માલિની ભડકી જ ગઈ. કપડાં બદલીને એણે સ્લીવલેસ ટીશર્ટ પહેર્યું હતું. અને તેના ડાબા બાવડા પર મોટો ચિત્રવિચિત્ર કરોળિયાનો આકાર ચમકી રહ્યો હતો.
‘આ શું સોનું ?’ માલિનીથી ચીસ પડાઈ ગઈ.
‘ઓ મોમ ! ટેટૂ છે. તું તો એવું રીએક્ટ કરે છે.. પેલો બીજલ છે ને ! બોમ્બેથી શીખીને આવ્યો છે. તેણે જ બનાવી આપ્યું.’ તેણે ઠંડકથી કહ્યું.
માલિની થોડી ગુસ્સે થઈ ગઈ.
‘શું મસ્ત છે ? હવે તું ઓફિસ જાય છે… ત્યાં આવી ચિતરામણ લઈને જવાનું ? જો સોનુ… એ બીજલ ફીજલ મને સહેજેય ગમતો નથી. તને મેં લાખવાર કહ્યું છે કે એની સાથે બહુ નહીં બોલવાનું… પણ તું સમજતી કેમ નથી ? લાંબા લાંબા હીપ્પી જેવા વાળ અને જાતજાતના ચિતરામણવાળું ટીશર્ટ ! વળી પેન્ટ તો એવું પહેરે છે કે જાણે હમણાં ઊતરી જશે… એવો માણસ તારું બાવડું પકડે તો તને ધ્રુજારી નથી થતી ? એવા માણસનો વળી વિશ્વાસ શું ?’
સોનાલી હસી પડી… એકદમ રણકતું : ‘વિશ્વાસ ? અરે મોમ ! હું અને બીજલ ફીફથમાં હતાં ત્યારથી સાથે એક જ કલાસમાં ભણ્યા. સાથે રમીને મોટા થયા. હું ઓળખું છું એને… એનાથી વળી બીવાનું શું ? અને એ તો ‘ગે’ છે…’
‘‘ગે’ ?’
‘યસ….. ‘ગે’… એનું ચક્કર તો સુધાંશુ જોડે ચાલે જ છે… એ વળી મને…’ માલિનીને બધું ચક્કર ચક્કર ફરતું લાગ્યું. તેણે ડાઈનિંગ ટેબલનો ખૂણો મજબૂતીથી પકડી લીધો. શું બોલવું તેને સમજાયું નહીં. તે સોનાલી સામે તાકી રહી. સોનાલી તો એ જ મસ્તીથી હજી પૂરી ચાવી રહી હતી.
‘સારું હવે જા…. અને આની ઉપર કોઈ આખી બાંયનું શર્ટ જેવું પહેરી લે તારા ડેડી આવતા જ હશે. આવીને તરત આ ચિતરામણ જોશે તો નાહકના ખિજાશે….’
‘ભલે ખિજાય….. આટલી ગરમીમાં હું આખી બાંયનું શર્ટ…..’
‘પ્લીઝ સોનુ…. અત્યારે હું કહું એમ કર…. એ ખૂબ થાકીને આવશે ત્યારે નાહકને એમના ઉશ્કેરવા નથી અને આજે તો તું ઓફિસ જવાની હતી ને ? આ ટેટુ ચિતરાવવા ક્યાંથી પહોંચી ગઈ ? સોનુ, આ બધાં તારો પીછો નહીં છોડે કેમ ? બેટા, તારા ડેડીને આ બધું નથી ગમતું. એ તારી પાછળ કેટલી મહેનત…..’
‘હા ભાઈ ! તું તારું પતિપુરાણ ચાલુ ના કર….. હું શર્ટ પહેરી લઉં છું.’ સોનાલી બે મિનિટ મા સામે જોઈ રહી પછી પોતાના ઓરડા તરફ ગઈ.

એ દિવસે તો સુધીરની નજરે એનું ટેટુ ચડ્યું ન હતું અને જ્યારે ચડ્યું ત્યારે કદાચ સુધીરનો મૂડ સારો હતો એટલે બહુ માથાકૂટ થઈ નહીં પણ તોય… સોનુને સાચવવી હવે ધીમે ધીમે માલિનીને અઘરું લાગી રહ્યું હતું. એ રીતે સારું હતું કે સુધીરે તેને ધીમે ધીમે બિઝનેસમાં પળોટવા માંડી હતી એટલે તેના મિત્રો સાથે તેની ઓછી જ સંગત રહેતી પણ છતાંય સુધીરનો સારો મૂડ જોઈને હવે સોનુના લગ્નની વાત તેના કાને નાંખવી એવું નક્કી કરીને માલિનીએ સોનુ સામે જોયું. નેતરના હિંચકા પર બેઠી બેઠી એ હજીય શૂન્યમાં તાકી રહી હતી. તેના પગની ઠેસથી હિંચકો ધીમે ધીમે હલી રહ્યો હતો. માલિની કંઈક બોલવા ગઈ પણ ત્યાં જ સોનુના મોબાઈલ ફોનની રીંગ વાગી. સ્ક્રીન પરનો નંબર જોઈને…..
‘લો, તમારા પતિદેવ જ છે. એમના જીવને શાંતિ નથી.’ કહીને તેણે ફોન કાને ધર્યો.
‘હલો.’
‘એવરીથીંગ ઓ.કે. બેટા ? તું નીચે ના આવી ? દિલ્હી જઈને શું કરી આવી વાત નથી કરવી ?’
‘ડેડી, હું અત્યારે મોમ સાથે વાત કરું છું. આપણે રાત્રે ડિનર વખતે મળીએ અને વાત કરીએ તો ?’
‘ઓ.કે…. ઓ.કે… નો પ્રોબ્લેમ…..’ સુધીરે ફોન કટ કરી નાખ્યો.
માલિની તરત જ ઓરડાની બહાર જવા પાછી ફરી, ‘હું જાઉં… તારા ડેડી હવે ઓફિસે જશે. એમનું બધું તૈયાર કરવાનું….’ સોનુએ માલિનીનો હાથ પકડી લીધો.
‘ડેડી તો રોજ ઓફિસ જાય છે અને તું રોજ એમની બધી તૈયારી કરે છે. આજે મારી પાસે થોડીવાર નહીં બેસે ? મારે તારી સાથે વાત કરવી છે….’ સોનુના અવાજની ગંભીરતા માલિનીએ પારખી. તે સોનુની બાજુમાં નેતરની ખુરશી પર બેસી પડી.
‘શી વાત છે બેટા ? શું થયું છે ?’
સોનુએ માલિનીનો હાથ ધીમેથી પોતાના હોઠ પાસે લઈ જઈને ચૂમ્યો : ‘એક વાત મને કહે મા… શું હું તને બહુ દુઃખી કરું છું ?’
‘દુઃખી ? મને ? કેમ ? કઈ રીતે ?’
‘આ મારા ઢંગધડા વિનાના મિત્રો, મારી લેટનાઈટ પાર્ટીઝ, તને જોવાય ન ગમે તેવી સ્ટાઈલના કપડાં, મારા ધૂમ ખર્ચા…. હું જાણું છું આ બધું તને ગમતું નથી…. પણ તોય મને કહે કે એનાથી તું દુ:ખી થાય છે ?’
‘બેટા, કેમ આમ કહે છે ? કંઈ થયું છે ? શું થયું ત્યાં દિલ્હીમાં ? મને કહે….’ માલિનીનું હૃદય ધડકી ઊઠ્યું.
‘એ કહેવા તો તને અહીં બેસાડી છે એટલે કહીશ જ… પણ એ પહેલાં લેટ મી ક્લીઅર… મારી એક વાત તું સમજી લે…. હું લેટનાઈટ પાર્ટીઝમાં જતી હોઈશ…. વિચિત્ર કપડાંય પહેરું જ છું. પૈસાય ધૂમ વાપરું છું, ગાડીય બેફામ ચલાવું છું પણ તોય તારી દીકરી બગડી નથી ગઈ હોં મોમ….. મારી હદ હું જાણું છું. સારા ખોટાની જે સમજ મારામાં કદાચ કેળવાઈ છે મને ખબર છે મારા મિત્રો વિશેય તને ફરિયાદ છે પણ એક વાત કહું મોમ ? એ બધાં તું ધારે છે કે માને છે એવાં નથી. આપણે બીજલનો જ દાખલો લઈએ…. ફીફથથી અમે સાથે છીએ. એ મોટો થયો અને કુદરતી રીતે જ એ ગે થઈ ગયો. એમાં એનો શો વાંક ? એણે અમને કોઈને છેતર્યા નથી. અમારાથી કશું છુપાવ્યું નથી. માત્ર એ ગે છે એ કારણસર હું આટલા વર્ષોની મિત્રતા છોડી દઉં ? એના લાંબા વાળ કે ચિતરામણવાળા શર્ટને લીધે એનો સાથ હું છોડી દઉં ? મોમ, એણે કદીય મારી કે બીજાનીય સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું. જો મોમ, હું જે છું જેવી છું એક વાત સમજી લે તારી સામે છું મારી દરેક વાત પર તું આંખ બંધ કરીને ભરોસો કરી શકે છે અને એટલે જ પૂછું છું…. શું હું તને બહુ દુઃખી કરું છું ?’ માલિની સ્તબ્ધ બનીને સોનુ સામે જોઈ રહી.

ઓફિસેથી સાંજે પાછા આવવાનું અને સોનુ સાથે દિલ્હી વિશે વાતો કરવાનું કહીને ગયેલો સુધીર બે કલાકમાં જ ધૂંઆપૂંઆ થતો પાછો આવ્યો. માલિનીએ જ બારણું ખોલ્યું. આવતાંની સાથે જ એણે ઘાંટો પાડ્યો.
‘ક્યાં છે સોનુ ? શું બફાટ કરે છે એ ? ક્યાં છે એ ? આના માટે મોકલી હતી એને ?’ પિતાનો અવાજ સાંભળીને પોતાના ઓરડામાંથી સોનુ તરત જ બહાર આવી.
‘શું છે ડેડી ? શું થયું ?’
‘શું થયું ? પાછી પૂછે છે શું થયું ? પેલા મંત્રી સાથે મિટિંગ કેમ કેન્સલ કરી તેં ?’
‘કારણ કે એ મિટિંગ ન હતી. સરકાર તરફથી ટેન્ડર તો બહાર પડવાના હતા પણ પાછલા બારણે એ કોન્ટ્રાક્ટ તમને મળી જાય એ માટેના પૈસા ખવડાવવાની વાતચીત કરવાની એ મુલાકાત હતી. આને તમે મિટિંગ કહો છો ?’
‘શટ અપ !! શટ અપ ! તારું મોં બંધ કર…. માલિની આને અહીંથી લઈ જા નહીં તો મારો હાથ ઉપડી જશે. બસો કરોડના કોન્ટ્રાક્ટની ઘોર ખોદીને આવી ગઈ આ… તને.. તને… શરમ નથી આવતી ?’ સુધીર લાલચોળ હતો અને સોનુ તદ્દન શાંત….
‘મને એક વાત કહો ડેડી…. એક રીઢા મંત્રી પાસે લાંચની પ્રપોઝલ લઈને તમારી પોતાની યુવાન દીકરીને મોકલતાં તમને શરમ ના આવી ?’ સુધીર સહેજ ઓઝપાઈ ગયો. ગુસ્સામાં તે આમતેમ આંટા મારવા લાગ્યો. પછી અચાનક જ ખુરશી પર બેસીને સમજાવટના સૂરે બોલ્યો….
‘ડોન્ટ બી સીલી સોનુ… આ પણ તારે શીખવું તો પડશે ને ? આજ નહીં તો કાલ… ઈન્ડિયામાં તો બિઝનેસ આ રીતે જ થાય છે… જો તું નહીં શીખે…..’
‘ના, હું નહીં શીખું… ના તો આજે કે ના તો કાલે… જે કામની મારું હૃદય ના પાડે છે એ કામ તો હું નહીં જ કરું. ભલે ને એનાથી મને કે તમને કરોડોનો ફાયદો થતો હોય.’
‘તો તું ધંધો કરી રહી. તારા બદલે કોઈ બીજો કોન્ટ્રાક્ટ લઈ જશે. લોકો તો ટાંપીને જ બેઠા હોય છે.’
‘તો ભલે લઈ જાય…. એવા કરોડો મારે નથી કમવા ડેડી…..’
‘તારે નથી કમાવા પણ મારે તો કમાવા છે ને ?’ સુધીરનો પિત્તો પાછો છટક્યો, ‘જો છોકરી…. તારી માની જેમ સુફિયાણી વાતો કરવાની રહેવા દે. આ જે જાહોજલાલી તમે બંને ભોગવો છો ને એ બધુંય આ પૈસાથી જ આવે છે…. અને પૈસા કમાવવા સહેલા નથી. બિઝનેસ કોને કહેવાય એ તને ભલે પેલી અમેરિકન કોલેજે શીખવ્યું હશે પણ બિઝનેસ કેમ કરવો એ તો તને હું જ શીખવીશ….’
‘હા, તો હું શીખવા તૈયાર જ છું પણ સાચું કામ અને ખોટું કામ એ બંને વચ્ચેનો ભેદ મારા મનમાં સ્પષ્ટ છે. બિઝનેસ મેળવવા તમે શું શું કરો છો એ હવે મને થોડી થોડી ખબર પડવા લાગી છે. તમારા બધાય રસ્તા મને ધીમે ધીમે સમજાઈ રહ્યા છે. પણ તમે મને સીધી જ આ રસ્તે ચડાવી દેવાનો પ્રયત્ન કરશો એવી તો મને કલ્પના જ નહીં. એની વે ડેડી, બિઝનેસની આ પદ્ધતિ મારી નથી અને તમારી પદ્ધતિ પ્રમાણે હું કોઈ ખોટું કામ નહીં કરું કે ન તો કોઈ સમાધાન કરીશ….’

સુધીરનો ગુસ્સો હવે એ પોતે ઈચ્છે તોય એ કાબૂમાં ન કરી શકે.
‘આ તારો છેલ્લો નિર્ણય છે ?’
‘હું મારા દરેક નિર્ણય સમજી વિચારીને જ લઉં છું.’
‘ઓ.કે. ધેન… કાલથી તારે ઓફિસ આવવાની જરૂર નથી. મારું ઊભું કરેલું એમ્પાયર હું એકલો ચલાવી શકું છું…. મારામાં એટલી તાકાત છે…. દેવાળું નથી ફૂંકવું મારે… સુધીર ઉપાધ્યાયનો બિઝનેસ સંભાળવો કોઈ ખાવાના ખેલ નથી. આ મારો બિઝનેસ છે જે મારી રીતે જ ચાલશે.’
‘યસ ડેડી…. મને તમારો બિઝનેસ ચલાવવાનો શોખ પણ નથી. હું પોતે જ…. મારી જાતે તમારા સઘળા ખોટા ધંધાઓ પરથી મારો હક જતો કરું છું અને….’
‘અને ? અને પછી કરશો શું ? તારે તો એ જ જોઈએ છે… બસ પછી પાર્ટીઝ.. મૂવીઝ…. અને પેલા રખડેલો સાથે ભટકવું… એ જ ને ?’
‘ના…’
‘તો ?’
‘મારા એ બધાં રખડેલોએ ભેગાં મળીને એક નાનકડો ધંધો શરૂ કર્યો છે. એક ખોટ કરતું યુનિટ ખરીદ્યું છે… તેને કામ કરતું કરવા એ બધાં મથી રહ્યા છે. હું પણ એમની સાથે જોડાઈ જઈશ. જોઉં છું મારી અમેરિકન બિઝનેસ સ્કીલ અને મારી કામ કરવાની પદ્ધતિ એ યુનિટને ચલાવી શકશે કે નહીં…. અને એમાં તો મોમ પણ અમને હેલ્પ કરશે….’
‘વાહ… એ તો મને ખબર જ નહીં…. મોમ શું તમને બધાંને ભૂખ લાગશે એટલે બટાકાપૌંઆ બનાવીને ખવડાવશે ?’
‘ના… ક્યારેક કોઈવાર જો નાસીપાસ થઈને કોઈ ખોટું કામ કરવા અમારા પગ ઉપડી જાય, અમે રસ્તો ભૂલી જઈએ તો એ અમને રોકશે. અમારો કાન આમળશે. અમને સાચા ખોટાનો ભેદ સમજાવશે…. અમારું ધ્યાન રાખશે… ખરું ને મોમ ?’

સોનુએ માલિની સામે જોયું. માલિનીની ભરેલી આંખોમાં હાસ્ય છલકાઈ ગયું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર
બી.એમ. ડબ્લ્યુ – રાજેન્દ્ર પટેલ Next »   

18 પ્રતિભાવો : સુવર્ણદીપ – ડૉ. રેણુકા પટેલ

 1. Krutika Gandhi says:

  Beautiful…

 2. Rupal says:

  Very good.

 3. Amee says:

  It’s really good story….Daughter always look after mother..

 4. devina says:

  sari kelvani hamensha samay par kaam aavej che.

 5. Ashish Dave, Sunnyvale, California says:

  Nicely written… and of course very good story line…

  Ashish Dave

 6. Nikhil Vadoliya says:

  good

 7. Vaishali Maheshwari says:

  I loved reading this story. Wonderful. Very inspirational.

  All the conversations amongst Sudhirbhai (Father), Malini (Mother) and Sonali (Daughter) were very interesting and so realistic.

  According to me, Malini, as a Mother, played a very good role. It is obvious that she would trust her daughter as she knows the values she has given to her, but at the same time it is a Mother’s heart, so she will also be tensed about her life and future. This story reminded me of my Mother and her feelings for my youngest sister.

  This story is very positive and a must read for all Fathers, Mothers and Daughters. It teaches a great lesson of life.

  Thank you so much for sharing this story with us Dr. Renukaben Patel.

 8. tee-jay says:

  સુવર્ણદીપ એટલે “આઇલેન્ડ ઓફ ગોલ્ડ” આમા દેખાણુ નહી. ડોક્ટર સાહેબા મદદ કરશો ?

  • hkhawri says:

   ભાવાર્થ આમ છે “લેમ્પ ઓફ ગોલ્ડ​”. દીપ એટલે દીવડો (લેમ્પ). જે સાચો માર્ગ દેખાડે છે તે દીપક ને આપણે સોનાનો જ ગણીયે ને….

 9. Triku C. Makwana says:

  SARAS.

 10. Bachubhai says:

  This is real life for usa kids

 11. Arvind Patel says:

  વિદેશ માં સમાજ વ્યવસ્થા એવી હોય છે કે બાળકો ને ભણાવવા , સારું જ્ઞાન આપવું, સારી સમજ આપવી. ત્યાર બાદ યુવાનોના નિર્ણયો તેમને તેમની જાતે લેવા દેવા. યુવાનોએ તેમના પિતા નો ધંધા માં જ જોડાવું એવું કોઈજ બંધન નથી હોતું. યુવાનો તેમની કારકિર્દી માટે ના તમામ નિર્ણયો તેમની જાતે જ લેછે. હજી આપણા ત્યાં આ વ્યવસ્થાનો સ્વીકાર થયો નથી. યુવાનોએ હજી માતા – પિતા ની લાગણી ને માં આપી ને વડીલો કહે તે જ કરવું પડેછે. આ વાત ખુબ જ ગંભીરતા થી સમજવા જેવી છે. સમયની સાથે ચાલવું જરૂરી છે. બે પેઢી વચ્ચે નું ઘર્ષણ ત્યારેજ ઓછું થશે.

 12. Keta Joshi says:

  Hello Dr. Renukaben

  Very nice. Arvindbhai said the truth. As A parent we should try to understand what young generation have to say. And as per my experience, they are very clear about their decisions. I appreciate your step, you tried to convey the message to the society.

  Keta Joshi
  Toronto, Canada

 13. nashir says:

  it is real story and must read by father and children to find out that we earn exchanger tool of living life or value of living life. ie. money ya happiness

 14. Nitin Chauhan says:

  Nice Story

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.