મધ્યાહ્ને સૂર્ય – ડૉ. પ્રીતિ જરીવાલા

[ ‘મધ્યાહ્ને સૂર્ય’ એ ડૉ. પ્રીતિબેન જરીવાલાના જીવનપ્રસંગો પર આધારિત સ્મૃતિકથા છે. તેમણે અત્યંત સરળ અને સહજ શબ્દોમાં સસ્મિત આ કથા આલેખી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વેવિશાળ અને લગ્નજીવનની શરૂઆત

પોદાર મેડિકલ કૉલેજના બીજા વર્ષમાં હતી. મારે હજી બીજાં બે વર્ષ ભણવાનું બાકી હતું. અમારી જ જ્ઞાતિના એમ.બી.બી.એસ. પાસ થયેલ ડૉક્ટરનું માગું આવ્યું. પપ્પા-મમ્મીની ખૂબ ઈચ્છા હતી કે અહીં જો મારું નક્કી થઈ જાય તો સારું. છોકરો ડૉક્ટર, વળી અમારી જ્ઞાતિનો જ. કુટુંબ સારું અને મુંબઈમાં જ રહેવાનું. મારા ઘેર જોવાનું રાખ્યું. મારી ઈચ્છા ઘરનાને કહી, ‘મારે મારો અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી આ બધામાં પડવું નથી.’ પણ મારી વાત કોઈએ માની નહીં. તેમનું માનવું હતું કે આવો સારો છોકરો હાથમાંથી જવા કેમ દેવાય ?

પછી મેં જ મનોમન નક્કી કર્યું કે હું જ એવું કંઈ કરું કે મને છોકરો જોવા આવે અને હું એને પસંદ પડું જ નહીં. એ જ મને સામેથી ના પાડી દે કે મને છોકરી નથી ગમી, તો મારો પ્રોબ્લૅમ સૉલ્વ થઈ જાય. જે દિવસે એ છોકરો મને જોવા આવ્યો, મેં ઘરમાં પહેરવાનાં જ સાદાં કપડાં પહેર્યાં. બીજી છોકરીઓની જેમ સારામાં સારાં કપડાં પહેરી, મેક-અપ કરી, અપ-ટુ-ડેટ તૈયાર થઈને એની સમક્ષ ના આવી, પરંતુ બિલકુલ સાદાં કપડાંમાં મેક-અપ વગર એની સામે બેઠી. થોડીઘણી વાતચીત કરી. નાસ્તો કરી છોકરાવાળા પોતાને ઘેર ગયા. મારા ઘરનાં બધાં મારાથી નારાજ થઈ ગયાં કે હું સારી રીતે તૈયાર પણ થઈ નહીં. હું મનોમન ખુશ થતી હતી. મારા જેવી મણિબહેનને તે કોઈ ડૉકટર છોકરો પસંદ કરે ? એ જ રાત્રે એ લોકોનો ફોન આવ્યો, ‘અમને છોકરી પસંદ છે.’ મારો પ્લાન સફળ થયો નહીં. એ સાથે ડૉ. પરિમલ જરીવાળા સાથે લગ્ન થયાં. પછીથી મેં એમને પૂછેલું કે, ‘મને કેમ પસંદ કરી ?’ તો એમણે મને કહ્યું, ‘મેં એમ વિચાર્યું કે છોકરી કેટલી સરળ અને સાદી છે. કોઈ જાતનો દંભ કે દેખાડો નહીં. મેક-અપનો ઠઠારો નહીં. કશું જ કૃત્રિમ નહીં અને એકદમ સિમ્પલ. મને તો જોતાંની સાથે જ તું ગમી ગઈ હતી.’ આજે તો અમારાં લગ્નને 27 વર્ષ થઈ ગયાં. મને ઘણી વાર થાય છે કે આપણે આપણાં વડીલોની વાત ન માનવાની કેવી ભૂલ કરતાં હોઈએ છીએ ! એમની પાસે અનુભવનો ખજાનો છે. એમની વાત આપણે માનવી જ જોઈએ, કેમ કે તેઓ હંમેશાં આપણું હિત જ ઈચ્છતાં હોય છે.

મેં એ શરતે અમારા વિવાહની હા પાડી હતી કે હું લગ્ન તો મારો અભ્યાસ પૂરો થાય તે પછી જ કરીશ. વિવાહ અને લગ્ન વચ્ચેનો સમય એટલે ‘ગોલ્ડન પીરિયડ’. ત્યારે નાયર હૉસ્પિટલમાં તેઓ ઈન્ટર્નશિપ કરતા હતા. મહિને રૂ. 150 સ્ટાઈપેન્ડરૂપે મળે. એમાંથી દર રવિવારે ચોપાટી ક્રીમ સેન્ટરમાં જઈને અમે સ્પેશિયલ ટૂટીફ્રૂટી આઈસ્ક્રીમ ખાતા. 20 રૂપિયામાં તો મોટા ઊંચા ગ્લાસમાં છલોછલ ભરીને આ આઈસ્ક્રીમ મળતો. એક વર્ષ અમારા વિવાહ રહ્યા. આ એક વર્ષ દરમિયાન મહિનાના દોઢસો રૂપિયામાં જેટલું ફરાય, નાટક, પિક્ચર જોવાય એટલું માણ્યું. બીજા વર્ષની પરીક્ષા મેં પાસ કરી અને હું ફાઈનલ યરમાં આવી. પરિમલ હવે લગ્ન કરવા ઉત્સુક થઈ રહ્યા હતા અને મારી ઈચ્છા ફાઈનલ યરની પરીક્ષા આપ્યા બાદ જ લગ્ન કરવાની હતી. એમને ઈ.સી.એફ.એમ.જી. પરીક્ષા આપવા મલેશિયા જવાનું હતું. મને એમણે કહ્યું કે આપણાં લગ્ન થઈ જાય તો બંને સાથે મલેશિયા ફરવા જવાય. એમણે મને બહુ સમજાવી અને હું માની ગઈ. અમારાં લગ્ન થયાં, પણ પછી પરીક્ષા આપવા એકલા જ મલેશિયા ગયા. એમને આગળ ભણવું હતું ત્યારે તેમની કમાણી મહિનાના ફક્ત દોઢસો રૂપિયા જ. એમને થયું કે કાકા (મારા સસરા) અને મોટા ભાઈ (મારા જેઠ) ઉપર ફૉરેનની બે-બે ટિકિટોનો ભાર નાખવો વાજબી ન ગણાય.

લગ્ન પછી ફરવા માટે અમે ડૅલહાઉસી અને ધરમશાલા ગયા હતાં. છ મહિના રહીને મારી ફાઈનલ યરની પરીક્ષા હતી. આખો દિવસ તો હરવાફરવામાં નીકળી જાય, પણ રાત પડે એટલે પરીક્ષા યાદ આવે ને હું પોક મૂકીને રડું કે ‘હું ફેઈલ થઈશ તો ?’ પતિદેવ મને શાંત પાડતાં પાડતાં નસકોરાં બોલાવવા માંડે અને હું પણ ડૂસકાં ભરતી સૂઈ જાઉં. ડૅલહાઉસીમાં અમે ‘ગ્રાન્ડ વ્યૂ’ હૉટેલમાં ઊતરેલાં. ત્યારે હું સ્કર્ટ-બ્લાઉઝ અને ફ્રોક પણ પહેરતી. ત્રણ દિવસ પછી એક પંજાબી કપલ મારી પાસે આવ્યું. મને પૂછે, ‘આપ શાદીશુદા હૈ, યા દોનોં ઘર સે ભાગ કે આયે હો ? લડકે કો દેખકર એસા લગતા નહીં કિ યહ ભગાકે લે કે આયા હો… તીન દિન સે હમ તુમ્હે દેખ રહે થે, લેકિન આજ તો રહા નહીં ગયા, ઈસ લિએ આપકો પૂછ હી લિયા….’ મેં કહ્યું : ‘અમે પરણેલાં છીએ અને જોઈએ તો મેરેજ સર્ટિફિકેટ પણ બતાવું.’

મે મહિનામાં લગ્ન થયાં અને જૂન મહિનામાં જ મારો જન્મદિવસ આવે. એ દિવસે હું ખૂબ જ ખુશ હતી કે લગ્ન પછીની પ્રથમ વર્ષગાંઠ છે. પરિમલ મને કંઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપશે, પણ એમણે તો બર્થ-ડેને દિવસે સવારે જ કહી દીધું કે, ‘જો, હું ગિફટ કલ્ચરમાં માનતો નથી.’ ચાલો, એટલે મારે હવે જન્મદિવસ કે લગ્નતિથિએ એમની પાસેથી કોઈ ભેટ-સોગાદની આશા ન રાખવી. પછી મેં કહ્યું : ‘કંઈ નહીં, પણ રાતના બહાર ફરવા તો જઈશું ને ?’ રાતના બ્રિચકેન્ડીના દરિયાકિનારે ગાડી પાર્ક કરી અમે બેઠાં. બધાં પાસેથી એમના અવાજનાં મેં ખૂબ વખાણ સાંભળ્યાં હતાં. મેં કહ્યું : ‘મને બર્થ ડે ગિફટ ન આપી તો કંઈ નહીં, આજે મને એક ગીત સંભળાવો.’ વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. રાતનો સમય હતો. દરિયાકિનારો હતો અને દરિયાની લહર પણ હળવેકથી કિનારાને સ્પર્શીને પાછી જતી હતી. મીઠો મંદ મંદ શીતળ પવન વાતો હતો. લોકોની ખાસ અવરજવર પણ નહોતી. એકાંત અને નીરવ શાંતિ હતી. આવા સરસ માહોલમાં એમનું ગીત સાંભળવા હું ખૂબ જ ઉત્સુક હતી. એમણે ગાવાનું શરૂ કર્યું, ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન….’ આટલા સરસ મનોરમ્ય વાતાવરણમાં મારા ભાવુક હૃદયમાં આવેલી પ્રણયભાવની ભરતીમાં એકાએક જાણે ઓટ આવી ગઈ. મને એમ કે એકાદું સરસ રોમેન્ટિક ગીત સંભળાવશે…. ‘હમે તુમસે પ્યાર હૈ…’ પણ કંઈ નહીં, મારા પતિ રોમેન્ટિક નથી તો શું થઈ ગયું ? એ દેશપ્રેમી છે અને સારું ગાય છે એમ મનને મનાવી લીધું.
.

[2] ગૃહિણીનો ઘરસંસાર

સાસરું ચીરાબજાર અને કૉલેજ વરલી. ફાઈનલ યરની પરીક્ષા પાસ કરી. હવે એક વર્ષ ઈન્ટર્નશિપ કરવાની હતી. સવારે આઠ વાગ્યે વરલી પોદાર હૉસ્પિટલમાં પહોંચવાનું. સવારે પાંચ વાગ્યે ઊઠી જવું પડે. નાહીને જ રસોડામાં જવાનું. સવારે છ વાગ્યે મારા કૂકરની સિટી વાગે. સવારે સાત વાગ્યે તો બધી રસોઈ કરી ડાઈનિંગ ટેબલ પર ગોઠવીને હૉસ્પિટલ જાઉં. મસાલાની સિઝનમાં તો ખૂબ જ કામ રહે. અગાશીમાં લાલ કાશ્મીરી મરચાં સૂકવવાનાં. મરચાં ખાંડવાવાળી આવે. એની પાસે ઊભા રહી મરચાં ખંડાવવાનાં. નાકે રૂમાલ બાંધ્યો હોય તોય મરચાંની તીખાશ આંખમાં ને નાકમાં જાય જ. ધાણા પણ મિક્સરમાં ઘેર જ દળવાના. અમારું સંયુક્ત કુટુંબ. પાંચ કિલો ધાણા સાફ કરી, શેકી ઘેર જાતે જ દળવાના. એમાં એક કિલો જીરું સાફ કરી, શેકી, વાટીને મિક્સ કરવાનું. મે મહિનામાં સુરતથી ઘઉંની ગુણીઓ આવે. ત્રણસો કિલો ઘઉં સુરતથી ટ્રાન્સપોર્ટમાં આવે. એમાંથી બીડીનાં ઠૂંઠાંય નીકળે.

ઘઉં સાફ કરતાં તો નાકે દમ આવે. ઘઉંને ચાળવાના, કાંકરા વીણવાના અને દિવેલ લઈ 15 કિલોના ગ્લુકોઝ બિસ્કિટના પતરાના ડબા આવતા, એમાં ભરવાના. એવા 20 ડબા ભરાય. એ ડબા રસોડાના માળિયામાં ચઢાવવાના. ઘઉંનો લોટ ખલાસ થવા આવે એટલે માળિયામાંથી એક ડબો ઉતારવાનો અને 15 કિલો ઘઉં ઘરે જ ઘંટીમાં દળવાના. ચણાનો લોટ, ચોખાનો લોટ, જુવારનો લોટ, હાંડવા-ઢોકળાનો લોટ બધું ઘરઘંટીમાં જ દળતા. એ પ્રમાણમાં આજની ગૃહિણીઓનું ઘણું કામ ઓછું અને આસાન થઈ ગયું છે. આજે તો મસાલા તૈયાર આવે અને બધી જાતના લોટ તૈયાર મળે. બધું તૈયાર-રેડીમેડ-મળતું થઈ ગયું. થોડા વખત પછી તૈયાર રોટલીઓ પણ ઘેર ઘેર આવતી થઈ જાય તો નવાઈ નહીં.

મારા માથે કામનો બોજો ખૂબ રહેતો. એવામાં હું પ્રેગનન્ટ થઈ. સાક્ષર નવલકથાકાર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ની ગુણસુંદરી જેવી મારી હાલત હતી. વધુ પડતા કામના બોજાને કારણે મારી તબિયત બગડી અને ‘પ્રિમેચ્યૉર ડિલિવરી’ થઈ ! બેબી ‘બ્રીચ’ (માથું ઉપર અને પગ નીચે) હતી. મારું સિઝેરિયન ઑપરેશન થયું. ગુરુવારે મેં દીકરીને જન્મ આપ્યો અને છેક રવિવારે પહેલી વાર મેં મારી દીકરીને જોઈ. એનું વજન ખૂબ ઓછું હતું. પ્રિમેચ્યૉર હતી એટલે એને ઈન્ક્યુબૅટરમાં રાખી હતી. નર્સે પહેલવહેલી વાર મારી દીકરીને જ્યારે મારા ખોળામાં મૂકી, મેં એને હૃદયસરસી ચાંપી લીધી. એક મા પોતાના શિશુને જન્મ આપ્યા પછી ચાર દિવસ પછી પહેલવહેલી વાર એને જુએ ત્યારે એની મનઃસ્થિતિ કેવી હશે તેની તમે કલ્પના કરી શકો ? મારી દીકરીનું નામ રાખ્યું : ‘પ્રિયા’. દિવસરાત જાગીને ખૂબ જ ખંતથી, વહાલથી એનો ઉછેર કર્યો. આજે તો નાયર ડૅન્ટલ કૉલેજમાંથી ડૅન્ટિસ્ટ થઈ ગઈ છે અને ‘પીડિયાટ્રિક ડૅન્ટિસ્ટ્રી’માં એમ.ડી.એસ. કરે છે. તેના બાળપણના કેટલાક પ્રસંગોનું સ્મરણ થાય છે ત્યારે ‘નવનીત સમર્પણ’ સામાયિકમાં એ પ્રસંગો હું લખી મોકલતી અને ‘શિશુમુખેથી’ વિભાગમાં પ્રકાશિત પણ થતા.

બેનઝીર ભુટ્ટો જ્યારે પાકિસ્તાનમાં વડાપ્રધાન બન્યાં ત્યારની આ વાત છે. ટી.વી.માં સમાચારમાં એમને જોઈ પ્રિયાએ મને પૂછેલું, ‘મમ્મી, આ કોણ છે ?’ મેં કહ્યું, ‘બેનઝીર ભુટ્ટો.’ ત્યારે જ હજી તે બોલતાં શીખેલી. એને ‘બેનઝીર’ શબ્દ બોલતા ફાવ્યો નહીં. મેં કહ્યું : ‘ખાલી ‘ભુટ્ટો’ કહેશે તો પણ ચાલશે.’ એટલી વારમાં પ્રિયાના ડૅડી આવ્યા. તેણે ડૅડીને પૂછ્યું, ‘ડૅડી, તમને ખબર છે આ કોણ છે ?’ એના ડૅડીએ પૂછ્યું : ‘કોણ છે ?’ એટલે પ્રિયા તરત જ બોલી, ‘ખાલી ભુટ્ટો.’ ગણપતિવિસર્જનનાં દશ્યો ટી.વી.માં જોઈને પૂછે, ‘મમ્મી, જો….જો… ભગવાન પ…પ…પ…માં બા બા જાય છે !’ પ્રિયા લગભગ અઢી વર્ષની હતી ત્યારે એ ડાબા હાથે સેવ ખાતી હતી. એ જોઈ મારી ભત્રીજી માનસીએ પૂછ્યું, ‘તું લેફટી છે ?’ એ તરત જ બોલી, ‘ના, હું તો પ્રિયા છું.’ મેં એને ટોકી, ‘બેસીને ખા. સેવ પગે લાગે.’ તો મને ‘નમસ્તે’નો અભિનય કરીને પૂછે, ‘મમ્મી, સેવ પગે પણ લાગે ?’ ટી.વી. પર પવનચક્કી વિશે માહિતી આવતી હતી. મેં એને કહ્યું : ‘જો, આને પવનચક્કી કહેવાય.’ તો મને કહે, ‘ના મમ્મી, આ તો ચક્કીબેનનું ચકડોળ છે.’

અમે સહકારી ભંડારમાંથી હૉલસેલમાં બે-ત્રણ મહિનાનો સામાન- સાબુ, ટૂથપેસ્ટ, કઠોળ વગેરેની ખરીદી કરતા. પ્રિયા પણ અમારી સાથે ખરીદી કરવા આવે. એને નહાવાના સાબુ ભેગા કરવાનો બહુ શોખ. ત્યારે તે બે-ત્રણ વર્ષની હશે. જાતજાતના સાબુ ખરીદાવે – લક્સ, લિરિલ, લાઈફબૉય, જય વગેરે. ઘેર આવીને સાબુ ગણ્યા કરે. એના ડૅડીએ કહ્યુ6 : ‘આ શું ગણ્યા કરે છે ?’ તો પ્રિયાએ એના ડૅડીને કહ્યું : ‘તમે પૈસા નથી ગણતા ? હું સાબુ ગણું છું.’ આવાં તો એનાં બાળપણનાં કેટલાંય સ્મરણો છે. પ્રિયા ચાર વર્ષની થઈ ત્યારે હું પાછી પ્રેગનન્ટ હતી. ત્યારે એના વર્ગમાં ભણતા વિદ્યાર્થીની મમ્મીએ પ્રિયાને પૂછ્યું : ‘તારી મમ્મીને શું આવ્યું ?’ એણે એની મેળે જ જવાબ આપી દીધો, ‘મને બે’ન આવી છે.’ એ બહેનનો મારા પર ફોન આવ્યો. મેં કહ્યું : ‘હજી ઘરે જ છું. મારી પ્રસૂતિ થઈ નથી.’ મેં પ્રિયાને આ વાત પૂછી તો તેણે એકદમ નિખાલસતાથી કહ્યું, ‘મમ્મી, જો હું તને ગમું છું ને ? તો પછી મારા જેવી જ બીજી નાની નાની બે’ન આવે તો તને શું વાંધો છે ?’ એને બહેન જોઈતી હતી અને મને બીજી પણ દીકરી જ જન્મી. એનું નામ અમે ‘પંક્તિ’ પાડ્યું.

[ કુલ પાન : 101. (પાકું પૂઠું) કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134 શામળદાસ ગાંધી માર્ગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “મધ્યાહ્ને સૂર્ય – ડૉ. પ્રીતિ જરીવાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.