નગરવૃક્ષો – નંદિતા મુનિ

[‘નવનીત સમર્પણ’ (ફેબ્રુઆરી-2012) માંથી સાભાર.]

હું જે નગરની નિવાસી બની છું એ શહેર ફાવે તેને જ ફાવે છે; અને જો એક વાર ફાવી જાય તો બીજાં શહેરોને ભુલવાડી દે છે. આ નગરમાં કવિઓ નથી એવું પણ નથી જ. પણ એક જાણીતા કવિ અહીંથી ત્રસ્ત થઈને ભાગી છૂટેલા એ પણ હકીકત છે. દર વસંત આવે ને મને આ ઘટના યાદ આવે. વિચાર આવે કે કવિએ અહીંની વસંત નહીં નિહાળી હોય ? નિહાળી હોત તો અવશ્ય રોકાઈ ગયા હોત ! પછી વિચાર આવે કે બાકીની ચાર-પાંચ ઋતુઓનું શું ?

વૃક્ષાચ્છાદિત આ હરિયાળા શહેરમાં વસંતનો વૈભવ અનન્યપણે વીખરાય છે. પુરાણા આંબા અહીં ક્યાંક ક્યાંક સચવાઈ રહ્યા છે. નગરનાં પુરોગામી મહાવૃક્ષો. વસંત આવતાં જ એ બધાં મન્મથના શસ્ત્રસજ્જ સેનાનાયકોમાં પરિવર્તિત થાય છે. મન્મથનાં (એટલે કે કામદેવના) પંચાસ્ત્રોમાંથી એક આમ્રમંજરીનું હતું એવું વાંચ્યું હતું. અહીં મહોરેલાં આમ્રવૃક્ષો જોતાં એની પ્રતીતિ થાય છે. એટલે જ કાલિદાસે આમ્રવૃક્ષને ‘મન્મથાલય’ કહ્યું છે ને ! આમ પણ સંસ્કૃતમાં આંબાને વસન્તદૂત, કોકિલોત્સવ, પિકરાગ, ભૃંગાભીષ્ઠ, રસાલ, મદાઢ્ય, મધ્યાવાસ, સુમદન…. કેવાં કેવાં સુંદર નામથી લાડ લડાવવામાં આવ્યા છે ! વસંતમાં આંબાની આજુબાજુ હવામાં એક એવી તીવ્ર, તૂરી, માદક, મીઠી, ગાઢી સુગંધ છવાયેલી હોય છે કે પ્યાલે પ્યાલે પીધાં જ કરીએ બસ. ખબર પણ ન પડે ને નશો ચડી જાય !

શહેરમાં ફરતા રસ્તાઓ પર આ ઋતુમાં નીકળીએ તો પ્રજ્વલિત પલાશ પણ ધ્યાન ખેંચે. શહેરની આસપાસ બચી ગયેલા ખેતરના શેઢે ક્યાંક એ વૃક્ષો ટકી રહ્યાં છે હજી. અન્ય ઋતુમાં આ રૂક્ષ વૃક્ષ ખાલી ખાખરો લાગે; પણ વસંતમાં તો બસ, વૈભવી પલાશ જ ! ‘સ્મરના અર્ધચંદ્રાકાર શર’ સમાં એનાં વાંકડિયા ફૂલોને જયદેવે ‘યુવાહૃદયવિદારક ક્રૂર મન્મથના રક્તસિક્ત નહોર’ની ઉપમા આપી છે. આગની નાની નાની જ્વાળા સમાં પલાશપુષ્પો ! વસંતયજ્ઞને પલાશ પ્રાજ્વલ્યમાન કરે છે. વસંતમાં શીમળા-‘શીલ્મલી’ પણ ક્યાંક ક્યાંક ખીલ્યાં હોય. કાંટાથી આચ્છાદિત થડને બાદ કરતાં આખી ઋતુમાં શીમળામાં ધ્યાન ખેંચે તેવી ખાસ કોઈ વિશેષતા નહીં. પણ વસંત આવ્યે એ મહાશય પણ ઘેરૈયા બની જાય. શીમળાનાં મોટાં રાતાં ફૂલ જાણે ગુલાલમાંથી ઘડેલી કટોરીઓ હોય એવાં લાગે. શીમળો, પંગારો, પલાશ – આ ત્રણે વૃક્ષો સાક્ષાત ‘મધુશાલા’ છે. પક્ષીઓ દિવસના બધા પ્રહરમાં ત્યાં ‘હાલા’ માટે આવ્યા કરે છે. એ રસિયાઓ માટે સ્વયં વસંતઋતુ જાણે ‘મધુબાલા’ – સાકી બને છે !

શહેરના કેટલાક રસ્તાની કોરે મિલેશિયા ઉગાડ્યાં છે. મિલેશિયા પણ અન્ય ઋતુઓમાં ખાસ ધ્યાન ન ખેંચે એવું ઝાડ. પણ આ ઋતુમાં ઝીણાંઝીણાં જાંબલી પુષ્પોની મંજરીઓથી આખું ઢંકાઈ જાય. કોઈ ઈમ્પ્રેશનિસ્ટ કલાકારે આછા-ઘેરા જાંબલી રંગના નાનામોટા પીંછી-લિસોટા કરી કરીને વૃક્ષ ચીતર્યું હોય એવું લાગે. બંધ કળીઓ ઘેરી જાંબુડી, ફૂલનો રંગ થોડો ખૂલતો જાંબલી. ચંદીગઢના આકરા ઉનાળામાં નીલમહોર (જેકેરેન્ડા) પુરબહારમાં ખીલેલા જોયા છે. ન ભુલાય તેવું દશ્ય ! મિલેશિયાનો જાંબલી રંગ નીલમહોર જેટલો દેખીતો ભભકદાર નથી હોતો; પણ એની રંગછાયા વધુ સંકુલ હોય છે. મિલેશિયાની નીચે ચાલવાનું પણ સારું લાગે છે. એનાં ફૂલ ખરી પડે ત્યારે એક ખાસ ભૂરા રંગનાં થઈ જાય છે. એ આછી નીલી બિછાત પર ચાલવામાં એક ખાસ સુખ લાગે.

એક આખા રસ્તે ટિકોમા આર્જેન્શિયાની જાગીર ! આખું વૃક્ષ પીળા રંગથી ભભકી ઊઠે. દક્ષિણ અમેરિકાનું મૂળ નિવાસી આ વૃક્ષ અહીં આવીને અહીંની વસંતના રંગે રંગાઈ ગયું છે. માર્ચ આવે એટલે એનાં પર્ણો બધાં ખરી જાય અને પીળા રંગના પુષ્પગુચ્છોથી આખું વૃક્ષ છવાઈ જાય. અંગ્રેજીમાં એનું નામ ‘ટ્રી ઓફ ગોલ્ડ’ કેમ છે એ સમજાઈ જાય ! નિહાળો તો એની અંદરની તરફ બારીક લાલ રેખા જોવા મળે. સુંદર લાગે. ટિકોમા આર્જેન્શિયા અને એનું જ પિતરાઈ ટિકોમા સ્ટેન્સ, આ બન્નેની ખીલવાની ઋતુ સાથે જ….. મધ્ય અમેરિકાથી અહીં વસાવાયેલા ટિકોમા સ્ટેન્સનું તો દેશી નામ જ ‘વસંત’ પડી ગયું છે. ટિકોમા આર્જેન્શિયાનાં ફૂલ અને ટિકોમા સ્ટેન્સનાં ફૂલ ઘણાં મળતાં આવે. ધ્યાનથી ન જોનાર બન્નેને એક જ માની લે. પણ આર્જેન્શિયાનાં પાન ટોચે અણીવાળાં લંબગોળ; રૂપેરી રુંવાટથી ઢંકાયેલાં એટલે થોડાં ભૂખરી ઝાંયવાળાં લાગે. જ્યારે વસંતનાં પાન લીમડાનાં પાન જેવાં કરકરિયાવાળાં. વળી આર્જેન્શિયા વૃક્ષ છે, વસંત ક્ષુપ; એટલે બન્નેનાં કદ પણ જુદાં. હા, ફૂલનો રંગ બન્નેમાં મનમોહક પીળો. મને એ ફૂલો જોઈને વિન્સેન્ટ વાન ગોગનાં સૂરજમુખીના પીળા રંગની ભવ્યતા યાદ આવે છે.

વસંતની ભરતી ઊતરે અને ગ્રીષ્મનાં પગરણ થાય ત્યારે બીજાં ફૂલોનું સામ્રાજ્ય જામવા લાગે. સિંદૂરી રંગનાં મોટા-મોટા ફૂલગુચ્છા અને ઘેરાં લીલાં પાનથી શોભતાં પેલાં મોટાં વૃક્ષોનું પ્રચલિત નામ મને પસંદ નથી. મેં એને નવું ગુજરાતી નામ ‘સિંદૂરિયા’ આપ્યું છે. ‘સ્પેથોડિયા’ કરતાં બોલવામાં ગમે તેવું, ને ફૂલના રંગ સાથે એકદમ સુસંગત ! એક વાર ક્યાંક ખીલેલાં સિંદૂરિયાના વૃક્ષની નીચે પથ્થર પર સિંદૂર ચોપડીને બનાવેલા મારુતિ જોયા હતા – દશ્ય એકદમ આંખોમાં વસી જાય તેવું ! નાનાં હતાં ત્યારે સિંદૂરિયાની કળીઓ તોડીને એનાથી રમતાં. કળીને દાબીએ એટલે એમાંથી પાણીની પિચકારી ઊડે. અંગ્રેજીમાં એને ‘ફાઉન્ટન ટ્રી’ કહે છે. જરૂલનાં આછાં-ઘેરાં ગુલાબી ફૂલ પણ ઉનાળામાં પુરબહારમાં ખીલે. જરૂલનું અંગ્રેજી સામાન્ય નામ ‘ભારતગૌરવ’ – ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ છે તે એના સુંદર પુષ્પગુચ્છો જોતાં સાર્થક લાગે. ગુલાબી રંગની સાવ આછી ઝાંયવાળા શુભ્રથી માંડીને ઘાટા ગુલાબી સુધીના રંગ એની મંજરીઓમાં એકસાથે જોવા મળે એ દશ્ય મનમોહક હોય છે. શહેરની એક ગલીમાં રસ્તાની બન્ને તરફ ‘પિંક કેસિયા’ વાવ્યા છે. આ ઋતુમાં ત્યાં લીલો રંગ જ જોવા ન મળે; માત્ર ગુલાબી-શ્વેત ફૂલોથી વૃક્ષ લદાઈ જાય. જાપાનમાં ચેરી વૃક્ષોને ફૂલ – ‘સાકુરા’ – આવે એનો ઉત્સવ ઊજવાય છે. આ ગલીમાં પણ આ થોડો સમય જાણે જાપાન ઊતરી આવે છે…. બોગનવિલને આપણે ‘બોગનવેલ’ના તદભવ નામે અપનાવી લીધી છે. એનાં શ્યામગુલાબી-ગુલાબી-લાલ-શ્વેત કે ક્યારેક કેસરી ફૂલની બહાર પણ ઉનાળાની ઋતુમાં જોવા જેવી હોય છે. ભભકાદાર ગુલમહોરનું તો નામ જ ‘ફલેમબોયન્ટ’ છે. મૂળ માડાગાસ્કરના આ મહાશય ભારતીય ઉનાળાના આગ ઝરતા આભની નીચે પણ હસી હસીને ફૂલ ઝર્યા કરે છે. તમે ગુલમહોરનાં ફૂલનો સ્વાદ લીધો છે ?

આ ઋતુમાં લીમડાનો કોર પણ ધ્યાન ખેંચે છે – રંગ કે આકારથી નહીં, એની ગાઢી મીઠી સુગંધથી. વૃક્ષની ચોતરફ એક સુગંધનું ઘટ્ટ વાદળ વીંટળાયેલું રહે છે. નીચે ઊભા રહો તો પુષ્પવૃષ્ટિથી પ્રક્ષાલિત પણ કરે તમને. શહેરના કેટલાક રસ્તા પર શિરીષની રિયાસત છે. શિરીષનાં ફૂલનો સુંવાળો, મૃદુ, મીઠો લીલો કુમાશભર્યો સ્પર્શ ! ને એની સુગંધ- મીઠી, પણ સહેજ જ આછી તીખાશની છાંટવાળી, સુગંધભર્યા એ રસ્તા વાદળોની પાર સીધા અલકાપુરી લઈ જાય ! અલકાની રસિક નારીઓ ગ્રીષ્મમાં આભૂષણના સ્થાને કર્ણે શિરીષપુષ્પ ધારણ કરતી. શિરીષ મારા મનમાં કાલિદાસ અને ‘મેઘદૂત’ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.

પણ આખા શહેર પર કોઈનું એકચક્રી સામ્રાજ્ય હોય તો ગરમાળાનું- અમલતાસ સોનેરુ. શહેરમાં ગરમાળાનાં ઉપવન છે. આમ તો બહુ ધ્યાન ન ખેંચે, પણ ઉનાળો આવે એટલે વૃક્ષ પર માત્ર સૌમ્ય સોનેરી ફૂલોનાં ઝુમ્મર જ લટકતાં દેખાય. પર્ણો ગેરહાજર. હા, આ સોનેરી રંગને જાણે વિરોધાભાસથી વધુ દીપાવવા માટે જ હોય એવી લાંબી, ઘેરા કથ્થઈ રંગની શિંગ વચ્ચે વચ્ચે લટકતી હોય. એ શિંગો પર ક્યારેક લક્કડખોદ પણ ઝૂલતા દેખાઈ જાય ! સોનેરી ફૂલોનો રસ પીવા એના પર ઝળૂંબી રહેલા ચળકતા જાંબુડી શક્કરખોર જોવા મળે ત્યારે વિરોધી રંગભભકનું આગવું સૌંદર્ય પ્રગટ થાય. મારું આ શહેર ત્યારે અલ ડોરડો બની જાય છે ! સોનાની એ નગરીને શોધવા દક્ષિણ અમેરિકાનાં ઘાટાં જંગલો ખૂંદવાની જરૂર નથી; આ રહ્યું અલ ડોરડો ! આખા નગરને જાણે કોઈ મિડાસ પ્રેમથી પસવારી ગયો હોય, એવા જાદુઈ પારસસ્પર્શથી બધું ઝળહળી ઊઠે છે.

આ વસંતે જોકે મામલો જરા જુદો છે. વિકાસના પંથે જવામાં ગરમાળાનું મારું નગર કપાઈ રહ્યું છે. હું રોજ ઉનાળાના બળબળતા તડકાની વચ્ચે છાંયો અને ફૂલ અને સુગંધ શોધ્યા કરું છું; આશંકિત હૃદયે બીજરૂપે શ્રદ્ધા વાવવા મથું છું….. ચોમાસું અવશ્ય આવશે અને એકાદ વૃક્ષ ઊછરી જશે, એવું વિચારીને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “નગરવૃક્ષો – નંદિતા મુનિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.