બી.એમ. ડબ્લ્યુ – રાજેન્દ્ર પટેલ

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]

શિયાળાની રાત એટલે દેવારામ વોચમેનની ખુલ્લી આંખના સપનાની રાત. વોચમેન પાકો એટલે એક ઝોકું સુદ્ધાં ખાતો નહીં. શિયાળાની રાતોમાં નાનકડી વોચમેન-કેબિનમાં સચેત બેસીને દૂર દેશના માહોલને કલ્પતો. નજર સામે તો હોય નિગમશેઠનો આલીશાન બંગલો – આખા નગરનો પહેલા નંબરનો. કેબિનની ત્રાંસમાં પહેલા માળે નિગમશેઠનો માસ્ટર બેડરૂમ. લાઈટો બંધ થાય એટલે તરત દેવારામ કમ્પાઉન્ડમાં આંટાફેરા શરૂ કરે. થાકે એટલે ઘડીક કેબિનમાં બેસે. જેવો બેસે કે તરત પહોંચી જતો પોતાના ગામની સીમમાં આવેલા નાનકડા ખેતરની નાનકડી ઝૂંપડીની બહાર. શિયાળાની રાતે તાપણું ઠંડીનું અને સીમનું રખેવાળું કરતું હોય. દાદા, દાદીથી માંડી સૌ કોઈ તાપણે તાપતાં અલકમલકની વાતો કરતાં હોય. દેવારામ ઘડીક ખૂલતી આંખે ખોવાઈ જતો. એવું જ આજે પણ બન્યું. એ એટલો ખોવાયેલો હતો કે અડધી રાતે નિગમશેઠ નાનકડી કેબિનના બારણામાં આવીને ઊભા રહ્યા એનીયે એને સરત રહી નહીં.

નિગમશેઠ ક્યારેય કેબિનમાં આવ્યા નહોતા. અરે આટલા મોટા માણસને એણે પહેલી વાર આટલા નજીકથી જોયા અને એય નાઈટ-ડ્રેસમાં અને એય શિયાળાની અડધી રાતે !
‘દેવારામ !’
એ અચાનક શેઠને આમ આવેલા જોઈ એટલો હેબતાઈ ગયો કે ન સલામ કરવાનું સૂઝ્યું કે ન ખુરશીમાંથી ઊભા થવાનું.

જો કે હમણાં હમણાં નિગમશેઠની એક વાતે બધાય ચિંતામાં હતા. શેઠનું બોલવું, ચાલવું, રહેવું બધુંય જાણે બદલાઈ ગયેલું. એક ઘટનાએ બધાયને હલાવી દીધેલા. શેઠ સાવ ખોવાયેલા ખોવાયેલા લાગતા હતા. જ્યારે જ્યારે તોતિંગ દરવાજો ખોલી ગાડીમાં બહાર જતા શેઠને એ સલામ મારતો ત્યારે શેઠ ઝૂકીને સરસ સ્મિત કરી સહેજ હાથ ઊંચો કરતા. એ અદા પર તો દેવારામે દસ દસ વર્ષ ખડે પગે કાઢેલાં. ભલા ભગવાન પછી એક આ શેઠ, એવું એના મનમાં શેઠ માટે માન દદડતું. પણ કોણ જાણે હમણાં શેઠની નજર ક્યારેક નીચી જ રહેતી, ક્યારેક આંખ બંધ રહેતી. શેઠ એની સામે જુએ નહીં ત્યારે એનો દિવસ સાવ ઉદાસીમાં પસાર થતો. શેઠને એ વાતની ખબર પણ ક્યાંથી હોય ! અચાનક એક ઘટનાએ સૌ કોઈનો જીવ ઊંચો કરી દીધેલો. અરે ઘરના બધાય સભ્યોમાં માત્ર કેમ, કંપનીના દરેક માણસ, બજારના મોટા ભાગના લોકો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોમાંય આજકાલ નિગમશેઠનો કિસ્સો ચર્ચાતો હતો. નોકરચાકરે તો ખાનગીમાં બાધાય રાખવા માંડેલી. નાના નગરમાં મોટી ઘટના. એક તો અકળ એ ઘટના અને શેઠનું વિલાઈ ગયેલું હાસ્ય અને અંદર ઊતરી ગયેલા નિગમશેઠને જોઈ આખો બંગલો એક ઘેરી ઉદાસીમાં સરી ગયેલો. ટોની કૂતરો સુદ્ધાં બેચેન બની રઘવાયો આખા બંગલામાં, કમ્પાઉન્ડમાં આમતેમ આંટા માર્યા કરતો. એનો થનગનાટ જાણે ઘડીક ઓછો થઈ ગયેલો.

જે દિવસે મોંઘી બીએમડબ્લ્યુ કાર કંપાઉન્ડમાં આવેલી ત્યારે એક પ્રકારનો ઉત્સવ જ બની ગયેલો. શેઠ કરતાં બધાય નોકર-ચાકરમાં આનો સૌથી વધુ આનંદ છલકાતો. મે’મસાબને તો જાણે પાંખો ફૂટેલી અને પાર્કિંગમાં પડેલી આઠ કારમાં બીએમડબલ્યુનો વટ પડતો હતો. શેઠનું એક મોટું સપનું પૂરું થયેલું. નિગમશેઠનું જૂનું નામ નારણ નાગોરી. એમના જીવનની અજબ કહાની હતી. એક સમયે કાપડની ગાંસડીઓ ઊંચકતા, મજૂરી કરતાં કરતાં આજે બની ગયેલા મિલ-માલિક અને શહેરના મોભી. નિગમશેઠને ત્યાં નોકરી મળે એટલે જાણે સુખનાં દ્વાર ખૂલી જતાં. ઓછાબોલા અને વધુ કામ કરતા નિગમશેઠને એક વાતની ધૂન હતી, અવનવી ગાડીઓ વસાવવાની અને જાતે એકલા લોન્ગ ડ્રાઈવ કરવાની. એમાંય બીએમડબલ્યુ કારની લગની લાગેલી. એ આવી ત્યારે નિગમશેઠે ગેલમાં આવી દીકરીના જન્મદિવસના બહાને મોટો જમણવાર કરેલો. પણ મૂળમાં તો એ બીએમડબલ્યુ કારનો જલસો હતો.

નિગમશેઠ કેબિનના બારણામાં વચ્ચે ઊભા રહ્યા. દેવારામ એમને નાઈટ-ડ્રેસમાં માંડ માંડ ઓળખી શક્યો’તો. શેઠ શા માટે અડધી રાતે એની કેબિનમાં આવ્યા હશે ? એ ખાસ્સો ગૂંચવાઈ ગયેલો. એને યાદ આવ્યું…. જે ઘટનાથી શેઠનું હાસ્ય કરમાઈ ગયેલું એ ઘટના બીએમડબલ્યુ કાર જોડેની હતી. કાર આવ્યા પછીના એક સોમવારે સવારે બધાએ જોયું કે કારના બારણા પર એક મોટો ગોબો પડેલો હતો. જોનાર માત્ર ધ્રૂજી ઊઠેલા. આખા બંગલાને સુઘડ અને સ્વચ્છ રાખવા માટે કડક શેઠ કાર પરનો નાનો ડાઘોય સહન કરી શકતા નહીં. એ શેઠની સૌથી વધુ ગમતી કારને ગોબો ?! શેઠમાં કશોક વિસ્ફોટ થશે એ ધારણાએ આખા બંગલાના બધાય સભ્યો, નોકર-ચાકરનો જીવ ઊંચો કરી દીધો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ…. અઠવાડિયું… નિગમશેઠ બીએમડબલ્યુ પરના ગોબા વિશે ન તો કશું બોલ્યા કે ન ગોબો ઉપડાવવા કશું કર્યું. આઠ આઠ ગાડીઓમાંથી એકેયની ઉપર સહેજ ડાઘ પણ ક્યારેય ન હોય એની કાળજી સૌ લેતા. એ શેઠ બીએમડબલ્યુ ઉપરનો ગોબો ઉપાડવાનું નામ સુદ્ધાં લેતા નહોતા. એક વાર ડ્રાઈવરે હિંમત ભેગી કરી પૂછ્યું :
‘શેઠ, ગાડી ગેરેજમાં મૂકી આવું ?’
‘કેમ ?’
‘આ ગોબો ઉપાડવા.’
‘ના. ભલે રહ્યો. તારે આમાં માથું મારવું નહીં.’ શેઠે એવી રીતે કહ્યું કે ડ્રાઈવર સૂન થઈ ગયો.

અરે એકપણ ગાડીને સહેજ ઘસરકો ન ચલાવનાર શેઠ કેમ બીએમડબલ્યુ પરનો ગોબો કઢાવતા નહીં હોય ! આખા નગરની આ સૌથી મોંઘી પહેલી ગાડી અને હવે એની પર ગોબો જોઈ લોકો જીવ બાળવા લાગ્યા. એવું તો હતું નહીં શેઠ એક અમથો ગોબો કાઢવાનું કામ ન કરાવે. ડ્રાઈવરનો જીવ બળે. મિલમાં જતાં-આવતાં એનો જીવ ખાક થઈ જતો. લોકોમાં કુતૂહલે માઝા મૂકી. ટોક ઓફ ટાઉન એક જ – નિગમશેઠની બીએમડબલ્યુ કારને ગોબો. ગાડી સર્વિસ માટે જતી તોય ખાસ સૂચના અપાતી, ‘જો જો આ ગોબો યથાવત રહેવો જોઈએ.’ મે’મસાબે પણ એક વાર પૂછેલું તો શેઠ ઊંચા અવાજે બોલેલા, ‘તમારા કામમાં હું માથું મારતો નથી. મારી વાતમાં તમારે પૂછવું નહીં.’ દેવારામે આ ગોબો ક્યારે પડ્યો હતો એની અટકળ કરેલી. રવિવારે બહાર જતા શેઠે રાબેતા મુજબ સહેજ મલકી એની સલામતીની નોંધ લીધેલી. પણ આવતા સમી સાંજના પહેલી વાર એની સલામની નોંધ લીધી ન હતી. બસ બીજા જ દિવસે સવારે એણે ગોબો જોયેલો. વોચમેન તરીકે એ ગોબો જોઈ થથરી ગયેલો. દસ હજાર વારના પ્લોટમાં બે હજાર વારનો આલીશાન બંગલો ને એમાં વસ્તુએ વસ્તુનો ઠાઠ. લીલીછમ્મ લોનમાં રંગબેરંગી ફૂલોની ક્યારીઓ વચ્ચે ફરતા શેઠનો સફેદ ડ્રેસ. એ દશ્ય હંમેશાં એને ગમતું.

એક કાળે શેઠ સાવ ગરીબીમાં ઊછરેલા. ઝૂંપડીમાં રહેતા હતા. એટલે આલીશાન મકાનમાં એક ડાઘ કે સહેજ કચરો ન પડે એની બધાને તકેદારી રહેતી. જોકે એક દિવસે ઘરના સભ્યોની સામે નિગમશેઠે જ એ રહસ્ય ખોલેલું. બનેલું એવું કે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા શેઠે બીએમડબલ્યુ નગર છોડી, હાઈવે છોડી, ગામડાંના રસ્તે વાળી હતી. વસતી વગરના રસ્તે એ ગાડીની સવારી માણી રહ્યા હતા. આસપાસનાં ખેતરો વચ્ચે જાણે બીએમડબલ્યુ એકરૂપ બની ગઈ હતી. ત્યાં અચાનક એક મોટો પથ્થર કારના બારણા પર ધડામ દઈ પડ્યો. અવાજ સાથે શેઠ ચમક્યા. ચમક્યા શું પળમાં મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો ને એકાએક બ્રેક મારી ગાડી ઊભી રાખી. બારણું ધડાક લઈને ખોલી પથ્થર પડ્યો તે જગ્યા જોઈ, શેઠનો પિત્તો ઊછળ્યો. આસપાસ નજર દોડાવી. રોડની એક કેડી પર એક છોકરો એની તરફ જોઈ રહેલો. શેઠનો ગુસ્સો જોઈ એ ભાગ્યો. એણે જ પથ્થર નાખ્યો હશે એમ ધારી શેઠે બૂમ મારી……
‘એય તેં જ પથ્થર માર્યો’તો ને ?’
એ છોકરો દોડતાં દોડતાં મક્કમતાથી બોલ્યો, ‘હા, હા, મેં મારેલો.’ કહી એ દૂરની ઝૂંપડી તરફ દોડી ગયો. શેઠ એની પાછળ દોડ્યા. એ છોકરો દોડતો ઝૂંપડીમાં ઘૂસી ગયો. થોડી વારમાં શેઠેય ત્યાં હાંફતા આવ્યા.

નાની ઝૂંપડીની અંદર ખાટલા પર એક વૃદ્ધ સ્ત્રી તાવમાં કણસતી પડી હતી. પેલો છોકરો એ સ્ત્રીનો હાથ પકડી લપાઈ ગયો. અને તૂટક અવાજે બોલ્યો, ‘મા ખૂબ બીમાર છે. કોઈ છે નહીં. રોડ પર કોઈ ઊભું રહેતું ન હતું એટલે ઊભા રાખવા મેં પથ્થર મારેલો. માને કંઈ કરોને……’ નિગમશેઠ અંધારી ઓરડીના બારણામાંથી આવતા તડકામાં એવી રીતે ઊભા હતા કે એનો પડછાયો પેલી સ્ત્રી પર પડતો હતો. અચાનક એમના મનમાં એકાએક પડદો ઊંચકાયો. આમ જ…. અસલ આમ જ…. એ નાનો હતો ત્યારે મરતી માનો હાથ પકડેલો. અસલ આટલું જ ઝૂંપડું ને કણસતી મા, વચ્ચે એ નિઃસહાય હતો. કોઈ હતું નહીં માની સંભાળ લેનાર. એની આંખ સામે જ માએ છેલ્લો શ્વાસ છોડેલો. એ કશું કરી શક્યો નહોતો. માનો ગરમ હાથ એના હાથમાંથી ઠંડો પડી ગયેલો. તે પળથી તેનાં આંસુ ઠરી ગયેલાં કાયમને માટે. એ અનુભવ એના મન વાટે શરીરમાં ફરી વળ્યો. હવે એ ધ્રૂજતા હતા પેલા છોકરાની જગ્યાએ. એ દિવસે તો જરૂરી સારવાર કરાવી એ સ્ત્રીને એમણે બચાવી દીધેલી. પેલા પથ્થર મારનાર છોકરાને એ અપાર કરુણાથી કોઈ દેવદૂતની જેમ જોઈ રહેલા.

નિગમશેઠે ઝૂંપડીની છતની તિરાડમાંથી ધસી આવતા અજવાળાના લિસોટાને ક્યાંય સુધી જોયા કર્યો. એણે પથ્થર મારનાર છોકરાનો હાથ પકડી પંપાળ્યો. અને મનમાં બોલેલા, આગળ વધવાની હોડમાં એ દોડતા જ રહ્યા. દરેક ક્ષણે કોઈક મદદની રાહ જોતું હોય છે, એ વાત તો એ વીસરી જ ગયેલા. સાવ નાનકડા ગામમાંથી જ સ્તો એ આવેલા. નાનું ખેતર, નાનું ઘર. બાપ ખેતી કરી માંડ ઘર ચલાવે. બીમાર માની કાળજી લેવા પૂરતુંય કશું બચે નહીં. મા ગઈ ને કાકાના ત્રાસથી ત્રાસી શહેર આવ્યા. અનાથ આશ્રમમાં રહી ભણ્યા. નોકરી ન મળી તો મજૂરી કરી. અને પછી એ પાછળ જોયા વગર આગળ ને આગળ વધતા રહ્યા. કેટકેટલાંય દશ્યો એમના મનમાંથી પસાર થઈ ગયાં. બસ ત્યારથી નિગમશેઠનો સ્વભાવ બદલાઈ ગયો. અને પેલો ગોબો યથાવત રાખેલો.

આજે એમને ઊંઘ આવતી ન હતી. ધીરેથી એ ઊભા થયા. પોતાને માટે રાત્રિ ચા થરમોસમાં હતી, એ લઈ બેડરૂમની બહાર નીકળ્યા. અને દેવારામની કેબિનમાં આવી ઊભા ! દેવારામ ઘડીક સ્તબ્ધ થઈ ગયેલો. ત્યાં શેઠે થરમોસ ખોલ્યું ને કપમાં ચા કાઢી બોલ્યા :
‘લે દેવારામ, ગરમ ગરમ ચા પી. જોને કેટલી ઠંડી છે નહીં ?’
કંઈક અહોભાવથી, કંઈક ગભરાટમાં દેવારામે હાથમાં કપ લીધો. શેઠ ધીમેથી આગળ બોલ્યા, ‘દેવારામ, દેશમાં તારી ઝૂંપડી કેવી છે ?’
દેવારામ કંઈ બોલે એ પહેલાં પાછા એ બોલ્યા, ‘હું આજ સુધી બંગલામાંથી તારી કેબિન જોતો હતો. આજે મારે તારી કેબિનમાંથી બંગલો જોવો છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

51 thoughts on “બી.એમ. ડબ્લ્યુ – રાજેન્દ્ર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.