વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી

[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.]

ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. વિક્રમભાઈમાં સંસ્થાઓના ઘડતર માટેની જરૂરિયાતો અને એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ આ બંને વચ્ચે ગજબનો મેળ હતો, જેણે એમને આપણા સમયના મહાન સંસ્થા ઘડવૈયા બનાવ્યા.

પહેલી સંસ્થા, જેને ઊભી કરવામાં ડૉ. વિક્રમભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો, એ હતી અટીરા (Ahmedabad Textile Industry’s Research Association). કાપડ ઉદ્યોગની એ ચીલાચાલુ રસમોમાં એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી. પોતાની અંગત ઓળખાણો અને વ્યક્તિ સાથે આંતર-સંબંધોને કારણે મિલોમાં વર્ષોથી કામ કરતા લોકો અને નવાસવા વિજ્ઞાનીઓ વચ્ચે એ વિશ્વાસનો સેતુ બન્યા. અટીરાના નવા સંશોધકો અને અમદાવાદના મીલમાલિકોની નવી પેઢીને નવી ઓળખ આપી. એમણે જે અર્થપૂર્ણ પાઠ ભજવવાનો હતો એ માટેની પરિસ્થિતિ અને તકો ઊભી કરી અને આ બધું આપવાની સાથે એમણે પોતાને માટે આવડતો, ક્ષમતા અને સભરતા મેળવ્યા. અટીરાને ઊભી કરવામાં વિક્રમભાઈએ સંસ્થાઘડતરની તાલીમ લીધી. ભવિષ્યમાં બીજી સંસ્થાઓ ઊભી કરવામાં મદદ કરતી વખતે એમને આ સફળ અનુભવ ઘણો કામ આવ્યો.

જ્યારે અટીરાને ઊભી કરવાનું એમને શ્રી કસ્તુરભાઈ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે વિક્રમભાઈ 28 વર્ષના હતા. 1947માં એ કેમ્બ્રીજમાંથી કોસ્મિક રેયઝમાં ડોક્ટરેટની પદવી લઈને હજુ આવ્યા જ હતા. કાપડ ઉદ્યોગનો એને કશો અનુભવ ન હતો કે ના તો કોઈ તાલીમ લીધેલી. તેમ છતાં એમણે અટીરાના સંગઠન અને વહીવટની જવાબદારી ઉત્સાહ અને વિશ્વાસ સાથે લીધી. અટીરાની શરૂઆતમાં એમણે એવા લોકોને લીધા જેમની તાલીમ વૈજ્ઞાનિક પદ્ધતિ વિષેની હતી. એમનું માનવું હતું કે જો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરવી હોય તો કાપડ ઉદ્યોગના અનુભવને બદલે શોધ પ્રક્રિયામાં તાલીમ લીધેલ વિજ્ઞાનીઓ વધુ ઝડપથી પ્રગતિ કરી શકશે. એમણે માન્યું કે કાપડ મીલની ટેકનોલોજી અને કાર્યને લગતો અનુભવ વૈજ્ઞાનિક રીતો અપનાવવા માટે પૂરતો નથી. એ વખતે પાછલો અનુભવ હોવા કરતાં વૈજ્ઞાનિક સૂઝ અને સમજની વધારે જરૂર હતી. આથી મોટા ભાગના મિલમાલિકોની સલાહને અવગણીને પણ એ પોતાના વિચારને વળગી રહ્યા. 1949 માં પહેલા ચાર જણાની નિમણૂંક કરી તે એક આંકડાશાસ્ત્રી, એક સમાજ મનોવિજ્ઞાની, ( આ લખનાર ડૉ. કમલા ચૌધરી પોતે) એક પોલિમર રસાયણશાસ્ત્રી અને એક પદાર્થ વિજ્ઞાની. આમાં પદાર્થવિજ્ઞાની સિવાય અન્યો પાસે ડોક્ટરેટની પદવી હતી પણ અનુભવ જરાય ન હતો. ઉપરાંત એ બધા 28 વર્ષથી ઓછી વયના હતા. વિક્રમભાઈની આંતરસૂઝ એવું કહેતી હતી કે ચીલાચાલુ જરૂરિયાતો અને જૂનો કાર્ય અનુભવ ઈચ્છિત પરિણામો નહીં આપી શકે. એ વખતનું અટીરાનું વાતાવરણ નવા નવા અખતરાઓથી, યુવાનીના જોશથી, સુધારાઓથી અને નવીનતાથી ધમધમતું. ત્રણ વર્ષમાં અટીરા કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં મહત્વનો પાઠ ભજવવા માંડેલું.

જ્યારે અટીરા ચાલુ થયું ત્યારે મોટા ભાગની મિલોમાં ગુણવત્તા નિયંત્રણની કોઈ પદ્ધતિ નહોતી. સૂતર અને રસાયણોના પરિક્ષણ માટે ગણીગાંઠી પ્રયોગશાળાઓ હતી અને તાલીમ આપવાના કાર્યક્રમો તો હતા જ નહીં. મેનેજરની જગ્યાએ મહદઅંશે મિલમાલિકનો કુટુંબી જ રહેતો. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રવેશ એટલે વૈજ્ઞાનિકો અને કાર્યકરો વચ્ચે, સંચાલન કરતા વિવિધ સ્તરો વચ્ચે અને પદાર્થ વિજ્ઞાની અને સામાજિક મનોવિજ્ઞાની વચ્ચે માહિતીની આપલેનો સેતુ બાંધવો. એમની વચ્ચે સંવાદ સાધવો. વિક્રમભાઈ વિવિધ જૂથો વચ્ચે સંવાદની કડી બનવામાં સફળ થયા કારણ કે અન્યની સાથે વાત કરતી વખતે વિક્રમભાઈ જરૂરી સન્માન જાળવતા અને પોતાની વિશ્વસનીયતા સ્થાપી શકતા. એ વખતે અરસપરસ કામ કરતા ત્રણ જૂથો હતા, જેમણે અટીરાના ઘડતર અને સામાજિક પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવ્યો. એક અટીરાનું સત્તામંડળ, જેમાં કસ્તૂરભાઈ લાલભાઈ, શાંતિસ્વરૂપ ભટ્ટનાગર (ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર), કે.એસ.ક્રિશ્નન (નેશનલ રિસર્ચ લેબોરેટરીના અધ્યક્ષ) અને વિક્રમભાઈ. બીજું જૂથ હતું પદાર્થ વિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીનું. ત્રીજું જૂથ હતું કાપડમીલના વિવિધ ખાતાઓના વડાઓનું (જે મીલમાલિકોના કુટુંબીઓ હતા) જેમણે અટીરાના વિજ્ઞાનીઓ જોડે માહિતીની આપ-લે કરવાની હતી. આ બધાની વચ્ચે કડી હતા વિક્રમભાઈ.

આમ વિક્રમભાઈ મિલમાલિકો વતી અટીરાના સત્તામંડળના સભ્ય, અટીરાની યુવાન વિજ્ઞાની ટોળીના સભ્ય અને કેલીકો મિલમાલિકની યુવાપેઢીના સભ્ય. આમ કુટુંબ, સામાજિક સંબંધો અને દેશના વૈજ્ઞાનિકોના જૂથમાં આગવી ઓળખ પામેલા વિક્રમભાઈ બધાને સહજ સ્વીકાર્ય બન્યા. આ ત્રણેય જૂથના લોકોએ સાથે મળીને ખોજ કરી, નવું નવું શીખ્યા અને નવા પ્રશ્નો અને પડકારોને ઓળખ્યા. આ પરિસ્થિતિમાં સંસ્થાકીય માળખું લચીલું હતું. વ્યક્તિની ક્ષમતા અને વિકાસની સાથે જરૂરી જવાબદારી મળી. આમાં વિશ્વાસનો ફાળો વધુ હતો. જુદા જુદા પ્રશ્નો માટે એમણે અલગ જૂથો બનાવ્યા જેમાં જુદી જુદી આવડતો અને અનુભવો હોય. આથી જ એમને અદ્દભુત પરિણામો મળ્યા. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર અને અનુભવને આધારે જવાબદારીઓ સોંપાય પણ વિક્રમભાઈ માનતા કે નવી સંસ્થાઓ યુવા પેઢી દ્વારા ઊભી થશે. યુવાનોની શક્તિમાં, શક્યતાઓમાં વિક્રમભાઈને અપાર વિશ્વાસ હતો અને આથી એ નવી તકો અને સ્વતંત્રતા આપતા. વિક્રમભાઈ માનતા કે જો નવી સંસ્થા પાસેથી સામાજિક અને ટેકનોલોજીમાં પરિવર્તનની અને નવા કાર્યો શરૂ કરવાની અપેક્ષાઓ રાખતા હોઈએ તો આપણે સંસ્થાની અંદરની કે બહારની વ્યક્તિપ્રતિભાઓને ઓળખીને આગળ કરવી પડશે અને એની સંભાળ રાખવી પડશે.

અટીરાના વિકાસના બીજા વર્ષે જ્યારે વિજ્ઞાનીઓ અમુક બાબતોમાં આગ્રહ રાખવા માંડ્યા ત્યારે મિલમાલિકો તરફથી એ માટેની ફરિયાદો આવી. એ વખતે વિક્રમભાઈએ શંકા, શરમ કે અવિશ્વાસ જેવી લાગણીઓને વચ્ચે લાવ્યા વગર એ પ્રશ્નોને કુશળતાથી હલ કર્યા. ઘણા મિલમાલિકોને વિક્રમભાઈના વિચારો, કામ કરવાની પદ્ધતિ પસંદ નહોતા. પણ કસ્તુરભાઈ બધાની ઉપરવટ જઈને પણ વિક્રમભાઈને પોતાની રીતે કામ કરવાની, નવા અખતરા કરવાની છૂટ આપતા રહ્યા. આમ સત્તામંડળમાં કસ્તુરભાઈએ વડીલ તરીકે સંભાળ રાખી વિક્રમભાઈની ઊભરતી પ્રતિભાને ટેકો આપ્યો. એવી જ રીતે વિક્રમભાઈએ અટીરાના યુવા વિજ્ઞાનીઓની, મિલના યુવાન ઈજનેરો અને મેનેજરોની વડીલ તરીકે સંભાળ રાખી. ઘણી સમિતિઓ, ચર્ચાઓ અને ઔપચારિક-અનૌપચારિક કાર્યક્રમોમાં વિક્રમભાઈએ આ યુવાનોને સંરક્ષણ અને ટેકો આપ્યો. જેથી એ યુવાનો હિંમતથી પોતાના અવનવા તુક્કાઓ વિષે બેધડક બોલી શકે.

સંચાલનની ફિલસૂફી વિષે વિક્રમભાઈએ એક વખત મને કહ્યું હતું કે, ‘એરિક એરિક્સનનો ‘પારસ્પરિતા’ (mutuality)નો વિચાર મને બહુ મહત્વનો લાગે છે. આ પારસ્પરિતાની જરૂર માત્ર વિદેશી મદદ મેળવતી વખતે કે પરદેશની સંસ્થા સાથે જોડાણ કરતી વખતે જ માત્ર જરૂરી નથી પણ લોકો સાથેના વિવિધ સંબંધોમાં જરૂરી છે. એનાથી પરસ્પરની શક્તિઓ વધે છે.’ વિક્રમભાઈના અંગત કાર્યોમાં કે સંસ્થાકીય સંબંધોમાં વિશ્વાસની ગુણવત્તા પાયામાં હતી. અટીરાના વિકાસ દરમ્યાન કસ્તુરભાઈએ વિક્રમભાઈમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, જેની સામે વિક્રમભાઈએ પૂર્ણ વિશ્વાસ અને સ્વતંત્રતા માત્ર વિજ્ઞાનીઓને જ નહીં પણ જુદા જુદા જૂથોના બધા લોકોને આપ્યા. આથી જ 1959માં ‘ટેક્સટાઈલ ટેકનીશીયન્સ એસોસીએશને’ તેમના પ્રમુખ બનવાનું વિક્રમભાઈને આમંત્રણ આપ્યું. અમદાવાદ કાપડ ઉદ્યોગના ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું કે ટેકનીશીયનો એક મિલમાલિકને પોતાનામાંના એક ગણી આવું આમંત્રણ આપે, એવો માણસ જેના શબ્દો પર, લાગણીઓ પર અને જેની માન્યતાઓ પર ટેકનીશીયનો વિશ્વાસ મૂકી શકે.

અટીરાની આડપેદાશ તરીકે વિક્રમભાઈએ બે નવી સંસ્થાઓ ઊભી કરી. મિલમાલિકોની યુવાપેઢી અને મેનેજરોની તાલીમ અર્થે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન અને શાળા કોલેજના શિક્ષકો-વિદ્યાર્થેઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે એ માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નગરવૃક્ષો – નંદિતા મુનિ
બા સતત મારી સાથે છે – ગાંધીજી Next »   

6 પ્રતિભાવો : વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી

 1. gajanand j. trivedi says:

  ઘ ના સમય બાદ કમ્લાબેન નો લેખ વાચ્વા મલ્યો.મને આનો પરિચય ચ્હે આભાર બેન્

 2. Ashish Dave, Sunnyvale, California says:

  મારા પિતાજીનુ આઈખુ અને અમારા બધા ભાઈ બહેનોનુ બાળપણ અટીરામા વીત્યુ છે.

  Ashish Dave

 3. abha raithatha says:

  very nice..inspirational article..

 4. abha raithatha says:

  very nice..inspirational article…

 5. Dyuti says:

  વિક્રમભાઈએ દેશ માટે ખુબ જ મહેનત કરી છે.. આજે પણ વિક્રમ એ . સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર માં તેમના સ્વપ્નો સાકાર થતા જોવા મળે છે. આવા સરસ લેખ માટે આભાર.

 6. Arvind Patel says:

  દુનિયા માં બે પ્રકાર ના લોકો હોય છે. એક સ્વપ્ન દ્રષ્ટા અને બીજા સ્વપ્ન શ્રુસ્તા. આપણા ગુજરાત માં જેમ કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાની, કસ્તુરભાઈ લાલભાઈ, વિક્રમ સારાભાઇ વગેરે વગેરે. તે લોકોએ તેમના સ્વપ્નોને વાસ્તવિકતા માં સાકાર કર્યા. આવા લોકો ને કોટી કોટી પ્રણામ. તેમની જીવન પધ્તી અને તેમનું જીવન એક આદર્શ પ્રેરણા દાયક છે. સમાજ માટે ખુબ ખુબ સેવા રૂપ તેઓ નું જીવન રહ્યું છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.