ગઝલ – મધુમતી મહેતા
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.
જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.
બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.



ખુબજ સરસ ગમ્યુ.
જલસો પડી ાૉ
મધુમતીબેન,
ઘણા સમયે તમારી ગઝલ વાંચી અને ગમવા સાથે આનંદ થયો.
સુરથી શરુ કરી સુરદાતાની પૂર્ણતા સુધી સરળતાથી દોરી લઇ ગયા. સરસ.
વધુ વાંચવા મળશે તો વધુ આનંદ થશે.
ફરી મળવાનું થશે તો એથીયે વધુ આનંદ થશે.
સમીર અને ગીતા કાગળવાળા
ખુબ જ સરસ
મધુમતીબેન,
આપની આ મસ્ત ગઝલને અમે કુમકુમ અક્ષતે વધાવીએ છીએ. વધુની અપેક્ષા સાથે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}