ઉઘાડ – પુરુરાજ જોષી

પ્રિય ચકી !
કેટકેટલા યુગોના અંતરાલ પછીથી
આજે
ઘરની ભેજલ ભીંત પર
ઊગ્યો
તારી પાંખોનો પડછાયો
નસોમાં થીજી ગયેલી
નદીઓ
ફરીથી વહેવા માંડી વેગે

મને હતું કે
સદીઓ લાગી
અટકશે જ નહીં વરસાદ
અને ટપકતું છપ્પર
કોઈ પણ ક્ષણે તૂટી પડશે
વહી જશે છત, ભીંતો
ને એની વચ્ચે સતત ઝૂરતું
વિશ્વ
વહેતા જળની સાથે ખળ ખળ…..

પણ સાવ અચિંત્યો
નીકળ્યો છે ઉઘાડ
તારી પાંખોના ફરફરાટે
ખરતા કૂણા કૂણા તડકે
રંગાઈ રહી છે ભીંતો
ચીં….ચીં…. રવના તણખે તણખે
અંધ ઝુમ્મરો ઝળહળ ઝળહળ
ચકલી !
તારો કેટલો માનું પા’ડ
કે તારે પગલે
ખૂલ્યાં મારે સુખનાં સાત કમાડ

તેં મનુની હોડી થઈને
મારા વીરાન ઘરને તાર્યું
આ દિશથી હદપાર થયેલા
અજવાળાને
ફરીથી તેં અવતાર્યું
મન આ મારું
ભયું છે ગાંડુતૂર
કહે કે નાચું, ગાઉં
ચકલીજીની ચાંચૂડીને
મોતીડે મઢાવું !
એનાં પીંછે પીંછે
સાચાં પરવાળાં જડાવું……
તેં આવીને ખોલ્યાં
મારાં સુખનાં સાત કમાડ
પ્રિય ચકી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ઉઘાડ – પુરુરાજ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.