વાત ચંચળ બાળકોની…. – ડૉ. રઈશ મનીઆર

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ સાચું, પણ છેક નબળું નહીં. અનિકેતની બુદ્ધિમત્તાના પ્રમાણમાં અને માબાપની અપેક્ષાના પ્રમાણમાં નબળું કહેવાય.

માબાપ અને શિક્ષકો આનું કારણ પણ જાણે છે. અનિકેત ભણવામાં એકાગ્રતા કેળવી શકતો નથી. અનિકેત સ્વભાવે ચંચળ, તરંગી અને ધૂની છે. ઘરે લેસન કરવા બેસે તો પેન ખોલશે, રિફીલ ખોલીને ફૂંક મારશે, પેન્સિલ છોલશે, રબરથી રમવા માંડશે, એનું લેસન મમ્મી ખિજાય નહીં ત્યાં સુધી બાકી જ રહેશે. ધમકાવીને વાંચવા બેસાડો તો એક જગ્યાએ કદાચ બેસશે તો ખરો પણ એનું ધ્યાન અભ્યાસમાં નહીં હોય. નોટના પાછળના પાને લીટા-લસરકા કરશે અથવા પાઠ્યપુસ્તકમાંના ચિત્રોને મૂછદાઢી બનાવશે. આજુબાજુ બેસનારા સાથે રમત રમશે, ઝઘડશે. વાત શિક્ષા સુધી પહોંચશે. માબાપ સુધી ફરિયાદ પહોંચશે ત્યારે અનિકેત કહેશે, ‘હું તો ધ્યાનથી જ ભણવા માગું છું, પણ બાજુવાળો ચિરાગ મને ભણવા નથી દેતો.’ ફાટેલા પૂંઠાવાળી નોટ, રોજરોજ ખોવાઈ જતાં રબર-પેન્સિલ, યુનિફોર્મ પર પડેલા શાહીના ડાઘ આ બધું અનિકેતના રોજિંદા જીવનનો ભાગ છે.

અનિકેતની તકલીફ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. ઘરે, મહોલ્લામાં બધે જ એને તકલીફ પડે છે. કોઈના ઘરે મમ્મી-પપ્પા એને લઈ જાય તો ત્યાં એવું વર્તન કરે કે કદી એને ક્યાંય લઈ જવાનું મન ન થાય. કોઈ પણ જગ્યાએ સ્થિર બેસે નહીં. કોઈ પણ નવી વસ્તુ જુએ એટલે એને અડક્યા-તપાસ્યા વગર ચાલે નહીં. વસ્તુ પોતાની છે કે બીજાની એવા ભેદ રાખ્યા વગર ઊંચકવી-પકડવી. એમાંય થોડી બેકાળજી અને ઉતાવળ એટલે એના હાથે તોડફોડ પણ વધુ થાય. મોટા સ્ટોરમાં લઈ ગયા હોય તો ગતિપૂર્વક બધે જ ઘૂમી વળે, અને શોધવો ભારે પડે. લગ્ન કે પાર્ટીમાં એને સાચવવો ભારે થઈ જાય. પોતાનું શરીર જાણે મોટરબાઈકનો જીવંત અવતાર હોય એ રીતે મોંથી ઘરઘરાટી બોલાવી એ દોડાદોડી કરી મૂકે. અથડાય, પડે, વાગે કે કોઈની સાથે મારામારી કરે ત્યારે જ ખબર પડે કે અનિકેત ક્યાં છે ? પાણી પોતે પણ પીએ અને શર્ટ પણ ભીનું થાય. આઈસ્ક્રીમ ખાધો હોય તો પેટમાં ગયો હોય એટલો જ આઈસ્ક્રીમ મોં પર અને કપડાં પર દેખાય. મમ્મી કે પપ્પા ડોળા કાઢે કે સલાહ સૂચન આપે તેની તો અનિકેત પર અસર થાય જ નહીં. છેવટે અકળાઈને મમ્મી કે પપ્પા હાથ ઉપાડે ત્યારે જ અનિકેત ઠંડો પડે. પરંતુ થોડી વાર માટે !….. થોડા જ સમયમાં ફરી પાછી એ જ ધમાલ !

અનિકેતની આવી ચંચળતાથી એનાં મમ્મી-પપ્પા પરેશાન છે. સ્કૂલમાંથી વારંવાર ફરિયાદો. ત્રણ વર્ષમાં પાંચ ટ્યૂશન બદલ્યાં. જાતે ભણાવી જોયું, પરંતુ અનિકેતમાં કોઈ પરિવર્તન નહીં. દર વખતે એવું જ નબળું પરિણામ ! નોટમાં અક્ષર મૂડ પ્રમાણે, મોટે ભાગે ખરાબ, છેકછાક વધુ. ગણિતમાં દાખલાની રકમ બરાબર વાંચે નહીં. કેટલીક વાર આખો દાખલો સાચો હોય પરંતુ ઉતાવળે થયેલી નાનકડી ભૂલને લીધે જવાબ ખોટો હોય. ક્યા દિવસે ક્યા વિષયની યુનિટ ટેસ્ટ છે, તે યાદ ન હોય. શું લેસન આપ્યું એ વિશે ચોક્કસ ન હોય. માર ખાવાની આદત પડી ગઈ હોવાથી લેસન કરવાને બદલે માર ખાઈ લેવાનું પસંદ કરે છે. અનિકેતનાં મમ્મી-પપ્પા, ફોઈ-મામા, બધાં જ એને વારંવાર સમજાવે છે, એની ભૂલો પ્રત્યે ધ્યાન દોરે છે. કોઈ વાર સારા મૂડમાં હોય તો અનિકેત બધું સાંભળે પણ ખરો, પરંતુ અમલમાં કશું મૂકી શકે નહીં. એક વાર જે ભૂલ કરી હોય એ જ વારંવાર કરે અને ત્યારે એને એવું યાદ ન હોય કે આવી જ ભૂલ માટે મને અગાઉ સજા થઈ હતી.

રિઝલ્ટ નબળું આવે તો મમ્મી-પપ્પાને નામોશી લાગે, પણ અનિકેતને એની શરમ નહીં. હા, મમ્મી-પપ્પા ખીજવાશે એવી થોડી બીક ખરી; પણ પરિણામ નબળું આવ્યું એવો અહેસાસ એને નહીં થાય. ‘મારે કારણે મમ્મી-પપ્પાને ખૂબ પરેશાની થાય છે, મમ્મી-પપ્પાને વારંવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે અથવા મમ્મી-પપ્પા મારે કારણે ખૂબ ચિંતિત છે’ એવો વિચાર કદી અનિકેતના મનમાં આવ્યો નથી. અનિકેત સાથે દોસ્તી કેળવીને, નિકટતા સાધીને એના મનની વાત જાણવા માંગશો તો અનિકેત કદાચ કહેશે, ‘મમ્મી ખૂબ મારે છે, પપ્પા ખૂબ ખિજાય છે,’ એને પૂછીએ, ‘શા માટે મારે છે ?’ તો અનિકેત ચૂપ થઈ જશે. ફરીથી પૂછીએ, ‘કેમ તારી મમ્મી ખરાબ છે ? એને તને મારવામાં મજા આવે છે ?’ તો કદાચ અનિકેત બોલશે, ‘ના, એ તો હું તોફાન કરું છું ને, ભણતો નથી ને, એટલે !’ પરંતુ અનિકેતને એટલો સીધો અને સરળ વિચાર નથી આવતો કે હું તોફાન ન કરું, ધ્યાનથી ભણું તો મને કોઈ મારે નહીં અને કોઈ ખિજાય નહીં. કદાચ એવો વિચાર આવતો પણ હોય તો એ અમલમાં નહીં મૂકી શકાતો હોય !
આ પ્રકારનું માનસિક વલણ ધરાવતાં બાળકો વ્યાપકપણે જોવા મળે છે. 4 થી 10 વર્ષની ઉંમરનાં બાળકોને દર સોએ પાંચ બાળકોનું વ્યક્તિત્વ આ પ્રકારનું હોય છે. એક જગ્યાએ સ્થિર બેસી ન શકતાં, તરંગી અને ચંચળ બાળકોનો ‘હાઈપરઍક્ટિવ’ અથવા ‘હાઈપરકાઈનેટિક ચાઈલ્ડ’ કહેવામાં આવે છે. આવાં બાળકોને ‘એટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર’ (એ.ડી.ડી.) નામની તકલીફ છે એમ પણ કહેવાય છે. ઘણાં આ બંને નામને ભેગા કરી ‘એટેન્શન ડેફિસિટ હાઈપર ઍક્ટિવિટી ડિસઑર્ડર (એ.ડી.એચ.ડી) સંજ્ઞાનો ઉપયોગ કરે છે. શાળાના દરેક વર્ગમાં એક-બે કે ત્રણ બાળકો અનિકેત જેવી પ્રકૃતિ ધરાવતાં હોય છે. શિક્ષકો એમને ‘નંગ’ અથવા ‘નમૂના’ શબ્દથી ઓળખતા હોય છે ! આ તકલીફ બાલિકાઓમાં ભાગ્યે જ જોવા મળે છે. ચંચળ અને તરંગી બાળકનાં લક્ષણો તો બે વર્ષની ઉંમરથી જ પરખાવા માંડે છે. પરંતુ ચાર વર્ષની ઉંમરે પાકું નિદાન શક્ય બને છે. ચંચળ બાળકો સૌથી વધુ ચારથી આઠ વર્ષની ઉંમર દરમિયાન એમનાં માબાપ અને શિક્ષકોને તકલીફ આપે છે.

આ તકલીફ થવાનું કોઈ ચોક્કસ કારણ પકડી શકાયું નથી. જન્મ સમયે થયેલી મગજની ઈજા (રડતાં વાર લાગવી, મેલું પાણી પી જવું) અથવા નાની ઉંમરમાં થયેલ મગજની કોઈ બીમારી (જેમ કે મેનિન્જાઈટિસ) જેવા અમુક કિસ્સામાં આ તકલીફ વધુ જોવા મળે છે. પરંતુ દરેક ચંચળ અને તરંગી બાળકના કિસ્સામાં આવું જ હોય એ જરૂરી નથી. માતાપિતા બેમાંથી કોઈને માનસિક સમસ્યા હોય તો બાળકમાં આ તકલીફ હોવાની શક્યતા વધી જાય છે. મુખ્યત્વે (1) બાળક માટે સમય ન ફાળવી શકતાં મા-બાપ (2) બાળકનું ભલું-બૂરું વિચાર્યા વગર બાળકને વધુ પડતાં લાડ કરાવી એમની દરેક માગણી પૂરી કરનાર માબાપ (3) બાળકને એક સામાન્ય વ્યક્તિની જેમ નહીં પરંતુ એને વધુ પડતું મહત્વ આપી એનો અહંકાર (ઈગો) પોષી વિશિષ્ટ બાળકની જેમ ઉછેર કરનાર માબાપ અને (4) બાળકની નાનીનાની ક્ષતિઓ પ્રત્યે બેદરકારી દાખવી હસતે મોઢે ચલાવી લેનાર માબાપ….. આ ચાર પ્રકારના વાલીઓ જ્યાં હોય ત્યાં બાળકોમાં એ.ડી.એચ.ડી.ની બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ માત્ર ક્ષતિપૂર્ણ ઉછેરના આધારે આ બીમારી થતી નથી. આ બીમારી થવા પાછળ અમુક જન્મજાત, વારસાગત અથવા અમુક અજ્ઞાત કારણોનો મોટો પ્રભાવ હોઈ શકે.

આ બીમારીનું નિદાન જેટલું જલદી થાય, એની સમજ જેટલી જલદી કેળવાય, એટલો બાળકને વધુ ફાયદો થાય. બેઅઢી વર્ષની ઉંમરે જ બાળકની અતિશય ચંચળતા બાબતે સચેત થઈ જવું જોઈએ. અહીં એટલું યાદ રાખવું જરૂરી છે કે સલાહ-સૂચન ઉછેર કે દવાની મદદથી ચંચળ બાળકને કદી પણ એકદમ શાંત બનાવી શકાતું નથી. ઊલટું ચંચળ બાળકને દબાણપૂર્વક એકદમ શાંત બનાવવાના પ્રયાસથી એ વધુ તોફાની બને છે. અઢી વર્ષની ઉંમરે બાળકની ચંચળતા પારખી સચેત થવાનો અર્થ એ નથી કે એની ચંચળતાને ડામી દેવી. આપણે માત્ર એટલું જ કરી શકીએ કે બાળકની ચંચળતા તોફાન, ભાંગફોડ કે અવ્યવસ્થિતતાના માર્ગે વળે, એના બદલે આપણે બાળકની ચંચળતાને એની શક્તિ ગણીને એને સર્જનાત્મક દિશા તરફ વાળીએ. એને ભરપૂર તેમજ વૈવિધ્યપૂર્ણ, શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ આપીએ. આવાં બાળકો માટે ટેબલટેનિસ, ટેનિસ, કેરમ, બેડમિંગ્ટન જેવી રમતો; સ્વિમીંગ, જિમ્નાસ્ટિક જેવી થકવી નાખનારી કસરતો; ચિત્રકામ, માટીકામ, કાગળકામ જેવી સમય ખર્ચાય એવી પ્રવૃત્તિ…. વગેરે ખૂબ ફાયદાકારક નીવડી શકે. આવાં બાળકો માટે સામૂહિક રમતો (ક્રિકેટ, ફૂટબૉલ) બહુ યોગ્ય ન ગણાય.

આ તો થઈ અભ્યાસ સિવાયની વાત, પરંતુ સૌથી વધુ માથાકૂટ તો આવાં બાળકોને ભણાવતી વેળા થાય છે. એ તો દેખીતું જ છે કે ચંચળ અને એકાગ્રતા ન કેળવી શકતું બાળક સમૂહમાં સારી રીતે ભણી શકે નહીં તેથી શાળામાં આવા બાળકને પહેલી પાટલી પર અથવા એથીય આગળ શિક્ષકની બાજુમાં બેસાડી શકાય. આવા બાળકને વ્યક્તિગત ટ્યૂશન (એક શિક્ષક : એક વિદ્યાર્થી) ઉપયોગી થઈ શકે. આવા બાળકને ભણાવતી વખતે માત્ર શિક્ષક બોલે અને બાળક સાંભળે એવી ચીલાચાલુ રીત નિષ્ફળ જ નીવડે. શિક્ષક જેટલી જ ભાગીદારી બાળકની પણ રહે અને ભણાવવાની રીત સરળ, સહજ, રસપ્રદ અને હળવાશભરી રહે એ જરૂરી છે. બાળક તરંગી હોવાથી તરત જ એક વાતથી બીજી વાત પર સરી પડશે, એ વખતે શિક્ષકે ગાડી પાટેથી ઊતરી ન જાય એ માટે ખૂબ સભાનતા રાખવી પડશે. ટીવી ચાલુ હોય, ઘરમાં અન્ય વ્યક્તિઓની અવરજવર હોય, ટેલિફોનની રિંગ વાગે તો બાળકનું ધ્યાન ત્યાં જ જશે, તેથી બાળકને શાંત, એકાંતભર્યા વાતાવરણમાં ભણાવાય તે જરૂરી છે. આવાં બાળકોની સાથે વધુ પડતી સાલસતા દાખવવાથી બાળક ગાંઠતું નથી અને વધુ પડતી કડકાઈ રાખવાથી પણ બાળક સહકાર આપતું નથી. તેથી આવાં બાળકોને ભણાવતી વખતે મધ્ય માર્ગ લેવો પડે છે. બાળક પ્રત્યે સખ્તાઈ દાખવવા જતાં, બાળક સાથે અપમાનપૂર્ણ વ્યવહાર ન થઈ જાય તે યાદ રહેવું જોઈએ. ભલે બાળક સાથે મક્કમ રહેવું પડે, પરંતુ બાળક પ્રત્યેનો પ્રેમ કે આદર કદી ઓછો ન થાય તેની કાળજી શિક્ષકોએ ‘સખ્તાઈ નહીં પરંતુ મક્કમતા’ (Firmness instead of strictness) આ મુદ્રાલેખ બરાબર યાદ રાખવો જરૂરી છે, કેમ કે આવાં બાળકોને નિર્દયતાપૂર્વક સજા કરવાથી કે મારવાથી તેઓ રીઢાં, નફફટ કે નઠોર બની જાય છે.

શરૂઆતમાં દરેક ચંચળ અને તરંગી બાળક ભોળું, નિખાલસ અને કુતૂહલથી ભર્યું હોય છે, પરંતુ માબાપ, શિક્ષકો અને સમાજના કઠોર વર્તાવ પછી બે ત્રણ વર્ષમાં જ બાળક નફ્ફટ, ભાંગફોડિયું અને જિદ્દી બની જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “વાત ચંચળ બાળકોની…. – ડૉ. રઈશ મનીઆર”

Copy Protected by Chetan's WP-Copyprotect.