મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના ! – વિનોબા

[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

મારી જિંદગીનાં બધાં કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે. મને માણસ-માણસનાં દિલ જોડવા સિવાય બીજી કોઈ ચીજમાં રુચિ નથી. મેં કુરાન શરીફનું અધ્યયન પણ એટલા વાસ્તે જ કર્યું. મારાં રચનાત્મક કામોના ચિંતનમાં એક દિવસ મને સૂઝ્યું કે હું હિંદુસ્તાનમાં રહું છું અને પોતાને હિંદુસ્તાની કહું છું, તો જેમ હિંદુ ધર્મના ગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, તેમ આપણા દેશવાસી મુસલમાન ભાઈઓ કે જેઓ એક હજાર વરસથી આપણી સાથે અહીં રહે છે, એમના ધર્મગ્રંથોનુંયે અધ્યયન મારે કરવું જોઈએ.

[એક નિમિત્ત મળ્યું, અને મેં કુરાનનું અધ્યયન કર્યું]

અને આનું નિમિત્ત બન્યો, એક મુસલમાન છોકરો. અમારા આશ્રમમાં એક મુસલમાન છોકરો આવ્યો. તો મને સહજ ઈચ્છા થઈ કે એને કુરાન શીખવું. પરંતુ પહેલાં હું પોતે શીખું તો જ તો શીખવી શકું ને ! એટલા વાસ્તે મેં પોતે કુરાનનું અધ્યયન શરૂ કર્યું. તે છોકરો તો પાછળથી ચાલ્યો ગયો, પરંતુ મેં મારું અધ્યયન ચાલુ રાખ્યું.

આ 1939ની વાત છે. પહેલાં સેલનો અંગ્રેજી તરજુમો જોઈ ગયો. પછી મુહમ્મદઅલીનો તરજુમો જોયો, જે સારો છે પણ સેક્ટેરિયન (સાંપ્રદાયિક) છે. પછી યુસૂફઅલીનું કુરાન ઉપરનું લાંબું ભાષ્ય વાંચ્યું. અને ત્યાર બાદ પિક્થોલનો અનુવાદ વાંચ્યો. તેનું અંગ્રેજી સારું છે. (આગળ ઉપર જ્યારે હું કશ્મીરમાં પદયાત્રા કરતો હતો, ત્યારે અહમદિયાવાળાઓએ પ્રકાશિત કરેલો તરજુમો પણ જોયો. તે તરજુમો રદ્દી છે, પણ તેનું પ્રિન્ટિંગ સૌથી સુંદર છે.) પરંતુ આ બધું વાંચવાથી હજી મને સમાધાન નહોતું થતું. મને એમ લાગ્યું કે અનુવાદ બધા મૂળ ધાત્વર્થથી, કુરાનના મૂળ શબ્દથી, શબ્દના અસલ અર્થથી દૂર લઈ જઈ રહ્યા છે. અરબી અને અંગ્રેજી ભાષાની રચના અને શબ્દસૃષ્ટિમાં ઘણો ફરક છે, એટલે અનુવાદમાં અસલ અર્થ પકડાતો નથી. તેથી કુરાન મૂળ અરબીમાં જ વાંચવાનું મેં નક્કી કર્યું.

હું ત્યારે વર્ધા પાસે એક નાનકડા ગામ પવનારમાં રહેતો હતો. મારો ‘સ્વદેશી’ ધર્મ મને પવનાર છોડવા નહોતો દેતો. તેથી ત્યાં જ બેઠાં-બેઠાં જેટલું ને જે રીતે થઈ શક્યું તેટલું અધ્યયન મેં કર્યું. મેં કુરાનના શબ્દોના મૂળમાં જવાની કોશિશ કરી. એક એક શબ્દ વાંચું અને યાદ ન રહે. આંખોનેય તકલીફ થાય, એટલે હું બધું નાગરીમાં લખી લેવા લાગ્યો. આથી ઠીક ઠીક યાદ રહેતું. મને ઉર્દૂ કરતાં અરબી વધુ સહેલી લાગી; કેમ કે ઉર્દૂમાં જેર જબર (ઉચ્ચારણનાં ચિહ્ન) નથી હોતાં. અરબી લિપિમાંનું એક પુસ્તક ‘નબિયોં કે કિસ્સે’ મેં જેલમાં વાંચેલું અને તેને લીધે અરબી લિપિ મને થોડી પરિચિત હતી. ત્યારે જુમ્મે કે દિન રેડિયો ઉપર વીસ મિનિટ કુરાનનો પાઠ થતો. તે હું જેલમાં સાંભળતો. તેના પરથી મેં તલફફુજ (ઉચ્ચારણ) પકડી લીધાં હતાં. વચ્ચે એક કિસ્સો કહું. એક વાર મૌલાના અબુલ કલામ આઝાદ ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજીને ખબર કે મેં કુરાનનું અરબીમાં અધ્યયન કર્યું છે. તો એમણે મને બોલાવ્યો અને કહ્યું કે મૌલાનાને કુરાન સંભળાવ. હવે, મારો હંમેશાં આગ્રહ રહે છે કે જે કોઈ ભાષા શીખવી હોય, તેનું ઉચ્ચારણ પણ બરાબર થવું જોઈએ. જેલમાં રેડિયો પરથી તો અરબીમાં ઉચ્ચારણ મેં પકડેલાં. પછી મૌલવી પાસે જઈનેય શીખી લીધેલાં. અરબી ઉચ્ચારણનું જે બધું શાસ્ત્ર છે, તેનુંયે અધ્યયન કરી લીધું હતું. અને કુરાનની કેટલીયે આયાતો મોઢે કરી લીધી હતી. આ બધાની તે દિવસે મૌલાના સાહેબ આગળ મારી પરીક્ષા થઈ. એમણે કહ્યું, ઉચ્ચારણ એટલાં ઉત્તમ છે કે કોઈ ઉલમા બોલી રહ્યો છે કે હિંદુ બોલી રહ્યો છે, ખબર નથી પડતી. આવું એમનું સર્ટિફિકેટ મળી ગયું !

[મહેનત કરવામાં મેં કોઈ કચાશ ન રાખી]

ખેર, મારે કુરાનના અધ્યયન માટે જેટલી મહેનત કરવી પડી, એટલી મહેનત વેદ સિવાય બીજા કોઈ ગ્રંથ માટે કરવી પડી નથી. આટલાથી હું કુરાનનો ‘હાફિજ’ કે ‘આલિમ’ (કુરાનવિદ) બની ગયો, એમ તો નહીં કહું; પરંતુ એટલું જરૂર કહીશ કે હિંદુ ધર્મના ઊંડા અધ્યયન માટે મેં જેટલી કોશિશ કરી એટલી જ કોશિશ કુરાનના અધ્યયન માટે પણ મેં કરી છે. આ બધા પ્રયાસમાં મારી આંખો જે પહેલાં જ નબળી હતી, તે વધારે નબળી પડી. તેમ છતાં માનસિક લાભ હું ભરપૂર પામ્યો. શ્રદ્ધા તો મને પહેલેથી જ હતી કે બધા ધર્મોમાં એકતા છે, કેમ કે માનવ-હૃદય એક છે અને ધર્મનો પ્રારંભ કરનારા ઊંચા હૃદયના હોય છે; પરંતુ બધા ધર્મોના આવા અધ્યયનને લીધે તે શ્રદ્ધાની મને સાક્ષાત અનુભૂતિ થઈ. આમ, અરબી ભાષા શીખીને મેં આખું ને આખું કુરાન વાંચ્યું, અનેક વાર વાંચ્યું. ઓછામાં ઓછાં 20 વરસ મેં તેનું અધ્યયન કર્યું. તેનો કેટલોયે હિસ્સો મને કંઠસ્થ થઈ ગયો. વચ્ચે વચ્ચે હું વાંચવાનું છોડીયે દેતો; કેમ કે ભૂલવાથીયે લાભ થાય છે. ભૂલવાથી એ ફાયદો થાય છે કે આપણને જે સારી પેઠે હજમ થયું હોય એટલું જ યાદ રહે છે. સતત વાંચતા રહેવાથી દરેક વાક્યની કીમતનો ખ્યાલ નથી આવતો. અમાસને દિવસે બધા તારા દેખાય છે, પણ તમારે જો જોવું હોય કે કયો તારો મુખ્ય છે, તો આઠમના દિવસે જોવું. વળી, પૂર્ણિમાએ તો મુખ્ય ચંદ્ર જ દેખાય છે, તારા નહીં. એટલે જેમ સતત વાંચતા રહેવું, એ એક રીત છે, તેમ વચ્ચે-વચ્ચે છોડી દેવું, ભૂલી જવું, એ પણ એક રીત છે. તેમ કરવાથી જેટલું પચી ગયું હોય એટલું જ યાદ રહે છે. આ બંને રીત મેં મારા અધ્યયનમાં અપનાવી છે. આ રીતે કુરાનનું ઊંડું અધ્યયન મેં કર્યું.

[કેટલાક હિસ્સા વાંચતાં હું ગદગદ થઈ જતો !]

હું એમ કહી શકું કે જેટલી શ્રદ્ધાથી મેં હિંદુ ધર્મનું અધ્યયન કર્યું, જેટલી ભક્તિથી વેદ વાંચ્યા, એટલી જ શ્રદ્ધા-ભક્તિથી કુરાન શરીફનુંયે અધ્યયન કર્યું. ગીતાનો પાઠ કરતી વખતે મારી આંખો ઘણી વાર આંસુથી ઊભરાઈ જાય છે, એવું કુરાન અને બાઈબલનો પાઠ કરતાંયે થાય છે; કેમ કે બધા ધર્મગ્રંથોમાં મૂળ તત્વ તો એક જ છે ને ! કુરાનના કેટલાક હિસ્સા વાંચતી વખતે હું એકદમ ગદગદ થઈ જાઉં છું, તેની સાથે એકરૂપ થઈ જાઉં છું, તેનાથી રંગાઈ જાઉં છું. ખરું કહું તો મારી એવી અનુભૂતિ છે કે હું હિંદુ છું, મુસલમાન પણ છું, ખ્રિસ્તી પણ છું, બૌદ્ધ-યહૂદી-પારસી પણ છું. એમ જ માનો કે પાષાણ અને પથ્થરમાં કોઈ ફરક નથી, પાષાણ એટલે પથ્થર અને પથ્થર એટલે પાષાણ. એવી જ રીતે હિંદુ-મુસલમાન-ખ્રિસ્તીનો એક જ અર્થ છે – સજ્જન સત્પુરુષ. એટલે હું મને હિંદુ પણ માનું છું, મુસલમાન પણ માનું છું, ખ્રિસ્તી પણ માનું છું. આ બધા ધર્મો સત્યના અંશ છે. જો હું કહું કે હું કોઈ એક ધર્મનો છું, તો સત્યની સાથે અસત્યને પણ ગ્રહણ કરી લઉં છું અને કહું કે હું કોઈ ધર્મનો નથી, તો આ બધા ધર્મોમાં જે સત્યનો અંશ છે, તેનેય છોડી દઉં છું. સત્યનો અસ્વીકાર ન થાય અને અસત્યનો સ્વીકાર ન થાય. એટલા વાસ્તે હું ‘ભી’ (પણ) વાળી વાત કરું છું. હિંદુ પણ છું, મુસલમાન પણ છું. આ સંદર્ભમાં ચાર ભૂમિકા હોઈ શકે છે. (1) હું હિંદુ છું, મુસલમાન નથી. (2) હું મુસલમાન છું, હિંદુ નથી. (3) હું હિંદુ પણ નથી, મુસલમાન પણ નથી. (4) હું હિંદુ પણ છું, મુસલમાન પણ છું. મારી ચોથી ભૂમિકા છે. પહેલી ભૂમિકામાં એમ છે કે હું હિંદુ છું અને મારા હિંદુત્વમાં બધું સમાઈ જાય છે. પરંતુ ‘હું હિંદુ છું’ કહેવાથી મુસલમાનથી અલગ પડી જાઉં છું. એવું જ ‘હું મુસલમાન છું’ કહેવાથી. અને ‘હું બંને નથી’ કહેવાથી મારો ત્રીજો પંથ બની જાય છે. પરંતુ હું હિંદુ પણ છું અને મુસલમાન પણ છું કહેવાથી હિંદુ અને મુસલમાન, બંનેને હું એક પ્લેટફોર્મ ઉપર લાવી શકું છું. એટલા વાસ્તે હું ‘ભી’ વાદી છું.

[સાચો હિંદુ સાચો મુસલમાન પણ છે, સાચો ખ્રિસ્તી પણ]

જે સારો માણસ હોય છે, એ જ સાચો હિંદુ છે અને એ જ સાચો મુસલમાન છે. જે સારો માણસ નથી, નેકી પર ચાલતો નથી, એ નામમાત્રનો હિંદુ છે, નામમાત્રનો મુસલમાન છે. ખરું જોતાં, એ હિંદુ છે જ નહીં, મુસલમાન છે જ નહીં. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ એ જ હોય છે, જે ઈનસાન ઉપરાંત કાંઈક વધુ હોય છે. ઈનસાનથી કમ જે હશે એમનો તો સવાલ જ નથી. એ ચોર, ડાકુ વગેરે હશે. એ નામ પણ ભલે લેતા હોય, પણ નામમાત્રના જ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે હશે. જે માણસાઈથીયે કમ પડતા હોય, એ સાચા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ બની જ નહીં શકે. હું કહેવા એ માગું છું કે હિંદુ ને મુસલમાન માણસાઈ કરતાં કાંઈક વધુ છે – પ્લસ સમથિંગ. ઈનસાન તો સામાન્ય માણસ છે, જે નેક રસ્તે ચાલે છે. પરંતુ તેનાથી ઊંચે જનારો, ભગવાનને શરણે જનારો મુસલમાન છે. તો પછી કોઈ પૂછશે કે શું તુલસીદાસજી મુસલમાન હતા, શંકરાચાર્ય મુસલમાન હતા ? હું જરીકે ખચકાટ વિના કહીશ કે જી હા, એ મુસલમાન હતા. એવી જ રીતે હિંદુનો શો અર્થ છે ? ‘હિંસયા દૂયતે યસ્ય ચિત્તમ’ – હિંસાથી જેનું ચિત્ત દુભાય છે, દુઃખી થાય છે, એ હિંદુ છે. જે હિંસા કરશે નહીં, હિંસા કરાવશે નહીં, હિંસાને વશ થશે નહીં, એ હિંદુ છે. તો પછી શું મુહમ્મદ પૈગંબર હિંદુ હતા ? હું કહીશ કે જી હા, હિંદુ હતા. આ સમજવાની વાત છે. કુરાન ને વેદ આ જ તો કહે છે ! આ સમજીશું ત્યારે દિલ જોડાશે. દિલોને જોડવા માટે એક-બીજાના મજહબનું સારું જ્ઞાન હોવું જોઈએ. ઈસ્લામ ધર્મના મુખ્ય વિચારોથી હિંદુઓ વાકેફ હોવા જોઈએ અને હિંદુ ધર્મમાં શું છે, તેનાથી મુસલમાનો વાકેફ હોવા જોઈએ. એવું ખ્રિસ્તી વગેરે અન્ય ધર્મોની બાબતમાં પણ. રુહુલ કુરાન મુસલમાન વાંચે છે, પણ હિંદુઓએ પણ તે વાંચવું જોઈએ. એવી જ રીતે ગીતા અને ગીતા-પ્રવચનો મુસલમાન પણ વાંચે. બંને કોમ બંને વિશે ગાઢ પરિચય કેળવશે, ત્યારે એકબીજાનાં દિલ જોડાશે.

ઈકબાલે ગાયું છે – ‘મજહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના.’ હું તેનાથી એક ડગલું આગળ કહેવા માગું છું – ‘મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના.’ માત્ર વેર ન રાખવું, તેમાં તે શી મોટી ધાડ મારી ? એટલું પૂરતું નથી. આપસમાં પ્યાર પણ કરવો જોઈએ, એકબીજા માટે પોતીકાપણું પણ અનુભવવું જોઈએ. એ જ તો ધર્મ છે, માનવધર્મ છે.

[કુલ પાન : 80. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાત ચંચળ બાળકોની…. – ડૉ. રઈશ મનીઆર
નગરવૃક્ષો – નંદિતા મુનિ Next »   

10 પ્રતિભાવો : મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના ! – વિનોબા

 1. આ માહિતી સભર સુન્દર લેખ.
  કુરાન અરેબીક સિવાય બીજી કોઇ ભાષામા પણ ઉપલબ્ધ હોય કે કેમ?

  • ABDUL GHAFFAR KODVAVI says:

   કુરાન દુન્ય ની દરેક ભાષા માં અને ખાસ કરીને ગુજરાતી માં પણ

   છપાઈ ચુક્યો છે ,

 2. ખુબ સરસ લેખ. વિનોબાના તમામ લેખો ઉત્તમ હોય છે. ઊંડાણપૂર્વક લખેલા અને છતાંયે સરળ.

 3. Moin says:

  To karasan, Quran bdhi j bhasa ma available 6e English ane Gujarati ma pn te available 6e

 4. કલ્પેશ says:

  ગાંધીજી અને વિનોબાજીના વિચારો અને લખાણ ઉચ્ચ કોટિના છે. કદાચ એ સ્થિતિ એ આવતા હજારો વર્ષ લાગશે.

  મોટેભાગે લોકો પોતાના ધર્મગ્રન્થ વાંચતા નથી જ્યા સુધી સંસારની પળોજણમાથી બહાર ન પડે ત્યા સુધી. અને થોડા લોકો અમે જ સાચા અને તમે ખોટા (extremist) અને અમારી પ્રમાણે લોકો ન રહે તો એમને સજા કરવી એવો મત અને એક્શન દ્વારા વ્ય્કત કરે છે.

  કોઇ કુરાનના વખાણ કરે અને હુ મુસલમાન હોઉ તો હુ ખુશ થઇ અને ગર્વ અનુભવુ, પછી મે કુરાન ભલે ન વાંચી હોય અને વાંચી હોય તો પણ હુ એ અનુસરતો ન હોઉ. આ વસ્તુ દરેક સંપ્રદાયને લાગુ પડે છે.

  વિનોબાજીના વિચારો પ્રમાણે સામાન્ય માણસ ચાલે એ સ્થિતિએ પહોચતા કેટલો સમય લાગશે, એ વિચાર માંગી લે છે.

  મહાવીર સત્ય, અહિંસા, અચૌર્ય વગેરેનુ પાલન કરવાનુ કહી ગયા. કેટલા લોકો જૈન છે? એમાથી કેટલા લોકો મહાવીરને વાંચે છે? કેટલા સમજે છે? અને કોઇ બચ્યુ હોય તો કેટલા અનુસરે છે? આ વાક્યમા સંપ્રદાય અને એમના ધર્મગ્રન્થનુ નામ બદલી જુઓ, કેટલા લોકો બચે છે?

  મારા મત પ્રમાણે તમે કોઇમા માનતા હો અને નાસ્તિક હો, તમે સારા માણસ છો કે નહી એ મહત્વ્નુ છે બાકી જન્મે તમે હિંદુ, મુસ્લિમ કે પારસી હોઇ શકો. આ હોવુ એ નસીબ છે. તમે ક્યા ઘરમા જન્મ લેવો એ તમારા હાથમા નથી.

  • કલ્પેશ says:

   કુદરતમા જ આ વિચારો જોવા મળે છે જ્યા સફરજન કેરીને એમ નથી કહેતુ કે તુ ખોટુ અને મારો સ્વાદ જ શ્રેષ્ઠ. ભીંડા કારેલાને એમ નથી કહેતા કે આ તો કડવો અને કદરુપો છે.

   માણસ આ સ્થિતિએ પહોચશે કે નહી કે આનુ થોડુ પણ અનુસરણ કરશે કે નહી એ ગુણ ગ્રહણ કરવા પ્રય્ત્ન કરવો જરુરી છે. પછી માણસ ભલે કોઇ ગ્રંથ, ગુરુમા માનતો હોય કે ઇશ્વરમા જરા પણ ન માનતો હોય. જેમ કુદરત ભેદભાવ નથી કરતી, શુ આપણે એમ કરી શકશુ?

 5. Parul says:

  very good lekh.

 6. proud to be hindu says:

  દરેક ધર્મના ગ્રન્થોનો અભ્યાસ કરનાર
  અને તેનો અમલ કરિને જીવનમા ઉતારનારા
  સાચા વ્યકિતને વિનોબા ભાવેને લાખલાખ વન્દન.

 7. vadher digam says:

  ખુબ જ સરસ…………………

 8. Jayanti says:

  સહજ રીતે જીવવુ, સરળ વ્યવહાર કરવો ને બધાને માન ને પ્રેમ કરવો એ સાચો ધર્મ…માણસજાત પોતાને અકુદરતી માને છે માટેજ આટલી પળોજણ છે, જો બનાવનારાએ બધાને સરખો દરજ્જો આપ્યો છે તો આપણે શામાટે આપણી જાતને જુદી પાડીએ છિએ, પહેલા હુ માનવ, હુ બુધ્હિ જીવી ને બિજા બધા જાનવર, પછિ હુ હિન્દુ કે મુસલમાન ને મારો ધર્મજ સાચો….બાકી બધા પોકળ ત્યારબાદ હુ સવર્ણ ને પેલો અછુત કે હુ શીયા ને પેલો સુન્ની…..માણસને હમેંશા બિજા થી અલગ ને ચડિયાતા રહેવુ છે…….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.