નોબલ રિવેંજ – જયશ્રી ગો. મહંત

[ જયશ્રી ગો. મહંત એ આસામી ભાષામાં લખતા ખ્યાતનામ વાર્તાકાર છે. તેઓ ગૌહાટીના નિવાસી છે. તેમની આ પ્રસ્તુત આસામી વાર્તાનો કલ્પનાબેન દવે એ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ડૉ. નૂતનબેન જાની દ્વારા સંપાદિત ભારતીય લેખિકાની વાર્તાઓના અનુવાદો અંતર્ગત ‘સંવાદ’ નામના પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ.નૂતનબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

માલવિકાએ અનુભવ્યું કે ઘણા સમયથી રસ્તા પર કોઈ ધીમા અવાજમાં કશુંક બોલતા બોલતા રડી રહ્યું હતું. સવારે તો એ ખૂબ જ વ્યસ્ત રહે છે. છોકરાઓને સ્કૂલે મોકલીને પતિ પ્રવાલ અને સ્વયં પોતાના જવાની તૈયારી કરવાની હોય છે. ઝટપટ રસોઈ બનાવી, બારીબારણાં બંધ કરીને તે નોકરાણીને જરૂરી સૂચનો આપીને પતિની સાથે જ સ્કૂટર પર રવાના થઈ જાય છે. પ્રવાલ માલવિકાને બેંકની નજીક ઉતારીને પછી પોતાની ઓફિસ જાય છે. માલવિકાનો આ રોજનો ક્રમ છે. બેંકની રજાઓ ઓછી હોવાને લીધે માલવિકાને આમેય ઓછો સમય મળે છે. માત્ર શનિવારે તે બેંકમાંથી જલ્દી ઘરે આવી શકે છે.

શનિવારે બપોરે આવીને જ્યારે માલવિકા ઘરનું તાળું ઉઘાડે છે ત્યારે કોઈક અકળ પીડા અનુભવે છે. આ સમયે તે ઘરમાં સાવ એકલી હોય છે. આખું ઘર તેને ખાલી ખાલી લાગે છે…. સાવ શૂન્ય… વેરાન…. ક્યારેક આવી એકલતામાં તે સાંજ સુધી પથારીમાં પડી રહે છે ને પોતાની જાતમાં ખોવાઈ જાય છે. રોજિંદા કામનો બોજો. ‘બેંક વહીવટની ઔપચારિકતા’ અનેક મૂંઝવણો તથા ઘરની જવાબદારી આ બધું જ ભૂલીને તે પોતાના નિજી વિચારોમાં ડૂબી જાય છે. આ તેનો અંગત સમય હોય છે. એમાં કોઈ ખલેલ પહોંચાડે તે માલવિકાને જરાય ગમતું નથી. સાંજે જ્યારે બધા ઘરે આવી જતા ત્યારે હસીમજાક, ખાવુંપીવું, છોકરાઓનો અભ્યાસ તથા મહેમાનગતિના ચક્કરમાં તેનો અંગત સમય ક્યાંય વિલીન થઈ જાય છે.

……પણ, આજે એવું કશું ન થયું. બેંકમાંથી નીકળી ત્યારે તેનું મન ઉદાસ હતું. આખો દિવસ જાણે બેકાર લાગતો હતો. થોડા દિવસો પહેલાં જ તેને ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ માટેના આવેદનપત્રોને મંજૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ તબક્કાનું કામ પૂરું થયા પછી જ તેના ટેબલ પર આવેદનપત્રોની ફાઈલ આવતી હતી. કેટલીક ગરીબ સ્ત્રીઓ-બેકાર યુવાનો પોતાના ઉદ્યોગધંધા માટે લોન મંજૂર કરવાની અરજી કરતા. આ રીતે કોઈના રોજગાર માટે આર્થિક સહાયમાં મદદરૂપ થવાના શ્રેષ્ઠ કામ બદલ માલવિકા એક પવિત્ર માનસિક સંતોષનો અનુભવ કરતી હતી. આ વર્ષે પણ માલવિકા ખૂબ નિષ્ઠાપૂર્વક આ જવાબદારી પાર પાડવા તત્પર હતી. પહેલા તેની પાસે 17 આવેદનપત્રો આવ્યા હતા.

બેંકની ક્ષમતા તથા બેંક દ્વારા નિર્ધારિત સહાયકક્ષેત્રોને આધારે આ આવેદનપત્રો બેંકમાં મોકલવામાં આવતા હતાં. આ દિવસો દરમ્યાન અરજ કરનાર જરૂરતમંદ લોકો માલવિકા પાસે આવીને પોતાની વીતકકથા જણાવતા. જેથી બેંકની અધિકારી માલવિકાના મનમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ જાગે અને તેમના આવેદનપત્રને મંજૂરી મળી જાય. માલવિકા બાળપણથી જ પરગજુ વૃત્તિ ધરાવતી હતી. તેથી દરેક અરજી કરનારને તે મદદ ન કરી શકતી તોય એમનાં દુઃખદર્દને પ્રેમથી, ધીરજપૂર્વક જરૂર સાંભળતી. જ્યારે આવેદકોની મંજૂરીની અંતિમ સૂચિ જાહેર કરવામાં આવતી ત્યારે આ યોજના અંતર્ગત જેને લોન ન મળી હોય તેવા લોકોને પણ માલવિકાના નિર્ણય માટે માન થતું. તેમને લાગતું કે માલવિકાએ યોગ્ય જ નિર્ણય કર્યો છે. જેને સર્વાધિક જરૂર હતી તેને જ બેંકની લોન મળી છે. માલવિકાના વિવેકપૂર્ણ વ્યવહાર તથા ન્યાયપ્રિયતાનાં વખાણ કરતાં એ અરજદારો અચકાતાં નહીં. બેંકના અન્ય કર્મચારીઓ પણ માલવિકાને માન આપતા હતા, આદરભાવે જોતા હતા. ન્યાયપ્રિયતા, દયા-સ્નેહ અને ક્ષમતા જેવા ગુણોથી સંપન્ન માલવિકાનું ગાંભીર્યપૂર્ણ વ્યક્તિત્વ એક ખુમારીભર્યા અધિકારીનું હતું. પોતાની જાત પર શ્રદ્ધા તથા આત્મવિશ્વાસને લીધે તેને સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા મળી રહેતી.

આ વખતે ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ અંતર્ગત લોન માટેના આવેદનપત્રો મળ્યા પછી એક યુવક માલવિકાને મળવા આવ્યો હતો. લોનની મંજૂરી માટે આવતા મોટાભાગના લોકોની જેમ કાલાવાલા કરવાને બદલે આ યુવક ઊંચા અવાજે પોતાની લોન મંજૂર કરવાની માંગણી કરવા લાગ્યો. લોન માટે અરજી કરનાર કોઈ જરૂરતમંદ વ્યક્તિ આવી રીતે પોતાની સાથે વાત કરે એવો પ્રથમ અનુભવ માલવિકાને થયો. માલવિકાએ વિચાર્યું કે ગુસ્સે ભરાયેલા આ યુવાનને નિયમો સમજાવીને શાંત કરવાની મારે શી જરૂર ? તે કંઈક મૂંઝવણ સાથે, ભારે કુતૂહલથી તથા થોડા રમૂજ ભાવે એ યુવાનના ચહેરાને તાકી રહી. ઘણા સમય સુધી પેલો યુવાન એલફેલ બોલતો રહ્યો. પછી ગુસ્સામાં જ જતો રહ્યો. એક એક કરીને બેંકના સહકર્મચારીઓ માલવિકાને મળી ગયા. તેમાંના કો’કે પેલા યુવાન પ્રતિ ગુસ્સો વ્યક્ત કર્યો તો કોઈએ ક્ષોભ. કોઈએ વળી માલવિકાને ભારપૂર્વક જણાવી દીધું. ગમે તે થાય આ યુવાનની અરજી કોઈપણ હાલતે મંજૂર કરતા નહીં. તેના વર્તન બદલ તમે કડક વલણ દાખવજો. આજના યુવાનો કેટલા ઉદ્ધત છે. પોતાને સુધરેલા માનતા આ યુવાનોમાં નાનામોટાનો વિવેક નથી વગેરે….. આવી ચર્ચા કરીને અંતે તો આજની યુવાપેઢીની માનસિકતા વિશે દરેક જણ પોતાના વિચારો જણાવવા લાગ્યા. એમાં જ બેંકમાંથી છૂટવાનો સમય થઈ ગયો.

માલવિકા સાંજે ઘરે આવ્યા પછી પણ પેલા યુવાનની વાતો ભૂલી શકી નહીં. તેણે કહેલા આકરાં વચનો માલવિકા સહેલાઈથી વીસરી શકે તેમ ન હતું. ત્રણ-ચાર દિવસ બાદ માલવિકાએ પેલા યુવાનના આવેદનપત્ર પરથી તેનું સરનામું એક કાગળ પર નોંધી લીધું : ‘નરેન્દ્રનાથ સૈકિયા, ગામ મુક્તાપુર, પોસ્ટ સોનારી ઘાટ.’ ત્યારબાદ રજાના એક દિવસે લીલા શાકભાજી ખરીદવાને બહાને માલવિકા મુક્તાપુર ગામે પહોંચી ગઈ. તે દિવસે ત્યાં હાટડી ભરાવાની હતી.

રજાનો દિવસ હતો એટલે માલવિકાએ પોતાના બાળકોને સાથે લીધા હતા. તે દિવસે પ્રવાલ તેની ઓફિસના કામે કલકત્તા ગયો હતો. કદાચ પ્રવાલ હોત તો માલવિકાના આ અભિયાન માટે તેની મજાક ઉડાવત. માલવિકાનું ક્યારેક તેની નાદાન હરકતો માટે પ્રવાલ સામે નીચાજોણું હતું. એટલે તે દિવસે પ્રવાલ નહતો એ વાતથી માલવિકાએ રાહત અનુભવી. મુક્તાપુર ચાર રસ્તા પર ભરાતું હાટ ખરેખર જોવાલાયક હોય છે. લીલા પાંદડાવાળી પત્તાંભાજી તથા તાજાં શાકભાજી લઈને ગામ ગામનાં લોકો આ હાટમાં વેચવા આવતા. થેકેરાનું શાક, ભેદાઈ લતાનું શાક, માનમુનિના શાક સમેત વાડીમાં ઊગનારા જાત જાતનાં શાક લઈ ગામજનો હાટમાં વેચવા આવતાં. માલવિકાને આવા તાજાં લીલા શાકભાજી ખૂબ ગમતાં. શાકભાજીની ખરીદી કરી લીધા પછી માલવિકાએ પોતે અહીં સુધી કેમ આવી છે તે પ્રયોજનનો ખ્યાલ આવ્યો. ગમે તે વ્યક્તિને નરેન્દ્ર સૈકિયા વિશે કેમ પૂછાય ? લોકો એનો શો અર્થ કાઢે ? હવે શું કરવું ? એવા વિચારમાં તે પડી ગઈ ત્યાં જ કોઈની બૂમ સાંભળતા એણે પાછળ જોયું, ‘મોટાબેન…. તમે અહીંયા ?’

પળવારમાં જ માલવિકાએ બૂમ પાડી રહેલા બંને યુવાનોને ઓળખી લીધા. ગયા વર્ષે જ જેમની લોન તેણે મંજૂર કરી હતી તે બે યુવાનો દેઉકન બોરા અને ઈંદ્ર દિહિંગિયા જ હતા. ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ તરફથી લોન લઈને આ બે યુવાનોમાંથી એકે ચાની દુકાન માંડી હતી જ્યારે બીજા યુવાને દરજીનો ધંધો શરૂ કર્યો હતો. બંને યુવાનને જોતા માલવિકાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો. બંને યુવાનો કૃતજ્ઞતાપૂર્વક માલવિકાને વિનંતી કરવા લાગ્યા : ‘આવો, આવો… બહેન…. તમારી મદદને લીધે જ આજે અમે બે ટંકનો રોટલો ખાઈ શકીએ છીએ. અમારી દુકાન જોવા પધારો…..’

બંને યુવાનની મહેનત અને લગન જોઈને માલવિકાનું હૃદય પુલકિત થઈ ઊઠ્યું. નિઃસ્વાર્થ ભાવે કોઈને મદદ કરવાથી કેવી ખુશી અને આત્મસંતોષ મળે છે તેવા ભાવ માલવિકાના મનમાં છલકાવા લાગ્યા. થોડી આડીતેડી વાતો કરીને માલવિકાએ નરેન્દ્ર વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે નરેન્દ્ર ‘નિઃશુલ્ક શિક્ષણ સેવા યોજના’ના માધ્યમથી ગરીબ બાળકોને ભણાવે છે. ગરીબ છોકરાઓને તે મફત શિક્ષણ આપે છે. નરેન્દ્રના જૂથમાં કેટલીક બહેનો ગામની યુવાન કન્યાઓને વણાટકામ શીખવાડે છે. તો કેટલાક પૌઢ અને વૃદ્ધભાઈઓ યુવાનોને નેતરમાંથી ટોપલી-ટોપી વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ આપે છે. તો કોઈ જ્યૂટનાં પૂતળાં-રમકડાં, બેગ વગેરે બનાવતાં શીખવાડે છે. નરેન્દ્ર અને તેના સાથીઓના ગ્રામ સુધારણાનાં કાર્યક્રમ વિશે જાણીને માલવિકાના આનંદનો પાર ન રહ્યો, તેણે પેલા બે યુવાનોને કહ્યું, ‘સમય મળતાં જ હું નરેન્દ્રના કામકાજને જોવા જઈશ.’ એને જે કંઈ જાણવું હતું તે તેણે જાણી લીધા પછી માલવિકને નિર્ણય લેતાં વાર ન લાગી.

બે દિવસ પછી પ્રધાનમંત્રી રોજગાર યોજનાથી લાભાન્વિત વ્યક્તિઓની અંતિમ સૂચી જાહેર કરવામાં આવી. આ સૂચિમાં સૌથી પહેલું નામ વાંચતાં જ માલવિકાની બેંકમાં ખળભળાટ થવા લાગ્યો. બધા એકબીજાના મોં સામું તાકવા લાગ્યા. ભૂપેન સહરીયા અને દીપેન ગાયન પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે સીધું જ માલવિકાને પૂછ્યું :
‘મેડમ…. આ તમે શું કર્યું ? તે દિવસે પેલો યુવક ગુસ્સામાં તમારી સામે આટલું બધું બોલી ગયો, એની લોન તમે મંજૂર કરી ?’ માલવિકા ધીમું ને મધુર હસી. એના સ્મિતમાં એટલી તો આત્મીયતા અને પ્રેમ તરવરતો હતો કે જેને ભૂપેન અને દીપેન આવાક બનીને જોઈ જ રહ્યા.
‘સાંભળો, નરેન્દ્ર સૈકિયા ગુસ્સાથી કે ક્ષોભથી મને કડવા વેણ કહી શકે છે. પણ હું જ્યારે એના ગામમાં ગઈ ત્યારે તેણે કરેલા લોકકલ્યાણ, ગ્રામ સુધારાનાં કાર્ય વિશે મને સાચી હકીકત ખબર પડી. એણે મને કડવા કે આકરાં વેણ નહોતાં કહ્યાં પણ આપણી સામજિક વ્યવસ્થા પ્રત્યે આક્રોશ ઠાલવ્યો હતો. નરેન્દ્ર સૈકિયા જે સામાજિક હિતકાર્યો કરી રહ્યો છે એવું કામ આજ સુધી આપણે કરી શક્યા નથી. એટલ મેં મારા અપમાનનો આદર્શ બદલો – નોબલ રિવેંજ – લીધો છે.’

બંને બુદ્ધુની જેમ માલવિકા તરફ જોઈ રહ્યા. માલવિકા જે કહી રહી હતી તે એમની સમજ બહારનું છે, એવી દષ્ટિ ફેંકી તે બંને માલવિકાની કેબીનમાંથી બહાર નીકળી ગયા.

[કુલ પાન : 168. (પાકું પૂઠું). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “નોબલ રિવેંજ – જયશ્રી ગો. મહંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.