પાંદડે પાંદડે રવિ – મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શાંતિનિકેતન – પ્રથમ દર્શન

બાર વર્ષ સુધી કિશોર રવીન્દ્રને બહાર જવાનું મળ્યું નહોતું. બાર વર્ષે તેમને જનોઈ આપી. માથે મુંડન કરાવ્યું હતું તે સમયે પિતા દેવેન્દ્રનાથ હિમાલયના પ્રવાસે જવાના હતા. તેમણે રવીન્દ્રને બોલાવ્યો ને અચાનક પૂછ્યું :
‘રવિ, મારી સાથે હિમાલય આવવું તને કેવુંક ગમશે ?’
‘કેવુંક ?’ અરે ! એટલું બધું કે આખુંય આકાશ ભરાઈ જાય તેવો પોકાર પાડી રવીન્દ્રને કહેવાનું મન થયું : ‘ખૂબ જ ગમશે !’ બહારની દુનિયા જોવાનો ઉમંગ-ઉલ્લાસ તો હતો જ. નફામાં નિશાળ અને ટકામુંડાથી છોકરાઓની ઠેકડીથી બચવાનું. આટલું ઓછું હોય તેમ પિતાએ ઉમેર્યું : ‘રસ્તામાં થોડા દિવસ શાંતિનિકેતન રહીશું.’

રવીન્દ્રનાં તો ઊઘડી ગયાં. તેમના સુખનું પાત્ર છલકાઈ ઊઠ્યું. તેમનો ભાણેજ સત્યેન્દ્ર ભરમાવે એવી વાતો કહી રવીન્દ્રને ઘણી વાર બનાવતો. રવીન્દ્ર સમક્ષ સત્યેન્દ્રે શાંતિનિકેતનનું આકર્ષક ને રંગરંગીન વર્ણન કર્યું હતું :
‘અદ્દભુત જગ્યા છે…. જાદુઈ નગરી જેવી ! ઘરથી રસોડા સુધી જવાના
રસ્તા માથે છાપરું નથી, અને છતાં તે રસ્તે પસાર થઈએ ત્યારે
ન નડે તડકો કે ન પડે માથે વરસાદનું એકે ટીપું ! કેવો જાદુ !’
‘ચારે તરફ વૃક્ષોની હારમાળા, આસપાસ ડાંગરનાં લીલાંછમ ખેતરો,
ઝાડ નીચે રસોઈ કરી ગોવાળિયા ને ખેડૂતના છોકરાઓ સાથે
ઉજાણી કરવાનાં મનોરમ સ્થળો !’

મુસાફરીએ પ્રયાણ કરવાનો દિવસ આવી પહોંચ્યો. રવીન્દ્રને તદ્દન નવાં સરસ કપડાં ને નવા બૂટ પહેરવા મળ્યાં. જોકે સાથેસાથે સોનેરી ભરતભરેલી મખમલની ગોળ ટોપી પણ માથે પડી. રવીન્દ્રને એ ટોપી પહેરવી જરાય ગમતી નહોતી, પણ મહર્ષિની કડક શિસ્ત હેઠળ તે ટોપી પહેરવાનું ફરજિયાત હતું. શાંતિનિકેતન માટે બોલપુર સુધી આગગાડીનો પ્રવાસ કરવાનો હતો ને ત્યાંથી પછી પાલખીમાં બેસી શાંતિનિકેતન જવાનું હતું. બોલપુર પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. રવીન્દ્ર રાતના અંધારામાં શાંતિનિકેતનનું અઘકચરું રૂપ જોવા માગતા નહોતા, ત્યાંના સુખ-સૌંદર્યનો પૂર્ણસ્વાદ તેમને બગાડવો નહોતો. તેમણે પાલખીમાં આંખો બંધ જ રાખી. ઊગતા સૂર્યના પ્રકાશમાં શાંતિનિકેતનનું પૂર્ણસૌંદર્ય સવારે જ પીવું હતું.

સવારના પહોરમાં રવીન્દ્રે આંખો ખોલીને જોયું. પ્રભાતના સૂર્યપ્રકાશમાં શાંતિનિકેતન ઝગમગતું હતું, પણ નહોતો ત્યાં સત્યેન્દ્રે કહેલો તડકો ને વરસાદથી રક્ષાયેલો જાદુઈ રસ્તો કે નહોતી વૃક્ષોની હારમાળા; નહોતા ગોવાળિયા કે નહોતાં લીલાછમ ડાંગરનાં ખેતરો ! અહીં તો હતું સાવ ઉજ્જડ વેરાન ! રવીન્દ્રને આંચકો લાગ્યો પણ આઘાત ન થયો. જે જોયું તે તેની નીરવ શાંતિને કારણે અત્યંત સુંદર અને પ્રસન્નકર હતું.
.

[2] નવસખ્ય

બાળ રવીન્દ્રને મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથ પાસેથી ઘણું ઘણું શીખવા મળ્યું હતું. સાહિત્ય, સંગીત, નાટક, કલા અને કસબ, એ સર્વ મોટા ભાઈની દેણ હતી. જ્યોતિરિન્દ્રનાથનાં પત્ની કાદંબરીદેવીએ રવીન્દ્રનાથને નોખા જ પ્રકારનો ઉપહાર આપ્યો. તેમની પાસેથી રવીન્દ્રને સ્નેહની ભીનાશ, ઉષ્મા અને હૂંફનો હૃદયવૈભવ સાંપડ્યો. મોટી ઉંમરે રવીન્દ્રનાથે લખ્યું છે, ‘પ્રકાશ અને તાજી હવા જેટલી જ બાળકને સ્ત્રીઓના સ્નેહભીના લાડ-પ્યારની જરૂર હોય છે.’

બાળ રવીન્દ્ર નોકરોની કેદમાં ઊછરતાં હતાં. લગભગ આ જ સમયે કાદંબરી ‘બાલિકાવધૂ’ રૂપે ટાગોર કુટુંબમાં દાખલ થયાં. તે વખતે કાદંબરીની ઉંમર નવ વર્ષની. રવીન્દ્ર તેનાથી એકાદ વર્ષ નાના. નાક-નકશે કાદંબરી નમણાં ને સોહામણાં. ‘ઘઉંવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ ધારણ કરેલી’ આ બાલિકાને સખી બનાવવાનું, તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને બહુ મન. ‘તેમનાથી થોડું અંતર રાખીને તેમની આસપાસ આંટા-ફેરા મારવાનું ગમતું.’ કાદંબરી પણ કદાચ એકલતા અનુભવતાં હશે. દેવેન્દ્રનાથ સાથે હિમાલયપ્રવાસ કરી આવ્યા પછી રવીન્દ્રને નારીવૃંદમાં પ્રવેશ મળ્યો હતો. કાદંબરીભાભી સાથે હવે બોલવા-ચાલવાનું વધ્યું હતું. રવીન્દ્રના સંકોચની દીવાલ તૂટી ગઈ હતી. ભાભીની સાથે નવસખ્ય પાંગર્યું હતું. એકબીજા વગર બેઉને ચાલતું નહીં. રવીન્દ્ર વાંચે અને કાદંબરી સાંભળે એવો સાહિત્ય-સહવાસ રચાયો હતો. કાદંબરી ફૂલ, બગીચા, પક્ષીઓ, સંગીત અને સાહિત્યનાં ચાહક હતાં. સારાં ભાવક હતાં. એમનું વાચન સમય પસાર કરવા માટે નહોતું. એ ખરા રસાનંદથી વાંચતાં. રવીન્દ્ર બંકિમચંદ્રની ધારાવાહિક નવલકથાનો હપ્તો સામાયિકમાંથી વાંચે. કાદંબરી આરામખુરશીમાં બેઠાં બેઠાં, હાથ-પંખાથી પોતે હવા ખાતાં જાય અને કથા સાંભળતાં જાય એવો તાલ થતો.

પોતાના પ્રિયજનને બધા બોલાવે એ નામે બોલાવવાનું રવીન્દ્રને ગમતું નહીં. તેથી તેમણે પરિચયમાં આવેલી અને સ્મરણીય બની રહેલી એના તુરખડ નામની કિશોરીને ‘નલિની’ નામ આપેલું. પાછલી ઉંમરે નાજુક-ગાઢ સંબંધમાં આવેલી યુવતી વિક્ટોરિયા ઑકામ્પોને ‘વિજયા’ નામ આપેલું, તેમ કાદંબરીને રવીન્દ્રનાથે સૌંદર્યની ગ્રીક દેવી ‘હેકટે’નું નામ આપેલું. રવીન્દ્રનાથે તેમનાં છએક જેટલાં પુસ્તકો ‘હેકટે’ને અર્પણ કર્યાં છે. ભાભીને દિયરની કવિતા અને સંગીતનો સારો સાથ હતો. રવીન્દ્રનાથનું લખેલું બધું કાદંબરી વાંચતાં. જોકે રવીન્દ્રનાથની પ્રશંસા કરવામાં સહેજ કૃપણ રહેતાં. રવીન્દ્રના કંઠ અને દેખાવની ટીકા કરતાં. એની પાછળ કંઈક અંશે દિયરને ચીડવવાનો ભાવ હતો તો કંઈક અંશે રવીન્દ્ર ચગી ન જાય તે માટેની સાવધાની હતી. દિયર-ભોજાઈનો સંબંધ રસિક અને રમતિયાળ હતો.

[કુલ પાન : 44. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. મોબાઈલ : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પાંદડે પાંદડે રવિ – મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.